You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢ : પોલીસનો દાવો, કાંકેરમાં સુરક્ષાદળોની સાથેની અથડામણમાં 29 માઓવાદીઓ માર્યા ગયા
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, રાયપુરથી બીબીસી માટે
છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત વિસ્તાર કાંકેરમાં પોલીસે એક અથડામણમાં 29 માઓવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.
અથડામણની આ ઘટનામાં સુરક્ષાદળોના ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. આ અગાઉ પોલીસે 18 માઓવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર, કાંકેરના છોટેબેટિયા વિસ્તારમાં મંગળવારની બપોરે શંકાસ્પદ માઓવાદીઓ સાથે અથડામણ થઈ.
અથડામણની આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે બસ્તરમાં 19 એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને માઓવાદીઓએ ચૂંટણી બહિષ્કારની અપીલ કરી છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કાંકેરના છોટેબેટિયા વિસ્તારમાં મંગળવારની બપોરે શંકાસ્પદ માઓવાદીઓ સાથે અથડામણ થઈ. પોલીસનું કહેવું છે કે આ અથડામણ બાદ એ સ્થળેથી 29 માઓવાદીઓના મૃતદેહ મળ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના વિશે શું કહ્યું?
છત્તીસગઢમાં સુરક્ષાદળોની કામગીરી વિશે ગૃહમંત્રી અમિત શાહે પણ એક નિવેદન જાહેર કર્યું છે.
તેમણે કહ્યું, “આજે છત્તીસગઢમાં સુરક્ષાદળોના ઑપરેશનમાં મોટી સંખ્યામાં નક્સલી માર્યા ગયા છે. આ ઑપરેશનને પોતાની દિલેરીતી સફળ બનાવનારા તમામ સુરક્ષાકર્મીઓને શાબાસી આપું છું અને જે વીર પોલીસ જવાનો ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”
અમિત શાહે કહ્યું, “નક્સલવાદ વિકાસ, શાંતિ અને યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે દેશને નક્સલવાદના દંશથી મુક્ત કરવા માટેનો સંકલ્પ કર્યો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“સરકારની આક્રમક નીતિ અને સુરક્ષાદળોના પ્રયત્નોને કારણ આજે નક્સલવાદ ઘટીને એક નાના ક્ષેત્રમાં મર્યાદિત થઈ ગયો છે. છત્તીસગઢ અને સમગ્ર દેશ નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.”
પોલીસના વરિષ્ઠ અધિકારીએ શું કહ્યું?
પોલીસનું કહેવું છે કે અથડામણમાં માર્યાં ગયેલાં લોકોમાં શંકર રાવ અને લલિતા માંડવી ડીવીસી રૅંકના નક્સલી લીડર હતાં. જેમના પર 25-25 લાખ રૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું.
આ પહેલાં બસ્તરના આઈજી પોલીસ સુંદરરાજ પીએ કહ્યું હતું કે કાંકેરના 'છોટેબેટિયા'માં અથડામણના સ્થળે 18 નક્સલીઓનાં મૃતદેહ મળ્યાં છે. મોટી સંખ્યામાં એકે-47 સહિતનાં હથિયાર મળ્યાં છે.
ઘટના અંગે વિસ્તારથી વાત કરતા આઈજી પી સુંદરરાજે કહ્યું "માઓવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ છે. અમને અત્યાર સુધીમાં 29 માઓવાદીઓનાં મૃતદેહ મળ્યા છે. ઇન્સાસ, કાર્બાઇન મશીનગન અને એકે 47 જેવાં હથિયારો પણ મોટી સંખ્યામાં જપ્ત કરાયાં છે."
અથડામણમાં ઘાયલ થયેલા ત્રણ પોલીસ જવાનોની સ્થિતિ હવે ઠીકઠાક જણાવાઈ રહી છે. હાલ અથડામણવાળા વિસ્તારમાં પોલીસનું સર્ચ અભિયાન ચાલુ છે.
નક્સલ વિરોધી ઑપરેશન
પોલીસની આ કાર્યવાહીને આ વિસ્તારનાં સૌથી મોટા નક્સલ વિરોધી અભિયાનોમાંથી એક તરીકે જોઈ શકાય છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે વરિષ્ઠ નક્સલી શંકર, લલિતા, રાજુની ઉપસ્થિતિની સૂચના બાદ આ ઑપરેશન ચલાવાયું હતું.
છત્તીસગઢમાં આ મહિનાની શરૂઆતમાં જ ત્રણ એપ્રિલે બીજાપુરમાં પોલીસે 13 માઓવાદીઓને અથડામણમાં માર્યા હોવાનો દાવો કરાયો હતો.
ત્યાર બાદ છ એપ્રિલે બીજાપુરના જ પૂજારી કાંકેરમાં પોલીસે ત્રણ માઓવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો.
માત્ર બસ્તરમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 50થી વધુ માઓવાદીઓ માર્યાં ગયા છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજ્ય વિધાનસભાના સ્પીકર રમણ સિંહે આ ઑપરેશનને માઓવાદી વિરુદ્ધ ઐતિહાસિક સફળતા ગણાવી છે.
તેમણે કહ્યું "હું આને છત્તીસગઢ અને દેશના ઇતિહાસની સૌથી મોટી ઘટના માનું છું. નક્સલી હિંસાની સમાપ્તિની દીશામાં આ એક મોટું પગલું છે."
આટલી મોટી સંખ્યામાં માઓવાદીઓ માર્યાં ગયાની ઘટનાને રાજ્ય સરકાર એક મોટી સફળતાની દૃષ્ટીએ જોઈ રહી છે.
સત્તામાં આવ્યા બાદથી જ માઓવાદીઓ સાથે શાંતિ માટે ચર્ચાની રજૂઆત કરનારા રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ આને બસ્તર પોલીસની નક્સલવાદ પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી છે.
પોતાના ઍક્સ હૅન્ડલ પર તેમણે લખ્યું "છત્તીસગઢના ઇતિહાસમાં આજની તારીખ યાદ રખાશે, જ્યારે આપણા સુરક્ષા જવાનોએ કાંકેરી જિલ્લાના હાપાટોલાના જંગલમાં નક્સલીઓના જિલ્લામાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને જબરદસ્ત અથડામણમાં અંદાજે 29 નક્સલીઓને મારી નાખ્યા."