કુરાન સળગાવનારા સલવાન મોમિકા કોણ હતા, જેમની સ્વીડનમાં ગોળી મારી કરાઈ હત્યા

ઇમેજ સ્રોત, EPA
સ્વીડનમાં બે વર્ષ પહેલાં કુરાન સળગાવનારા શખસની બુધવારે સાંજે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
38 વર્ષના સલવાન મોમિકાને સ્ટૉકહોમના એક નજીકના સ્થળે આવેલા ઍપાર્ટમેન્ટમાં ગોળી મારવામાં આવી હતી.
સ્ટૉકહોમ સેન્ટ્રલ મસ્જિદની બહાર 2023માં મોમિકાએ કુરાન સળગાવ્યું હતું, ત્યાર પછી ત્યાં ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શનો થયાં હતાં.
મોમિકાની હત્યા ત્યારે થઈ જ્યારે સ્ટૉકહોમની એક અદાલત તેમના કુરાન સળગાવવાના મામલે ચુકાદો આપવાની હતી.

પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, EPA
સ્થાનિક સમયાનુસાર બુધવાર 11 વાગ્યે પોલીસને સંદિગ્ઘ ગોળીબાર થયો હોવાની સૂચના મળી હતી.
પોલીસે શરૂઆતમાં હુમલાનો શિકાર બનેલા શખસનું નામ જાહેર નહોતું કર્યું. પરંતુ કહેવામાં આવ્યું કે ગોળી જેમને વાગી છે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા.
સ્થાનિક મીડિયામાં જણાવવામાં આવ્યું કે મોમિકાને ત્યારે ગોળી મારવામાં આવી જ્યારે તેઓ પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા હતા. તેઓ તે સમયે સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ કરતા હતા.
મોમિકા પર સ્ટૉકહોમની અદાલત ગુરુવારે જ ચુકાદો સંભળાવવાની હતી. જોકે, સ્ટૉકહોમ જિલ્લા અદાલતે કહ્યું છે કે એક અભિયુક્તના મૃત્યુની પુષ્ટિ થયા બાદ હવે આ સુનાવણી તેણે ટાળી દીધી છે.
સ્ટૉકહોમના એસવીડી ન્યૂઝે એક રિપોર્ટમાં કહ્યું કે વડા પ્રધાન ઉલ્ફ ક્રિસટેરસને કહ્યું છે કે સ્વીડનની સિક્યૉરિટી સર્વિસ આ તપાસમાં સામેલ છે કારણ કે, તેમાં 'વિદેશી લિંક હોવાની આશંકા' છે.
એસવીટી રિપોર્ટ અનુસાર હજુ એ ખબર નથી પડી કે આ હત્યાનો ઉદ્દેશ શો હતો.
કેવી રીતે ચર્ચામાં આવ્યા સલવાન મોમિકા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સલવાન મોમિકાએ વર્ષ 2023માં સ્ટૉકહોમની સેન્ટ્રલ મસ્જિદ સામે બે સ્વીડિશ ઝંડા લહેરાવ્યા પછી રાષ્ટ્રગાન ગાયું અને ત્યાર પછી તેમણે કુરાન સળગાવ્યું હતું.
જોકે, તેમના આ પ્રકારના વિરોધની અસર સ્વીડન દેશની સરહદ પાર વધારે જોવા મળી.
તે સમયે દુનિયાભરના દેશોએ તેની આલોચના કરી હતી. ખાસ કરીને સાઉદી અરેબિયા સહિત અન્ય ઇસ્લામિક દેશોએ ઘણી નારાજગી વ્યક્ત કરી હતી.
મુસ્લિમ કુરાનને અલ્લાહના શબ્દો તરીકે જુએ છે. કુરાન સાથે જાણીજોઈને કરવામાં આવેલી છેડછાડ કે અનાદરને ઘોર અપરાધની નજરે જુએ છે.
ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉ-ઑપરેશને કહ્યું હતું કે આ પ્રકારની ઘટના રોકવા માટે આંતરરાષ્ટ્રીય કાયદો લાવવાની અને સાથે મળીને કામ કરવાની જરૂર છે. સ્વીડને પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યું હતું કે આ 'ઇસ્લામોફોબિયા' છે.
મુસ્લિમ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠનમાં તેની સામે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કુરાન સળવાવવાનો મામલો સામે આવ્યા બાદ ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનો થયાં હતાં.
ઇરાકની રાજધાની બગદાદમાં સ્વીડનના દૂતાવાસની બહાર હુમલો થયો.
કુરાન સળવાવવાની ઘટના સામે પાકિસ્તાનનાં ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવાં શહેરોમાં પણ રેલી થઈ.
મુસ્લિમ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠનમાં તેની સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે નફરત અને ધર્માંધતા સામે પ્રસ્તાવની મંજૂરી આપી હતી.
ભારતે પણ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં સ્વીડનમાં કુરાન સળવાવવાની ઘટનાની સામે લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
સલવાન મોમિક કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
38 વર્ષના સલવાન મોમિકા ઇરાકી ખ્રિસ્તી શરણાર્થી હતા. તેઓ એપ્રિલ 2018માં સ્વીડન આવ્યા હતા અને એપ્રિલ 2021માં તેમને શરણાર્થીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
મોમિકા પોતાને નાસ્તિક અને લેખક ગણાવતા હતા.
મોમિકાએ 28મી જૂન 2023ના રોજ સ્ટૉકહોમની સૌથી મોટી મસ્જિદ સામે ઈદ-ઉલ-અજહાના દિવસે કુરાન સળગાવ્યું હતું.
મોમિકાએ ઘણાં ઇસ્લામ વિરોધી પ્રદર્શનોમાં ભાગ લીઘો હતો.
મોમિકાએ કુરાન સળગાવ્યા બાદ વિવાદ એટલો મોટો બન્યો હતો કે બગદાદથી સ્વીડનના રાજદૂતને નિલંબિત કરવામાં આવ્યા હતા.
સ્વીડનની પોલીસે મોમિકાને વિરોધપ્રદર્શનની મંજૂરી આપી હતી. જેમાં તેણે કુરાનને સળગાવ્યું હતું. તેમનું આ કૃત્ય સ્વીડનની ફ્રી-સ્પીચ કાયદાનું ઉલ્લંઘન નહોતું કરતું.
એસવીટીના રિપોર્ટ અનુસાર ગત વર્ષ જુલાઈમાં સલવાન મોમિકાના ઘરે પરમિટ એક વર્ષ માટે વધારવામાં આવી હતી. તે સમયે સ્વીડનના માઇગ્રેશન બોર્ડે કહ્યું હતું કે જો મોમિકાને ફરી ઇરાક મોકલવામાં આવે તો ત્યાં તેમના જીવને ખતરો છે.
એસવીટીના રિપોર્ટ અનુસાર સલવાન મોમિકા ગત વર્ષ માર્ચમાં નૉર્વે ચાલ્યા ગયા હતા. તેમણે સ્વીડનનાં મીડિયાને કહ્યું હતું કે તેઓ હવે નૉર્વેમાં શરણ લેશે.
જોકે, નૉર્વેએ સલવાનને ફરીથી સ્વીડન પ્રત્યાર્પિત કરી દીધા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











