You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના કાપડ વેપારીઓ મહારાષ્ટ્રમાં કેમ શિફ્ટ થઈ રહ્યા છે?
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત તેના કાપડ ઉદ્યોગને લઈ સિલ્ક સિટી તરીકે વિશ્વવિખ્યાત છે. શહેરનું કાપડ ઉદ્યોગ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ભારતમાં થતા કાપડના કુલ ઉત્પાદનમાં સુરતનો મોટો હિસ્સો છે. ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ઍસોસિએશન (ફોસ્ટા) અનુસાર શહેરમાંથી દર વર્ષ 500 કરોડ રૂપિયાથી વધુના કાપડની નિકાસ થાય છે.
દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ ઍસોસિયેશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા અનુસાર સુરતમાં દરરોજ સાડા ચારથી પાંચ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. કાપડ ઉત્પાદન પ્રક્રિયા ડાઈંગ, બ્લીચિંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગની વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે.
તેઓ જણાવે છે કે, સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે 400 જેટલાં ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ એકમો આવેલાં છે. આ એકમો પાંડેસરા, સચિન, કડોદરા, પલસાણા, કીમ, સાયણ વિસ્તારોમાં આવેલાં છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''જોકે, ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સામે રાજ્ય સરકારની પૉલિસી અને ઉદ્યોગકારોને પડતી સમસ્યાઓના કારણે શહેરના કેટલાક વેપારીઓ અહીંથી આશરે 100 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના નવાપુર ખાતે રોકાણ કરી રહ્યા છે.''
નવાપુરમાં જે એકમો સ્થાપવામાં આવ્યાં છે તેઓ મોટાભાગે જૉબવર્ક આધારિત છે અને ગ્રે-ફૅબ્રિક્સનું ઉત્પાદન કરે છે. નવાપુરમાં સુરતના ઉદ્યોગકારોના રોકાણના કારણે સ્થાનિકો માટે વિપુલ તકો ઊભી થઈ છે. ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના કારણે અહીં હજારો લોકોને સીધી રોજગાર મળી રહી છે.
નવાપુરમાં કરોડોનું રોકાણ કેમ?
સુરતનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ હવે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરમાં વિકસી રહ્યો છે. નવાપુરની એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ની ઔદ્યોગિક વિસ્તારમાં સુરતના કેટલાક ઉદ્યોગકારોએ પોતાનાં યુનિટો શરૂ કર્યાંં છે.
હાલમાં સુરતના વેપારીઓએ નવાપુરમાં પાવરલૂમ, જેટ મશીન, હાઇસ્પીડ રેપિયર અને જેકાર્ડના યુનિટો ચલાવી રહ્યાં છે. આ યુનિટોમાં અલગઅલગ પ્રકારનાં કાપડનું ઉત્પાદન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવાપુર એમઆઇડીસીના પ્રમુખ ઈશ્વર પાટીલ બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, ''નવાપુરમાં ગુજરાતના વ્યાપારીઓ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. હાલ નવાપુરમાં 130 જેટલાં યુનિટ કાર્યરત છે, જેમાંથી 125 જેટલાં યુનિટના માલિકો સુરતના છે.''
''સાલ 2014થી નવાપુરમાં ટેક્સ્ટાઇલ યુનિટ નાખવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં આશરે એક હજાર કરોડથી વધુનું રોકાણ ગુજરાતી વ્યાપારીઓએ નવાપુરમાં કર્યું છે. રોકાણના કારણે અહીં રોજગારીની તકો ઊભી થઈ છે.''
ગુજરાતના વેપારીઓનું મહારાષ્ટ્રમાં ઉદ્યોગ પાછળનું કારણ જણાવતાં ઈશ્વર પાટીલે કહે છે કે, ''ગુજરાતની સરખામણીમાં અહીં જમીન અને વીજળી સસ્તી છે. એમઆઈડીસીમાં 27 એચપી (હોર્સપાવર) સુધીના કનેક્શન હોય તો પ્રતિ યુનિટ ત્રણ રૂપિયા અને અને 27થી 200 એચપી સુધીના કનેક્શન પર 5.30 પ્રતિ યુનિટ પાવર સબસિડી મળે છે. જ્યારે ગુજરાતમાં પ્રતિ યુનિટ માટે 8થી 8.5 રૂપિયા ચૂકવવા પડે છે.''
મહારાષ્ટ્રની ટેક્સ્ટાઇલ પૉલિસી પણ જવાબદાર
નવાપુરમાં યુનિટ સ્થાપનાર સુરતના વ્યાપારીઓ અનુસાર સસ્તી જમીન અને વીજળી ઉપરાંત મહારાષ્ટ્ર સરકારની ટેક્સ્ટાઇલ પૉલિસીના કારણે ઉદ્યોગકારો રોકાણ કરી રહ્યાં છે.
- મહા-ટેકનૉલૉજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અંતર્ગત કૅપિટલ અને વીજળી સબસિડી આપવામાં આવે છે.
- કૅપિટલ સબસિડી ઉદ્યોગની સાઇઝ અને ક્ષમતા પ્રમાણે આપવામાં આવે છે જે 40થી લઈને 55 ટકા સુધી હોય છે. અનુસૂચિત જાતિ જનજાતિ, લઘુમતિઓ, નિવૃત્ત સૈનિકો અને સિનીયર સીટીઝનને વધારાની 5 ટકા સબસિડી મળે છે
- 4 મેગાવૉટની ક્ષમતાનો સોલરપ્લાન્ટ લગાવવા માટે પણ સહાય આપવામાં આવે છે. મહત્તમ સહાય 4 કરોડ 80 લાખ રૂપિયા આપવામાં આવે છે.
- ગંદા પાણીના નિકાલ માટે પ્લાન્ટ સ્થાપવા માટે ટેક્સ્ટાઇલ યુનિટને 50 ટકા કૅપિટલ સબસિડી અથવા પાંચ કરોડ રૂપિયા જેમાંથી જે ઓછું હોય એ આપવામાં આવે છે
સુરતના કારખાનેદાર ભરતભાઈ વઘાસિયા છેલ્લાં પાંચ વર્ષથી નવાપુરમાં યુનિટ ચલાવી રહ્યા છે. તેઓ સુરત જિલ્લાના સાયણમાં એક યુનિટ ધરાવે છે.
બીબીસી સાથે વાત કરતા ભરતભાઈ કહે છે કે, ''નવાપુરમાં મેં છ કરોડનું રોકાણ કર્યું છે અને 46 વૉટર જેટ મશીન ચલાવી રહ્યો છું. ગુજરાત કરતાં મહારાષ્ટ્રની ટેક્સ્ટાઇલ પૉલિસી ખૂબ જ લાભકારક છે. અહીં પાવર બિલ 40 ટકા બાદ કરીને આવે છે.''
''મહારાષ્ટ્ર સરકારની અલગઅલગ યોજના પ્રમાણે મશીનરીમાં પણ ઓછામાં ઓછા 15 ટકા જેટલી સબસીડી મળે છે. એટલે સરવાળે જુઓ તો ગુજરાતની સરખામણીમાં અહીં ધંધો કરવો વધારે નફાકારક છે.''
ભરતભાઈએ પોતાના યુનિટ માટે નવાપુરમાં 32 હજાર 20 સ્ક્વેર ફૂટની જમીન લીધી જે માટે તેમણે એક કરોડ 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.
તેઓ કહે છે, ''સુરત અથવા તેની આજુબાજુના વિસ્તારમાં આટલી જમીન ખરીદવા માટે પાંચ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવો પડે છે.''
સુરતમાં રહેતા ઘનશ્યામભાઈ પાઘડાળ પણ નવાપુરમાં ટેક્સ્ટાઇલ યુનિટ ચલાવે છે. તેઓ પણ ભરતભાઈની વાત સાથે સહમત છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, ''મેં નવાપુરમાં જે યુનિટ શરૂ કર્યું છે તેમાં 100 મશીનો છે. યુનિટ પાછળ મેં અંદાજિત બેથી અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગુજરાતમાં આ ખર્ચ બમણો થઈ જાય છે.''
''મારા યુનિટનું લાઇટબિલ દોઢથી બે લાખ રૂપિયા જેટલું જ આવે છે જ્યારે ગુજરાતમાં આ જ યુનિટમાં ઓછામાં ઓછું સાડા ત્રણ લાખ આવે છે.''
તેઓ વધુમાં જણાવે છે કે, ''મહારાષ્ટ્ર સરકાર મશીન અપગ્રેડ કરવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે. ઍરજેટ, વૉટર જેટ, રેપીયર સહિતની મશીનરી પર 35 ટકા સબસિડી મળે છે. આ ઉપરાંત નવાપુર એક આદિવાસી વિસ્તાર છે. જે માટે વધારાની 10 ટકા સબસિડી મળે છે.''
''તેમજ અહીં તમે યુનિટ માટે જે ખર્ચ થાય છે તેનું 100 ટકા ઈસી (ઍલિજબલ સર્ટિફિકેટ) મળે છે જેથી દસ વર્ષમાં રોકાણની તમામ રકમ પરત મળી જાય છે. અહીં કારીગરોની પણ મોટી સંખ્યા હોવાથી લેબરની એટલી સમસ્યા પણ રહેતી નથી.''
ઘનશ્યામભાઈ મહારાષ્ટ્ર સરકારની ટેક્સ્ટાઇલ પૉલિસીને ધ્યાનમાં રાખીને હવે વધુ રોકાણ કરવાનું વિચારી રહ્યા છે.
મયુર ગોળવાલા સુરતમાં વિવિંગ ઉદ્યોગના આગેવાન છે અને સચિન ઇન્ડસ્ટ્રીયલ કૉ.ઑ. સોસાયટીના સેક્રેટરી પણ છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, ''ટેક્સ્ટાઇલ યુનિટ સ્થાપવા પર મહારાષ્ટ્ર સરકારના ઇન્ડસ્ટ્રીયલ મંત્રાલય દ્વારા જમીન કન્સ્ટ્રક્શન પર પણ સબસિડી આપવામાં આવે છે, જેમાં દર વર્ષે રોકાણના 10% સબસીડી આપવામાં આવે છે.''
''આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારની ટેક્સ્ટાઇલ પૉલિસી મુજબ ત્યાં રોકાણ કરવા પર 45% સબસિડી આપવામાં આવે છે. જેમાં પહેલા વર્ષે 40% અને બીજા વર્ષે 60% સબસિડી રોકાણકારોના એકાઉન્ટમાં જમા થઈ જાય છે એટલે કે બે વર્ષમાં મશીનરીના કુલ રોકાણના રૂપિયા પરત મળી જાય છે.''
ગુજરાત સરકારની નવી ટેકસ્ટાઇલ પૉલિસીથી કંઈ બદલાશે?
ટેક્સ્ટાઇલ પૉલિસી 2024
- નવી પોલીસી મુજબ 10થી 35 ટકા સુધીની કૅપિટલ સબસિડી મળશે જેમાં મહત્તમ રૂપિયા 100 કરોડ રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે
- ક્રૅડિટ-લિંક્ડ ઇન્ટરેસ્ટ સબસિડી હેઠળ પ્રદાન કરવામાં આવતી નાણાકીય સહાય 'એલિજેબલ ફિક્સ્ડ કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ' પાંચ ટકાથી વધારીને સાત ટકા કરવામાં આવી છે
- નવી સબસિડીમાં કામગીરી અને કામદારોની શ્રેણીના આધારે રાજ્ય સરકાર પ્રતિ મહિલા કામદારને ત્રણથી પાંચ હજાર અને પ્રતિ પુરુષ કામદારને બેથી ત્રણ હજારની નાણાકીય સહાય આપશે.
- ટેક્સ્ટાઇલ યુનિટને પાવર ટેરિફ સબસિડી મળશે જેમાં પાંચ વર્ષ માટે એક રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજ પ્રાપ્ત કરી શકશે.
નોંધનીય છે કે રાજ્ય સરકારની જૂની ટેક્સ્ટાઇલ પૉલિસી 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યારથી જ ઉદ્યોગકારો રાજ્ય સરકાર પાસે નવી ટેક્સ્ટાઇલ નીતિની માંગ કરી રહ્યા હતા.
હાલમાં જ ગુજરાત સરકારે ટેક્સ્ટાઇલ પૉલીસી-2024 જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા ટેક્સ્ટાઇલ પૉલિસી હેઠળ 10 થી 35% સુધીની કૅપિટલ સબસિડી ઉપરાંત પાવર સબસિડી સહિતના લાભો માટે 5592 જેટલાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ માટે રૂપિયા 1107 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
પરંતુ શું તેનાથી ટેક્સ્ટાઈલ ઉદ્યોગની માગણીઓ પૂર્ણ થઈ છે?
જીતેન્દ્ર વખારિયા કહે છે, સરકારે જાહેર કરેલી નવી ટેક્સ્ટાઈલ પૉલિસી બાદ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ઉદ્યોગને વેગ મળશે અને નવા રોકાણકારો માટે પણ તક ઊભી થશે.
તેઓ કહે છે, "હજી સુધી સુરતથી મોટા પ્રમાણમાં ઉદ્યોગકારો મહારાષ્ટ્ર તરફ વળ્યા નથી. આમ થાય તે પહેલાં ગુજરાત સરકારે નવી પૉલીસી જાહેર કરતાં કાપડ ઉદ્યોગ મોટો લાભ થશે. કૅપિટલ સબસીડીમાં નોંધપાત્ર ફેરફાર કરવાથી પણ ટેક્સ્ટાઈલ કંપનીઓ અને વેપારીઓને ફાયદો થશે અને તેમના મૂડી ખર્ચમાં ઘટાડો થશે"
નિષ્ણાતો અનુસાર ગુજરાત સરકારે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરનારાઓને અલગઅલગ કૅટેગરીમાં કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી આપવાનું એલાન કર્યું છે. સાથેસાથે પ્રતિ યુનિટ એક રૂપિયાની ઇલેક્ટ્રીસિટી ટેરીફ સબસિડી આપવાની પણ વાત કરી છે. સરકારે ઇન્ટરેસ્ટ સબસિડી પણ ચાલુ રાખી છે જે ખરેખર ફાયદાકારક છે.
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજયકુમાર મેવાવાલા કહે છે, "અમે ઉદ્યોગોને મૂડી અને પાવર સબસિડી આપવા માટે અગાઉ રાજ્ય સરકારને રજૂઆતો કરી હતી. સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને નવાપુર શિફ્ટ થતા અટકાવવામાં સબસિડી યોજના મહત્ત્વનો ભાગ ભજવશે."
ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો અનુસાર ટેક્સ્ટાઇલ પૉલીસી 2024 ગેમચેન્જર પુરવાર થઈ શકે છે. આ પૉલીસીની જાહેરાત થવાથી મહારાષ્ટ્ર નવાપુર તરફ જતા ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો અટકશે. માત્ર જરૂરી છે કે આ પૉલિસીનું ઝડપથી અમલીકરણ થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન