'ઑપરેશન સિંદૂર' સમયે પાકિસ્તાનનાં છ વિમાન તોડી પાડ્યાં : ભારતીય વાયુસેના પ્રમુખ

ભારતીય વાયુસેના પ્રમુખ ઍર ચીફ માર્શલ એપી સિંહે બૅંગ્લુરુમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનનાં પાંચ લડાકુ વિમાનો અને એક મોટું વિમાન તોડી પાડવામાં આવ્યાં હતાં.

ઍર ચીફ માર્શલ એપી સિંહ 'ઑપરેશન સિંદૂર' વિશે માહિતી આપી રહ્યા હતા. 22 એપ્રિલના પહલગામ હુમલા પછી ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાનમાં 'ચરમપંથી કૅમ્પો'ને નિશાન બનાવ્યાં હતાં. આ અભિયાનને 'ઑપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો.

16મા ઍર ચીફ માર્શલ એલએમ કાત્રે લેક્ચર દરમિયાન એપી સિંહે જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આ ઑપરેશન દરમિયાન પાકિસ્તાનનાં ઓછામાં ઓછાં પાંચ લડાકુ વિમાનો અને એક મોટું વિમાન નષ્ટ કર્યાં હતાં.

તેમણે જણાવ્યું કે આ મોટું વિમાન ઈએલઆઈએનટી કે પછી ઍઇડબલ્યૂ ઍન્ડ સી હોઈ શકે છે.

તેમણે જણાવ્યું કે આ વિમાનને જમીનથી હવામાં 300 કિમીના અંતરે નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ રીતે આ અત્યાર સુધીનો સૌથી મોટો જમીનથી હવામાં મારક ક્ષમતા ધરાવતો રેકૉર્ડ છે.

'આ એક હાઇટૅક યુદ્ધ હતું'

ઍર ચીફ માર્શલએ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષને 'હાઇટૅક યુદ્ધ' તરીકે વર્ણવ્યું છે.

તેમણે કહ્યું, "હું કહી શકું છું કે આ એક હાઇટૅક યુદ્ધ હતું જે લગભગ 80-90 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન અમે તેમની ઍર ડિફેન્સ સિસ્ટમને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું."

"આ નુકસાનને જોતા તેમને સ્પષ્ટ થઈ ગયું હતું કે જો આ ચાલુ રહેશે તો તેમને વધુ નુકસાન સહન કરવું પડશે. આ કારણે તેમણે આગળ આવીને અમારા DGMOને ફરી સંદેશ મોકલ્યો કે તેઓ વાતચીત કરવા માંગે છે. ઉચ્ચ સ્તરે આ સંદેશને સ્વીકારવામાં આવ્યો."

ઍર ચીફ માર્શલના દાવ પર ભારતની વિપક્ષ પાર્ટી કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સરકારને સવાલ કર્યો છે.

તેમણે ઍક્સ પર લખ્યું કે ઍર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ દ્વારા આજે નવા ખુલાસા બાદ એ બધું વધુ ચોંકાવનારું બની રહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ સાંજે અચાનક 'ઑપરેશન સિંદૂર' કેમ રોકી દીધું. વડા પ્રધાન પર દબાણ ક્યાંથી આવ્યું અને તેમણે આટલી જલદી કેમ ઝૂકવું પડ્યું?

ભારતીય સેનાને છૂટ આપવા પર શું કહ્યું?

વાયુસેના પ્રમુખે કહ્યું કે ઑપરેશન સિંદૂરની સફળતાનું એક 'મુખ્ય કારણ રાજકીય ઇચ્છાશક્તિ' પણ હતું.

તેમણે કહ્યું કે "અમે બહુ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. અમે કોઈના પર કોઈ રીતનો પ્રતિબંધ નહોતો લગાવ્યો. કોઈ બાધ હતો તો એ અમે ખુદ લગાવેલો હતો. અમે નક્કી કર્યું કે સ્થિતિને કેટલી વધારવી છે. અમને યોજના ઘડવા અને તેને લાગુ કરવાની પૂરી સ્વતંત્રતા હતી."

"અમે જાણીવિચારીને હુમલા કર્યા હતા, અમે હુમલામાં પરિપક્વ રહેવા માગતા હતા. ત્રણેય સેના વચ્ચે તાલમેળ હતો. સીડીએસની ઉપસ્થિતિથી ખરેખર ઘણો ફરક પડ્યો. તેઓ અમને એક કરવા હાજર હતા. એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર)એ પણ બધી એજન્સીઓ સાથે તાલમેળ કરવામાં મોટી ભૂમિકા નિભાવી."

પ્રમુખે એ નિવેદનોનો પણ જવાબ આપ્યો, જેમાં વિપક્ષના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે ભારતે સૈન્ય કાર્યવાહી રોકવી નહોતી.

તેમણે કહ્યું, "જ્યાં સુધી અમારા આક્રમક અભિયાનનો સવાલ છે તો એ રાતે અમને કોઈ રોકટોક નહોતી અને નક્કી કર્યું કે અમે પૅન ફ્રન્ટ પર હુમલા કરીશું. સંસાધનો ફેલાવીશું. કોઈ એક ઍરફીલ્ડને નિશાન બનાવીને તેને સંપૂર્ણ નષ્ટ કરવાનો ઈરાદો નહોતો."

ઍર ચીફ માર્શલે કહ્યું કે "પાકિસ્તાનમાં અંતર સુધી હુમલાનો ઈરાદો હતો, તેમને એ અહેસાસ કે સંકેત આપવો હતો કે અમે અંદર સુધી અને પોતાની મરજી પ્રમાણે, ઇચ્છીએ ત્યાં હુમલા કરી શકીએ છીએ."

તેમણે કહ્યું, "યુદ્ધ સમયે લોકો પોતાના ઈગો (અભિમાન) પર અટવાઈ ગયા. જ્યારે અમે પોતાનું લક્ષ્ય મેળવી લીધું તો અમારે સંઘર્ષ રોકવાના બધા વિકલ્પો શોધવાના હતા. મારા કેટલાક અંગત લોકોએ કહ્યું કે 'હજુ વધારે મારવાના હતા', પરંતુ શું આપણે સતત યુદ્ધમાં રહી શકીએ? દેશે સારો નિર્ણય લીધો."

ખરેખર તો ભારતીય સેનાને પૂરી સ્વતંત્રતા આપવા મુદ્દેની ચર્ચા ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસમાં તહેનાત નૌસેના ઑફિસર કૅપ્ટન શિવકુમારના નિવેદનથી શરૂ થઈ હતી.

ગત જૂનમાં જકાર્તામાં એક સેમિનારમાં તેમણે કથિત રીતે 'ઑપરેશન સિંદૂર'ના પ્રથમ તબક્કા દરમિયાન 'ભારતીય વાયુસેનાનાં લડાકુ વિમાનો ખોવા પર અને રાજકીય નેતૃત્વ તરફથી કેટલાક વાંધા ઊભા કરવાનો' ઉલ્લેખ કર્યો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું હતું કે "અમે કેટલાંક વિમાન ખોયાં અને આવું એટલા માટે થયું કે સૈન્ય પ્રતિષ્ઠાન કે તેમની વાયુરક્ષા પ્રણાલી પર હુમલા ન કરવા મુદ્દે રાજકીય નેતૃત્વ તરફથી અડચણો પેદા કરાઈ હતી."

આ મામલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર "સેનાને ખુલ્લી છૂટ ન આપવાનો" આરોપ લગાવ્યો હતો.

જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથક પર હુમલો કેટલો સફળ રહ્યો?

ઍર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું હતું કે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર થયેલો હુમલો ખૂબ જ સચોટ હતો અને તેની આસપાસના વિસ્તારમાં કોઈ ખાસ નુકસાન થયું નહોતું.

તેમણે હુમલાઓ પહેલાં અને પછીની તસવીરો બતાવી અને કહ્યું, "અહીં મુશ્કેલથી કોઈ અન્ય પ્રકારનું નુકસાન થયું છે. નજીકની ઇમારતો લગભગ સહીસલામત છે. અમારી પાસે માત્ર ઉપગ્રહથી લેવામાં આવેલી તસવીરો જ નહોતી, પરંતુ સ્થાનિક મીડિયા દ્વારા પણ અમને તસવીરો મળી હતી, જેનાથી અમને અંદરનાં દૃશ્યો જોવાં મળ્યાં."

એપી સિંહે ભારતના હુમલા અને પાકિસ્તાનની પ્રતિક્રિયા અંગે જણાવ્યું, "પાકિસ્તાનનાં કોઈ પણ વિમાનો આકાશમાં અથવા MR-SAMની રેન્જની નજીક પણ આવી શક્યાં નહોતાં. તેમનાં તમામ વિમાનોને LR-SAM દ્વારા નિશાન બનાવાયાં, કારણ કે તે દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. છતાં તે ક્યારેક આપણી મારક ક્ષમતાની અંદર આવી જતાં હતાં અને એ જ તકનો આપણે લાભ લીધો."

પાકિસ્તાનમાં ક્યાં-ક્યાં હુમલાનો દાવો?

ઍર ચીફ માર્શલે જણાવ્યું, "ભોલારીમાં ઍઇડબલ્યુ ઍન્ડ સી હેંગર પર હુમલો કરવામાં આવ્યો. અમારી પાસે સ્પષ્ટ સંકેતો છે કે આ હુમલાના સમયે ત્યાં એક વિમાન હાજર હતું."

તેમણે કહ્યું કે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ઘણા ઍર ડિફેન્સ સિસ્ટમને નુકસાન થયું અને તેમને સમજાઈ ગયું હતું કે હાલની સ્થિતિ ચાલુ રહી તો વધુ ભારે નુકસાન ભોગવવું પડશે.

તેમણે જણાવ્યું, "સરગોધાના ઍરફિલ્ડમાંથી F-16 જેટ શ્રીનગર અને આદમપુર પર હુમલા માટે ઉડાણ ભરતાં હતાં. અમે એ ઍરફિલ્ડને નિશાન બનાવ્યું. અમે ત્યાં અન્ય સાધનોને નિશાન બનાવ્યાં નહોતાં, કારણ કે અમે આકલન કર્યું હતું કે તેનાથી પરિસ્થિતિ અનાવશ્યક રીતે બગડી શકે."

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના મુખ્ય ઍરફીલ્ડ પૈકી એક એવા "જકોબાબાદને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં F-16 માટે હેંગર હતું."

ફાઇટર વિમાનોને મારવા અંગેના દાવા-પ્રતિદાવા

7થી 10 મેની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન અનેક દાવા કરવામાં આવ્યા છે.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે સંઘર્ષ દરમિયાન ભારતના 'પાંચ ફાઇટર વિમાનોને તોડી પાડવામાં આવ્યાં' હતાં.

31 મેના રોજ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને જ્યારે આ દાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે."

તેમણે કહ્યું, "પણ જેમ મેં કહ્યું, આ માહિતી ખાસ મહત્ત્વની નથી. મહત્ત્વનું એ છે કે જેટ કેમ તૂટી ગયાં અને પછી અમે શું કર્યું. એ અમારાં માટે વધુ મહત્ત્વનું છે."

ગત મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં "પાંચ ફાઇટર વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં."

જોકે, ટ્રમ્પે એ સ્પષ્ટ નહોતું કર્યું કે કયા દેશનાં કેટલાં વિમાનોને નુકસાન થયું.

ટ્રમ્પે અનેક વખત કહ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવ્યો હતો, પણ અત્યાર સુધી ભારત તરફથી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી.

વિદેશમંત્રી એસ. જયશંકરે સંઘર્ષવિરામને 'સંપૂર્ણપણે દ્વિપક્ષીય' ગણાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન