યુપીએસસીઃ વિશ્વની સૌથી અઘરી ગણાતી આ પરીક્ષામાં ભારતીયો કેવી રીતે સફળતા મેળવે છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગામિની સિંગલા લગભગ ત્રણ વર્ષ સુધી દોસ્તોથી દૂર રહ્યાં હતાં, વેકેશન પર ગયાં ન હતાં અને પારિવારિક કાર્યક્રમો તથા ઊજવણીથી પણ દૂર રહ્યાં હતાં.

તેમણે હોટેલમાંથી મગાવેલા ભોજનની મજા માણવાનું અને ફિલ્મો જોવા જવાનું બંધ કર્યું હતું તેમજ સોશિયલ મીડિયાથી પણ દૂર રહ્યાં હતાં. તેઓ ચંદીગઢ નજીક આવેલા તેમના પારિવારિક ઘરમાં સવારે ચાર વાગ્યે ઊઠીને રોજ સતત 10 કલાક અભ્યાસ કરતાં હતાં.

થાકીને ચૂર થઈ જવાય તેટલી મહેનત કરતાં હતાં, મોક ટેસ્ટ્સ ભરતાં હતાં, સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલા લોકોના વીડિયો યુ-ટ્યૂબ પર નિહાળતા હતાં અને અખબારો તથા સેલ્ફ-હેલ્પ પુસ્તકો વાંચતા હતાં.

એ સમયગાળામાં માતા-પિતા અને ભાઈ જ તેમના સાથી હતા. ગામિની સિંગલા કહે છે કે “એકલાપણું આપણો સાથીદાર બને છે. તે આપણને પ્રગતિમાં મદદ કરે છે.”

એ સમયગાળામાં તેઓ દેશની સિવિલ સર્વિસ પરીક્ષા, વિશ્વની સૌથી અઘરી પરીક્ષા પૈકીની એકની તૈયારી કરતાં હતાં.

ચીનની નેશનલ કૉલેજ ઍન્ટ્રન્સ ઍક્ઝામ ગાઓકાઓ વિશ્વમાં એક અઘરામાં અઘરી પરીક્ષા ગણાય છે, તેને જો કોઈ ટક્કર આપતી હોય તો તે ભારતની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની પરીક્ષા છે.

આ પરીક્ષા થકી દર વર્ષે દેશની સિવિલ સર્વિસ માટે સંખ્યાબંધ યુવક-યુવતીઓને પસંદ કરવામાં આવે છે.

પરીક્ષાના ત્રણ તબક્કા

ત્રણ તબક્કામાં લેવાતી આ આકરી પરીક્ષા દર વર્ષે લાખો ઉમેદવારો આપે છે. લેખિત પરીક્ષાના બીજા તબક્કા સુધી તેમાંથી માત્ર એક ટકા ઉમેદવારો પહોંચે છે.

2021માં ગામિની સિંગલાએ આ પરીક્ષા આપી ત્યારે તેમાં સફળતાનો દર છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચો હતો.

1,800થી વધુ ઉમેદવારો ઈન્ટરવ્યૂના તબક્કા સુધી પહોંચ્યા હતા અને તેમાંથી આખરે 685 યુવક-યુવતી ક્વૉલિફાઈ થયાં હતાં.

તે પરીક્ષામાં અન્ય બે યુવતી સાથે ગામિની સિંગલાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

પ્રથમ ત્રણ સ્થાને મહિલા ઉત્તીર્ણ થઈ હોય તેવું યુપીએસસી પરીક્ષાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું.

ગામિનીની પસંદગી ઈન્ડિયન ઍડમિનિસ્ટ્રેટીવ સર્વિસ(આઈએએસ)નો હિસ્સો બનવા માટે કરવામાં આવી હતી. આઈએએસ દેશના 766 જિલ્લાઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને સરકારી કંપનીઓના મૅનેજર્સ મારફત દેશનું સંચાલન કરે છે. સફળ થયેલા ઉમેદવારોને તેમની પસંદગીના રાજ્યમાં કામ કરવાની તક મળે છે.

24 વર્ષની વયના ગામિની કહે છે કે “જે દિવસે પરિણામ આવ્યું ત્યારે લાગ્યું હતું કે મારા પરનો બધો બોજ ઉતરી ગયો છે. પહેલાં હું મંદિરે ગઈ અને પછી નૃત્ય કર્યું હતું.”

‘મારી યાત્રા બહુ કઠોર હતી’

યુનિવર્સિટી ઑફ લંડનની સ્કૂલ ઑફ ઑરિઍન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે સમાજશાસ્ત્રી તરીકે કાર્યરત સંજય શ્રીવાસ્તવ જણાવે છે કે દેશમાં ખાનગી ક્ષેત્રે નોકરી મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે અને દૈનિક જીવનમાં દરેક તબક્કે સરકારનો વ્યાપક પ્રભાવ છે ત્યારે સરકારી અધિકારી તરીકેની નોકરી પ્રતિષ્ઠિત અને વગદાર ગણાય છે. સરકારી નોકરીમાં લોન, ભાડામાં સબસિડી અને રાહત દરે પ્રવાસ તથા રજા માણવા સહિતના સંખ્યાબંધ લાભ મળે છે.

એ ઉપરાંત નાનાં ગામોમાં મુલકી સેવા પ્રત્યે લોકોમાં જબરું આકર્ષણ હોય છે. સંજય શ્રીવાસ્તવ કહે છે કે “ખાનગી ક્ષેત્રમાં જોડાવાનું આસાન હોઈ શકે, પરંતુ આગળ વધવા માટે સાંસ્કૃતિક પૂંજીની જરૂર પડે છે. બીજી તરફ સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવો એ જ મોટી સાંસ્કૃતિક પૂંજી છે.”

મોટાભાગના અન્ય ઉમેદવારોની માફક ગામિની સિંગલા એન્જિનિયરિંગ ગ્રૅજ્યુએટ – કૉમ્પ્યુટર એન્જિનિયર છે.

તેમણે બેન્કિંગ ક્ષેત્રની વિરાટ કંપની જેપી મોર્ગન ચેઝમાં ઇન્ટર્નશિપ કરી હતી અને અન્યોની માફક તેમણે આખરે સનદી અમલદાર બનવાનું નક્કી કર્યું હતું.

પોતાનું ડ્રાઇવિંગ લાઈસન્સ રીન્યૂ કરાવવા સ્થાનિક સરકારી ટ્રાન્સપોર્ટ ઑફિસ ગયાં ત્યારે ગામિનીએ ત્યાં સનદી અમલદારોને જોયા હતા અને માર્ગદર્શન માટે તેમની મુલાકાત માગી હતી.

ગામિની કહે છે કે “મારી યાત્રા બહુ કઠોર હતી. તેમાં લાંબો સમય લાગે છે અને ઘણુંબધું દાવ પર લાગેલું હોય છે.”

દર ત્રણ કલાકે રૂમમાં જ 200-300 ઠેકડા

ગામિની સિંગલાની કથા, મોટાભાગના લોકોને આયુષ્યના જે તબક્કે પોતાના જીવનમાં શું કરવું છે એ ખબર નથી હોતી એવા સમયે સખત ધૈર્ય ધારણ કરવાની અને સાધુ સમાન ત્યાગ આપવાની કથા છે. તેમની કથામાં દેશની કઠોર પરીક્ષા વ્યવસ્થાની ઝલક જોવા મળે છે. એવી પરીક્ષા જે થકવી નાખે છે,

જેમાં પરિવારનો સહકાર જરૂરી હોય છે, સમય બચાવવાના રસ્તા શોધવા પડે છે, તમામ વિક્ષેપ ટાળવા પડે અને દુનિયાથી સંપૂર્ણપણે દૂર રહેવું પડે છે.

ગામિની કહે છે કે “તેમાં હતાશા અને થાકની ક્ષણો પણ આવે છે. તે માનસિક રીતે થકવી નાખનારી છે.”

ગામિની સિંગલા મૅરેથૉન ટ્રેનિંગ પ્લાન જેવા ટાઈમટેબલને અનુસરતા રહ્યાં હતાં.

તબિયત સારી રહે અને જુસ્સો જળવાઈ રહે એટલા માટે તેઓ ફળો, સલાદ, ડ્રાય ફ્રૂટ્સ અને પૉરિજ (દલિયા)નો આહાર લેતાં હતાં. સમયનો જરાય બગાડ ન થાય તે સુનિશ્ચિત કરવા, કસરત માટે રૂમની બહાર નીકળવાને બદલે અભ્યાસ પૂર્ણ થાય પછી દર ત્રણ કલાકે રૂમમાં જ 200-300 ઠેકડા મારતાં હતાં.

ફુરસદના સમયમાં તેઓ સૅલ્ફ-હેલ્પનાં પુસ્તકો વાંચતા હતાં. પોતાની ક્ષમતા ચકાસવા માટે તેમણે સંખ્યાબંધ ઑનલાઇન મૉક ટેસ્ટ્સ આપી હતી.

દાખલા તરીકે, સામાન્ય જ્ઞાનના ઑબ્જેક્ટિવ ટેસ્ટમાં 100 સવાલના જવાબ બે કલાકમાં કઈ રીતે આપી શકાય એ તેઓ શીખ્યાં હતાં.

ગામિની કહે છે કે “આ પરીક્ષાના અગાઉના ટૉપર્સના વીડિયો નિહાળ્યા ત્યારે મને ખબર પડી હતી કે મોટાભાગના લોકોને 35-40 સવાલના જવાબ જ ખબર હોય છે, બાકીનું બધું ગણતરીપૂર્વકની તુક્કાબાજી હોય છે.”

યુપીએસસીની એક પરીક્ષા શિયાળામાં લેવાતી હોવાથી ગામિની તેમને અનુકૂળ વાતાવરણમાંથી બહાર નીકળતાં હતાં અને ઠંડી તથા પ્રતિકૂળ વાતાવરણનો અનુભવ કરતાં હતાં.

તેઓ સૌથી ઓછા સૂર્યપ્રકાશવાળા ઠંડાગાર રૂમમાં બેસીને મોક ટેસ્ટ્સ આપતાં હતાં. તેમણે ત્રણ જૅકેરટ્સ ટ્રાય કર્યાં હતાં અને તેમાંથી સૌથી વધુ અનુકૂળ જૅકેટની પસંદગી કરી હતી.

ગામિની કહે છે કે “અનુકૂળ ન હોય તેવાં, વજનદાર જૅકેટ્સ પહેરવાને કારણે ઘણા ઉમેદવારો પરીક્ષામાં પ્રશ્નોના જવાબ ન આપી શક્યા હોવાની વાતો મેં સાંભળી હતી. તેથી એ માટે મહેનત યોગ્ય હતી. પરીક્ષામાં પૂરી ક્ષમતાથી પ્રયાસ કરવાનો હોય છે.”

યુપીએસસીની પરીક્ષાની ગામિનીની તૈયારીમાં તેમનો પરિવાર પણ એટલા જ ઉત્સાહથી સામેલ થયો હતો. ગામિનીનાં માતા-પિતા બન્ને સરકારી ડૉક્ટર્સ છે.

ગામિનીના જણાવ્યા મુજબ, પરીક્ષાની તૈયારીમાં અખબાર વાંચવાનો હિસ્સો 80 ટકા સુધીનો હોય છે. તેમના પિતા રોજ કમસેકમ ત્રણ અખબાર વાંચતા હતા અને દીકરીના સાંપ્રત ઘટનાઓ વિશેનું જ્ઞાન ઝડપથી વધી શકે એટલા માટે મહત્ત્વના ન્યૂઝ માર્ક કરી રાખતા હતા.

ગામિનીના ભાઈ તેમને મૉક ટેસ્ટ્સમાં મદદ કરતા હતા અને ગામિનીનાં દાદા-દાદી પૌત્રીની સફળતા માટે પ્રાર્થના કરતાં હતાં.

સામાજિક મિલન-મેળાવડામાં જવાનું બંધ

ગામિનીની તૈયારીમાં જરા સરખો વિક્ષેપ સર્જાય તેવું કશું કરવામાં આવતું ન હતું.

તેમના ઘરની સામેના ભાગમાં બે ઇમારતના નિર્માણને કારણે સૂર્યપ્રકાશ અવરોધાયો ત્યારે ગામિનાના પરિવારે તેમના ઘરની અગાસી પરનો ઓરડો તોડી પાડ્યો હતો અને ગામિની શાંતચિત્તે અભ્યાસ કરી શકે, તેને પૂરતો સૂર્યપ્રકાશ મળી શકે એટલા માટે શાંત ઓરડો બનાવી આપ્યો હતો.

ગામિની પારિવારિક કાર્યક્રમોમાં ગેરહાજર શા માટે રહે છે તેવી પંચાત કરતા સંબંધીઓથી ગામિનીને બચાવવા માટે તેમનાં માતા-પિતાએ “સામાજિક મિલન-મેળાવડામાં જવાનું બંધ કરી દીધું હતું, જેથી મને એકલી પડી ગયાની લાગણી ન થાય.”

ગામિની કહે છે કે “મારો પરિવાર મારી યાત્રાનો હિસ્સો છે. તેઓ મારી સાથે જ આગળ વધ્યા હતા. આ પરીક્ષા વાસ્તવમાં એક પારિવારિક પ્રયાસ છે.”

ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોએ બ્યુરોક્રસીમાં જોડાવાનું સપનું સાકાર કરવા માટે ઓછા અવરોધોનો સામનો કરવો પડે છે અને ગામિની એ વર્ગનાં છે.

યુપીએસસીની પરીક્ષાએ વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો માર્ગ પણ બનાવ્યો છે.

સરકારની માલિકીના ટેલિવિઝન પરના કરન્ટ અફેર્સ કાર્યક્રમના નિર્માતા ફ્રેન્ક રોસન પરેરા જણાવે છે કે વંચિત વર્ગના પરિવારો તેમના સંતાનોને મોટાં શહેરોમાં અભ્યાસ અર્થે મોકલવા પોતાની જમીન અને ઘરેણાં વેચી નાખે છે.

પરેરાના જણાવ્યા મુજબ, આજના મોટાભાગના પરીક્ષાર્થીઓ દેશના નાનાં શહેરો તથા ગામડાંઓમાંથી આવે છે. તેમણે એક સફાઈ કામદારના પુત્રનું ઉદાહરણ આપ્યું હતું. તે સફાઈ કામદારના પુત્રએ ઘરે રહીને અભ્યાસ કર્યો હતો અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. બાદમાં તે પ્રતિષ્ઠિત રાજદ્વારી સેવામાં જોડાયો હતો.

પરેરા કહે છે કે “ડઝનેક વખત પરીક્ષામાં નિષ્ફળ રહેવાં છતાં 16 વર્ષ સુધી તૈયારી કરતા રહ્યા હોય એવા ઉમેદવારોને પણ હું જાણું છું.” (ઉમેદવારો 32 વર્ષની વય સુધીમાં છ વખત આ પરીક્ષા આપી શકે છે. કેટલીક વંચિત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ ઇચ્છે તેટલી વખત પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં બેસવાની લઘુતમ વય 21 વર્ષ છે)

સૌથી અઘરી પરીક્ષા આપવા પર પુસ્તક લખ્યું

ગામિની સિંગલા કહે છે કે સિવિલ સર્વન્ટ બનવાથી મને આ વિશાળ તથા જટિલ દેશમાં “અનેક લોકોનું જીવન બહેતર બનાવવાની તથા ખરા પરિવર્તનની તક મળશે.”

ગામિનીએ સૌથી અઘરી પરીક્ષામાં પાસ થવા માટે કેટલી મહેનત કરવી પડે એ વિશેનું એક પુસ્તક લખ્યું છે. તેમાં કઈ રીતે સમર્પિત થઈને તૈયારી કરવી, પોતાના નિયંત્રણ બહારની બાબતો સાથે કેવી રીતે કામ પાર પાડવું અને પરિવારના પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરવું એ સહિતની અનેક બાબતો વિશે લખવામાં આવ્યું છે.

ગામિનીએ મને જણાવ્યુ હતું કે તેમને ક્યારેક એવું લાગે છે કે રિલેક્સ કઈ રીતે થવું એ તેઓ ભૂલી ગયાં છે. તેમને ટ્રેનિંગમાં અને પોતાના પ્રથમ કામની તૈયારી માટે દેશભરમાં પ્રવાસ કરવામાં મજા પડે છે.

ગામિની કહે છે કે “જીવન અતિ વ્યસ્ત બની જશે અને ફરી આરામ કરવાનું મુશ્કેલ બની જશે.”