રાહુલ ગાંધી કે મમતા બેનરજી, નરેન્દ્ર મોદીને પડકાર કોણ આપી શકશે?

ઇન્ડિયા ગઠબંધન, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ભાજપ, કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, ટીએમસી, લોકસભા મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

જુલાઈ-2023માં 'ઇન્ડિયા' (ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ) ગઠબંધનનો પાયો નખાયો હતો. એ સમયે સવાલ ઊભો થયો હતો કે આ યુતિનો ચહેરો કોણ બનશે?

યુપીએની (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) જેમ જ તેના નવીન સંસ્કરણ સમી આ યુતિમાં કૉંગ્રેસ પાર્ટી સૌથી મુખ્ય પક્ષ હતો. એટલે તેના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નામની ચર્ચા થવી સ્વાભાવિક હતી. જોકે, બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર તથા પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ અપ્રત્યક્ષ રીતે દાવેદારીમાં આગળ હતાં.

એ પછી નીતીશકુમાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ (નૅશનલ ડેમૉક્રૅટિક અલાયન્સ)માં જોડાઈ ગયા, પરંતુ 'ચહેરો કોણ?' એ સવાલ ઇન્ડિયા ગઠબંધનને કનડતો રહ્યો.

જૂન-2024માં લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં, ત્યારે થોડા સમય માટે આ સવાલ પુછાતો બંધ થઈ ગયો હતો.

ઇન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો હતો. યુતિએ 234 બેઠક જીતી હતી, જેમાંથી કૉંગ્રેસના સૌથી વધુ 99 સંસદસભ્ય ચૂંટાઈ આવ્યા હતા.

ઇન્ડિયા ગઠબંધનના ઔપચારિક વડા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે, છતાં લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો બાદ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો જ રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવવા લાગ્યા છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ મુદ્દે મતભેદ

ઇન્ડિયા ગઠબંધન, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ભાજપ, કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, ટીએમસી, લોકસભા મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજીએ ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપ હોવા છતાં પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડી હતી

બિહારમાં કૉંગ્રેસ તથા લાલુપ્રસાદ યાદવ દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય જનતા દળ એકબીજાના સહયોગી છે અને તેમની વચ્ચેનો સુમેળ દેખાય પણ છે.

વર્ષ 2004માં રાષ્ટ્રીયસ્તરે યુપીએનું ગઠન થયું, ત્યારે લાલુપ્રસાદ યાદવે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે યાદવે બિહારમાં મહાગઠબંધન બનાવ્યું, તો કૉંગ્રેસ પણ તેમાં ભાગીદાર બની. એવામાં તાજેતરમાં યાદવે જે નિવેદન આપ્યું, તે રાજકીય વર્તુળોમાં અનેકને માટે ચોંકાવનારું હતું. તેમણે કહ્યું, "મમતાએ ઇન્ડિયા ગઠબંધનને નેતૃત્વ પૂરું પાડવું જોઈએ. અમે લોકો એમનું સમર્થન કરીશું."

આ પછી યાદવને પત્રકારોએ કહ્યું હતું કે કૉંગ્રેસે મમતા બેનરજીને નેતૃત્વ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. જેના જવાબમાં યાદવે કહ્યું, "કૉંગ્રેસના વિરોધથી કશું નહીં થાય. મમતાને નેતૃત્વ આપવું જોઈએ."

લાલુપ્રસાદ યાદવના પુત્ર તથા રાજદના યુવા ચહેરા તેજસ્વી યાદવે પણ આ વાતને ટેકો આપ્યો હતો.

લોકસભાની ચૂંટણી પહેલાં લાલુપ્રસાદે રાહુલ ગાંધીના લગ્ન વિશે કહ્યું હતું, 'તમે વરરાજા બનો. અમે જાનૈયા થવા માટે તૈયાર છીએ.'

લાલુપ્રસાદ યાદવના એ નિવેદનને જાણકારોએ એ સમયે ઇન્ડિયા ગઠબંધનને રાહુલ ગાંધીના નેતૃત્વ સાથે જોડીને જોયું હતું.

ઇન્ડિયા ગઠબંધનમાં અખિલેશ યાદવનો સમાજવાદી પક્ષ બીજા ક્રમાંક પર છે. તેની પાસે 37 સંસદસભ્યો છે. અખિલેશ યાદવ અને મમતા બેનરજી વચ્ચેની રાજકીય નિકટતા જગજાહેર છે.

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. તાજેતરમાં સપાના સંસદસભ્ય રામગોપાલ યાદવને પૂછવામાં આવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના નેતા કોણ છે?

ત્યારે રામગોપાલ યાદવે કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે ઇન્ડિયા ગઠબંધનના નેતા છે.

અગાઉ શરદ પવાર પણ આ મુદ્દે મમતા બેનરજીનું સમર્થન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું, "હા નિશંકપણે. તેઓ દેશનાં મોટાં નેતા છે અને તેમનામાં ગઠબંધનનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે."

કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે રાહુલ ગાંધીએ જ્યારથી ગૌતમ અદાણી સામે આક્રમક વલણ અપનાવ્યું છે, ત્યારથી ઇન્ડિયા ગઠબંધનનું નવું વલણ જોવા મળી રહ્યું છે.

ચૌધરીએ કહ્યું, "ટીએમસી રાષ્ટ્રીય પાર્ટી હતી, જે હવે પ્રાદેશિક પક્ષ બની ગયો છે. આ ફાટફૂટ પાડવાનો હેતુ ઇન્ડિયા ગઠબંધનને નબળું પાડવાનો છે. જો ઇન્ડિયા ગઠબંધન નબળું પડશે તો ભાજપ અને વડા પ્રધાન સૌથી વધુ રાજી થશે. જો ભાજપને ખુશ કરવો એ બધાની ફરજ હોય, તો કરવા દો."

રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે સવાલ કેમ?

વીડિયો કૅપ્શન, ગેનીબહેને પહેલી વાર કર્યો ખુલાસો, વાવની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની કેમ હાર થઈ?

લોકસભાની ચૂંટણી પહેલાં ઇન્ડિયા ગઠબંધનનો હેતુ ભાજપને સતત ત્રીજી વખત સત્તા પર આવતા અટકાવવાનો તથા સત્તા મેળવવાનો હતો.

જોકે, પરિણામ આવ્યાં, ત્યારે ભાજપને આપબળે બહુમતી ન મળી, પરંતુ એનડીએને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો.

લોકસભા બાદ વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પાછળ રહી ગઈ અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઊઠવા લાગ્યા.

હરિયાણાના ઍક્ઝિટ પોલ્સથી માંડીને રાજકીય વિશ્લેષકોને લાગતું હતું કે કૉંગ્રેસનો અહીં સરળતાથી વિજય થશે. પરંતુ જ્યારે પરિણામ આવ્યાં, ત્યારે કૉંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

હરિયાણામાં પાર્ટીને 90માંથી 37 બેઠક મળી હતી. જમ્મુ-કાશ્મીરમાં 90માંથી છ બેઠક મળી અને નૅશનલ કૉન્ફરન્સની જુનિયર પાર્ટનર બની રહી. જમ્મુ પ્રાંતમાં કૉંગ્રેસ 29માંથી એક જ બેઠક જીતી શકી. રાજ્યમાં કૉંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે સૌથી વધુ 103 બેઠક લડી અને માત્ર 16 બેઠક જ જીતી શકી. વર્ષ 2019માં પાર્ટીએ 44 સીટ ઉપર વિજય મેળવ્યો હતો.

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાએ (જેએમએમ) ગત વખત કરતાં ચાર વધુ બેઠક જીતીને 34 સીટ પર વિજય હાંસલ કર્યો. બીજી બાજુ, કૉંગ્રેસે 16 બેઠક જ જીતી. ગત વખતે પણ આટલો જ આંક રહ્યો હતો.

કૉંગ્રેસની નબળી કડી કઈ?

ઇન્ડિયા ગઠબંધન, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ભાજપ, કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, ટીએમસી, લોકસભા મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મમતા બેનર્જી સામે વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી જીતવાનો મોટો પડકાર

વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક તથા લેખક રશીદ કિદવઈનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો છેટું રાખવા લાગ્યા છે.

રશીદ કિદવઈના કહેવા પ્રમાણે, "પ્રાદેશિક પક્ષો માટે પોત-પોતાનાં રાજ્યોમાં કૉંગ્રેસ નબળી કડી સબિત થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી તેનું ઉદાહરણ છે. જ્યાં-જ્યાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હોય, ત્યારે કૉંગ્રેસ ભાજપને હરાવવા માટે સક્ષમ નથી."

"મહારાષ્ટ્ર અને હરિયાણામાં આ વાત સાબિત થઈ છે. કૉંગ્રેસ નબળી સાબિત થાય છે એટલે પ્રાદેશિક પક્ષો ઇચ્છે છે કે કૉંગ્રેસ પણ તેમને સરખે સરખી ભાગીદાર માને."

વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કૉંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની વચ્ચેની ખેંચતાણ પણ સ્પષ્ટપણે જોવા મળે છે.

કૉંગ્રેસના પ્રાદેશિક એકમોનું કહેવું હોય છે કે રાજ્યની ચૂંટણીઓ માટે ઇન્ડિયા ગઠબંધન નથી. પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી સમયે જ કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા.

2023ના અંત ભાગમાં મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ. અખિલેશ યાદવે તે સમયે વારંવાર કૉંગ્રેસ સમક્ષ ગઠબંધન માટે વાત કહી હતી, પરંતુ કમલનાથ જીદ પર રહ્યા અને ગઠબંધન ન થયું.

કૉંગ્રેસના નેતા કમલનાથ અને ટીએસ સિંહ દેવે તો ત્યાં સુધી કહી દીધું હતું કે 'અખિલેશ યાદવ કોણ (છે)?'

હરિયાણા વિધાનસભા સમયે પણ આવાં જ દૃશ્યો જોવાં મળ્યાં હતાં. આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા માટે ઇચ્છુક હતી, પરંતુ પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને પ્રાદેશિક નેતાઓ ગઠબંધન નહોતા ઇચ્છતા.

હરિયાણાની ચૂંટણીમાં આપનું પ્રદર્શન ખાસ ન હતું, પરંતુ અમુક બેઠકો ઉપર કૉંગ્રેસની ગણતરીઓ વિખેરી નાખી હતી.

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીએ સાર્વજનિક રીતે કૉંગ્રેસનો વિરોધ કર્યો હતો અને પોતાની ગણતરી મુજબની બેઠકો ન મળવા બદલ કૉંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. સપાએ મહારાષ્ટ્રમાં પાંચ સીટની માગણી કરી હતી, પરંતુ ગઠબંધને તેને માત્ર બે બેઠક જ ફાળવી હતી.

મમતાની દાવેદારી કેટલી મજબૂત?

ઇન્ડિયા ગઠબંધન, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ભાજપ, કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, ટીએમસી, લોકસભા મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ અને આપે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અલગ-અલગ લડવાની જાહેરાત કરી છે

મમતા બેનરજી ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપ છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તેમણે 'એકલા ચાલો'ની નીતિ અપનાવી છે.

તેમણે કેટલાક દિવસ પહેલાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ઇન્ડિયા ગઠબંધનને નેતૃત્વ આપવા માટે સજ્જ છે.

મમતા બેનરજીએ કહ્યું હતું, "મેં ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું, હવે તેને વ્યવસ્થિત રાખવું એ નેતૃત્વ આપનારા પર આધાર રાખે છે. જો તેઓ સારી રીતે ચલાવી ન શકે, તો શું થઈ શકે? જો મને તક મળશે, તો હું આ ગઠબંધનને ચોક્કસથી લીડ કરીશ."

બીજી તરફ ભાજપની સરખામણીમાં કૉંગ્રેસ અનેક મોરચે નબળી પુરવાર થઈ છે. બીજી બાજુ, મમતા બેનરજીના નેતૃત્વમાં ટીએમસીએ સતત ભાજપને પડકાર આપ્યો છે.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પ્રથમ વખત પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી હતી, ત્યારે પાર્ટી પશ્ચિમ બંગાળમાંથી માત્ર બે બેઠક જીતી શકી હતી.

આ વખતે પણ ટીએમસીએ તેના ગઢમાં 34 બેઠક જીતી છે.

મમતા બેનરજીએ 2016માં સતત બીજી વખત ચૂંટણી જીતી અને મુખ્ય મંત્રીપદે યથાવત્ રહ્યાં. એ પછી ભાજપે પશ્ચિમ બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેને લાભ પણ થયો હતો.

ગત લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને 18 તથા મમતા બેનરજીને 22 બેઠક મળી હતી. ટીએમસીને 12 બેઠકનું નુકસાન થયું હતું, આમ છતાં રાજ્યમાં તે જ સૌથી મોટો પક્ષ હતો.

બે વર્ષ બાદ વર્ષ 2021માં ભાજપે વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પૂરેપૂરું જોર લગાવ્યું. ચૂંટણી પહેલાં તૃણમૂલ કૉંગ્રેસના અનેક નેતા ભાજપમાં જતા રહ્યા. જેમાં સુવેન્દુ અધિકારીનો પણ સમાવેશ થતો હતો.

આમ છતાં મમતા બેનરજીએ 200થી વધુ બેઠકો જીતી અને ત્રીજી વખત મુખ્ય મંત્રી બન્યાં. વર્ષ મમતાએ ચાલુ વર્ષની લોકસભા ચૂંટણી એકલા હાથે લડી અને 29 બેઠક જીતી. ટીએમસી બેઠકસંખ્યાની દૃષ્ટિએ ચોથા ક્રમની સૌથી મોટી પાર્ટી છે.

ઇન્ડિયા ગઠબંધન, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ભાજપ, કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, ટીએમસી, લોકસભા મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા અબુ આઝમીએ (ફાઇલ તસવીર) ઇન્ડિયા ગઠબંધનના સ્થાનિક સ્વરૂપ એવા મહાવિકાસ અઘાડીથી અલગ થવાની જાહેરાત કરી હતી

વરિષ્ઠ પત્રકાર શુભોજિત બાગચીના કહેવા પ્રમાણે, "મમતા બેનરજી શરૂઆતથી જ ઇચ્છતાં હતાં કે તેઓ ગઠબંધનનો ચહેરો બને. મહારાષ્ટ્રમાં ગઠબંધનનો પરાજય થયો, ત્યારે પણ અનેક મોટા નેતા તેમનું સમર્થન કરતા જણાયા હતા."

"મમતા જો વર્ષ 2026માં સતત ચોથી વખત સીએમ બનશે, તો તેમની દાવેદારી ચોક્કસથી મજબૂત બનશે. વિપક્ષમાં એવો કોઈ નેતા નહીં હોય તે લોકસભાની બેઠક સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા સૌથી મોટા રાજ્યમાં આટલી દૃઢતા સાથે સત્તા પર ટકી રહ્યા હોય."

ભાજપ સાથેની સીધી સ્પર્ધામાં મમતા બેનરજી અગ્રેસર જણાય છે, પરંતુ છેલ્લા કેટલાક મહિના તેમના માટે સારા નથી રહ્યા. અરજી કર હૉસ્પિટલમાં બળાત્કારની ઘટના બાદ મમતાએ રસ્તાથી લઈને વિધાનસભા સુધી વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

પાર્ટીના સંસદસભ્ય જવાહર સરકારે નારાજગી વ્યક્ત કરતા રાજીનામું ધરી દીધું હતું.

ટીએમસી પાસે એક જ રાજ્ય છે. બીજી બાજુ, કૉંગ્રેસના ત્રણ રાજ્યમાં મુખ્ય મંત્રી છે. મમતા બેનકજીએ ગોવા અને મેઘાલય જેવા નાનાં-નાનાં રાજ્યોમાં પ્રયાસ કર્યા, પરંતુ તેમને સફળતા નહોતી મળી.

આ સંજોગોમાં એવો પણ સવાલ ઊભો થાય છે કે શું કૉંગ્રેસને કોરાણે મૂકીને ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ શકે?

રશીદ કિદવઈના કહેવા પ્રમાણે, "રાહુલ ગાંધી વિરુદ્ધ મમતા બેનરજી જેવી વાત જામે એવી નથી. ગઠબંનમાં જવાબદારી માગી કે ખૂંચવી ન શકાય. આ મામલે રાજકીય પક્ષ કે વ્યક્તિની જે હેસિયત હોય, તેના હિસાબે આગ્રહ કરવામાં આવે છે."

"રાજીવ ગાંધી વડા પ્રધાન હતા અને વિપક્ષ વિખેરાઈ રહ્યો હતો, ત્યારે નૅશનલ ફ્રન્ટનું ગઠન થયું હતું. જેમાં આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એનટી રામારાવને સંયોજક બનાવવામાં આવ્યા હતા. રામારાવે ક્યારેય આ પદ માટે દાવેદારી નહોતી કરી."

"આવી જ રીતે 1990ના દાયકામાં એનડીએ વિપક્ષમાં હતો. એ સમયે જ્યૉર્જ ફર્નાન્ડીઝને સંયોજકની ભૂમિકા આપવામાં આવી હતી."

રાહુલ ગાંધી હાલ લોકસભામાં વિપક્ષના નેતા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને 21 ટકા અને ભાજપને 36 ટકા મત મળ્યા હતા. જાણકારોના મતે રાહુલ ગાંધીના પક્ષે આ ખૂબ જ મજબૂત સમીકરણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.