You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરશોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રી કેમ ન બનાવાયા અને ક્ષત્રિયોના આંદોલને કેવો ભાગ ભજવ્યો?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા પરંતુ એમાં રાજકોટના સાંસદ અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાનું નામ સામેલ નથી.
જાણકારો કહે છે કે રૂપાલાને ક્ષત્રિયોનું આંદોલન નડી ગયું.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં રૂપાલાએ જૂના જમાનાના રાજવી પર આપેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને પગલે ક્ષત્રિયો નારાજ થયા હતા. નારાજ ક્ષત્રિયોએ બાદમાં રૂપાલા અને અને ભાજપ સામે વિરોધ-આંદોલન ચલાવ્યું હતું.
કેટલાક ક્ષત્રિય આંદોલનકારીઓ રૂપાલાને મંત્રીપદ ન મળવાને કારણે ખુશ છે. તેમનું કહેવું છે કે ભાજપે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ નુકસાન થતું બચવા માટે આ પગલું ભર્યું છે. જોકે, સામે પક્ષે કેટલાક વિશ્લેષકોનું એમ પણ કહેવું છે કે કેન્દ્રમાં હવે ભાજપની સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર ન હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઠબંધન ધર્મ પણ નિભાવવા પડે. એ રીતે તેમણે ગઠબંધનના પક્ષોમાંથી કેટલાક સભ્યોને મંત્રી બનાવવા પડ્યા અને તેથી ગુજરાતમાંથી મંત્રીપદોની બાદબાકી કરવી પડી.
‘રૂપાલાને ક્ષત્રિય આંદોલન ભારે પડ્યું’
આ મામલે એક મત સ્પષ્ટ પણે એવું કહે છે કે છે કે ક્ષત્રિયોના આંદોલનને કારણે જ રૂપાલાને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા નથી.
રાજકોટસ્થિત પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનીલ જોશી બીબીસી ગુજરાતીને જણાવે છે, “ક્ષત્રિયોને ખુશ રાખવાના ભાગરૂપે જ રૂપાલાને કેન્દ્રિય મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું જેથી ભવિષ્યમાં તેઓ આ પ્રકારનું આંદોલન ન કરે. રૂપાલાને એક પ્રકારે સજા આપવામાં આવી એવું તમે કહી શકો.”
સુનીલ જોશી વધુમાં જણાવે છે, “જ્યારે રૂપાલાના નિવેદન અંગે વિવાદ થયો અને ક્ષત્રિયોએ તેમને રાજકોટના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ કરી ત્યારે તેઓ દિલ્હી ગયા હતા. તે વખતે તેમણે કેટલાક પત્રકારોને કહ્યું હતું કે 'જો મારે કારણે પક્ષને નુકસાન થતું હોય તો હું હઠવા તૈયાર છું.' પરંતુ નરેન્દ્ર મોદીએ તેમનામાં વિશ્વાસ મૂક્યો અને ચૂંટણી માટેનું ઉમેદવારીપત્રક ભરવા કહ્યું. તે વખતે લાગતું હતું કે તેમને મંત્રીપદ મળશે પણ તેમને એવું થયું નથી.”
રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ આ મામલે જણાવે છે, “તેમના નામ પર લગાવાયેલી 'ચોકડી' સ્વાભાવિક હતી. ભાજપની નેતાગીરીને લાગ્યું કે ક્ષત્રિયો સામેની રૂપાલાની વિવાદીત ટિપ્પણીને કારણે પાર્ટીની છબી ખરડાઈ છે અને એથી પ્રબળ દાવેદાર હોવા છતાં રૂપાલાને મોદી મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગઠબંધન સરકારની મજબૂરી?
એવું પણ કહેવાઈ રહ્યું છે કે ભાજપને સ્પષ્ટ બહુમતિ નથી અને એથી સરકાર ચલાવવા એણે સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. જેના લીધે કેટલાંક મંત્રીપદો ગઠબંધનમાં રહેલા પક્ષોને પણ આપવાં પડ્યાં. આ પણ એક કારણ છે રૂપાલાને પડતા મુકવાનું.
સુનીલ જોશીનું માનવું છે, “જે પ્રકારની સરકાર કેન્દ્રમાં રચાઈ છે, એમાં પાર્ટીએ તેની લકઝરી ગુમાવી દીધી છે. ક્ષત્રિયોના આંદોલન સિવાય ગઠબંધનની મજબૂરી પણ એક કારણ હોઈ શકે. એસેટ્સ બનવાને બદલે જ્યારે કોઈ નેતા બોજ બને ત્યારે તેવા નેતાની આ પ્રકારની દશા થાય છે.”
તેઓ સ્પષ્ટપણે કહે છે કે આ રૂપાલાને મળેલી 'સજા' છે.
સુરેશ પારેખ પણ સવાલ કરતાં કહે છે, “સી. આર. પાટીલને મંત્રી બનાવાયા, ગુજરાતમાંથી રાજ્યસભામાં સાંસદ બનેલા જે. પી. નડ્ડા અને એસ, જયશંકરને મંત્રી બનાવાયા, ભાવનગરમાંથી બે-બે મંત્રીઓ છે. ભલે મનસુખ માડંવિયા પોરબંદરથી ચૂંટાયા છે પણ મૂળ ભાવનગરના છે. ભાવનગરથી બીજા મંત્રી બન્યાં છે નીમુબહેન બાંભણિયા. ભાવનગરથી બે-બે મંત્રી બનતા હોય તો પછી રાજકોટને પ્રતિનિધિત્વ કેમ નહીં, રૂપાલા કેમ નહીં?”
સુરેશ પારેખ વધુ એક કારણ જણાવતા કહે છે, “સી. આર. પાટીલને મંત્રી બનાવાયા તે સ્વાભાવિક છે. કારણ કે તેમનું મંત્રીપદ 'ડ્યૂ' હતું. લાગતું હતું કે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમને મંત્રી બનાવાશે પણ આ વખતે તેમને પણ બનાવાયાં નથી. પાટીલને શરપાવ મળ્યો છે પણ રૂપાલાને 'કટ ટુ સાઇઝ' કરવામાં રાજકોટને અન્યાય થયો છે.”
તેઓ એવું પણ ઉમેરે છે, “છેલ્લે વલ્લભભાઈ કથીરિયા વાજપેયી સરકારમાં મંત્રી હતા. ત્યારબાદ 2016માં થોડા સમય માટે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ રાજકોટમાંથી કોઈ મંત્રી બન્યું નથી.”
રૂપાલાને કોઈ નવી જવાબદારી સોંપાશે?
રૂપાલાને મંત્રી નથી બનાવાયા ત્યારે હવે તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી શકે છે?
આ પ્રશ્નના જવાબમાં સુરેશ પારેખ જણાવે છે, “પાટીલને મંત્રી બનાવાયા તેથી તેમને હવે પાર્ટી પ્રમુખપદે છોડવું પડશે. તેમની ટર્મ પણ પૂર્ણ થઈ ગઈ હતી. ચૂંટણીને કારણે તેમની ટર્મ લંબાવવામાં આવી હતી. હવે તેઓ મંત્રી બની ગયા છે એટલે બે જવાબદારી નહીં નિભાવી શકે. તેમની જગ્યાએ અન્ય નેતાને પ્રમુખ બનાવવા પડશે. હવે રૂપાલાને આ જવાબદારી ન સોંપી શકાય તે માટેનો તર્ક એ છે કે ગુજરાતના મુખ્ય મંત્રી પણ પાટીદાર છે અને જો પક્ષ પ્રમુખ પણ પાટીદાર હોય તો અન્ય સમાજમાં ખોટો સંકેત જાય તેથી ભાજપ આ જોખમ નહીં ઉઠાવે.”
ભાજપના કોઈ નેતા આ મામલે કશું બોલવા તૈયાર નથી. પણ એક નેતાએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું, “રૂપાલા પહેલા ગોવા અને આંધ્ર પ્રદેશના ભાજપ પક્ષના પ્રભારી રહી ચૂક્યા છે એટલે એવી જગ્યાએ જ્યાં કે જ્યાં ક્ષત્રિયોનો પ્રભાવ ઓછો હોય ત્યાં એમને કોઈ જવાબદારી મળી શકે છે.”
જાણકારોનું માનવું છે કે રાષ્ટ્રિય સંગઠનમાં પણ ફેરફારો શક્ય છે, કારણ કે જે.પી. નડ્ડાને હવે મંત્રી બનાવાયા હોવાથી રાષ્ટ્રીય પ્રમુખની જવાબદારી કોઈ બીજાને સોંપવી પડશે અને એ રીતે સંગઠનમાં પણ ફેરફાર કરાશે. આ સંગઠનમાં જ્યારે ફેરફાર થાય ત્યારે કદાચ રૂપાલાને તેમાં સ્થાન મળી શકે છે.
રૂપાલાને મંત્રી ન બનાવીને ભાજપે કયા આપ્યા સંકેત?
સુનીલ જોશીનું માનવું છે, “નેતા માપમાં રહે તે માટેનો આ સંકેત છે. આજકલ તો સોશિયલ મીડિયા એટલું હાવી છે કે ગમે તે વ્યક્તિ તમારી ફિલમ ઉતારી લઈ શકે.”
ભાજપના એક નેતા નામ ન આપવાની શરતે જણાવે છે, “હિન્દુસ્તાન ટાઇમ્સમાં અહેવાલ છે કે ભલે ક્ષત્રિયોના આંદોલનની અસર ગુજરાતના પરિણામ પર ન પડી હોય પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની કેટલીક બેઠકો જ્યાં રાજપૂતોનું પ્રભુત્વ છે ત્યાં કેટલાક કૉંગ્રેસના ઉમેદવારોએ રૂપાલાનાં વિવાદીત નિવેદનોનો ઉપયોગ કરીને પ્રચાર કર્યો હતો અને ત્યાં ભાજપને પરિણામમાં વેઠવાનો વારો આવ્યો હતો. એટલે મોઘમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંકેત તો આપ્યો જ છે જેથી ક્ષત્રિયોની નારાજગી દૂર થાય.”
ઉલ્લેખનીય છે કે રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદીત નિવેદન મામલે ક્ષત્રિયોએ જ્યારે આંદોલન શરૂ કર્યું ત્યારબાદ જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા ત્યારે તેમણે જે સભાઓ કરી તેમાં રૂપાલાને મંચ પર સ્થાન નહોતું આપ્યું. તદુપરાંત નરેન્દ્ર મોદીએ વિવાદને ઠારવા માટે જામનગરના જામસાહેબના હાથે પાઘડી પણ પહેરી હતી.
જાણકારો કહે છે કે રૂપાલા સામેની પીએમ મોદીની નારાજગી ત્યારથી જ દેખાતી હતી પણ કલ્પના નહોતી કે તેમને મંત્રીપદ નહીં મળે.
શું કહેવું છે ક્ષત્રિયોનું?
ક્ષત્રિયો દ્વારા રૂપાલા સામે કરાયેલા આંદોલનની સંકલન સમિતિના સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “ભાજપના કેવા હાલ છે તે જોઈ શકાય છે. તેમણે તેની ભૂલ સુધારી હોય તેવું લાગે છે. એક ઉમેદવારને ન બદલીને તેણે જે અહંકાર દેખાડ્યો એ હવે તૂટી ગયો છે.”
તેઓ ઉમેરે છે, “ભલે તેમને મંત્રી ન બનાવ્યા પણ બીજી કોઈ જવાબદારી ન સોંપે તેની કોઈ ખાતરી નથી. એટલે ભાજપનો સંદેશ શો છે કે સંકેત કયા આપ્યા છે તે જોવા માટે સમયની રાહ જોવી રહી.”
ક્ષત્રિય આંદોલનની શરૂઆતમાં આગેવાની લેનારાં પદ્મિનીબા વાળા તો પહેલાં જ રૂપાલાને માફી આપી ચૂક્યા છે. તેમણે ક્ષત્રિય સંકલન સમિતિ સામે આરોપ મૂક્યો હતો કે તે કૉંગ્રેસના ઇશારે આંદોલન કરી રહી છે.
આ આંદોલનમાં સામેલ ઘણા બધા લોકો હવે ચૂપ પણ થઈ ગયા છે. વધુ એક આંદોલનકારી વંદનાબા ઝાલા બીબીસી ગુજરાતીને કહે છે, “આંદોલન હવે પૂર્ણ થઈ ગયું છે આ મામલે મારે કશું કહેવું નથી.”
રાજકોટના કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ મહેશભાઈ રાજપૂત બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એટલે રાજપૂતોને મનાવવા માટે આ પગલું ભરાયું છે, બાકી સજાના ભાગરૂપે તેમને મંત્રી નથી બનાવ્યા એવું નથી.”
અમે આ સમગ્ર મામલે પરશોત્તમ રૂપાલાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.
બીજી બાજુ, ભાજપના કોઈ પ્રવક્તાએ આ મામલે અધિકારીક પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
જોકે, નામ ન આપવાની શરતે ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું, "મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમની અને રૂપાલા સારી કૅમેસ્ટ્રી હતી. જોકે બાદમાં એમના સંબંધોમાં ઓટ આવી હતી. એક સમયે તેઓ મુખ્ય મંત્રીના દાવેદાર પણ મનાતા હતા."
આ દરમિયાન મોદી મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ અંગે રૂપાલાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કરતા લખ્યું હતું, “નવનિયુક્ત થયેલા તમામ મંત્રીઓને હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં તમે સૌ સહભાગી થશો.”
રૂપાલાએ તેમના ટ્વીટમાં ગુજરાતથી સામેલ મંત્રીઓના શપથવિધિ પર પણ અલગ-અલગ ટ્વીટ કરીને શુભેચ્છા પણ પાઠવી હતી.