You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : દોઢ ફૂટના મુન્નાભાઈએ ખાસ કાર બનાવડાવી અને જિંદગી બદલાઈ ગઈ
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે કનીપુર નામનું નાનું ગામ છે. ત્યાં સુરેશભાઈ ગઢવી રહે છે. જે મુન્નાભાઈના હુલામણા નામે જાણીતા છે.
મુન્નાભાઈનું કદ નાનું છે. તેમણે પોતાના માટે એક ખાસ કાર બનાવડાવી છે. બાબાગાડીથી સહેજ મોટી એવી એ નાનકડી કાર લઈને મુન્નાભાઈ જ્યારે નીકળે છે ત્યારે ગામ લોકો જોતા રહી જ જાય છે.
"મુન્નાકાકા આવી ગયા... મુન્નાકાકા આવી ગયા." સાગમટે બોલીને બાળકો તેમને ઘેરી વળે છે. મુન્નાભાઈ તેમને કારમાં આંટો મરાવે છે અને બાળકોના ચહેરા પરની ખુશી બમણી થઈ જાય છે.
તેઓ કહે છે કે, "મારી ઊંચાઈનું દુખ ખરું, પણ જ્યારે ગાડી લઈને નીકળું પછી બાળકો મુન્નાકાકા કહીને વીંટળાઈ વળે.... એ ખુશી જોઈને મારા જીવનનાં દુખ દૂર થઈ જાય છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મુન્નાભાઈ એટલે કે સુરેશભાઈ કહે છે કે, "મારી હાઈટ દોઢ ફૂટ છે. મારા પરિવારમાં માત્ર મારી જ હાઈટ ઓછી છે. બાકી બધાનું કદ સામાન્ય છે." સુરેશભાઈએ દોઢ લાખના ખર્ચે પોતાના માટે બૅટરી સંચાલિત એક કાર બનાવડાવી છે, જે તેમની હાઈટને અનુરૂપ છે.
'નાનકડી કાર જોઈને થયું કે મારા હાથપગ આવી ગયા'
સુરેશભાઈને દુકાન તો છે જ, પણ એ સિવાય તેઓ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં બર્થ ડે તેમજ બાળકોની બાબરી ઊતરાવવી વગેરે પ્રસંગોના ઑર્ડર પણ લે છે. તેઓ પોતાની નાની કાર લઈને આમંત્રિતોને જાય છે. ત્યાં બાળકોને મજા કરાવે છે. કારમાં સ્પીકર વગેરે મૂકી શકાય અ માટે તેમણે કારમાં ખાસ વ્યવસ્થા પણ રાખી છે. આ પ્રસંગોમાં તેઓ થોડા પૈસા પણ કમાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કનીપુર નજીક કમાલબંધ વાસણા ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પકોડાવાળા કહે છે કે, "ગયા વર્ષે મારા પૌત્રની બાબરી ઊતરાવવાનો પ્રસંગ હતો. જેમાં અમે સુરેશભાઈને બોલાવ્યા હતા. તેમણે બાળકોને આનંદ કરાવી દીધો હતો. બાળકોને નાની કારમાં ફેરવ્યા હતા અને બાળકોએ તેમની સાથે ડાન્સ વગેરે કર્યો હતો. બાળકો સુરેશભાઈને જવા દેતા નહોતા."
સુરેશભાઈને કાર વસાવવાનું સપનું તો હતું જ, પણ કાર તેમના માટે સપના કરતાંય જરૂર વધારે હતી એવું તેઓ માને છે.
મુન્નાભાઈ જણાવે છે કે, "મારા હાથપગ ખૂબ નાના છે. તેથી મને ચાલવામાં તકલીફ પડે છે. મારે ઘરની બહાર જવું હોય તો કોઈ માણસની મદદ લેવી પડતી હતી. મારે એક પાનની દુકાન છે ત્યાં જવા માટે પણ કોઈ ભાઈબંધને બોલાવવા પડતા હતા."
"તેથી મને થયું કે મારે લાયક કોઈ વાહન મળી જાય તો મારે કોઈની મદદ લેવી ન પડે. મારા કદને અનુરૂપ કોઈ ગાડી મળી રહે એ માટે હું પંદરેક ગૅરેજમાં ફર્યો હતો. પછી અમદાવાદના નરોડા વિસ્તારના એક ગૅરેજમાં મેળ પડ્યો હતો. તેમણે મારા પગનું માપ લીધું અને એક્સલરેટર તેમજ બ્રેક બંને મારા પગની સાઈઝ મુજબ ગોઠવીને કાર બનાવી."
"મને ચઢવા-ઊતરવામાં તકલીફ ન પડે એ રીતે કાર ડિઝાઇન કરવા મેં કહ્યું હતું. અદ્દલ એ રીતે જ કાર તૈયાર થઈ હતી. જ્યારે પહેલી વખત મેં ગાડી જોઈ ત્યારે મને એવું લાગ્યુ હતું કે મારા હાથ પગ આવી ગયા."
સુરેશભાઈને સરકસમાંથી પણ ઑફર આવી હતી
સુરેશભાઈની ઉંમર 49 વર્ષ છે. દશેક વર્ષ અગાઉ તેમને સરકસમાંથી પણ ઑફર આવી હતી. સુરેશભાઈને તો ઇચ્છા હતી, પણ એકના એક પુત્ર હોવાથી તેમનાં માતાપિતાને ઇચ્છા નહોતી કે તેઓ સરકસમાં કામ કરે.
તેમનાં માતાપિતા હવે આ દુનિયામાં નથી. ઘરમાં સુરેશભાઈ એકલા જ છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, "બાર ધોરણ ભણ્યા પછી મારા મનમાં કેટલાક સવાલ હતા. જેમ કે, મારી હાઈટને લીધે મને કોઈ નોકરી આપશે કે કેમ? મને આવવા-જવામાં પણ તકલીફ પડે છે. તેથી પછી મેં નાની દુકાન શરૂ કરી. જેથી જીવતરનું ગાડું ગબડે."
કદને કારણે સુરેશભાઈએ ઘણા કડવા ઘૂંટ પીધા છે. તેઓ કહે છે કે, "હવે તો હું ટેવાઈ ગયો છું, પણ બસ કે ટ્રેનમાં મુસાફરી કરતો હોઉં ત્યારે લોકો મને આશ્ચર્યથી જોતા હોય છે ત્યારે મને દુખ થાય છે. ક્યારેક મારી મજાકના કિસ્સા પણ બન્યા છે, પણ હું વિચારું કે ગામના મોઢે કોણ ગરણાં બાંધે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન