લોકસભા ચૂંટણી: ગુજરાતમાં મતદાન ક્યારે અને પરિણામ ક્યારે આવશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થવાનો છે.

લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે.

ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી થશે.

પહેલો તબક્કો (21 રાજ્યોની 102 સીટ માટે ચૂંટણી થશે)

  • 20 માર્ચે નોટિફિકેશન બહાર પડશે.
  • 19 એપ્રિલે મતદાન થશે.

બીજો તબક્કો (13 રાજ્યોની 89 સીટ માટે ચૂંટણી થશે)

  • 28 માર્ચે નોટિફિકેશન બહાર પડશે.
  • 26 એપ્રિલે મતદાન થશે.

ત્રીજો તબક્કો (12 રાજ્યોની 94 સીટ પર ચૂંટણી થશે)

  • 12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
  • 7 મેના રોજ મતદાન થશે.

ચોથો તબક્કો (10 રાજ્યોની 96 સીટ માટે ચૂંટણી થશે)

  • 18 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
  • 13 મેના રોજ મતદાન થશે.

પાંચમો તબક્કો (8 રાજ્યોની 49 સીટ પર ચૂંટણી થશે)

  • 26 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
  • 20 મેના રોજ મતદાન થશે.

છઠો તબક્કો (7 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી થશે)

  • 29 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
  • 25 મેના રોજ મતદાન થશે.

સાતમો તબક્કો (13 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી થશે)

  • 7 મેના રોજ નોટિફિકેશન બહાર પડશે.
  • 1 જૂને મતદાન થશે.

વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?

  • અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે ચૂંટણી થશે. 20 માર્ચે નોટિફિકેશન જાહેર થશે.
  • સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે.
  • આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી થશે.
  • ઓડિશામાં પહેલા તબક્કાનું મતદાન 13 મે અને બીજા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે.
  • ત્રણ તબક્કામાં 26 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થશે. આ ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે થશે. ગુજરાતમાં પણ પેટાચૂંટણી યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ચૂંટણીનું એલાન કરતા કહ્યું હતું કે, "દુનિયાના સૌથી મોટા અને જીવંત લોકતંત્ર પર બધાની નજર છે. અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. ભારતમાં ચૂંટણી એક તહેવાર છે."

પત્રકારપરિષદમાં જણાવાયું કે દેશમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. તેમજ દેશની બાકી પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

પત્રકારપરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશકુમાર સમેત વરિષ્ઠ ચૂંટણી અધિકારીઓ હાજર છે.

રાજીવકુમારે ચૂંટણીની તૈયારીનો ઉલ્લેખ કરીને પડકારો અંગે પણ વાત કરી હતી.

રાજીવકુમારે કહ્યું કે અમારે ચાર ‘એમ’ સામે લડવું પડશે. આ પડકાર છે- મસલ્સ (બાહુબલ), મની (પૈસા), મિસઇન્ફર્મેશન (ખોટી માહિતી) અને એમસીસી (આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન).

પત્રકારપરિષદની ખાસ વાતો

  • 17મી લોકસભા 16 જૂને સમાપ્ત થઈ રહી છે
  • જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થવાની બાકી છે
  • આ સિવાય આંધ્રપ્રદેશ, સિક્કિમ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં પણ ચૂંટણી થવાની છે
  • 2024 લોકસભા ચૂંટણીમાં 97 કરોડ મતદારો નોંધાયા છે
  • 10.5 લાખ મતદાનકેન્દ્ર છે
  • અંદાજે એક કરોડ 82 લાખ નવા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે
  • 21થી 31 વર્ષના મતદારોની સંખ્યા અંદાજે 19 કરોડ 70 લાખ છે
  • 85 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 82 લાખ છે
  • અંદાજે 88 લાખ વિકલાંગ મતદાતા છે, તેમના માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે
  • દેશભરમાં 800 જિલ્લામાં અમે એસપી, ડીએમ, કમિશનર, પાર્ટીઓ, નિરીક્ષણ એજન્સીઓ સાથે મુલાકાત કરીને તૈયારીની સમીક્ષા કરી છે

‘એનડીએ’ અને ‘ઇન્ડિયા’ વચ્ચે મુકાબલો

2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વ હેઠળના ‘એનડીએ’ અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે છે.

એનડીએમાં જનતા દળ (યુનાઇટેડ), જનતા દળ (સેક્યુલર), લોકજનશક્તિ પાર્ટી, અપના દળ, તેલુગુ દેશમ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ, શિવસેના (શિંદે જૂથ) જેવા પક્ષો સામેલ છે.

જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, ડીઅમકે, શિવસેના (ઠાકરે જૂથ), એનસીપી (શરદ પવાર) ડાબેરી પક્ષો, ઝારખંડ મુક્તિ મોરચા જેવા પક્ષો સામેલ છે.

નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા, જમ્મુ કાશ્મીરની કલમ 370 હઠાવવી જેવા મુદ્દાઓને આગળ કરી રહ્યું છે.

વડા પ્રધાન મોદી અને ભાજપ ‘અબકી બાર 400 પાર’નો નારો આપી રહ્યા છે અને આ વખતે એનડીએ ગઠબંધન 400થી વધુ બેઠકો જીતીને આવશે એવો દાવો કરી રહ્યા છે.

તો બીજી તરફ ‘ઇન્ડિયા’ ગઠબંધન બેરોજગારી, મોંઘવારી, બંધારણીય સંસ્થાઓ નબળી પડવી, જાતિગત જનગણના જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે.

લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોની કેવી છે તૈયારી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓ ‘પહેલેથી જ ઇલેક્શન મોડ’માં હોય તેવું પ્રતીત થાય છે. વડા પ્રધાન મોદી એક પછી એક રાજ્યોની મુલાકાતો લઈને સભાઓ સંબોધી રહ્યા છે.

બીજી તરફ કૉંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું જે દેશનાં 15 રાજ્યોમાંથી પસાર થઈ હતી.

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી, પંજાબ અને ગુજરાતમાં ભગવંત માન સાથે ચૂંટણીપ્રચારની શરૂઆત કરતા કાર્યક્રમો કર્યા હતા.

તો પટણાના ગાંધી મેદાનમાં વિપક્ષી દળોએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક વિશાળ સંયુક્ત રેલીનું આયોજન કર્યું હતું, જેમાં અનેક પક્ષોના નેતાઓ સામેલ થયા હતા.

લોકસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

કૉંગ્રેસે અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 37 ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ચાર, ગુજરાતમાં બે અને પંજાબમાં આઠ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.

2019ની લોકસભા ચૂંટણી

2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વાર પૂર્ણ બહુમતીથી સત્તા હાંસલ કરી હતી અને નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા.

ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તેમને મળેલા મતોની ટકાવારી 37.36 ટકા હતી. એનડીએ ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી.

મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે ફરી એક વાર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 52 બેઠકો મળી હતી. તેમની મતોની ટકાવારી 19.49 ટકા હતી. કૉંગ્રેસને દસ ટકા બેઠકો મળી ન હોવાથી તેમને વિપક્ષ તરીકે પણ સ્થાન મળ્યું નહોતું.

તો તૃણમૂલ કૉંગ્રેસને 22 બેઠકો, ડીએમકેને 24 બેઠકો, વાયએસઆર કૉંગ્રેસને 22 બેઠકો, બીજુ જનતા દળને 12 બેઠકો મળી હતી.

2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.