You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારો ચીફ, ફીલ્ડ માર્શલ બની ગયો છે, અમે જીત્યા છીએ' - ભારતીય સેના પ્રમુખના આ નિવેદનની કેમ થઈ રહી છે ચર્ચા?
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષ પર ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વિગતવાર પોતાની વાત કરી છે.
4 ઑગસ્ટે આઈઆઈટી મદ્રાસમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે "ઑપરેશન સિંદૂર: આતંકવાદ સામે ભારતની લડાઈમાં એક નવો અધ્યાય" વિષય પર વક્તવ્ય આપ્યું.
આ દરમિયાન તેમણે જણાવ્યું કે આ વર્ષે 22 એપ્રિલે થયેલા પહલગામ હુમલા પછી ભારતે કેવી રીતે જવાબી કાર્યવાહી માટેની રણનીતિ તૈયાર કરી.
આ કાર્યક્રમનો સંપૂર્ણ વીડિયો ભારતીય સેનાની અધિકૃત યુટ્યૂબ ચૅનલ પર શનિવારે અપલૉડ કરવામાં આવ્યો હતો.
આ પહેલાં શનિવારે જ ભારતીય વાયુસેના પ્રમુખ ઍર ચીફ માર્શલ એપી સિંહે દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્યસંઘર્ષ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં "પાંચ લડાકૂ વિમાનો અને એક મોટું વિમાન તોડી પાડ્યાં હતાં."
જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ દાવાને નકારીને કહ્યું, "એક પણ પાકિસ્તાની વિમાનને નિશાન બનાવવામાં આવ્યું નથી અને ન તો કોઈ વિમાન નષ્ટ થયું છે."
પહલગામ હુમલા પછી ભારતે જણાવ્યું હતું કે છ-સાત મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આવેલાં ચરમપંથી કૅમ્પોને નિશાન બનાવ્યાં.
ત્યારબાદ બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
10 મેના રોજ સંઘર્ષ વિરામ પર સંમતિ બન્યા પછી ગોળીબાર બંધ થઈ ગયો. તે સમયે પાકિસ્તાને ભારતનાં "પાંચ લડાકૂ વિમાનો તોડી પાડવાના" દાવા કર્યા હતા, જેને ભારતે સંપૂર્ણપણે નકારી દીધા હતા.
'ઑપરેશન સિંદૂર' નામ કેવી રીતે પડ્યું?
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે 'ઑપરેશન સિંદૂર' પછીથી આ વિષય પર ટીવી પર અને સંસદમાં ઘણી ચર્ચા થઈ ગઈ છે, પરંતુ તેમના અનુસાર તેમાં ટૅક્નૉલૉજીનો ઉપયોગ અને ઘટનાઓના ક્રમને સમજવું પણ જરૂરી છે.
તેમણે જણાવ્યું કે 22 એપ્રિલે પહલગામમાં થયેલા હુમલાના બીજા દિવસે, 23 એપ્રિલે, સંરક્ષણ મંત્રીની આગેવાનીમાં ત્રણેય સેના પ્રમુખોની બેઠક મળી.
જનરલ દ્વિવેદીએ કહ્યું, "એવું પહેલી વાર બન્યું કે સંરક્ષણ મંત્રીએ કહ્યું, 'હવે બહુ થઈ ગયું'. ત્રણેય સેના પ્રમુખો સ્પષ્ટ હતા કે કંઈક કરવું જરૂરી છે અને અમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી."
"અર્થાત, તમે પોતે નક્કી કરો કે શું કરવું છે. આ જ વિશ્વાસ, રાજનૈતિક દિશા અને સ્પષ્ટતા હતી જે અમે પહેલી વખત જોઈ અને જેના કારણે ફેર પડ્યો."
તેમણે આગળ જણાવ્યું કે 25 એપ્રિલે નૉર્ધન કમાન્ડમાં યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને 9માંથી 7 ટાર્ગેટ નષ્ટ કરવામાં આવ્યા.
આ સાથે જ સેના પ્રમુખે 'ઑપરેશન સિંદૂર' નામ રાખવાનો કિસ્સો પણ સંભળાવ્યો.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના અનુસાર, "જ્યારે મને આ વિશે બ્રીફ કરવામાં આવ્યું કે ઑપરેશનનું નામ 'સિંધુ' હશે. મેં વિચાર્યું કે આ સિંધુ નદીની વાત છે. તો મેં કહ્યું, ઘણું સારું છે. તેમણે કહ્યું, નહીં, આ 'ઑપરેશન સિંદૂર' છે. અને જુઓ, માત્ર આ એક નામે આખા દેશને કેવી રીતે જોડી દીધું."
પહેલાનાં અભિયાનોની તુલના કરતાં તેમણે કહ્યું કે આ વખતે હુમલો અગાઉ કરતાં ઘણો "વિશાળ અને વ્યાપક" હતો.
સેના પ્રમુખના અનુસાર, "આ પહેલી વાર હતું જ્યારે અમે તેમના હાર્ટલૅન્ડ પર હુમલો કર્યો અને અમારું નિશાન હતું- 'નર્સરી' અને તેના માસ્ટર. આવું અગાઉ ક્યારેય થયું નહોતું અને પાકિસ્તાનને પણ અપેક્ષા નહોતી કે તેમના હાર્ટલૅન્ડ પર હુમલો થશે. આ તેમના માટે મોટો ઝાટકો હતો."
'મારો ચીફ ફીલ્ડ માર્શલ બની ગયો છે'
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાના સંબોધનમાં નૅરેટિવ મૅનેજમેન્ટ પર પણ વાત કરી.
તેમણે કહ્યું, "નૅરેટિવ મૅનેજમેન્ટ સિસ્ટમ એ એવી વસ્તુ છે જેને અમે મોટા પાયે સમજી, કારણ કે જીત મનમાં હોય છે, હંમેશા મનમાં રહે છે. જો તમે કોઈ પાકિસ્તાનીને પૂછો કે તમે હાર્યા કે જીત્યા? તો તે કહેશે- 'મારો ચીફ ફીલ્ડ માર્શલ બની ગયો છે. અમે જીત્યા છીએ, એટલે જ તે ફીલ્ડ માર્શલ બન્યો છે'."
આ ટિપ્પણી તેમણે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના ફિલ્ડ માર્શલ બનવાના સંદર્ભમાં કરી હતી, જેમને ભારત-પાકિસ્તાન સંઘર્ષના થોડા દિવસો પછી પાકિસ્તાન સરકારે આ પદ આપ્યું હતું.
આગળ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કહે છે કે ભારતે પોતાની વાત પોતાની રીતે કરી.
તેમણે કહ્યું, "જે રણનીતિક સંદેશ હતો, તે ખૂબ જ જરૂરી હતો અને આ જ કારણથી પહેલો સંદેશ જે અમે આપ્યો- 'ઓકે, જસ્ટિસ ડન. ઑપરેશન સિંદૂર', એણે સૌથી વધુ અસર પેદા કરી."
જ્યારે છ-સાત મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આવેલાં ચરમપંથી કૅમ્પોને નિશાન બનાવ્યાં હતાં. ત્યાર પછી તરત જ ભારતીય સેનાના ઍડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઑફ પબ્લિક ઇન્ફોર્મેશનના અધિકૃત ઍક્સ હૅન્ડલ પરથી એક પોસ્ટ કરીને સૌથી પહેલા હુમલાની માહિતી આપવામાં આવી હતી, જનરલ દ્વિવેદી એ જ મૅસેજની વાત કરી રહ્યા હતા.
'ભારત-પાકિસ્તાનની શતરંજની ચાલ'
આ સાથે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 'ઑપરેશન સિંદૂર'ની રણનીતિને શતરંજની રમત સાથે તુલના કરતાં જણાવ્યું કે આ દરમિયાન બંને પક્ષો એકબીજાની ચાલો સમજવા અને તેને ખાળવા માટે લાગેલા હતા.
તેમના અનુસાર, આ ઑપરેશને તેમને 'ગ્રે ઝોન'ના મહત્ત્વને ઊંડાણથી સમજાવ્યું.
તેમણે કહ્યું, "ઑપરેશન સિંદૂરમાં અમે શતરંજ રમ્યા. તેનો અર્થ એ કે અમને ખબર નહોતી કે દુશ્મન આગળ શું પગલું ભરશે અને અમે શું કરવા જઈ રહ્યા છીએ. તેને અમે 'ગ્રે ઝોન' કહીએ છીએ." તેમણે કહ્યું કે ઑપરેશન સિંદૂર દરમિયાન બંને પક્ષો શતરંજની ચાલો ચલાવતા રહ્યા."
"તો અમે પણ શતરંજની ચાલ ચાલતા હતા, તે પણ શતરંજની ચાલ ચાલતો હતો. ક્યાંક અમે તેને ચૅકમૅટ આપી રહ્યા હતા અને ક્યાંક અમે તેને મારવા માટે આગળ વધી રહ્યા હતા, ભલે તેમાં પોતાનું નુકસાન થવાનું જોખમ કેમ ન હોય. પણ જીવનનો ખેલ એવો જ હોય છે."
ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગેના દાવા
જણાવી દઈએ કે 7 થી 10 મે વચ્ચે થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ દરમિયાન અનેક પ્રકારના દાવા સામે આવ્યા.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ સંઘર્ષ દરમિયાન ભારતનાં 'પાંચ લડાકૂ વિમાનો તોડી પાડ્યાં' હતાં.
31 મેના રોજ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને જ્યારે ભારતીય વિમાનોના તોડી પાડવાના પાકિસ્તાનના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું, "આ સંપૂર્ણપણે ખોટું છે."
સીડીએસ જનરલ ચૌહાણે કહ્યું, "પણ જેમ કે મેં કહ્યું કે આ માહિતી બિલકુલ મહત્ત્વપૂર્ણ નથી. જે મહત્ત્વપૂર્ણ છે, તે એ છે કે જૅટ કેમ તૂટી ગયાં અને ત્યારબાદ અમે શું કર્યું? આ અમારે માટે વધુ મહત્ત્વપૂર્ણ છે."
જ્યારે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં "પાંચ લડાકૂ વિમાનો તોડી પાડવામાં આવ્યાં હતાં."
જોકે, ટ્રમ્પે એ જણાવ્યું નહોતું કે કયા દેશનાં કેટલાં લડાકૂ વિમાનોને નુકસાન પહોંચ્યું હતું.
ટ્રમ્પે અનેક વખત કહ્યું છે કે તેમણે બે પરમાણુ હથિયારો સંપન્ન દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યો હતો.
જોકે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાન દરમિયાન સીઝફાયરને લઈને 'મધ્યસ્થતા'ના દાવાને સંસદમાં થયેલી ચર્ચા દરમિયાન ફગાવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન