કરોડોની લૉટરી જીત્યા છતાંય કેમ પેડલ-રિક્ષા ચલાવે છે આ 90 વર્ષીય દાદા?

ઇમેજ સ્રોત, BBC/SURINDER MANN
- લેેખક, સુરિંદર માન અને કુલદીપ બ્રાર
- પદ, બીબીસી સહયોગી પત્રકાર
પંજાબના મોગા જિલ્લાના ગુરદેવસિંહ કરોડો રૂપિયાના માલિક છે, પરંતુ તેઓ 90 વર્ષની ઉંમરેય પેડલ-રિક્ષા ચલાવે છે.
એપ્રિલ મહિનામાં રિક્ષાચાલક ગુરદેવસિંહે પંજાબ રાજ્યની અઢી કરોડ રૂપિયાની બૈસાખી બમ્પર લૉટરી જીતી હતી.
આ લૉટરીએ હવે તેમના પરિવારના સભ્યોનું જીવન બદલી નાખ્યું છે. માટીના મકાનમાં રહેતા ગુરદેવસિંહનાં પુત્ર અને પુત્રી હવે નવાં પાકાં મકાનોનાં માલિક છે.
જોકે, ગુરદેવ સિંહનું કહેવું છે કે તેઓ આરામમાં જીવવા નથી માંગતા, પરંતુ રિક્ષા ચલાવીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માગે છે.
લૉટરી જીતીને જીવન કેવી રીતે બદલાઈ ગયું?

ઇમેજ સ્રોત, BBC/SURINDER MANN
ગુરદેવસિંહે કહ્યું કે તેમણે તેમનાં ચાર પુત્રો અને એક પુત્રી માટે પાકું ઘર બનાવ્યું છે.
આ સાથે તેમણે તેમનાં પુત્રી અને પુત્રો માટે વાહનો પણ ખરીદ્યાં છે. તેમનાં પૌત્ર-પૌત્રીઓ હવે સારી શાળામાં ભણવા જઈ રહ્યાં છે.
ગુરદેવસિંહ કહે છે, “જો હું બેસીશ અને કંઈ નહીં કરું તો બીમાર પડી જઈશ. રિક્ષા ચલાવવાથી મારાં અંગો ચાલતાં રહેશે અને હું ઠીક રહીશ. જો હું સૂઈ જઈશ તો કામ બગડી જશે.”
પૈસા મળવાના સંતોષ વિશે તેઓ કહે છે, “અમે ભગવાનના ડરથી જીવીએ છીએ. પૈસાનું અભિમાન શું છે? ફક્ત બાળકોએ જ બે ગાડી લીધી છે અને તે ચલાવી રહ્યાં છે, પરંતુ મારા મગજમાં કંઈ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરદેવસિંહ કહે છે, “પહેલાં ગરીબી હતી, પણ હવે તેમને કાયમી ઘર મળી ગયાં છે. મારી દીકરી ભાડે રહેતી હતી, મેં તેના માટે ઘર ખરીદ્યું હતું. મેં પૈસા બગાડ્યા નથી, આ પૈસા આ કામો પાછળ ખર્ચવાનાં હતાં અને મેં તે ખર્ચ્યા.”
સમાજસેવા અંગે હકારાત્મક વિચાર

ઇમેજ સ્રોત, BBC/SURINDER MANN
જોકે, ગુરદેવસિંહ સમાજસેવાનાં કાર્યોમાં ભાગ લેતા હતા. પરંતુ હવે તેમણે આ કામોને વધુ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે.
તેઓ તેમની રિક્ષા પર સાધનો લગાવી રાખે છે અને તેનાથી રસ્તા અને શેરીઓમાં ખાડા ભરે છે અને ફૂલ અને ઝાડને પણ પાણી પાય છે.
ગુરદેવસિંહ કહે છે, “હું લાંબા સમયથી સમાજસેવા સાથે સંકળાયેલો છું અને ઘણી વાર છોડને પાણી પાવાનું અને તેની જાળવણીનું કામ કરતો. ઉનાળામાં છોડને વધુ પાણીની જરૂર પડે છે અને કેટલીક વાર તેને કાપવા પડે છે."
તેઓ કહે છે, "મેં જીવનમાં ક્યારેય બીજી કોઈ દવા નથી કરી, પરંતુ આ પ્રવૃત્તિઓ મને ઊર્જા આપે છે અને તે મારા માટે સારી દવા છે."
ગામના લોકો આ કામો માટે ગુરદેવસિંહની ખૂબ પ્રશંસા કરે છે.
ગુરદેવસિંહ કહે છે કે તેઓ ભવિષ્યમાં પણ લૉટરી લેવાનું ચાલુ રાખશે.
લૉટરી જીત્યા પછી હૉસ્પિટલ બનાવતા બે મિત્રો

ઇમેજ સ્રોત, BBC/KULDEEP BRAR
ફાઝિલ્કા જિલ્લાના જલાલાબાદમાં બે મિત્રો ડૉક્ટર સ્વરણસિંહ અને ડૉક્ટર રાજપાલને થોડા મહિના પહેલાં પાંચ કરોડની લૉટરી લાગી હતી.
આ બંને તબીબ મિત્રો ઘણા સમયથી આ વિસ્તારમાં આંખની સારવારનું કેન્દ્ર ચલાવે છે.
પરંતુ હવે તેઓ જલાલાબાદમાં આધુનિક મશીનો સાથે આંખની હૉસ્પિટલ બનાવી રહ્યા છે.
ડૉ. રાજપાલનું કહેવું છે કે તેમણે પાંચ કરોડની લૉટરી જીતી હતી. જેમાંથી બે કરોડ ટૅક્સ તરીકે કાપવામાં આવ્યા હતા અને બાકીના પૈસા આંખની હૉસ્પિટલમાં લગાવવામાં આવી રહ્યા છે.
ડૉ. રાજપાલ કહે છે, “આ પૈસાથી જમીન અને મશીનો ખરીદવામાં આવ્યાં છે. અમને લાગ્યું કે આ પૈસા હૉસ્પિટલ બનાવવા માટે પૂરતા હશે. પરંતુ મોંઘવારીને કારણે આ પૈસા પૂરતા નથી."
હૉસ્પિટલ માટે લોન લેવાનું વિચારી રહ્યા છે

ઇમેજ સ્રોત, BBC/KULDEEP BRAR
ડૉ. રાજપાલ કહે છે કે હવે તેઓ હૉસ્પિટલની ઇમારત બનાવવા માટે બૅન્ક પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા છે અને દોઢથી બે વર્ષમાં આ હૉસ્પિટલ લોકોની સેવા માટે તૈયાર થઈ જશે.
ડૉ.સ્વરણસિંહ કહે છે કે હૉસ્પિટલ બનાવવા માટે અગાઉ જે જમીન અને જરૂરી મશીનરી તેમની પાસે ન હતી તે હવે ખરીદી લેવામાં આવી છે.
તેમણે કહ્યું કે જ્યાં સુધી હૉસ્પિટલ તૈયાર નહીં થાય ત્યાં સુધી જૂના આંખની સંભાળ માટેના કેન્દ્રમાં આધુનિક મશીનો સાથે લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને તેના માટે બે સર્જન ડૉક્ટર પણ તેમની સેવાઓ આપવા તૈયાર છે.
આ બંને ડૉક્ટર મિત્રોનું કહેવું છે કે તેમની પાસે હાલની જગ્યા વાજબી ભાડાની છે, જેના કારણે તેઓ ઓછી ફીમાં લોકોને સારી સુવિધા આપી રહ્યા છે.
લૉટરી જીતીને મળી ઓળખ

ઇમેજ સ્રોત, BBC/KULDEEP BRAR
ડૉક્ટરોનું કહેવું છે કે લૉટરી જીત્યા બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા છે, પરંતુ એ પહેલાં તેમની કોઈ ઓળખ નહોતી.
ડૉ. સ્વરણસિંહ કહે છે કે અલબત્ત આ લૉટરી જીતીને તેમની હૉસ્પિટલ પૂર્ણ થશે નહીં, પરંતુ તેઓ આ હેતુ માટે વધુ લૉટરી લેવાનું ચાલુ રાખશે.
તેઓ કહે છે, “અહીં કામ કરતા લોકો મફત સુવિધાઓ મેળવવા માટે શહેરની બહાર પણ જાય છે. ખાનગી હૉસ્પિટલોની ફી ઘણી વધારે હોવાથી તેમને આ ફી પરવડતી નથી. અમારો પ્રયાસ છે કે જલાલાબાદમાં તેમને ન્યૂનતમ ફીમાં સારી સુવિધા પૂરી પાડવામાં આવે.”
પહેલી લૉટરી પણ તેઓએ એક સાથે જીતી હતી, કારણ કે બંને વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને તેઓ આખી જિંદગી સાથે રહીને લોકોની સેવા કરવાની વાત કરે છે.
'ડૉક્ટરોની નહીં, વિસ્તારના લોકોને મળી લૉટરી'
જલાલાબાદના રહેવાસી વિક્રમ કહે છે કે આ લૉટરી માત્ર ડૉક્ટર મિત્રોએ જ નહીં, પરંતુ જલાલાબાદ વિસ્તારના લોકોએ જીતી છે. કારણ કે તેમની ઇચ્છા આ વિસ્તારમાં એક સારી આંખની હૉસ્પિટલ બનાવવાની છે.
તેઓ કહે છે, “જલાલાબાદ શહેર સરહદ પર આવેલું હોવાથી અહીં આરોગ્ય સંભાળની સુવિધાઓ બહુ સારી નથી. પરંતુ લોકોને સારી આરોગ્ય સુવિધાઓની સખત જરૂર છે. તેઓ પહેલાં જરૂરિયાતમંદ લોકોને મફત સેવાઓ આપતા હતા અને હવે પણ લોકો તેમની પાસેથી સારી સેવાઓની અપેક્ષા રાખે છે.”














