You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદ : એક પિતાએ પોતાની જીવતી દીકરીની અંતિમક્રિયા કેમ કરી નાખી?
આમ તો ઉત્તરક્રિયા વ્યક્તિના મરણ બાદ થાય છે, પરંતુ દાહોદના ગરબાડામાં રહેતા એક પિતાએ પોતાની દીકરી જીવતી હોવા છતાં તેની ઉત્તરક્રિયા કરી નાખી હતી.
પિતાએ મુંડન પણ કરાવ્યું હતું અને સમાજના મોભીઓની હાજરીમાં વ્યક્તિના મરણ પછી કરવામાં આવતી તમામ વિધિઓ કરાવી હતી.
પોતાની જીવતી દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે પિતાએ તેના ફોટા પર હાર પણ ચઢાવ્યો.
શા માટે લાડકોડથી ઉછેરેલી દીકરીનું અસ્તિત્વ પોતાની જિંદગીમાંથી ભૂંસી નાખવાનો તેના જ પિતાએ પ્રયત્ન કર્યો? કેમ પિતાએ પોતાની દીકરી જીવતી હોવા છતાં ઉત્તરક્રિયા કરી?
આ બધા સવાલોના જવાબો જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો.
શું છે સમગ્ર મામલો?
દાહોદ જિલ્લાના ગરબાડામાં રહેતી 18 વર્ષની યુવતીએ પરિવારની મરજીની વિરુદ્ધ જઈને અન્ય સમાજના પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લેતાં તેના પિતા મયૂર જોશીએ તેની ઉત્તરક્રિયા કરી નાખી છે.
યુવતી બ્રાહ્મણ સમાજમાંથી હતી અને તેણે જેની સાથે લગ્ન કર્યાં તે યુવાન અન્ય સમાજમાંથી છે.
યુવતી તેના મામાને ત્યાં રાજસ્થાનમાં બાંસવાડા ગઈ હતી. 16મી મેના રોજ તે ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. છોકરીની શોધખોળ કર્યા બાદ પરિવારજનોએ પોલીસમાં અરજી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, લગભગ બે સપ્તાહ બાદ યુવતી દાહોદના ગરબાડા આવી હતી અને ત્યાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપતાં કહ્યું કે તેમણે તેમની પસંદના યુવક સાથે લગ્ન કરી લીધાં છે.
દરમિયાન યુવક અન્ય સમુદાયના હોવાથી યુવતીના પરિવારજનોને તેમનો આ લગ્ન સબંધ સ્વીકાર્ય નહોતો. તેમણે યુવતીને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ યુવતી ટસથી મસ થઈ નહોતી.
આથી ગુસ્સે ભરાયેલા પિતાએ તેની સાથે તમામ સબંધો વિચ્છેદ કરવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં દીકરી જીવતી હોવા છતાં તેની મરણોત્તરક્રિયા કરી નાખી હતી.
શું કહ્યું યુવતીના પરિવારજનોએ?
યુવતીના પિતા મયુર જોશીએ પોતાની દીકરી જીવતી હોવા છતાં કરેલી ઉત્તરક્રિયા વિશે જણાવ્યું હતું, “મેં મારી મરજીથી ઉત્તરક્રિયા કરી છે. સમાજનું કોઈ દબાણ નહોતું. હવે મારે તેની સાથે કોઈ સબંધ નથી. તે અમને છોડીને ગઈ, પરંતુ અમારે તો સમાજમાં રહેવાનું છે ને?”
યુવતીના સમાજના અન્ય એક આગેવાન ભાવેશ ઉપાધ્યાયે બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું, “અમારી દીકરીએ જે કર્યું છે તે માફી યોગ્ય નથી. ઘણાં માતા-પિતાની લાગણી દુભાતી હશે. તો સરકારે યુવક-યુવતી લગ્ન કરે તે પહેલાં યુવક અને યુવતીના માતા-પિતાની મંજૂરી આવશ્યક બનાવતો કાયદો બનાવવો જોઈએ જેથી આ પ્રકારના બનાવો ન બને.”
યુવતી અને તેના પતિ તરફથી કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ શકી નથી. કારણકે તેઓ બંને પોલીસમાં નોંધાવેલા નિવેદન બાદ સંપર્ક વિહોણાં થઈ ગયાં છે.
આ બનાવ અંગે પોલીસનું કહેવું છે કે બંને પુખ્ત છે અને તેથી તેમને મનપસંદ સાથી સાથે લગ્ન કરવાનો અધિકાર છે.
ગરબાડાના પીએસઆઈ જગદીશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “આ સામાજિક પ્રશ્ન છે. યુવતીના પિતા તેની સાથે સબંધો નહોતા રાખવા માગતા અને તેમણે તેની ઉત્તરક્રિયા કરી છે. તેમાં પોલીસ શું કરી શકે?”
જગદીશ પટેલે વધુમાં જણાવ્યું, “યુવતીનાં માતા-પિતાએ પહેલાં રાજસ્થાનના બાંસવાડામાં અને ત્યારબાદ ગરબાડા પોલીસ સ્ટેશનમાં યુવતીની ગુમ થવાની અરજી આપી હતી.”
“અમે આ વિશે તેમનાં માતા-પિતાને જણાવી દીધું હતું.”