You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ભાજપમાં લોકસભાની તમામ બેઠકો જીતવાનો રેકર્ડ નહીં બનાવી શકનારા સી આર પાટીલનું કદ હવે વધશે કે ઘટશે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
રવિવાર 9 જૂનની સાંજે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન તરીકે સતત ત્રીજી વખત શપથ લેશે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ પણ ત્યાં ઉપસ્થિત હશે. જોકે, તેઓ પાર્ટીના પદાધિકારી તરીકે હાજર રહેશે કે પછી મંત્રીમંડળના સભ્ય તરીકે, તે બાબત રાજકીયવર્તુળોમાં ચર્ચા અને અટકળોનો વિષય છે.
જો મોદી 3.0માં પાટીલને સ્થાન મળશે, તો તેમને કૅબિનેટ મંત્રી બનાવવામાં આવશે, સ્વતંત્ર પ્રભાર મળશે કે રાજ્યકક્ષાના મંત્રી તરીકે સંતોષ માનવો પડશે, તેના વિશે પણ અટકળો થઈ રહી છે.
ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક ઉપર કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર વિજયી થયાં છે. વર્ષ 2014 અને 2019 માં ગુજરાતની તમામ 26 બેઠકો જીત્યા બાદ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું ત્રીજી વખત 26 બેઠકો જીતવાનું લક્ષ્ય પૂર્ણ ન થયુું અને તેને 26માંથી 25 બેઠકો જીતવાનો જ સંતોષ માનવો પડ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને 156 બેઠકો જીતાડીને નવો રેકર્ડ બનાવનારા સી આર પાટીલ લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપને વિજયી બનાવવાનો રેકર્ડ પોતાને નામ ન કરી શક્યા.
ચૂંટણી જાહેર થયા પછી ભાજપે તેનો રસ્તો બદલવો પડ્યો હતો અને પાર્ટીની આંતરિક જૂથબંધી અન્ય એક ચૂંટણીમાં સાર્વજનિક થઈ ગઈ હતી. આ ચૂંટણીપરિણામોની અસર ગુજરાત ભાજપમાં જ નહીં, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપર પણ જોવા મળી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે એનડીએ માટે 'અબકી બાર 400 પાર'નો નારો આપનાર ભાજપ પોતે 240 બેઠક ઉપર સમેટાઈ ગઈ હતી અને 10 વર્ષ બાદ ફરી એક વખત દેશમાં ગઠબંધન સરકારનો યુગ શરૂ થયો છે.
પાટીલના પાવર સામે પડકાર
જાણકારોના મત પ્રમાણે, કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ આવવાને કારણે પક્ષમાં સંનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા થઈ રહી હોવાની લાગણી એક અથવા બીજી રીતે પ્રતિબિંબિત થતી જોવા મળે છે. આ ઉપરાંત બોર્ડ-નિગમોમાં પાર્ટીના સભ્યોને સ્થાન નહીં મળવાને કારણે ગુજરાત ભાજપના કાર્યકરોમાં અસંતોષનો ચરૂ ઊકળતો રહ્યો છે, પરંતુ સ્પષ્ટપણે જાહેરમાં નહોતો આવ્યો.
જોકે, આ વખતે ગુજરાત ભાજપમાં પ્રવર્તમાન આંતરિક જૂથબંધી એકદમ ઉગ્ર રીતે બહાર આવી ગઈ હતી. મોદી-શાહનો ગઢ મનાતા ગુજરાતમાં પાર્ટી તમામ 26 બેઠક ઉપર એકસાથે ઉમેદવાર જાહેર નહોતી કરી શકી. આંતરિક જૂથબંધીને કારણે ભાજપે તેના સાબરકાંઠા તથા વડોદરાનાં ઉમેદવાર બદલવાં પડ્યાં હતાં.
વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "ગુજરાત તથા દેશનાં પરિણામોએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટીમાં જૂના અને પાયાના કાર્યકરોની લાગણીઓને ધ્યાને લેવી પડશે. ઉપરથી આદેશ આવે તો નીચેથી ફિડબૅક પણ લેવો પડશે, રાજકારણ એ એકમાર્ગીય પ્રક્રિયા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીપરિણામો બાદ મીડિયા સાથે વાત કરતાં પાટીલે કહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક ઉપર પાર્ટીનો શા માટે પરાજય થયો તે અંગે વિશ્લેષણ કરવામાં આવશે અને જે કોઈ ખામીઓ છે તેને દૂર કરવામાં આવશે.
આગ ગુજરાતમાં, તેની ઝાળ અન્ય રાજ્યોમાં
જ્યારે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર શરૂ થયો, ત્યારે રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે ટિપ્પણી કરી હતી, જેના કારણે ક્ષત્રિયોનો એક વર્ગ ભાજપથી નારાજ થઈ ગયો હતો અને તેમણે માગ કરી હતી કે રૂપાલાના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને ઉતારવામાં આવે.
શરૂઆતમાં પાટીલ તથા પાર્ટીએ આ વિરોધ ઉપર ધ્યાન નહોતું આપ્યું અને આ આક્રોશ અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયો હતો. એ પછી સીઆર પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકો કરી હતી. રૂપાલા સિવાય ખુદ પાટીલે પણ માફી માગી હતી.
મામલો રાજ્યના નેતાઓના હાથમાંથી નીકળી જતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજપૂત આગેવાનો સાથે બેઠક કરીને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ નવાનગર રાજ્યના રાજવીને મળીને અપ્રત્યક્ષ રીતે આ આક્રોશને શાંત કરવાના પ્રયાસ કરવા પડ્યા હતા.
દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં ક્ષત્રિય આક્રોશને કારણે ભાજપની બેઠકો નથી ઘટી. પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તેની અસર નથી થઈ, એવું કદાચ જ કોઈ કહી શકે. ગુજરાતમાં પણ પાટીલ દ્વારા દરેક બેઠક ઉપર પાંચ લાખ કરતાં વધુ મતોના તફાવતથી ચૂંટણી જીતવાનો દાવો કરતા હતા, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલી બેઠક ઉપર જ આ લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યું છે અને ક્ષત્રિય આક્રોશની અસર લીડમાં જોવા મળી હોય તેમ જણાય છે."
ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ એને ત્રણ-ચાર દિવસ પણ નહોતાં થયા કે ઇફ્કોના ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતા પટેલ સામે ઝંપલાવ્યું, એટલું જ નહીં, તેમને પરાજિત પણ કર્યા.
પાટીલે સહકારક્ષેત્રમાં ભાજપ-કૉંગ્રેસના નેતાઓ વચ્ચે 'ઈલુ-ઈલુ'ની વાત કરી, તો મોદીની નજીક મનાતા દિલીપ સંઘાણીએ કહ્યું કે કૉ-ઑપરેટિવ સૅક્ટરમાં પરસ્પર સહકાર રાખવોએ 'ઈલુ-ઈલુ' નથી, પણ અન્ય પક્ષમાંથી ભાજપમાં લેવામાં આવતાં ધારાસભ્યો અને તેમને પદ આપવા એ 'ઈલુ-ઈલુ' છે.
આમ, ભાજપના નેતાઓએ જ પાટીલને પડકાર ફેંક્યો હોય તેવું પ્રતીત થાય છે.
પાટીલની ભાવિ ભૂમિકા કેવી રહેશે?
ચૂંટણી પરિણામો બાદ સીઆર પાટીલની ભાવિ ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ છે. તે સંગઠનમાં હશે કે સરકારમાં તે અંગે પણ અટકળો થઈ રહી છે.
નરેશ વરિયાના મતે, "સૌરાષ્ટ્રમાંથી માંડવિયા અને રૂપાલાને મંત્રીપદ માટે હૉટ ફૅવરિટ માનવામાં આવતા હતા. પરંતુ રાજપૂત વિવાદ અને પાર્ટીને પૂરતી બહુમતી મળી ન હોવાથી રૂપાલાને સ્થાન મળે તેવી શક્યતા નહિવત્ છે. માંડવિયા અને પૂનમબહેન માડમ કેન્દ્રીય મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી શકે છે. અમિત શાહને પણ સ્થાન મળશે."
"ત્યારે દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ તરીકે પાટીલને મંત્રીમંડળ સ્થાન મળી શકે. તેઓ રેકર્ડ લીડ સાથે આ બેઠક જીત્યા છે. જોકે, આ ભાજપ નહીં, પરંતુ એનડીએની સરકાર હોવાથી તેમને કૅબિનેટકક્ષા કે રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવે છે કે પછી સ્વતંત્ર પ્રભારમાંથી શું મળે છે તે બાબત જોવી રહી."
જોકે, કેટલાકનું માનવું છે કે સત્તાનો સ્વાદ ચાખવા પાટીલે હજુ થોડો સમય માટે કદાચ રાહ જોવી પડી શકે છે. ગુજરાત ભાજપના એક નેતાએ નામ ન છાપવાની વિનંતી સાથે કહ્યું :
"ટિકિટવિતરણ સમયે પાર્ટીના નેતૃત્વે ચોક્કસથી કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો હતો અને પાર્ટીએ તેના બે ઉમેદવાર બદલવા પડ્યા હતા, જે ગુજરાતમાં ભાજપ માટે જ્વલ્લેજ બનતી ઘટના છે."
"વિરાટ કોહલી બે મૅચમાં સદી બનાવે એટલે ક્રિકેટચાહકોને આશા હોય કે તે ત્રીજી મૅચમાં પણ સદી ફટકારે, પરંતુ જો તે સદી ન મારી શકે તો ચાહકોને નિરાશા ચોક્કસથી થાય, પરંતુ તેના કારણે સિલેક્શન કમિટી દ્વારા કોહલીની ઉપેક્ષા થાય એવું ન બને."
આ નેતાએ પાટીલના કાર્યકાળ દરમિયાન 2020માં કોરોનાકાળની વચ્ચે આઠ બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ બેઠક ઉપર પાર્ટીના વિજય, કોરોનાકાળ દરમિયાન જ યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓમાં 2020ની સરખામણીમાં પાર્ટીના અસામાન્ય પ્રદર્શન, વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ઉપર ભાજપના વિજય તથા લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના વિજય સંદર્ભે આ વાત કહી.
તેઓ ઉમેરે છે, "પાટીલ પરિણામલક્ષી રાજકારણમાં માને છે એટલે કદાચ તેમની સામે નારાજગી હોય શકે, પરંતુ તેમના કારણે પાર્ટીમાં અસંતોષ છે એમ ન કહી શકાય."
આ નેતાનું માનવું છે કે પાટીલને મંત્રીમંડળમાં હાલ નહીં તો ભાવિ વિસ્તરણ સમયે સ્થાન મળી શકે છે. હાલમાં પાર્ટીનું લક્ષ્યાંક મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીતવાનું છે, જ્યાં એનડીએ ગઠબંધને નબળું પ્રદર્શન કર્યું છે. ગુજરાત સાથેના જોડાયેલા મહારાષ્ટ્રના સીમાવર્તી જિલ્લાઓમાં પાટીલની સારી એવી પેઠ છે. આ સિવાય મુંબઈ તથા તેની આસપાસના બેઠકોમાં ગુજરાતી તથા રાજકીય સમીકરણોને સાધવાની ભૂમિકા મળી શકે છે.
ગુજરાત સરકાર ઉપર અસર
લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડા તથા અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતા પણ વિજયી થયા છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી અને હવે તે દિશામાં પ્રગતિ થઈ શકે . વરિયાના મતે, "ચાવડા અને મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે તેમને ચોક્કસ પ્રકારના આશ્વાસન આપવામાં આવ્યા હોય તે વાતની શક્યતા નકારી ન શકાય. બંને ખૂબ જ મોટા નેતા છે અને માત્ર ધારાસભ્ય બનીને નહીં રહે."
આ પહેલાં જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા જેવા મોટા નેતા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ત્યારે તેમને મંત્રીપદ આપવામાં આવ્યાં હતાં. એટલે આ અટકળો અસ્થાને ન જણાય. જોકે, મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે તથા ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેઓ કોઈ પદ માટે ભાજપમાં ન જોડાયા હોવાની વાત કહી હતી.