દરરોજ '50 લોકોને ફાંસી' અપાતી, એક એવી જેલ જ્યાં ઠેરઠેર ફાંસીના ગાળિયા હતા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA/Getty Images

સીરિયાની રાજધાની દમાસ્કસથી 30 કિલોમીટરના અંતરે આવેલા સૈયદનાયામાં અસદના પરિવારે 1980ની સાલમાં આ જેલ બનાવી હતી, જ્યાં તેઓ પોતાની સત્તાના વિરોધીઓને દાયકાઓ સુધી કેદમાં રાખતા હતા.

વિદ્રોહીઓ આ જેલને "માણસોનું કતલખાના" તરીકે ઓળખાવે છે. 2011માં સીરિયાનું ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી હજારો લોકોને અહીં કેદ કર્યા હોવાનું કહેવાય છે. અહીં તેમના પર ક્રૂરતા આચરતી હોવાનું તેમ જ મોતની સજા આપતા હોવાનું પણ કહેવાય છે.

સૈયદનાયા જેલનો નકશો ક્યારેય જાહેરમાં આવ્યો નથી. જેલની અંદરની વિગતો હંમેશા ચુસ્ત સુરક્ષામાં રાખવામાં આવી છે અને જેલની અંદરની તસવીરો ક્યાંય કદી પ્રકાશિત થઈ નથી.

અસદના દમનકારી અને ક્રૂર શાસનની પ્રતિક બની ગયેલી આ ઈમારત વિશે 'રાઇટ્સ ગ્રુપ્સ' (માનવ અધિકાર સંગઠનો) અને U.S.ના સ્ટેટ વિભાગ પાસેથી મળેલી માહિતી પરથી આ જેલની વિગતોનીની થોડી ઝાંખી મળે છે.

એક વિશાળ કતલખાનું

સીરિયા, માનવી પર અત્યાચાર, સૈયદનાયા જેલ, જેલ, માનવાધિકાર, ગૃહયુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

1980માં સૈયદનાયા જેલનું બાંધકામ શરૂ થયું હતું અને દાયકાઓ સુધી સીરિયાની મિલિટ્રી પોલીસ અને મિલિટ્રીની ગુપ્તચર સંસ્થા દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હતું. બસરના પિતા હફીઝ અલ અસદના 16 વર્ષના શાસનમાં 1987માં પહેલો કેદી 1.5 ચોરસ કિ.મી.માં ફેલાયેલી આ જેલમાં આવ્યો હતો.

સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ આ જેલમાં બે કેદખાના હતા. રાઇટ્સ ગ્રુપના જણાવ્યા પ્રમાણે એક વિશિષ્ટ સફેદ ઈમારત (વ્હાઇટ બિલ્ડિંગ) સત્તા સાથે દ્રોહ કરનારા સૈન્યના અધિકારીઓ અને સૈનિકો માટે બનાવવામાં આવી હતી. વિશાળ સંકુલના દક્ષિણ પૂર્વમાં આવેલી L આકારની આ ઈમારત છે.

લાલ ઇમારત(રેડ બિલ્ડિંગ) કે મુખ્ય જેલ સત્તાના વિરોધીઓ માટે બનાવવામાં આવી હતી. શરૂઆતમાં ઈસ્લામિક જુથો સાથે ઘરોબો ધરાવતા લોકોને ત્યાં રાખવામાં આવતા હતા. આ ઈમારત તેના Y આકાર માટે જાણીતી છે, જેમાં ત્રણ સીધા કોરિડોર મધ્યમાં મુખ્યાલય સાથે જોડાયેલા છે.

અહીંથી મુક્તિ પામેલા કેદીઓ પાસેથી 'રાઈટ્સ ગ્રુપ્સ'ને મળેલી માહિતી મુજબ બન્ને ઈમરાતોમાં 10 હજારથી 20 હજાર જેટલા કેદીઓને રાખી શકાય છે. રવિવારથી જ આ જેલના નિરીક્ષણ કક્ષનો એક વીડિયો સોશિઅલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મોટી સ્ક્રીન પર ઘણાં બધાં કેદખાનામાં લગાવાયેલા CCTV કેમેરા જોઈ શકાય છે. આ વીડિયોની 'BBC વેરિફાઈ' દ્વારા પુષ્ટી પણ કરવામાં આવી છે.

જેલમાં કેવા કેવા અત્યાચાર થતા?

સીરિયા, માનવી પર અત્યાચાર, સૈયદનાયા જેલ, જેલ, માનવાધિકાર, ગૃહયુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2017માં એમેનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા જેલના ભૂતપૂર્વ રક્ષકને ટાંકીને પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરાયો હતો કે 2011માં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારે સફેદ ઇમારતમાંથી દરેક કેદીઓને દૂર કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિ બસર અલ અસદ્દની સત્તાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓેને કેદમાં રાખવાની તૈયારી કરવામાં આવી હતી.

અન્ય એક ભૂતપૂર્વ કર્મચારીએ એમેનેસ્ટીને જણાવ્યું હતું કે, "2011ના ગૃહયુદ્ધ બાદ સૈયદનાયા સિરિયાની મુખ્ય રાજકીય જેલ બની ગઈ હતી."

આ સંસ્થા દ્વારા અમુક ભૂતપૂર્વ કેદીઓની જુબાની પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં તેઓ દાવો કરી રહ્યા હતા કે લાલ ઇમારતમાં રહેલા લોકોને અમાનવીય પીડા આપવામાં આવતી, સતત માર મારવામાં આવતો, બળાત્કાર ગુજારવામાં આવતો અને ભોજન કે દવા પણ આપવામાં નહોતા આવતા.

સફેદ ઇમારતની નીચે એક જગ્યા બનાવવામાં આવી હતી, જેને ઍમેનેસ્ટી "ફાંસીનો ઓરડો" કહે છે. અહીં લાલ ઇમારતમાં રાખેલા કેદીઓને ફાંસી આપવામાં આવતી હતી.

ભૂતપૂર્વ સુરક્ષાકર્મીએ જણાવ્યું હતું કે લાલ ઇમારતમાં રાખેલા કેદીઓમાંથી કોને ફાંસી આપવાની છે તેનું લિસ્ટ બપોરના ભોજનના સમયે આવતું. સૈનિકો આ લોકોને ભોંયરામાં આવેલા ઓરડામાં લઈ જતાં, અહીં 100 જેટલા લોકોને સાથે રાખવામાં આવતા અને માર મારવામાં આવતો હતો.

ઍમેનેસ્ટી સાથે વાત કરતા ભૂતપૂર્વ કેદીઓએ જણાવ્યું હતું કે લાલ ઇમારતમાંથી કેદીઓને મોડી રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે અન્ય જગ્યાએ લઈ જવામાં આવતા હતા.

આંખે પાટા બાંધેલા અટકાયતીઓને પછી સફેદ ઇમારતના દક્ષિણ-પૂર્વ વિભાગમાં "ફાંસીના ઓરડા"માં લઈ જવાતા. ત્યાંથી 10 ફાંસીના ફંદા સાથેના એક મીટર ઊંચા પ્લેટફોર્મ પર તેમને લઈ જઈ, ત્યાં જ તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવતા હતા.

એક દિવસમાં કમસે કમ 50 કેદીને ફાંસી

સીરિયા, માનવી પર અત્યાચાર, સૈયદનાયા જેલ, જેલ, માનવાધિકાર, ગૃહયુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઍમ્નેસ્ટીના જણાવ્યા પ્રમાણે, 2012માં એ ઓરડાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો, જેમાં બીજા એક પ્લેટફોર્મ સાથે વધુ 20 ફાંસીના ફંદા જોડવામાં આવ્યા. શાસનના પતન પછી બળવાખોર-સાથે જોડાયેલા મીડિયા દ્વારા અનેક ફૂટેજ શેર કરવામાં આવ્યા છે, જેમાં લડવૈયાઓ સૈયદનાયાની આસપાસના ઓરડાઓમાં મળી આવેલા ડઝનબંધ ફાંસીના ફંદા દર્શાવે છે.

રાઇટ્સ ગ્રૂપ્સ દ્વારા એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે 2011 અને 2018ની વચ્ચે 30,000થી વધુ અટકાયતીઓ મૃત્યુદંડથી કે ટૉર્ચરથી-યાતના આપવાથી, તબીબી સારવારની અછતથી અથવા ભૂખમરાના પરિણામે મૃત્યુ પામ્યા હતા.

'ઍસોસિએશન ઑફ ધ મિસિંગ એન્ડ ડિટેનીઝ ઇન સૈયદનાયા જેલ'(AMDSP)એ 2022માં જણાવ્યું હતું કે છૂટા કરાયેલા અમુક કેદીઓના જણાવ્યા પ્રમાણે તો, 2018 અને 2021 વચ્ચે ઓછામાં ઓછા અન્ય 500 અટકાયતીઓને ફાંસી આપવામાં આવી હતી.

2017માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એવો દાવો કર્યો હતો કે સત્તાવાળાઓએ હત્યા કરાયેલા કેદીઓના અવશેષોના નિકાલ માટે સ્થળ પર જ સ્મશાનગૃહનું નિર્માણ કર્યું હતું. અહીં આપેલી તસવીરોમાં, સફેદ ઈમારતની બાજુમાં એક નાની ઓરડી જોઈ શકાય છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૈયદનાયા જેલમાં સામુહિક હત્યાઓની વિશાળ માત્રાને ઢાંકવાના પ્રયાસના ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી.

અમેરિકી તપાસકર્તાઓ દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં એક માળખું દર્શાવવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે આ માળખું એક નાની ઇમારતને દર્શાવે છે, જે સ્મશાનગૃહમાં પરિવર્તિત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈમારતની છત પર બરફ ઓગળી રહ્યો હતો. તેથી તેમના દાવાને સમર્થન મળ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે સમયે ઈમારતમાં દિવસમાં ઓછામાં ઓછા 50 કેદીઓને ફાંસી આપવામાં આવી રહી હતી.

જેલસંકુલની સઘન સુરક્ષાથી કિલ્લેબંધી

સીરિયા, માનવી પર અત્યાચાર, સૈયદનાયા જેલ, જેલ, માનવાધિકાર, ગૃહયુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સૈયદનાયા જેલના સમગ્ર ઇતિહાસ દરમિયાન સંકુલની આસપાસ ભારે કિલ્લેબંધી રહેતી હતી. જેલની ચોતરફથી સઘન રક્ષા કરવામાં આવતી હતી.

AMDSPના 2022ના અહેવાલ પ્રમાણે, જેલના બાહ્ય ભાગ પર સૈન્યના 200 સૈનિકોની ટુકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું, જેમાં લશ્કરી ગુપ્તચર વિભાગના વધારાના 250 સૈનિકો પણ રહેતા. આંતરિક સુરક્ષાની જવાબદારી લશ્કરી પોલીસની રહેતી હતી.

સૈન્યના થર્ડ ડિવિઝનની 21મી બ્રિગેડની ટુકડીઓને તેમની શાસન પ્રત્યેની તીવ્ર વફાદારીને કારણે જેલના રક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા હતા. સૈનિકોને કમાન્ડ આપવાની સત્તા રાષ્ટ્રપતિ બશર અલ-અસદના અલ્વાઈટ લઘુમતી અધિકારીઓને સોંપવામાં આવી હતી.

અસદ શાસનના પતન પછી, નાગરિકોને વિનંતી કરવામાં આવી કે તેઓ જેલની ફરતે આસપાસના વિસ્તારમાંથી પસાર થવાનું ટાળે. રાઈટ્સ ગ્રુપ્સનું કહેવું છે કે સંકુલના બહારના ભાગમાં ભારે માત્રામાં માઈન્સ ગોઠવવામાં આવી છે. જેલ સંકુલના ફરતે એન્ટિ-ટેન્ક મ્યુનિશનની એક રિંગ છે. એન્ટિ-પર્સોનેલ માઈન્સની બીજી એક રિંગ જેલ સંકુલના કેન્દ્ર સુધી પસાર થાય છે.

વ્હાઇટ હેલ્મેટ્સ નામના સીરિયન નાગરિક સંરક્ષણ જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં સંકુલની આસપાસ કાંટાવાળા તારની ઊંચી દીવાલો પણ દર્શાવવામાં આવી હતી. એ તસવીરોમાં સંકુલની આસપાસ ગાર્ડ ટાવર્સ પણ જોઈ શકાય છે.

અસદ શાસને હંમેશાં આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને "પાયાવિહોણા" અને "હકીકતથી દૂર" ગણાવીને નકારી કાઢ્યા છે.

એમ્નેસ્ટી કહે છે કે જે પરિવારોને શંકા છે કે તેમના સંબંધીઓને સૈયદનાયામાં રાખવામાં આવ્યા છે. શાસનના પતનથી હવે, એમના માટે, વર્ષોથી ને કેટલાક તો દાયકાઓથી ગુમ થયેલા પ્રિયજનોની સ્થિતિ કેવી છે એ જાણી શકવાની આશા જન્મી છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.