ડાંગની ઓછું ભણેલી આદિવાસી મહિલાઓ જે પોતે બનાવેલી કંપનીનો કરોડોનો કારોબાર સંભાળે છે

BBC

ઇમેજ સ્રોત, The Mighty Earth

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સંજય દવે, વરિષ્ઠ પત્રકાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે
BBC

“આજથી ચાર વર્ષ પહેલાં અમને બૅંકની સ્લીપ ભરતાં પણ આવડતી નહોતી. એક લાખમાં કેટલાં મીંડાં આવે એ પણ ખબર નહોતી. જિંદગીમાં ક્યારેય અમે બધી મહિલાઓએ એક લાખ રૂપિયા જોયા નહોતા, પણ આજે અમે અમારી કંપનીમાં કરોડો રૂપિયાનો હિસાબ રાખીએ છીએ અને કંપનીનો વહીવટ જાતે જ ચલાવીએ છીએ.”

આ શબ્દો છે ડાંગ જિલ્લાના ગુંદવહળ ગામનાં સીતાબહેન જીવલભાઈ દેશમુખના.

માત્ર બારમા ધોરણ સુધી ભણેલાં સીતાબહેન ‘ડાંગ આદિવાસી મહિલા ખેડૂત-ઉત્પાદક પ્રૉડ્યુસર કંપની લિમિટેડ’નાં ચેરપર્સન છે.

આ કહાણી છે તેમના જેવી ગુજરાતની આદિવાસી મહિલાઓની જેમની મહેનતથી તેઓ પગભર બની છે અને તેમના પરિવારોના જીવન તથા ગામમાં પરિવર્તન આવ્યું છે.

ડાંગનાં જુદાં-જુદાં ગામોની આદિવાસી મહિલા-ખેડૂતોએ ભેગા મળીને બનાવેલી આ ‘ફાર્મર્સ પ્રૉડ્યુસર ઑર્ગેનાઇઝેશન’ (એફપીઓ) આજે ખેત-બિયારણો તથા ખેતીનાં સાધનો વેચીને કરોડો રૂપિયાની આવક રળે છે.

કંપની સાથે જોડાયેલી મહિલાઓની આર્થિક સ્થિતિ બહેતર બની છે, તેમનું જીવનધોરણ ઊંચું આવ્યું છે અને તેઓ કહે છે કે તેમનો સામાજિક મોભો પણ વધ્યો છે.

BBC

મહિલાઓ કંપની ચલાવે એ વાત લોકોના ગળે ઊતરતી નહોતી

BBC

આ મહિલા માટે તેમની આ કંપની શરૂ કરવી અને ચલાવવી સહેલી નહોતી. ગામની મહિલાઓ કંપની ચલાવે અને વેપાર કરે તે વાત શરૂઆતમાં લોકોના ગળે ઉતરતી નહોતી.

આ વિશે કંપનીના બૉર્ડ મેમ્બર સોમીબહેન કહે છે, "પહેલાં કેટલાક લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે, બહેનો પાસેથી બિયારણ લઈએ તો બિયારણ ખરાબ નીકળે અને બજારની દુકાનમાંથી લઈએ તો સારું નીકળે. એ લોકોને એમ કે બિયારણ બાબતે મહિલાઓને શું ખબર પડે!" જોકે, મહિલાઓની એફપીઓનું બિયારણ સસ્તું અને સારું હોવાથી લોકોની ગેરમાન્યતાઓ દૂર થઈ ગઈ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ બાબતે એફપીઓનાં બૉર્ડ મેમ્બર અને આહવા તાલુકાના ગલકુંડ ગામનાં રહેવાસી કલાવતીબહેન રાજેશભાઈ ભોયે એક ઘટના યાદ કરતા કહે છે, “2021ની સાલમાં અમારે અમારા પોતાના ખેતરમાં વાવણી માટે ડાંગરનું બિયારણ ખરીદવાનું હતું. ત્યારે મેં મારા પતિને અમારી એફપીઓમાંથી બિયારણ ખરીદવા સમજાવ્યા, પણ બહેનોનું એફપીઓ હોવાથી તેમને તેનાં બિયારણની ગુણવત્તા બાબતે શંકા હતી.'

"મેં તેમને ઘણું સમજાવ્યા પણ તેઓ માન્યા નહીં અને બહારની દુકાનમાંથી ડાંગરનું 20 કિલો બિયારણ લાવીને અમારી કુલ બે એકર જમીનમાં વાવ્યું."

"બહારનું બિયારણ મોંઘું હોવા છતાં ખરાબ નીકળ્યું, તેથી અમારો ડાંગરનો પાક નિષ્ફળ ગયો."

"એટલે અમારે ઘરે ખાવા માટે પણ ડાંગર બહારથી વેચાતા લાવવા પડ્યા. તે માટે અમારે દેવું પણ કરવું પડ્યું. ત્યારથી તેઓ હવે અમારી એફપીઓનું બિયારણ જ ખરીદવાનો આગ્રહ રાખે છે."

કલાવતીબહેને પોતાના ખેતરમાં ગયા વર્ષે યુએસ 362 જાતનાં 18 કિલો ડાંગરનાં બિયારણ વાવીને તેના વેચાણમાંથી 45,000 રૂપિયાની નોંધપાત્ર આવક મેળવી.

કલ્પનાબહેને કોરોના કાળ દરમ્યાન પોતાની એફપીઓમાંથી ડુંગળી, લસણ, મરચાં વગેરે મંગાવી, પોતાના ગામમાં વેચીને, લૉકડાઉનમાં પણ પોતાની આવક ટકાવી રાખી હતી એ નોંધનીય છે.

તેમના ગલકુંડ ગામમાંથી કુલ 80 મહિલાઓ એફપીઓની સભાસદ બની છે.

બીબીસી ગુજરાતી

મહિલાઓની નિર્ણય-શક્તિ વધારવાનો અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો પ્રયાસ

BBC

ખેતીના 70 ટકા કામની જવાબદારી નિભાવતાં મહિલા-ખેડૂતો વ્યક્તિગત રીતે પોતાની ખેત-પેદાશો વેચતા ત્યારે વ્યાપક બજાર ન મળવાથી તેમની આર્થિક સ્થિતિ જેમની તેમ રહેતી.

મહિલાઓ સંગઠિત બનીને ખેત-પેદાશોનું ખરીદ-વેચાણ કરે તો તેમને તેમની પેદાશોના વધુ સારા ભાવ મળે, તેમની નિર્ણય-શક્તિ વધે, આર્થિક સ્થિતિ બહેતર બને તેમ જ વિવિધ કૃષિ-ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના હેતુથી સ્વૈચ્છિક સંસ્થા ‘આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)’(એકેઆરએસપીઆઈ) દ્વારા આદિવાસી બહેનોની આ કંપની રચાઈ છે.

કંપનીની રચના બાબતે ‘એકેઆરએસપીઆઈ’ના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર(સીઈઓ) નવીનભાઈ પાટીદાર કહે છે, "ડાંગમાં ખેડૂતો પાસે વ્યક્તિગત રીતે ખૂબ ઓછી ખેતીની જમીન છે અને મોટાભાગના ખેડૂતો નાના કે સીમાંત ખેડૂતો છે. તેથી ડાંગનો ખેડૂત વ્યક્તિગત રીતે પોતાની ખેતપેદાશ વેચવા માટે બજાર સુધી પહોંચી શકતો નથી."

"વળી નાના ખેડૂતો હોવાથી વ્યક્તિગત રીતે ખેતીનાં બિયારણની ખરીદી કરવા જવાનું અને તૈયાર થયેલા પાકનું વેચાણ કરવાનું તેમના માટે ઘણું મુશ્કેલીભર્યું બની જતું હતું. આ વાત ધ્યાનમાં રાખીને અમે ડાંગની આદિવાસી મહિલાઓને સંગઠિત કરી.’

મહિલાઓ સંગઠિત તો થઈ, પણ તેમને એફપીઓનો કે વેપાર કરવાનો કોઈ અનુભવ નહોતો.

આ અંગે વાત કરતા નવીનભાઈ પાટીદાર કહે છે, "આ એફપીઓની બહેનો, કલેક્ટિવ કો-ઑપરેટિવ તરીકે સામૂહિક રીતે ખરીદ-વેચાણ કરીને આર્થિક રીતે પગભર થાય તે અમારું ધ્યેય છે."

"મહિલાઓ પોતાની આ કંપનીનો વહીવટ સ્વનિર્ભર રીતે ચલાવી શકે તે માટે અમે તેમને ગુજરાત તથા મધ્ય પ્રદેશની જુદીજુદી એફપીઓ જોવા લઈ ગયા, તેમને વહીવટ અને માર્કેટિંગ વગેરેની તાલીમ આપી."

"ઉપરાંત, એફપીઓ બનાવવાના સરકારી નિયમો અને જોગવાઈઓ વિશે અમે તેમને સમજ આપી."

"હાલમાં પણ અમે તેમને જ્યારે જરૂર પડે ત્યારે મદદ-માર્ગદર્શન પૂરાં પાડીએ છીએ.”

BBC

ઓછું ભણેલી ગ્રામીણ મહિલાઓ વેપારમાં કાબેલ બનીને કરોડોનું ટર્નઓવર કરતી થઈ

BBC

જુલાઈ 2019માં કંપનીની નોંધણી થઈ. જોકે, કોરોનાકાળમાં લૉકડાઉનના કારણે આ એફપીઓ દ્વારા ખૂબ ઓછી કામગીરી થઈ શકી. પરંતુ, તે પછી કંપનીની મહિલાઓએ પાછું વળીને જોયું નથી.

મહિલાઓના સામૂહિક પરિશ્રમ અને પ્રયાસના પરિણામ સ્વરૂપે જાન્યુઆરી 2023 સુધીમાં 1170 શેર-સભાસદો નોંધાયાં છે.

શેર-સભાસદોની આજીવન સભાસદ-ફીની આવકમાંથી મહિલાઓની આ કંપનીએ અત્યાર સુધીમાં કુલ 5,91,740 રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું છે.

ઉપરાંત મહિલાઓએ ખેતીનાં બિયારણો, ખેતીનાં સાધનો, જૈવિક દવાઓ, માછલાંનું દાણ, પોલ્ટ્રીફીડ વગેરેનું વેચાણ કરીને આ વર્ષે(2022-23)માં 1.85 કરોડનું ટન ઓવર કરીને સંગઠિત શક્તિ અને વેપારની કુનેહનો પરિચય કરાવ્યો છે.

એટલું જ નહીં દર વર્ષે 32થી 36 ટન જેટલું ડાંગરના બિયારણનું વેચાણ કરી રહી છે.

ઉપરાંત, પોતે પણ આર્થિક રીતે પગભર થઈ છે. ડાંગ જિલ્લાની બહાર ભાગ્યે જ ગયેલી આ ગ્રામીણ બહેનો હવે, બિયારણ-ખરીદી દરમ્યાન ભાવતાલ કરવામાં અને તેનું વેચાણ કરવામાં કાબેલ બની છે.

BBC

ફક્ત સારી ગુણવત્તાનું બિયારણ જ વેચવાનો આગ્રહ

એફપીઓને બિયારણ-વેચાણમાં મળેલી સફળતા બાબતે એફપીઓના સીઈઓ હસમુખભાઈ પટેલ કહે છે, “એફપીઓ દ્વારા ડાંગનાં ગામોમાં લોકોને ઘેરબેઠાં ડાંગરનું બિયારણ કીલોદીઠ ફક્ત 300 રૂપિયાના ભાવે મળે છે અને એ જ બિયારણ બજારમાં 350 રૂપિયે કિલો વેચાય છે.

એટલું જ નહીં, પણ એફપીઓની મહિલાઓ હંમેશાં સારી ગુણવત્તાનું બિયારણ વેચવાનો જ આગ્રહ રાખે છે તેથી તેમનાં વેચાણ અને શાખમાં પણ વધારો થતો રહે છે.”

મહિલાની એફપીઓ દ્વારા ડાંગરની સાથે-સાથે રીંગણ, મરચાં, ટામેટાં, તુરિયા, પાલક જેવી શાકભાજીનાં બિયારણ પણ વેચવામાં આવે છે. ડાંગનાં 98 ગામોમાં આ બિયારણ વેચાય છે.

મહારાષ્ટ્રની સરહદનાં ગામોથી પણ ખેડૂતો આ વાજબી ભાવનાં બિયારણ ખરીદવા આવે છે.

મહિલાઓ આ બિયારણ ક્યાંથી લાવે છે?

એફપીઓનાં સેક્રેટરી ગીતાબહેન ગાંવિત કહે છે, “અમે ગુજરાતની અલગ-અલગ કંપનીઓ સાથે ભાવતાલ કરીને બિયારણ ખરીદીએ છીએ."

"તે માટે જરૂર પડે તો અમે જે-તે કંપનીના પ્રતિનિધિ પાસે રૂબરૂ જઈએ છીએ અને ગુણવત્તા તથા ભાવની ચકાસણી કરીએ છીએ."

"અમને સારી ગુણવત્તા અને યોગ્ય ભાવનું બિયારણ મળે તે માટે અમે બજારનો સરવે કરતાં રહીએ છીએ."

BBC

કમોસમી વરસાદથી બિયારણ ધોવાઈ ગયું, પણ હિંમત બરકરાર રહી

BBC

2022ના ચોમાસા પછી થયેલા કમોસમી અને વધારે વરસાદને કારણે ખેતીની જમીનનું ધોવાણ થવાથી સ્થાનિક ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.

એ વાતનો ઉલ્લેખ કરતાં વઘઈ તાલુકાના દીવડીયાવન ગામનાં રહેવાસી સુમતીબહેન રાસિયાભાઈ ગાંવિત કહે છે, “2022ની સાલમાં વરસાદ વધારે પડ્યો એટલે પૂર્ણા નદીનું પાણી અમારાં ખેતરોમાં ધસી આવ્યું અને અમારા 10 કિલો જેટલાં ડાંગરનાં બિયારણનું ધોવાણ થયું, નહીં તો અમે ડાંગરનાં વેચાણમાંથી વધુ આવક રળી શક્યાં હોત.”

કમોસમી વરસાદ થવા છતાં સુમતીબહેને તેમના ગામમાં વર્ષ 2022માં ડાંગરનું 1200 કિલો બિયારણ વેચ્યું.

એફપીઓ દ્વારા બિયારણ વેચનારાં પ્રમોટર બહેનોને કીલો દીઠ 7 રૂપિયા કમિશન ચૂકવવામાં આવે છે. એ રીતે સુમતીબહેનને બિયારણ વેચાણનાં કમિશન રૂપે 8400 રૂપિયાની આવક થઈ.

BBC

સંગઠિત બહેનો હવે ગામની સમસ્યાઓ ઉકેલવામાં પણ આગેવાની પૂરી પાડી રહી છે

‘એકેઆરએસપીઆઈ-ડાંગ’નાં એરિયા મૅનેજર રામકૃષ્ણ મહાજન કહે છે, “એફપીઓ સાથે જોડાયેલી બહેનોમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે. અનેક બહેનોએ પોતાના અધિકારો વિશે માહિતગાર થઈને પોતાનાં ગામમાં પંચાયત મારફતે પીવાનાં પાણી, રસ્તા, શૌચાલય વગેરેની લગતી સમસ્યાઓ ઉકેલી છે.”

એ વાતમાં પોતાનો સૂર પુરાવતાં નડગચોંડ ગામનાં રહેવાસી અને એફપીઓનાં પ્રમોટર હિરાબહેન કહે છે, “અમારા ગામમાં સરકારી યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલયો બન્યાં, પણ ગામનાં અડધોઅડધ લાભાર્થીઓને તેનો લાભ ન મળ્યો. એક ફળિયામાં શૌચાલયો બનાવ્યાં અને બીજા ફળિયામાં ન બનાવ્યાં. તેથી અમે સરપંચને રજૂઆત કરીને કૉન્ટ્રાક્ટર પાસે બધાં માટે શૌચાલયો બનાવડાવ્યાં.'

'એ જ રીતે અમારા ગામના એક ફળિયામાં ઑપરેટર પાણી આપતા નહોતા. અમે પંચાયતમાં અનેક રજૂઆતો કરી, પણ પંચાયતે અમને દાદ ન આપી."

"આખરે અમે બધી મહિલાઓએ ભેગી થઈને તાલુકા મથકે પાણી પુરવઠાની ઑફિસે જઈને ત્યાં ફરિયાદ કરી"

"સંગઠનની તાકાત જોઈને પાણી પુરવઠાના અધિકારીઓએ તાત્કાલિક અમારા ગામની મુલાકાત લઈને, આખા ગામને પાણી પૂરું પાડવામાં આવે એવી વ્યવસ્થા કરી."

"બસ, ત્યારથી અમારા ગામના સરપંચ પણ અમારી દરેક રજૂઆત સાંભળે છે."

"ઍફપીઓમાં જોડાવાથી અમારામાં આવી રીતે અમારા ગામની સમસ્યાઓ બાબતે રજૂઆત કરવાની હિંમત આવી છે."

ઍફપીઓમાં જોડાવાથી થયેલા ફાયદા વિશે એફપીઓના ચેરપર્સન અને ગુંદવહળ ગામનાં રહેવાસી સીતાબહેન દેશમુખ કહે છે, "પહેલાં અમારે ગામની ચાર-પાંચ બહેનોએ ભેગા મળીને ખેતીનાં બિયારણ ખરીદવા માટે ગામથી દૂર જવું પડતું."

"તેમાં વાહન ભાડાનો ખર્ચ થતો અને તેમાં આખો દિવસ બગડવાથી રોજગારીનું નુકસાન થતું."

"હવે કંપનીમાં જોડાયા ત્યારથી ઘરે બેઠાં ફોન ઉપર વાત કરીને અને ભાવતાલ કરીને વાજબી ભાવે બિયારણ મેળવતાં થયાં."

"ઉપરાંત, હવે ગામ, તાલુકા અને જિલ્લા સ્તરે પણ અમારી કંપનીની ઓળખ ઊભી થઈ છે."

"અમે કલેક્ટર કે બીજા કોઈ મોટા અધિકારીને મળવા જઈએ તો તેઓ અમને માન આપે છે અને અમારા દરેક કામમાં સહકાર આપતા થયા છે. અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અમારી વાત સાંભળતા થયા છે." સીતાબહેનને કંપનીનાં બિયારણ વેચાણના કમિશનની આવક થાય છે તથા કીચન ગાર્ડનની કીટના પૅકિંગ કરવાની મજૂરીની આવક પણ થાય છે.

પરિણામે, તેઓ તેમનાં બાળકોના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ કરી શકવા સક્ષમ બન્યાં છે.

BBC

અંતરિયાળ ગામના લોકોને ઘેરબેઠાં સસ્તું-સારું બિયારણ સમયસર મળતું થયું

BBC

વઘઈ તાલુકાના દગડપાડા ગામનાં સુનંદાબહેન ઉકેશભાઈ નિકુડિયા કહે છે, "મેં ગયા વર્ષે અમારી કંપનીની મદદથી મારા ગામમાં ડાંગરનું બિયારણ 800 કિલો જેટલું વેચીને આવક ઊભી કરી."

"મને કંપની તરફથી કિલો દીઠ 7 રૂપિયા કમિશન લેખે 5600 રૂપિયાની આવક થઈ. પહેલાં અમે ગામની બહાર બિયારણ લેવા જતાં ત્યારે ગામથી વઘઈ સુધી 18 કિલોમીટર દૂર આવવા-જવાનું 60 રૂપિયા ભાડું થતું અને આખો દિવસ બગડતો, પણ હવે અમારી કંપની તરફથી ગામમાં બેઠાં જ બિયારણ મળતું થયું એટલે ભાડા-ખર્ચ ન કરવો પડતો હોવાથી ગામના ખેડૂતોને સસ્તા ભાવે બિયારણ મળતું થયું."

"વળી, વાવણી કરતી વખતે જે ખેડૂતોનું બિયારણ ખૂટ્યું તેમને પણ ગામમાંથી જ બિયારણ મળી ગયું તેથી તેમનો વાવણીનો સમય સચવાઈ ગયો."

સુનંદાબહેને તેમના ગામમાં 43 મહિલાને કંપનીની સભાસદ બનાવી છે, ત્રણ વર્ષ પહેલાં તેમના ગામમાંથી માત્ર 16 બહેનો જ સભાસદ બની હતી.

તેઓ કહે છે કે," પહેલાં મહિલાને સભાસદ ફીની પાંચસો રૂપિયા જેટલી રકમ ભરવામાં પણ વિશ્વાસ બેસતો નહોતો. ગામની મહિલાઓ એવું માનતી કે કંપની રૂપિયા ઉઘરાવીને જતી રહેશે, એટલે અમને અમારા રૂપિયા ગુમાવાનો વારો આવશે.”

જોકે, હવે બિયારણ ખરીદવામાં થતા ફાયદા, તેમ જ કંપનીની સફળતા અને શાખ જોઈને ડાંગની ગ્રામીણ મહિલાઓ હવે મોટી સંખ્યામાં કંપનીમાં સભાસદ બનવા લાગી છે.

કંપનીનાં બૉર્ડ મેમ્બર અને નડગખાદી ગામનાં મહિલા આગેવાન કલ્પનાબહેન અમૃતભાઈ ગાયકવાડ કહે છે, “ બિયારણ-વેચાણના કમિશન તેમ જ કંપની દ્વારા વેચાતી કીચન ગાર્ડનની કીટના પૅકિંગની મજૂરીમાં પણ અમને દૈનિક 150 રૂપિયા લેખે મહિનામાં 6-7 દિવસની આવક મળતી થતી. તેથી અમારી આર્થિક સ્થિતિ સુધરી છે.”

અલ્પવિકસિત આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાની ગ્રામીણ મહિલાઓની આ કંપનીએ તેની રચનાના માત્ર ત્રણ જ વર્ષમાં પોણા બે કરોડનું ટર્ન ઓવર પ્રાપ્ત કર્યું છે .

આ મહિલાઓએ કંપનીનો કારોબાર કુશળતાપૂર્વક ચલાવી, નફો રળી, તેમનું અને તેમના જેવી હજારો મહિલાનું જીવનધોરણ બહેતર બનાવ્યું છે.

BBC
BBC