You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિનોદ કિનારીવાલા : અંગ્રેજોની ગોળી ખાધી પરંતુ રાષ્ટ્રધ્વજ ન છોડ્યો, આઝાદી માટે બલિદાન આપનારા અમદાવાદના યુવાનની કહાણી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદની ગુજરાત કૉલેજના મેદાનમાં એક વિદ્યાર્થી ઊભો છે. સુદૃઢ શરીર, ઊંચો દેહ. એની નસેનસમાં રાષ્ટ્રભક્તિનું પૂર વહે છે. તેના હાથમાં ત્રિરંગી ઝંડો છે.
સૂત્ર પોકારે છે : 'શાહીવાદ'
પડઘો ઝિલાય છે : 'હો બરબાદ'
'ઇન્કિલાબ...' વળતો સૂર પુરાય છે : 'ઝિંદાબાદ!'
પાંચ-છ ફૂટ સામે જ ગોરો પોલીસ અમલદાર ઊભો છે.
પ્રકોપથી એનો ગોરો ચહેરો લાલ ટમેટા જેવો થઈ ગયો છે.
ધમકી આપે છે, ચૂપ મર! નહીં તો આ રિવૉલ્વર જોઈ છે?
'જાપાન જેવા સામે કશું થતું નથી. અહીં ગોળીઓ ચાંપવી છે? – ચલાવ બંદૂક!' અને જોરથી પોકારે છે : 'શાહીવાદ'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પડઘો ઝિલાય છે : 'હો બરબાદ'
ગોરો અમલદાર, પાસે જ ઊભેલા સિપાહીને હુકમ કરે છે, ઝંડો ઝૂંટવી લે.
સિપાહી તેમ કરે છે.
યુવાનના હાથમાંથી ઝંડો નથી મૂકાતો.
પોલીસ અમલદારનો ગુસ્સો હાથમાં રહેતો નથી... એની સાહેબ ટોપી પર એક પથ્થર પડે છે. અમલદાર પહેલો ફાયર હવામાં કરે છે. બીજી ક્ષણે પેલા યુવાન સામે રિવૉલ્વર તાકે છે...
રિવૉલ્વરનો ઘોડો દબાયો.
ગોળી છૂટી...
યુવાન ન ખસ્યો, ઊલટું એક ડગ આગળ માંડે છે.
છાતી કાઢીને સૂત્ર પોકારવા જાય છે, ઇન્કિલાબ...
ગોળી યુવાનની છાતીમાં.
જેને ગોળી વાગે છે તે યુવક એટલે વિનોદ કિનારીવાલા. જેમણે 18 વર્ષની વયે આઝાદીની લડતમાં મોતને વ્હાલું કર્યું હતું.
બિપિન જેઠાલાલ સાંગણકરે 'શહીદ વિનોદ કિનારીવાલા' પુસ્તકમાં તેમની જીવનગાથા વર્ણવી છે. જેમાં તેમને ગોળી લાગે છે તેનું દૃશ્ય શબ્દોમાં કંઈક ઉપર મુજબ દર્શાવ્યું છે.
1942માં ગાંધીજીએ હિંદ છોડોની જે હાકલ કરી અને જે છેલ્લી લડત લડાઈ, તેમાં જેમણે બલિદાન આપ્યું, તેમાંનાં એક એટલે વિનોદ કિનારીવાલા.
'ડંકો વાગ્યો, ડંકો વાગ્યો, લડવૈયા શૂરા જાગજો રે...'
ગોરો આયો, બની ઘુરાયો
સાથે લશ્કર લાયો જી,
કિનારીવાલા દૂધમલ લાલા
દોડી આવ્યો આગળ જી – ઉમાશંકર જોષી
અમદાવાદમાં ઍલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કૉલેજની ઉત્તર તરફના પ્રવેશદ્વાર પાસે જશો તો આરસમાં કંડારાયેલી એક ખાંભી જોવા મળશે. જે 'શહીદ વિનોદ કિનારીવાલા'ની છે. તે જ જગ્યા પર તેમણે છાતી પર ગોળી ઝીલી હતી. દર વર્ષે નવમી ઑગષ્ટે હિંદ છોડો દિવસ નિમિત્તે ત્યાં શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
ડેમૉક્રેટિક સેક્યુલર મૂવમેન્ટના કાર્યકર ભાવિક રાજા 1999થી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહે છે.
તેઓ વિનોદ કિનારીવાલાને યાદ કરતાં 'ડંકો વાગ્યો ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે..', 'દિન ખૂન કે હમારે યારોં ન ભૂલ જાના..' વગેરે ગીતો ગાય છે.
ભાવિક રાજા કહે છે કે, "વિનોદ કિનારીવાલા 'શાહીવાદ મુર્દાબાદ'ના નારા સાથે મોતને ભેટ્યા હતા. આ દેશમાં 'શાહીવાદ' સમાપ્ત થયો નથી. તેથી વિનોદ કિનારીવાલાનું બલિદાન ખૂબ પ્રસ્તુત છે. જ્યાં સુધી શોષિતો, વંચિતો અને છેવાડાનો માણસ કચડાયેલો રહેશે ત્યાં સુધી વિનોદ કનારીવાલાની લડાઈ ઊભી જ છે."
અશ્રુવાયુથી બચવા રૂમાલ ભીના કરવામાં આવે છે
સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીએ ઑગસ્ટ 1942માં આઝાદી માટેનું હિંદ છોડોનું આખરી આંદોલન શરૂ કરેલું. જેમાં તેમણે 'કરેંગે યા મરેંગે'નો નારો આપ્યો હતો.
8મી ઑગસ્ટની મોડી રાત્રે મહાસમિતિની બેઠક પૂરી થઈ અને 9મી ઑગસ્ટની વહેલી સવારે ગાંધીજી, કૉંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર દેશમાં ઝીલાયા હતા.
આઠ ઑગષ્ટે રવિશંકર મહારાજે ગુજરાત કૉલેજના છાત્રાલયમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓને લડત માટે હાકલ કરી હતી.
રવિવારે 9મી ઑગસ્ટ, 1942ના રોજ ગુજરાત કૉલેજની બાજુના એક બંગલામાં રાતના વિદ્યાર્થી સંગ્રામ સમિતિ મળે છે. સોમવારે એક ભવ્ય સરઘસ કાઢવું એવો નિર્ણય લે છે. 10 ઑગસ્ટ 1942ની સવારે અમદાવાદની લૉ કૉલેજના મેદાનમાંથી આશરે 2000 વિદ્યાર્થીઓનું એક સરઘસ નીકળે છે. તેમાં સૌથી આગળ 200 જેટલી યુવતીઓ હતી.
આ સરઘસ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા કૉંગ્રેસભવન તરફ જવાનું હોય છે.
'શાહીવાદ હો બરબાદ...ઇન્કિલાબ ઝિંદાબાદ'નાં નારા લગાવતું સરઘસ આગળ વધે છે અને ગુજરાત કૉલેજ પાસે પહોંચે છે. આ માનવ મહેરામણ કોઈ જાહેરાત વગર કાનોકાન ખબરથી એકઠો થયો હોય છે. જેમાં વિનોદ કિનારીવાલા પણ સામેલ છે.
બિપિન સાંગણકર પુસ્તકમાં નોંધે છે કે, "મેદાનમાં – અશ્રુવાયુ છૂટે તેના બચાવ માટે 'રૂમાલ ભીના કરો'ની આજ્ઞા અપાય છે. મીઠાના પાણીવાળી બાલદીઓ લઈને વિદ્યાર્થીઓ ફરે છે, સૌ રૂમાલ ભીના કરે છે. વિનોદ કિનારીવાલા તેના મિત્રો દિનુભાઈ અને ગોરધનભાઈ પટેલ સાથે છે."
"દિનુભાઈએ કહ્યું, 'વિનોદ, તું એમ કર, તારો અને મારો રૂમાલ પેલા ખાબોચિયામાં ભીનો કરી આવ. બાલદીને આવતાં વાર લાગશે; કદાચ ના પણ આવે.' અત્યારે તો ચોમાસું છે એટલે ખાબોચિયાં તો ઠેર ઠેર. વિનોદે રૂમાલ ભીના કર્યા."
ગુજરાત કૉલજથી કૉંગ્રેસ હાઉસ તરફ જવાના રસ્તે પોલીસનો જાપ્તો ગોઠવાઈ ગયો હતો.
લોકોમાં ભય પથરાય અને સરઘસ આગળ જવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસે સીટીઓ મારી મારીને મેદાન ગજવી મૂક્યું હતું."
સૂત્રો પોકારતું સરઘસ આગળ વધે છે. ગુજરાત કૉલેજ પહોંચે છે. એટલામાં પોલીસ વિદ્યાર્થિનીઓ પર લાઠીમાર કરીને સરઘસને વિખેરવા લાગે છે. લાઠીઓ વાગવાથી નાસભાગ શરૂ થાય છે અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ ગુજરાત કૉલેજના મેદાનમાં પ્રવેશે છે.
યુવતીઓ પર થતા પ્રહારનો પોલીસ સમક્ષ વિનોદ કિનારીવાલા વિરોધ કરે છે. નાસભાગ વચ્ચે તેઓ અડગ ઊભા રહે છે. ગોરા અમલદાર લા બૂ શાર્દિયર અને વિનોદ વચ્ચે બોલાચાલી થાય છે. અમલદાર ધ્વજધારી વિનોદ પર ગોળીબાર કરે છે અને તેઓ મૃત્યુ પામે છે.
જયપ્રકાશ નારાયણે વિનોદ કિનારીવાલાની શહાદત માટે શું કહ્યું હતું?
તે વખતે ગુજરાત કૉલેજમાં જે અંધાધુંધી થઈ હતી તેને શાંત કરવા ગુજરાત કૉલેજના કેટલાક પ્રોફેસર પણ દોડી આવ્યા હતા.
પોલીસો પર થતા પથ્થરમારાને લીધે, ગોળીબાર કરવા જતા ગોરા પોલીસ અધિકારીને 'સ્ટોપ પ્લીઝ' કહીને અટકાવવા જતાં ધીરુભાઈ ઠાકર લાઠીના પ્રહારથી સખત ઘવાયા હતા.
વિનોદ કિનારીવાલાના આદર્શ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ હતા અને રવિશકંર મહારાજ પ્રત્યે તેમને ખૂબ માન હતું. વિનોદ જમનાદાસ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સના વિદ્યાર્થી હતા. તેના માતાનું નામ હીરાલક્ષ્મી હતું.
વિનોદ કિનારીવાલાને ડબ્બામાં માટી ભરીને એમાં અળસીયાં રાખવાનો અને ફુરસદે જોયા કરવાનો શોખ હતો.
દસમી ઑગસ્ટ 1947ના રોજ ગુજરાત કૉલેજમાં વિનોદ કિનારીવાલાની ખાંભી બનાવવામાં આવે છે. તે વખતે જયપ્રકાશ નારાયણ ત્યાં આવે છે. વિનોદ કિનારીવાલાને યાદ કરતાં તેઓ કહે છે કે,
"1942માં હજારો શહીદો થયા. તે શહીદો અને સિપાહીઓનો ક્રાંતિમાં મોટો ફાળો છે. તેમનું સ્મારક રચો છો એ યોગ્ય છે; કારણ કે તેનાથી જગતના બીજા દેશોમાં હિંદ પોતાનું મસ્તક ઊંચું રાખી શકશે. જે શહીદનું સ્મારક ઊભું કરો છો તેનો પાયો શહીદના લોહીથી સિંચાયેલો છે. એ ઇમારતમાં બલિદાનના પથ્થરો છે. એ ઇમારતમાંથી પ્રેરણા મેળવો કે હિંદના થયેલા ટુકડાઓ પ્રેમ અને મહોબ્બતથી એક કરવામાં આવે. હિંદુ રાજ્ય કે મુસલમાન રાજ્ય કે શીખ રાજ્ય કે રાજાઓનું રાજ સ્થાપવા માટે આ લડત લડવામાં આવી નહોતી, પણ હિંદમાં સમાનતા, મજૂરી કરનાર કિસાન અને મજૂરોનું, ગરીબોનું રાજ્ય સ્થપાય – હિંદીઓનું રાજ્ય સ્થપાય એ માટે લડાઈ હતી."
આરસપહાણનું તેમનું જે સ્મારક છે તેમાં આખલા સામે ઝઝૂમતો એક યુવક દર્શાવાયો છે. જેમાં બ્રિટિશ સત્તાના હિંસા બળના પ્રતિકરૂપ આખલા સામે આત્મબળથી ઝઝૂમતા યુવક તરીકે વિનોદ કિનારીવાલાને દર્શાવાયા છે. કલાગુરૂ રવિશંકર રાવલની પરિકલ્પના પ્રમાણે સ્મારક તૈયાર કરાયું હતું. જેમાં રાષ્ટ્રધ્વજવાળા હાથમાં બેડીઓ તૂટે છે અને એક તરફ સિતારો ચમકે છે. તેની ઝાંખી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન