You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, નગરસેવકથી શરૂ થયેલી સફર
- લેેખક, મયૂરેશ કોણ્ણુર અને દીપાલી જગતાપ
- પદ, બીબીસી સંવાદદાતા
ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તો શિવસેના (શિંદે જૂથ)ના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપી (અજિત પવાર) પ્રમુખ અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
આ શપથગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયો હતો.
શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બરાબર ચાર મહિના પહેલાંના લોકસભા ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં દસના આંકને પણ સ્પર્શી શકી ન હતી. તેથી એ પરિણામ પછી દેવેન્દ્ર ફડણવીસના રાજકીય ભવિષ્ય બાબતે જાતજાતનું અનુમાન કરવામાં આવતું હતું.
એક અનુમાન એવું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપી શકે છે અથવા તેમને પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવે તે પણ શક્ય છે.
જોકે, ક્રિકેટની માફક રાજકારણમાં પણ ક્યારેય, કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલી મોટી જીત પછી દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વાર મુખ્ય મંત્રી બન્યા છે.
દેવેન્દ્ર ફડણવીસનું 2019નું એક નિવેદન સોશિયલ મીડિયામાં છવાયેલું રહે છે, જેમાં તેમણે કહ્યું હતું, “મૈં સમંદર હૂં, લૌટ કર આઉંગા.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ સાથે ઘનિષ્ઠ સંબંધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તો ફડણવીસને સારો સંબંધ છે જ. એ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના માનીતા પણ છે. તેમની ગણતરી ભાજપમાં રાષ્ટ્રીય સ્તરના મોટા નેતાઓમાં પણ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકસભાની ચૂંટણીમાં ભાજપે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેની નારાજગીથી મોટું નુકસાન સહન કર્યું હતું.
મરાઠવાડા સહિતની મહારાષ્ટ્રની પોતાની મોટા ભાગની બેઠકો ભાજપે ગુમાવી હતી અને જીતનો આંકડો 10 સુધી પહોંચી શક્યો ન હતો.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપનો આ મોટો પરાજય ફડણવીસ માટે અનેક અર્થમાં મોટી રાજકીય હાર હતો. એ ચૂંટણી દરમિયાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા. તેમ છતાં ફડણવીસને મહાયુતિના નેતા ગણવામાં આવતા હતા.
એ પરાજયની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે પણ લીધી હતી. તેમણે નાયબ મુખ્ય મંત્રીપદ છોડીને પક્ષ માટે કામ કરવાની ઑફર કરી હતી.
એ સમય દરમિયાન એવી વાત પણ કહેવાતી હતી કે નાયબ મુખ્ય મંત્રી હોવા છતાં પરાજયનો દોષ તેમને આપવામાં આવી રહ્યો હોવાથી ફડણવીસ નારાજ હતા.
લોકસભા ચૂંટણી પછી પણ ભાજપે ફડણવીસને સરકાર બહાર જવા દીધા ન હતા. ફડણવીસ મહારાષ્ટ્ર સરકાર સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ એ પછી તેમણે પોતાનો ગિયર શિફ્ટ કર્યો હતો.
લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયને પાછળ છોડવા ફડણવીસ દરેક દાવ ખેલવા ઇચ્છતા હતા.
પાછલા કેટલાક મહિનામાં મહારાષ્ટ્રના રાજકારણે અનેક પરિવર્તન જોયાં છે. ખાસ કરીને ભાજપના રાજકારણમાં પણ પરિવર્તન થયું છે.
એ દરમિયાન લોકસભાની ચૂંટણીમાં પરાજય પછી પણ દેવેન્દ્ર ફડણવીસની ટીકા થતી રહી હતી. તેમને દિલ્હી મોકલવામાં આવશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે અથવા કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે, એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ આરએસએસના પદાધિકારીઓ સાથે બેઠક કરતા રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી દરમિયાન આરએસએસ સક્રિય ન હતો, એવું કહેવાતું હતું. ફડણવીસની બેઠકો પછી આરએસએસની ટીમ સક્રિય થઈ હતી.
રાજ્યમાં નેતૃત્વની જવાબદારી સામૂહિક સ્તરે હશે એવી ચર્ચા પણ શરૂ થઈ હતી, પરંતુ આખરે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને આરએસએસના હસ્તક્ષેપને કારણે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વનો દૌર ફડણવીસના હાથમાં જ રહ્યો હતો.
ચૂંટણીપ્રચાર દરમિયાન અમિત શાહના પ્રવાસ, મુખ્ય મંત્રી એકનાથ શિંદેનો ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે મેળાપ, ક્યારેક અજિત પવારની નારાજગી અને ભાજપની અંદર જ ફડણવીસ વિરુદ્ધ એક જૂથની વધતી સક્રિયતા, આ બધાનો સામનો કરીને દેવેન્દ્ર ફડણવીસ ખુદને વિધાનસભા ચૂંટણીના કેન્દ્રમાં રાખવામાં સફળ થયા હતા.
દેવેન્દ્ર ફડણવીસનો પ્રભાવ ખાસ કરીને ઉમેદવારોની પસંદગીમાં જોવા મળ્યો હતો. ભાજપ મહાયુતિ સાથે વાતચીત કરીને સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડવામાં સફળ થઈ હતી.
મરાઠા અનામત અને ઓબીસીનો મુદ્દો કેવી રીતે સંભાળ્યો?
લોકસભાની ચૂંટણીમાં ભાજપે મરાઠા અનામતના મુદ્દે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભામાં અનામતના મુદ્દે જ્યારે પણ કોઈ વાત નીકળી ત્યારે ભાજપ મનોજ જરાંગેને જવાબ આપતાં બચતો જોવા મળ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસની નજીકના નેતા પ્રસાદ લાડ અને પ્રવીણ દરેકરે એવો સવાલ ઉઠાવ્યો હતો કે જરાંગે માત્ર ફડણવીસને જ નિશાન બનાવે છે.
એ દરમિયાન લક્ષ્મણ હાકેનું આંદોલન શરૂ થયું હતું. એક તરફ મનોજ જરાંગે મરાઠા અનામત માટે આંદોલન કરતા હતા, જ્યારે બીજી તરફ લક્ષ્મણ હાકેએ તેના વિરોધમાં ઓબીસી અધિકાર માટે આંદોલન શરૂ કર્યું હતું.
ફડણવીસે મનોજ જરાંગે વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું ન હતું, પરંતુ લક્ષ્મણ હાકેએ અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મનોજ જરાંગેની આકરી ટીકા શરૂ કરી હતી.
મનોજ જરાંગેની પાછળ કોનો હાથ છે, એવો સવાલ પૂછવામાં આવતો હતો તેમ એવો પ્રશ્ન પણ પુછાતો થયો હતો કે લક્ષ્મણ હાકેની પાછળ કોનો હાથ છે. જોકે, આ બન્ને સવાલના જવાબ તે બેમાંથી કોઈએ હજુ સુધી આપ્યા નથી.
લક્ષ્મણ હાકેના આંદોલનની અસર વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં કેટલીક હદે ઓબીસી મતનું એકીકરણ થયું છે.
આ ઘટનાક્રમનું પરિણામ એ આવ્યું કે દેવેન્દ્ર ફડણવીસની આકરી ટીકાને કારણે ભાજપ અને ફડણવીસના ટેકેદારોમાં તેમના માટે થોડી સહાનુભૂતિ સર્જાઈ હતી તેમજ મનોજ જરાંગેની ભૂમિકા બાબતે પણ મતદારોના મનમાં શંકા સર્જાવા લાગી હતી.
વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના પ્રચાર માટે પણ કેટલાંક અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં. એ પ્રચાર અભિયાન દરમિયાન એવા નારા લગાવવામાં આવ્યા હતા કે “(ફડણવીસ) બહુજનના હિત માટે આગળ આવ્યા એટલે તેમને નિશાન બનાવવામાં આવ્યા.”
હિન્દુત્વનો મુદ્દો ચુપચાપ ઉઠાવતા રહ્યા
દેવેન્દ્ર ફડણવીસે આરએસએસ તથા હિન્દુ સંગઠનો સાથે મળીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હિન્દુત્વના મુદ્દા ફરી ચર્ચાનો વિષય બનાવ્યો હતો.
અલબત્ત, નીતેશ રાણે અને હિન્દુ જાગૃતિ કૂચને રોકવામાં આવી હતી, પરંતુ ફડણવીસે હિન્દુ સંગઠનોનો ઉપયોગ કરીને આ મુદ્દા ઉઠાવ્યા હતા, જેની ગ્રામ્ય મતદારો પર અસર પણ થઈ હતી.
દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીપ્રચાર દરમિયાન ‘વોટ જેહાદ’નો મુદ્દો પણ વારંવાર ઉઠાવ્યો હતો. તેઓ એ મુદ્દે સતત વાત કરતા રહ્યા હતા.
તેમણે કહેલું કે મુસલમાનો એક થઈને મતદાન કરી શકતા હોય તો હિન્દુઓએ પણ એક થઈને મતદાન કરવું જોઈએ. મહાયુતિને ચૂંટણીમાં તેનાથી પણ લાભ થયો હતો.
એ સિવાય મહારાષ્ટ્ર સરકાર લાડકી બહિણ અને અન્ય અનેક યોજનાઓ લાવી હતી. ફડણવીસે એ યોજનાઓ મારફત સમગ્ર રાજ્યમાં પોતાની ઈમેજ “દેવાભાઉ” તરીકે બનાવવાના પ્રયાસ કર્યા હતા.
લોકસભાની ચૂંટણી વખતે જેમણે મતદાન કર્યું ન હતું, એવા મતદારોને આરએસએસની મદદથી મતદાન કેન્દ્ર સુધી લાવવાના અને પક્ષની તરફેણમાં મતદાન કરાવવાના પ્રયાસ પણ તેમણે કર્યા હતા.
નગરસેવક, મેયર, વિધાનસભ્ય, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી
દેવેન્દ્ર ફડણવીસ 30થી વધુ વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેમણે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓની સરખામણીએ ઓછી વયે રાજકારણી તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને અન્યોની તુલનાએ અનેક પદ વહેલાં પ્રાપ્ત કર્યાં છે.
તેઓ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પિતા ગંગાધર ફડણવીસ ભાજપના અગ્રણી નેતા હતા. તેઓ વર્ષો સુધી વિધાનપરિષદના સભ્ય હતા. પિતાનું અવસાન થયું ત્યારે દેવેન્દ્ર ફડણવીસ 17 વર્ષના હતા. ગંગાધર ફડણવીસના મૃત્યુ પછી ખાલી થયેલી વિધાનપરિષદની બેઠક પર નીતિન ગડકરી ચૂંટાયા હતા.
પહેલી ગઠબંધન સરકારમાં નાગરિક પુરવઠામંત્રી રહેલા શોભાતાઈ ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસનાં કાકી છે.
વિદ્યાર્થી જીવન દરમિયાન દેવેન્દ્ર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા, પરંતુ તેઓ ટૂંક સમયમાં જ ગડકરીને નેતૃત્વ હેઠળ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. 1992માં 22 વર્ષની વયે તેઓ પહેલી વાર નાગપુર મહાનગરપાલિકામાં નગરસેવક બન્યા હતા.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ત્યાંથી થઈ હતી. તેમના એ કાર્યકાળ વિશે વાત કરતાં મહારાષ્ટ્ર ટાઇમ્સના નાગપુરના સંપાદક શ્રીપાદ અપરાજિત કહે છે, “રાજકારણમાં દેવેન્દ્ર ફડણવીસનો પ્રવેશ અન્ય નેતાઓની સરખામણીએ આસાન હતો, પરંતુ રાજકારણમાં તેમની યાત્રા મુશ્કેલ રહી છે.”
“તેઓ 1992માં નગરસેવક તરીકે ચૂંટાયા હતા. વાસ્તવમાં એ ચૂંટણી 1989માં થવાની હતી અને એ સમયે તેમની વય ચૂંટણી લડવા જેટલી ન હતી. ચૂંટણી 1992માં થઈ એ મામલે તેઓ ભાગ્યશાળી હતા.”
ફડણવીસ ટૂંક સમયમાં જ નાગપુરના મેયર બની ગયા હતા, પરંતુ તેમનું લક્ષ્ય તેનાથી મોટું હતું. 1999માં શિવસેના-ભાજપ યુતિએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ફડણવીસ પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયા હતા.
દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારે નાગપુર તથા વિદર્ભમાં નીતિન ગડકરી ભાજપના દિગ્ગજ નેતા હતા. ફડણવીસે ગડકરીની આંગળી પકડીને રાજકારણમાં આગળ વધવાનું શરૂ કર્યું હતું.
એ પછી ભાજપમાં બદલાયેલાં સમીકરણમાં ફડણવીસે ગડકરીનો સાથ છોડીને ગોપીનાથ મુંડેનો હાથ પકડ્યો હતો. આ જૂથ સાથે રહીને ફડણવીસ 2013માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવામાં સફળ થયા હતા.
નાગપુરના રહેવાસી દેવેન્દ્ર ફડણવીસને આરએસએસના વફાદાર માનવામાં આવે છે. તેમના માટે આ વાત લાભકારક સાબિત થઈ છે. બીજી વાત એ છે કે 2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપનું નેતૃત્વ નીતિન ગડકરીના હાથમાં નહીં, પરંતુ નરેન્દ્ર મોદી-અમિત શાહના હાથમાં હતું.
એ ઉપરાંત ભાજપ જે રાજ્યોમાં ચૂંટણી જીતતો હતો એ રાજ્યોમાં અલગ રીતે ચહેરાઓની પસંદગી કરતો હતો.
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર બિન-જાટ છે. ઝારખંડમાં રઘુબર દાસ આદિવાસી નથી અને દેવેન્દ્ર ફડણવીસ મરાઠા નથી. આ બધાને મુખ્ય મંત્રીપદ મળ્યું છે.
2019 પછી દેવેન્દ્ર ફડણવીસ બદલાઈ ગયા છે?
નવેમ્બર 2019માં ભાજપ અને મહારાષ્ટ્રનું રાજકારણ દેવેન્દ્ર ફડણવીસની આસપાસ કેન્દ્રિત હતું ત્યારે એક મોટો રાજકીય વળાંક આવ્યો હતો. ફડણવીસ મહારાષ્ટ્રના રાજકારણમાં એવું પરિવર્તન લાવ્યાં હતાં, જે આજે પાંચ વર્ષ પછી પણ ચર્ચાનો વિષય છે.
સવાલ એ છે કે તે ઘટનાથી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના રાજકારણમાં પરિવર્તન આવ્યું છે?
ભાજપ અને શિવસેના સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ મુખ્ય મંત્રીપદ બાબતે સહમતિ સાધી શકાઈ ન હતી. એ પછી શિવસેનાએ ભાજપ સાથે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર તથા કૉંગ્રેસ સાથે હાથ મિલાવીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવી હતી. એવું મહારાષ્ટ્રમાં અગાઉ ક્યારેય થયું ન હતું. 105 વિધાનસભ્યો અને ગઠબંધનની સ્પષ્ટ બહુમતી પછી એ લગભગ નક્કી થઈ ગયું હતું કે ભાજપ સત્તાથી બહાર રહેશે.
અગાઉના પાંચ વર્ષ મુખ્ય મંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસે એ સ્થિતિમાં 2019ની 23 નવેમ્બરે સવારે અચાનક મુખ્ય મંત્રી તરીકે સોગંદ લીધી હતા. તેમની સાથે અજિત પવારે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ પ્રક્રિયામાં કોણ-કોણ સામેલ હતું? ભાજપ તરફથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકા શું હતી? શરદ પવાર આ યોજના બાબતે અગાઉ સહમત હતા? અજિત પવારે આટલા દૂર સુધી જવાનો નિર્ણય શા માટે કર્યો હતો? આ સવાલોના જવાબ આજે પણ અધૂરા છે, પરંતુ એ ઘટનાઓના કેન્દ્રમાં દેવેન્દ્ર ફડણવીસ હતા.
એ પછી ફડણવીસે અનેક પ્રસંગે કહ્યું હતું કે “ઉદ્ધવ ઠાકરેએ ટેકો આપવાનો ઇનકાર કરીને મારી પીઠમાં છરો ભોંક્યો હતો” અને “શરદ પવાર ભાજપ-રાષ્ટ્રવાદી ગઠબંધન માટે પહેલાં સહમત હતાં, પરંતુ બાદમાં તેમણે પીછેહઠ કરી હતી.”
ફડણવીસના ટેકેદારો માને છે કે રાજકારણમાં તાકાત દેખાડવા માટે આવાં પગલાં લેવામાં આવે છે, પરંતુ ભાજપ-રાષ્ટ્રવાદીની સરકાર માત્ર 80 કલાક ચાલી હતી. એ પછી સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જવા બદલ ફડણવીસ અને ભાજપની ટીકા થઈ હતી.
એ પછી ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા હતા અને ફડણવીસ વિરોધ પક્ષના નેતા. તેમના આક્રમક રાજકારણે રાજ્ય સરકાર માટે અનેક વખત મુશ્કેલી સર્જી હતી.
જૂન 2022માં વિધાનપરિષદની ચૂંટણી પછી શિવસેનામાં બળવો થયો હતો. એકનાથ શિંદે અને 40 વિધાનસભ્યો પક્ષ છોડીને ચાલ્યા ગયા હતા. એ કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર તૂટી પડી હતી, પરંતુ બધાની નજર દેવેન્દ્ર ફડણવીસ પર હતી.
શિંદે અને ભાજપ મળીને સરકાર બનાવશે એવું સ્પષ્ટ થયું પછી એવું ધારવામાં આવતું હતું કે ફડણવીસ જ મુખ્ય મંત્રી બનશે, પરંતુ એવું થયું નહીં. ફડણવીસે જાતે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનશે. તેને ફડણવીસના રાજકારણ માટે મોટો આંચકો માનવામાં આવ્યો હતો.
અલબત્ત, તેમણે કહેલું કે પક્ષ અને સંગઠનનો નિર્ણય સર્વોપરી છે, પરંતુ તેમની અપેક્ષા કંઈક ઔર હતી એ પણ સ્પષ્ટ થયું હતું.
નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહેવાથી ફડણવીસ નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા. નવા ગઠબંધનમાં પણ સત્તાનું કેન્દ્ર બની રહેલી શિવસેનામાં ભંગાણના થોડા મહિના પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં પણ વિભાજન થયું હતું અને અજિત પવાર આ ગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા. ફડણવીસને પોતાની જ સરકારમાં વધુ એક પ્રતિસ્પર્ધી મળ્યો હતો.
મહારાષ્ટ્રના રાજકારણમાં પક્ષો વચ્ચે આવું વિભાજન અગાઉ ક્યારેય થયું ન હતું. શિંદે અને અજિત પવારે પોતપોતાના પક્ષોમાં બળવો કર્યો હતો, પરંતુ બધાની નજર ભાજપ અને ફડણવીસ પર જ રહી હતી.
એકનાથ શિંદે વિધાનસભામાં મજાકના સ્વરમાં કહેલું કે આ સમગ્ર નાટકના અસલી અભિનેતા દેવેન્દ્ર ફડણવીસ છે. ફડણવીસનું એક નિવેદન પણ બહુ ચર્ચાયું હતું, જેમાં તેમણે કહ્યું હતું, “મને પાછો આવવામાં અઢી વર્ષ થયાં, પરંતુ હું આવ્યો અને બે પક્ષ તોડ્યા.”
આ ઘટનાઓની ગંભીર અસર મહારાષ્ટ્રના મતદારો પર થઈ હતી. ભાજપ અને ફડણવીસની ઈમેજમાં સ્પષ્ટ બદલાવ જોવા મળ્યો. અજિત પવાર અને શિંદે જેવા મરાઠા નેતાઓ સાથે હાથ મિલાવવાને કારણે ભાજપની પરંપરાગત વોટબૅન્ક પર પણ અસર થઈ.
રાજકીય વિશ્લેષક અભય દેશપાંડે કહે છે, “2019 પહેલાના ફડણવીસ અને એ પછીના ફડણવીસમાં સ્પષ્ટ ફરક છે. અગાઉ ફડણવીસની ઈમેજ એક સારા વહીવટકર્તા અને સંવેદનશીલ નેતાની હતી, પરંતુ 2019ની ચૂંટણી નજીક આવી, બીજા પક્ષોના નેતાઓ ભાજપમાં આવવા લાગ્યા એ સાથે તેમની ઈમેજ બદલાઈ ગઈ. ફડણવીસે જેમના વિરુદ્ધ રાજકારણ કર્યું હતું તેમને જ પક્ષમાં સામેલ કરવા સાથે આ બદલાવ શરૂ થયો હતો.”
તેઓ કહે છે, “છેલ્લા એક વર્ષમાં મરાઠા રાજકારણમાં ફડણવીસને ખલનાયક તરીકે જોવામાં આવ્યા હતા. મરાઠા અને ઓબીસી વિવાદના કેન્દ્રમાં તેઓ રહ્યા હતા. વાસ્તવમાં માત્ર તેમની સામે આંગળી ચીંધવાનું કોઈ નક્કર કારણ ન હતું, પરંતુ સાચું કે ખોટું જે કંઈ હોય, ફડણવીસની મુશ્કેલી જરૂર વધી હતી.”
2024ની લોકસભાની ચૂંટણીમાં મરાઠા અનામતની સ્પષ્ટ અસર ભાજપ પર થઈ હતી. દરેક જગ્યાએ પક્ષે પીછેહઠ કરવી પડી હતી. એ પરિણામની જવાબદારી લઈને ફડણવીસે સરકારમાંથી નીકળી જઈને સંગઠનમાં કામ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સચ્ચાઈ એ પણ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ કે મહાયુતિ પાસે દેવેન્દ્ર ફડણવીસ જેવો શક્તિશાળી અન્ય કોઈ નેતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન