You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું છે એ કેસ જેમાં ઇમરાન ખાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે?
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને એક કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેઓ પર રાજ્યનાં રહસ્યો લીક કરવાના દોષિત છે.
ઇમરાન ખાન, જેમને તેમના વિરોધીઓ દ્વારા 2022માં વડા પ્રધાનપદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા તેઓ ભ્રષ્ટાચારના દોષી ઠેરવાયા પછી ત્રણ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.
તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે.
સામાન્ય ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં જ આ સજા ફટકારવામાં આવી હોવાથી હવે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાશે. આ સજા પાકિસ્તાનના સિક્રેટ ઍક્ટ હેઠળ ફટકારવામાં આવી છે.
પૂર્વ વિદેશ મંત્રી અને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમદ કુરેશીને પણ રાવલપિંડીની અદિયાલા જેલની અંદર સ્થાપિત કરવામાં આવેલી વિશેષ અદાલત દ્વારા 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
શું છે સાઇફર કેસ?
સાઇફર કેસ જ્યારે ઇમરાન ખાન વડા પ્રધાન હતા ત્યારે વૉશિંગ્ટનમાં પાકિસ્તાનના રાજદૂત દ્વારા ઇસ્લામાબાદમાં મોકલવામાં આવેલા ગુપ્ત રાજદ્વારી પત્રવ્યવહાર કથિત રીતે લીક થઈ જવાનો કેસ છે.
માર્ચ 2022માં, અવિશ્વાસના મતમાં તેમને સત્તા પરથી હઠાવવાના એક મહિના પહેલાં, એક રેલીમાં તેમના દેખાવ દરમિયાન એવું બન્યું કે, ઇમરાન ખાન સ્ટેજ પર હતા અને તે હાથમાં કાગળ લહેરાવી રહ્યા હતા. તેઓ કહે છે કે તે કાગળમાં તેમની વિરુદ્ધ વિદેશી ષડ્યંત્ર છે.
તેમણે કહ્યું કે તેમાં લખ્યું છે કે, "જો ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવવામાં આવશે તો તમામને માફ કરવામાં આવશે." તેમણે દેશનું નામ લીધું નહોતું. પરંતુ ત્યાર બાદ અમેરિકાની ભારે ટીકા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાનનાં પગલાં એક ખાનગી દસ્તાવેજ લીક કરવા અને રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચાડવા સમાન છે. આમાના બીજા આરોપમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડ પણ થઈ શકે છે.
ઇમરાન ખાન ઑગસ્ટ મહિનાથી અદિયાલા જેલમાં બંધ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી વિશેષ અદાલતની કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય મીડિયાને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ન્યાયાધીશને તાજેતરમાં જ ટ્રાયલ ઝડપી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
પીટીઆઈના પ્રવક્તાએ કહ્યું કે તે કોર્ટના ચુકાદાને પડકારશે અને આ ચુકાદાને તેમણે મજાક ગણાવી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાનના વકીલ નઇમ પંજુથા, જેઓ અન્ય કાનૂની કેસો પણ લડી રહ્યા છે, તેમણે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, "અમે આ ગેરકાયદેસર નિર્ણયને સ્વીકારતા નથી."
તેમની પાર્ટીનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણીના માત્ર 10 દિવસ પહેલાં પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ આ અત્યાર સુધીની સૌથી કડક સજા છે.
આ જેલની મુદત તાજેતરના મહિનાઓમાં ઇમરાન માટે બીજી સજા છે, અને તે સુનિશ્ચિત કરે છે કે લોકપ્રિય ભૂતપૂર્વ વડા પ્રધાન જેલમાં જ રહેશે અને આગામી સપ્તાહની સામાન્ય ચૂંટણીઓ પહેલાં જાહેર લોકોની નજરથી દૂર રહેશે.
કોર્ટ તેનો લેખિત ચુકાદો પાછળથી જારી કરવાની હતી.
ખાનના સહાયક ઝુલ્ફીકાર બુખારીએ રૉઇટર્સને જણાવ્યું હતું કે તેમની કાનૂની ટીમને ભૂતપૂર્વ વડા પ્રધાનનું પ્રતિનિધિત્વ કરવાની અથવા સાક્ષીઓની ઊલટતપાસ કરવાની કોઈ તક આપવામાં આવી નહોતી. તેમણે એ પણ ઉમેર્યું હતું કે કાર્યવાહી જેલમાં કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, આ દોષિત ઠરાવ ઇમરાન ખાન માટેના સમર્થનને નબળું પાડવાનો પ્રયાસ છે. તેમણે રૉઇટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે, "લોકો હવે ખાતરી કરશે કે તેઓ બહાર આવે અને મોટી સંખ્યામાં મત આપે."
સત્તાઓ દ્વારા પીટીઆઈને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે.
ખાન હાલ કયા કેસમાં જેલમાં છે?
2022માં અવિશ્વાસના સંસદીય મતમાં તેમને સત્તામાંથી દૂર કરવામાં આવ્યા ત્યારથી ઈમરાન ખાન ડઝનેક કેસ લડી રહ્યા છે.
તેમને અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેના કારણે તેઓ આવતા સપ્તાહે યોજાનારી ચૂંટણી લડવા માટે અયોગ્ય હતા.
જો કે, ખાનની ટીમ તેમને જેલમાંથી મુક્ત કરવાની અપેક્ષા રાખતી હતી, જ્યાં તે ગયા વર્ષે ઑગસ્ટથી છે, પરંતુ તાજેતરની સજાનો અર્થ એ છે કે તે અસંભવ બની ગયું છે. કારણ કે આરોપો ઉચ્ચ અદાલતમાં લાદવામાં આવ્યા છે.
2022માં યુક્રેન પર રશિયાના આક્રમણના થોડા સમય પહેલાં મૉસ્કોની મુલાકાત લીધા પછી, ખાને દાવો કર્યો હતો કે આ કેસ સાથે સંબંધિત સંચાર યુએસ સરકાર અને પાકિસ્તાની સૈન્ય દ્વારા તેમના વહીવટને ઉથલાવી નાખવાના કાવતરાનો પુરાવો હતો.
વૉશિંગ્ટન અને પાકિસ્તાન સૈન્ય આ આરોપોને નકારે છે.
ભૂતપૂર્વ વડા પ્રધાને અગાઉ કહ્યું હતું કે બંને વચ્ચેના સંચારની વિગત અન્ય મીડિયામાં છપાઈ રહી છે.
ખાનની પીટીઆઈ, જેણે 2018ની ચૂંટણીઓ જીતી હતી. તેને આ મહિનાની શરૂઆતમાં મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે અદાલતે તેના પરંપરાગત ચૂંટણી પ્રતીક, ક્રિકેટ બૅટને છીનવી લેવાના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
તેમના ઉમેદવારો હવે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી ઘણા ફરાર પણ છે. ઇમરાનની પાર્ટીનું કહેવું છે કે, દેશની શક્તિશાળી સૈન્ય આ તેમના ઉમેદવારો ઉપર દબાણ કરે છે. જેથી તેઓ ફરાર થવા મજબૂર બન્યા છે. જોકે પાકિસ્તાનનું સૈન્ય આનો ઇનકાર કરે છે.