ગુજરાતમાં ચોમાસું મોડું થશે, અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો કેવી થશે અસર?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બે કે ત્રણ દિવસની અંદર ચોમાસાની અધિકારીક રીતે શરૂઆત થાય તેવી શક્યતા છે. પરંતુ ચોમાસું જ્યારે કેરળ પર પહોંચવાનું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
હાલ ચોમાસું બંગાળની ખાડીમાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે. 19 મેના રોજ બંગાળની ખાડીમાં પ્રવેશેલું ચોમાસું શરૂઆતમાં 10 દિવસના બ્રેક બાદ ફરી આગળ વધી રહ્યું છે.
ચોમાસું કેરળ પર પહોંચશે તેના એકાદ બે દિવસમાં જ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના જણાઈ રહી છે. આ સિસ્ટમ બન્યા બાદ જો તે વાવાઝોડામાં પરિવર્તિત થશે તો તેની ચોમાસા પર અસર થઈ શકે છે.
ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થતી હોય છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું હતું કે ચોમાસું કેરળ પર 4 જૂનની આસપાસ પહોંચશે. જેમાં 4 દિવસની મૉડલ ત્રુટી રાખવામાં આવી હતી. જેનો સાદો અર્થ એ છે કે ચોમાસું 8 જૂન સુધી પહોંચી શકે.

ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે?

ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં ચોમાસું પહોંચે અને ચોમાસા પહેલાંનો વરસાદ શરૂ થાય તે પહેલાં જ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાશે.
હવામાન વિભાગે જારી કરેલા તેના બુલેટિનમાં કહ્યું છે કે 5 જૂનના રોજ અરબી સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને લૉ પ્રેશર એરિયા સર્જાશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બને તો તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
આ સિસ્ટમ જો વાવાઝોડું બને તો તે અરબી સમુદ્રમાં બનનારું પ્રથમ વાવાઝોડું હશે. હવામાન નિષ્ણાતોના મતે આ સિસ્ટમની અસર ભારતના ચોમાસા પર થઈ શકે છે.
હિંદુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે જો અરબી સમુદ્રમાં લૉ પ્રેશર એરિયા બને અને આ સિસ્ટમ વધુ મજબૂત થાય તો ચોમાસાની પ્રગતિને અસર થવાની ખૂબ વધારે શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે જો વાવાઝોડું કે સિસ્ટમ બને તો દેશમાં ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા પર વિક્ષેપ પડે તેવી શક્યતા છે.
કેટલાક હવામાન નિષ્ણાતોના મતે જો સિસ્ટમ બને અને તે ગુજરાત તરફ આગળ વધે તો તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સિસ્ટમ જો ગુજરાતની નજીકથી ફંટાઈને ઓમાન તરફ જતી રહે તો પણ રાજ્યમાં વરસાદની શક્યતા છે.
જો લૉ-પ્રેશર એરિયા વધારે મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થાય અને તે અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધે તો ગુજરાતમાં ચોમાસા પહેલાં જ ભારે વરસાદની શક્યતા છે.

વાવાઝોડાને કારણે ચોમાસું શા માટે મોડું થઈ શકે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચોમાસા પહેલાં સર્જાતાં વાવાઝોડાં ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા પર અસર કરતાં હોય છે. ઘણાં વાવાઝોડાંને કારણે ચોમાસું વહેલું આવે છે તો કેટલાંક વાવાઝોડાંને કારણે ચોમાસું મોડું થયાના દાખલા પણ છે.
મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે જ્યારે વાવાઝોડું સર્જાય કે મજબૂત સિસ્ટમ બને ત્યારે ભેજ તેની આસપાસ કેન્દ્રીત થઈ જાય છે. એટલે કે તે સેંકડો કિલોમિટર દૂરથી ભેજને પોતાની તરફ ખેંચી લે છે.
જેના કારણે વાવાઝોડું વિખેરાઈ જાય કે ત્રાટકી ગયા બાદ ચોમાાસની પ્રગતિ ધીમી પડી જાય છે અને ભૂતકાળમાં ચોમાસું વાવાઝોડાને કારણે મોડું પણ થયું છે.
મહેશ પલાવતના કહેવા પ્રમાણે આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રના કિનારે આવેલા પ્રદેશોમાં સારો વરસાદ થઈ શકે છે પરંતુ ભારતના અંદરના ભાગોમાં ચોમાસું મોડું થવાની શક્યતા છે.
ચોમાસાની પ્રગતિ માટે વિષુવવૃતની બીજી તરફથી અરબી સમુદ્રમાં આવતા પવનો મજબૂત હોવા ખૂબ જરૂરી છે. જેને આપણે દક્ષિણ પશ્ચિમના પવનો કહીએ છીએ. હાલ આ પવનો હોવા જોઈએ એટલા મજબૂત નથી.
જોકે, આગળના દિવસોમાં ચોમાસું કેટલી ઝડપથી આગળ વધશે તે આ પવનો અને અરબી સમુદ્રમાં બનવા જઈ રહેલી સિસ્ટમ પર આધારિત છે.

ચોમાસાની શરૂઆત નબળી થશે?

ઇમેજ સ્રોત, IMD
સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતની સાથે જ દેશમાં હીટ વેવની સ્થિતિ રહેતી નથી અને તાપમાનમાં થોડો ઘટાડો થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉત્તર ભારતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે.
દક્ષિણ ભારતમાં ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાં પ્રવેશી ગયું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારત થતા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલ ભારે ગરમીને કારણે હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે.
હાલ તો હવામાન વિભાગે એવી કોઈ માહિતી આપી નથી કે ચોમાસાની શરૂઆત નબળી રહેશે, પરંતુ IMD (ભારતીય હવામાન વિભાગ) એ જાહેર કરેલા પૂર્વાનુમાનમાં જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના દર્શાવી હતી.
જૂનના તેના પૂર્વાનુમાન મુજબ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો પડે તેવી શક્યતા દર્શવવામાં આવી હતી.
જો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને તે ઉત્તર તરફ આગળ વધશે તો રાજ્યમાં પુષ્કળ વરસાદ થવાની સંભાવના છે. પરંતુ સિસ્ટમ મજબૂત ના બને અને દરિયામાં જ વિખેરાઈ જાય તો સરેરાશ કરતાં ઓછો વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે અને 1 જુલાઈની આસપાસ રાજ્યના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે છે. એટલે કે આખા ગુજરાતમાં ચોમાસાને પહોંચતા 15 દિવસ જેટલો સમય લાગે છે.
જેથી ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ ઓછો વરસાદ પડતો હોય છે અને જુલાઈ તથા ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. હવે તમામ આધાર અરબી સમુદ્રમાં થઈ રહેલી હલચલ પર છે.














