બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ભાગીદારી ભારત માટે કેટલો મોટો ખતરો

ઇમેજ સ્રોત, ISPR
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી કરાયા પછી ભારતને પહેલેથી લાગતું હતું કે બાંગ્લાદેશ હવે પાકિસ્તાનની નજીક જશે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે માત્ર દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની વાત નથી થી રહી, બંને દેશો હવે સૈન્ય સહયોગ વધારવામાં લાગી ગયા છે.
બાંગ્લાદેશ અગાઉ પૂર્વ પાકિસ્તાન હતું અને 1971માં પાકિસ્તાનથી અલગ થયા પછી એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું.
શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગ જેટલી વખત સત્તામાં આવી, ત્યારે પાકિસ્તાન સાથેના તેના સંબંધો તણાવભર્યા રહ્યા છે. પરંતુ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી સત્તા પર આવી ત્યારે પાકિસ્તાન સાથેના તેના સંબંધો સારા રહ્યા છે.
પરંતુ હાલમાં બંને પક્ષો સત્તાથી બહાર છે. અત્યારે મોહમ્મદ યુનૂસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત બનાવી રહી છે.
ગયા વર્ષે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને બાંગ્લાદેશના વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનૂસ બે વખત મળ્યા હતા.
બાંગ્લાદેશના ટોચના સૈન્ય અધિકારી જનરલ એસએમ કમરૂલ હસન 14 જાન્યુઆરીએ પાકિસ્તાન ગયા હતા. જનરલ કમરૂલે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી.
ગયા અઠવાડિયે પાકિસ્તાનથી બાંગ્લાદેશની બીજી એક હાઇપ્રોફાઇલ મુલાકાત થઈ હતી. પાકિસ્તાનના ટોચના વાણિજ્ય સંગઠન ફેડરેશન ઑફ પાકિસ્તાન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનું એક પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બાંગ્લાદેશમાં પાકિસ્તાનને લઈને ઉત્સાહ

ઇમેજ સ્રોત, @info_shibir
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રકારનું વેપારી પ્રતિનિધિમંડળ પાકિસ્તાનથી બાંગ્લાદેશ ગયું હોય તેવું છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત બન્યું હતું.
આ પ્રતિનિધિમંડળે બાંગ્લાદેશના વાણિજ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની પ્રતિનિધિમંડળે બાંગ્લાદેશ સાથે મુક્ત વેપાર કરાર કરવાની અપીલ કરી છે.
ફેડરેશન ઑફ પાકિસ્તાન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડન્ટ સાકિબ ફયાઝ મગુને જાપાનના નિક્કી એશિયાને જણાવ્યું કે, "બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રીએ અમને કહ્યું કે તેઓ પાકિસ્તાનને પ્રાથમિકતા આપશે. બાંગ્લાદેશ પાસે માત્ર કાપડ અને પ્લાસ્ટિક ઉદ્યોગ છે. બાકી તમામ ચીજોની તે આયાત કરે છે. હવે બાંગ્લાદેશે અમારા માટે દરવાજા ખોલી નાખ્યા છે જે અગાઉ શેખ હસીનાના કારણે બંધ થઈ ગયા હતા."
મગુને કહ્યું, "બાંગ્લાદેશે પહેલેથી જ પાકિસ્તાનને 50 હજાર ટન ચોખા અને 25 હજાર ટન ખાંડની આયાત માટે ઑર્ડર આપી દીધા છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશ પાકિસ્તાનથી આયાતમાં વધારો કરવાનું ચાલુ રાખશે. બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી ખજૂરની આયાત માટે પણ વાત કરી રહ્યું છે."
હાલમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વાર્ષિક માત્ર 700 મિલિયન ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે. મગુને કહ્યું કે, "અમને આશા છે કે આગામી એક વર્ષમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ત્રણ અબજ ડૉલર સુધી પહોંચી જશે."
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વધતા વ્યાપારી સંબંધો કરતાં સૈન્ય સહયોગ વિશે વધારે ચર્ચા થાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધુ મજબૂત બનશે તો ભારતની ચિંતા વધુ વધી શકે છે.
ભારત માટે કેટલી મોટી ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ સમા ટીવીના એક કાર્યક્રમમાં વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર નજમ સેઠીએ કહ્યું, "બાંગ્લાદેશની નીતિમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. મને અપેક્ષા નહોતી કે બધું આટલી ઝડપથી થશે. પહેલાં ભારત સાથેના સંબંધો બગાડવા અને પછી પાકિસ્તાનની નજીક જવું. બાંગ્લાદેશે બહુ ઉતાવળ કરી. મને લાગતું હતું કે આમાં સમય લાગશે."
નજમ સેઠીએ કહ્યું કે, "બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સહયોગ અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે. મને લાગે છે કે ભારત માટે આ એક મોટો આંચકો છે. ભારતે તો બાંગ્લાદેશમાં મોટું રોકાણ કરેલું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બાંગ્લાદેશનું કોઈ રાજકીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન આવ્યું નથી. બાંગ્લાદેશથી સેનાના એક વરિષ્ઠ જનરલનું પાકિસ્તાન પહોંચવું એક સાથે અનેક સંદેશ આપે છે. બાંગ્લાદેશના જનરલે પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી."
નજમ સેઠીએ કહ્યું, "બધા જાણે છે કે પાકિસ્તાનમાં સત્તા કોની પાસે છે. સૈન્ય સ્તરે સંબંધો સ્થપાય પછી રાજકીય સ્તરે સંબંધો બગડે તો પણ તેની બહુ અસર થતી નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સેના વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા થઈ રહી છે. અહીં જે પ્રકારનાં જૅટ વિમાનોની વાત થાય છે તેવા જૅટ વિમાન તો ભારત પાસે પણ નથી. પાકિસ્તાન બાંગ્લાદેશને જેએફ-17 જૅટ વિમાનો આપવા વિચાર કરી રહ્યું છે. બાંગ્લાદેશ આ જૅટ ચીનના બદલે પાકિસ્તાન પાસેથી ખરીદશે. આ એક ખૂબ જ મોટા સમાચાર છે જે ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે."
નજમ સેઠીએ કહ્યું, "પાકિસ્તાન માત્ર જૅટ જ નહીં પરંતુ તેની તાલીમ પણ આપશે."
તેઓ કહે છે, "તાલીમમાં માત્ર તાલીમ નથી હોતી. તેનાથી ભાઈચારો પણ વધે છે. આવતીકાલે આપણે બાંગ્લાદેશને જૅટ સોંપીશું ત્યારે ખૂબ જ મજબૂત સંબંધ બંધાશે. પાકિસ્તાનના રોકાણકારો માટે બાંગ્લાદેશ ફરી એક સારું સ્થળ બનશે. મને લાગે છે કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતના તમામ પડોશીઓ તેની વિરુદ્ધ થઈ રહ્યા છે. ભારતને લાગે છે કે તેની વિદેશ નીતિ નિષ્ફળ રહી છે."
ભારત પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનું માનવું છે કે બાંગ્લાદેશના લોકો વિશે એવી ધારણા ફેલાવવામાં આવી હતી કે તેઓ પાકિસ્તાન વિરોધી છે.
અબ્દુલ બાસિતે પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ એબીએનને કહ્યું, "હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે બાંગ્લાદેશના લોકો પાકિસ્તાનને પસંદ કરે છે. ભારતની મુશ્કેલીઓ તો વધવાની જ હતી. હવે બંને દેશો વચ્ચે સરહદે અથડામણ પણ થઈ રહી છે. ભારતને હવે સમજાઈ ગયું છે કે તે પાકિસ્તાન સાથેની બાંગ્લાદેશની વધતી નિકટતાને રોકી શકે તેમ નથી."
અબ્દુલ બાસિતનું માનવું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વધતી જતી નિકટતાને કારણે ભારત તાલિબાનની નજીક જવા લાગ્યું છે.
બાસિતે કહ્યું, "હવે ભારત આપણા માટે પશ્ચિમી મોરચો ફરીથી ખોલવા માંગે છે. બાંગ્લાદેશમાં ચૂંટણી સુધી આ સરકાર રહેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સાથેના સંબંધોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. અમારા વિદેશ મંત્રી આવતા મહિને બાંગ્લાદેશ જઈ રહ્યા છે. બાંગ્લાદેશથી લશ્કરી જનરલનું આગમન ભારત માટે મોટો સંદેશ છે. બાંગ્લાદેશ ભૂતકાળમાંથી આગળ વધવાની વાત કરે છે. મને આશા છે કે અમે આ તકને નહીં ગુમાવીએ."
થિંક ટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સ્ટડીઝ અને ફૉરેન પૉલિસીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર હર્ષ પંત પણ માને છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતો સૈન્ય સહયોગ ભારત માટે મુશ્કેલી વધારી શકે છે.
પ્રોફેસર પંત કહે છે, "બાંગ્લાદેશે નક્કી કરવાનું છે કે તેણે કઈ દિશામાં જવું છે. જો તેનો ઉદ્દેશ્ય ભારતના વિરોધના નામે પાકિસ્તાન સાથે મિત્રતા વધારવાનો હોય તો તેને અજમાવી જોતા કોણ રોકવાનું છે. શેખ હસીનાના સમયમાં પણ બાંગ્લાદેશ અને ચીન વચ્ચે લશ્કરી સહયોગ હતો. બાંગ્લાદેશ અને ચીન વચ્ચેની સૈન્ય ભાગીદારીને ભારત જોઈ શકતું હોય તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વધતા લશ્કરી સહયોગથી ભારતને શું થવાનું છે."
ભારતના વિરોધના નામે મિત્રતા?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર પંત કહે છે, "બાંગ્લાદેશનું નિર્માણ બંગાળી રાષ્ટ્રવાદના આધારે થયું હતું. આ રાષ્ટ્રવાદ પાકિસ્તાન વિરુદ્ધ હતો. જો બાંગ્લાદેશના આજના નેતાઓને લાગે છે કે પાકિસ્તાનની નજીક જવાથી તેમને મજબૂતી મળશે, તો આ વિચારને કોણ રોકી શકે? બાંગ્લાદેશે નક્કી કરવાનું છે કે તેણે કોની મદદ લેવી જોઈએ. જો બાંગ્લાદેશને એવું લાગતું હોય કે પાકિસ્તાન પાસેથી તેમને કંઈક મળી શકે છે, તો તે લઈ શકે છે."
બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન પાકિસ્તાન પ્રત્યે ખૂબ જ કડક હતા. શેખ મુજીબુર રહેમાને બાંગ્લાદેશને માન્યતા ન મળે ત્યાં સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (જેઓ પછી વડા પ્રધાન બન્યા) સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાન પણ શરૂઆતમાં બાંગ્લાદેશની સ્વતંત્રતાને નકારતું હતું.
પરંતુ પાકિસ્તાનના વલણમાં અચાનક પરિવર્તન આવ્યું. ફેબ્રુઆરી 1974માં લાહોરમાં ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉન્ફરન્સની સમિટ યોજાઈ હતી. તે વખતે ભુટ્ટો વડા પ્રધાન હતા અને તેમણે મુજીબુર રહેમાનને પણ ઔપચારિક આમંત્રણ મોકલ્યું હતું.
પહેલાં તો મુજીબે તેમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ બાદમાં તેને સ્વીકારી લીધું. 22 ફેબ્રુઆરી 1974ના રોજ પાકિસ્તાને બાંગ્લાદેશને માન્યતા આપી હતી. ભુટ્ટોએ ઓઆઈસીની સમિટમાં જ આ માન્યતાની જાહેરાત કરી હતી.
બાંગ્લાદેશ છોડીને આવેલાં લેખિકા તસલીમા નસરીન માને છે કે શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં પાકિસ્તાન માટે ઉત્સાહ વધ્યો છે.
તસલીમા નસરીને લખ્યું છે કે, "થોડા મહિના અગાઉ બાંગ્લાદેશમાં બંગાળી ભાષી પાકિસ્તાન સમર્થકોએ મોહમ્મદ અલી ઝીણાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ ઝીણાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ઝીણા માટે અચાનક પ્રેમ વધી ગયો છે? હકીકતમાં ઝીણા માટે આ પ્રેમ નવો નથી, તે શરૂઆતથી જ હતો."
તેઓ લખે છે, "બાંગ્લા ભાષા બોલતા આ મુસ્લિમો વ્યાપક ઇસ્લામિક વિશ્વની વિચારસરણીથી પ્રેરિત છે. હું તેમને જાણીજોઈને બંગાળી ભાષી કહીશ, બંગાળી નહીં, કારણ કે બંગાળી બોલતી દરેક વ્યક્તિ બંગાળી ન હોઈ શકે. સાચો બંગાળી તે હશે જે બંગાળી સંસ્કૃતિને પ્રેમ કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















