You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી પહેલી જ વાર જીતીને મોદી મંત્રીમંડળમાં મંત્રી બનનારાં નીમુબહેન બાંભણિયા કોણ છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ત્રીજી વાર વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની સરકારના પ્રધાનમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેની ચર્ચા પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
ગુજરાતમાંથી અમિત શાહ, જે.પી.નડ્ડા, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ અને નીમુબહેન બાંભણિયાને મંત્રીપદ મળ્યું છે.
આ વખતે સી.આર.પાટીલની મંત્રીપદમાં ઍન્ટ્રી તો અપેક્ષિત હતી પરંતુ નીમુબહેન બાંભણિયાની પસંદગીથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે.
સાત વખત ચૂંટાયેલા મનસુખ માંડવિયા તથા ત્રણ વાર ચૂંટાયેલા પૂનમબહેન માડમને બદલે પહેલી વાર ચૂંટાયેલા નીમુબહેનને મંત્રીપદ મળતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
તેમને ગ્રાહક સુરક્ષા અને પૂરવઠા વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
કોણ છે નીમુબહેન બાંભણિયા? કઈ રીતે તેઓ સંસદ સુધી પહોંચ્યાં? કેવી રહી તેમની સફર? ભાવનગરના લોકો કઈ રીતે તેમની સફરને મૂલવે છે?
ભાવનગરનો ચૂંટણી જંગ
1991થી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર છ વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટાયા છે. પહેલી વાર મહાવીરસિંહ ગોહિલ પછી સતત પાંચ વાર રાજેન્દ્રસિંહ રાણા અહીંથી ચૂંટાયા હતા. ત્યારબાદ ભાજપે છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક કોળી ઉમેદવારને ફાળવી હતી. જેમાં બે વાર ભારતીબહેન શિયાળ તથા આ વખતે નીમુબહેન બાંભણિયા ચૂંટાઈને આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા તેમની સામે ચૂંટણી લડી રહ્યા હતા. કૉંગ્રેસનો ઉમેદવાર આ વખતે ભાવનગરથી ચૂંટણી મેદાનમાં ન હતો.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પછી થયેલા ક્ષત્રિય આંદોલનની ઝાળ ભાવનગર સુધી પણ પહોંચી હતી. એપ્રિલ મહિનાના અંત સુધીમાં નીમુબહેન અને જીતુ વાઘાણી જ્યારે ભાવનગરમાં ચૂંટણી કાર્યાલય ખોલવા ગયા ત્યારે ક્ષત્રિય આંદોલન ચલાવી રહેલા યુવકોએ 'રૂપાલા હાય હાય'ના સૂત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવ્યા હતા.
આ પહેલાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રાજવીરસિંહ ગોહિલે નીમુબહેન બાંભણિયાના પ્રચારમાં આવેલા મનસુખ માંડવિયા જ્યારે સ્ટેજ પર હતા ત્યારે ક્ષત્રિય આંદોલનના ભાગરૂપે પોતાનો વિરોધ દર્શાવતા રાજીનામું ધરી દીધું હતું.
જોકે, ત્યારબાદ આવેલા ચૂંટણીપરિણામો દર્શાવે છે કે આ વિરોધની કોઈ સીધી અસર થઈ ન હતી અને ભાજપના ઉમેદવાર ગત ચૂંટણીની સરખામણીએ લીડમાં જંગી વધારો કરીને જીત્યાં હતાં.
જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "કોરોના દરમિયાન 6 લાખ ફૂડ પેકેટ વહેંચીને લોકપ્રિય થયેલા આપના ઉમેદવાર સારી લડાઈ આપી શકશે એમ શરૂઆતમાં દેખાતું હતું. તેના પાછળનું ગણિત એ હતું કે ભાવનગરમાં સૌથી વધુ પ્રભુત્ત્વ કોળી મતદાતાઓનું છે અને ત્યારબાદ ક્ષત્રિય મતદાતાઓ આવે છે. મુસ્લિમ અને દલિત મતદાતાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. જો કોળી મતોમાં વિભાજન થાય અને ક્ષત્રિય ભાજપ વિરોધી રહે તો આપના ઉમેદવાર સારી ટક્કર આપી શક્યા હોત. પરંતુ તેમણે પણ રાજવીઓ વિરુદ્ધ નિવેદનો કર્યા હતા જેના કારણે તેમને નુકસાન ગયું છે. તેમના પક્ષે કોળી અને ક્ષત્રિય મતદાતાઓ રહ્યા નથી એ સ્પષ્ટ દેખાય છે."
તેઓ કહે છે કે, "કૉંગ્રેસ સાથે પણ સંકલનનો અભાવ રહ્યો હોવાથી તેમને મોટી લીડથી હારવું પડ્યું છે."
તેમની આ વાત સાથે ભાવનગરના સ્થાનિક પત્રકાર અરવિંદ ભટ્ટી પણ સહમત થાય છે. તેઓ કહે છે કે, "નીમુબહેનની બિનવિવાદાસ્પદ છાપ અને કૉંગ્રેસ સાથે આપના ઉમેદવારના સંકલનનો અભાવ એ મોટું કામ કરી ગયો છે. રાજવીઓ વિશે કરેલા નિવેદનોએ પણ ઉમેશ મકવાણાને પાછળ રાખ્યા છે."
ભાવનગરની ચૂંટણીમાં સક્રિય રહેલા ભાજપના પાયાના કાર્યકર્તા કિરીટ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "બે વાર મેયર તરીકે રહેલા નીમુબહેનનું સોશિયલ કૅપિટલિઝમ પણ ચૂંટણીમાં કામ કરી ગયું છે. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. શિક્ષક તરીકે તેમણે ગરીબ બાળકોને વર્ષો સુધી મફત ભણાવ્યા છે. અહીં ભાજપનું સંગઠન પણ સારી રીતે કામ કરી રહ્યું હતું. વળી, અમને પુરુષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણીનો પણ સાથ હતો. એટલે ભાવનગર ગ્રામ્ય, પાલિતાણા અને ભાવનગર પૂર્વ તથા પશ્ચિમમાં અમને ભારે લીડ મળી અને અમારી જીત આસાન થઈ ગઈ."
નીમુબહેન બાંભણિયા કોણ છે?
પ્રથમ વાર લોકસભાની ચૂંટણી લડેલાં નીમુબહેન પહેલાં ભાવનગરના મેયરપદે રહી ચૂક્યા છે.
તેમના પરિવાર અને રાજકીય સફર વિશે માહિતી આપતાં તેમનાં કૉલેજ સમયના સાથી નિર્મલાબહેન વાઘાણીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "નીમુબહેનનાં પિતા જીવાભાઈ શોભણ એ ખેતીનું કામ કરતા હતા. નીમુબહેન બાળપણથી જ ભણવામાં હોંશિયાર હતા. તેમણે કૉલેજ કક્ષાએ ઍથ્લેટિક્સમાં ઘણા મૅડલો જીત્યાં છે."
"ત્યારબાદ તેમના લગ્ન તળાજાના જયંતિભાઈ સાથે થયાં હતાં. તેમના પતિ પણ શિક્ષક હતા. તેઓ બંને ભાવનગરના શિવાજી સર્કલ પાસે આવેલા શક્તિનગર હાઉસિંગ બૉર્ડમાં રહેતાં હતાં અને ટ્યુશન ક્લાસ ચાલવતા હતા. તેઓ ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતા હતા. કોળી સમાજના ઉત્થાન માટે પણ તેમણે કામ કર્યું છે."
નિર્મલાબહેન કહે છે કે, "20 વર્ષથી તેઓ કોળી સમાજમાં સમૂહલગ્ન કરાવે છે અને તેઓ સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરતાં હતાં."
"વર્ષ 2004માં નીમુબહેન ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ ભાવનગરનાં મેયર પણ બન્યાં અને કોળી-ઠાકોર નિગમનાં ડાયરેક્ટર પણ બન્યાં હતાં."
ભાવનગરનાં લોકોનો નીમુબહેન વિશે મિશ્ર મત
ભાવનગરના શક્તિનગર હાઉસિંગ બૉર્ડમાં રહેતાં સુમનબહેન રાયજાદા કહે છે કે, "નીમુબહેન અહીં રહેતાં હતાં ત્યારે તેમનો વ્યવહાર સારો હતો. મેયર બન્યાં એ પછી તેઓ બીજે રહેવાં ગયાં. ત્યારથી આ વિસ્તારમાં અમારું સાંભળવાવાળું કોઈ નથી. તેઓ મેયર હતાં ત્યારે પણ અમે અનેક રજૂઆતો કરી હતી. પરંતુ અહીં ગંદકી અને રખડતા ઢોરની સમસ્યા વધી ગઈ. કોઈએ કંઈ પગલા ન ભર્યાં."
તેઓ કહે છે, "અહીં રહેતા ત્યારે તેઓ ગરીબ અને મધ્યમવર્ગનું સાંભળતાં હતાં પરંતુ મોટા બંગલામાં રહેવાં ગયાં પછી અમારું સાંભળતા ન હતા. હવે તો કેન્દ્રમાં મંત્રી બની ગયા છે તો અમારું શું ભલું કરશે એ તો ભગવાન જાણે."
ભાવનગરના વિધાનગર સર્કલ પાસે રહેતા વેપારી રમેશ ફૂલવાડાએ કહ્યું કે, "તેઓ મેયર હતા ત્યારે તેમણે શહેરનો વિકાસ કર્યો છે એ જ રીતે તેઓ મંત્રી બનીને આખા જિલ્લાનો વિકાસ કરે તેવી અમને આશા છે."
ભાવનગરના સ્થાનિક પત્રકાર પ્રદીપ શુક્લએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "નીમુબહેન પર ભલે કોઈ સીધા આરોપો ન હોય પરંતુ તેઓ મેયર બન્યાં ત્યારે તેમનાં પુરોગામી રીના શાહને જે રીતે હઠાવવામાં આવ્યા હતા તેના કારણે ભાજપમાં ખૂબ વિવાદ થયો હતો. મેયર થયા પછી એમના ખાસ મનાતાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમેન સુરેશ ધાંધલ્યા સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો થયા હતા. મેયર બન્યા પહેલાં તેઓ ખૂબ સામાન્ય ઘરમાં રહેતાં હતાં પણ પછી તરત જ મોટો બંગલો બાંધ્યો હતો અને એક શાળા પણ શરૂ કરી હતી. જેના કારણે તેમને શંકાની નજરે જોવામાં આવે છે."