You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી અને ગુજરાતમાંથી 13,000 કરોડનું ડ્રગ્ઝ જપ્ત, કેવી રીતે ચાલતું હતું આખું નેટવર્ક?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત અભિયાનમાં શનિવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી 518 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત રૂ. 5,000 કરોડ માનવામાં આવે છે.
ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ ડ્રગ્ઝ અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાંથી જપ્ત કરવામાં આવી હતી. પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે છેલ્લા બે સપ્તાહમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં ડ્રગ્ઝ જપ્ત કરી છે.
પોલીસના નિવેદન મુજબ, અત્યાર સુધીમાં 1289 કિલો હેરોઈન અને ઉચ્ચ સ્તરનો 40 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્ઝની કિંમત લગભગ રૂ. 13,000 કરોડ થાય.
એ અગાઉ દસમી ઑક્ટોબરે દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીના રમેશ નગરમાંની એક દુકાનમાંથી નમકીનનાં પૅકેટમાં રાખવામાં આવેલું 208 કિલો કોકેન જપ્ત કર્યું હતું. તેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ રૂ. 2,000 કરોડ આંકવામાં આવી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આ ડ્રગ્ઝ રમેશ નગરની એક સાંકડી ગલીમાં આવેલી એક દુકાનમાં 20 પૅકેટ્સમાં રાખવામાં આવ્યું હતું અને તેની આગળ ડિલિવરી કરવાની હતી.
દિલ્હી પોલીસે પહેલી ઑક્ટોબરે મહિપાલપુર ખાતેના એક ગોદામમાંથી 562 કિલો હેરોઈન અને 40 કિલો ગાંજો પણ જપ્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેશિયલ સેલના એક અધિકારીએ બીબીસીને કહ્યું હતું, "પહેલી અને દસમી ઑક્ટોબરે દિલ્હીના બે અલગ-અલગ વિસ્તારમાંથી જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું તે એક જ ડ્રગ્સ રૅકેટ સંબંધી છે. ગુજરાતના ભરૂચમાંથી જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સને પણ તેની સાથે સંબંધ છે."
દિલ્હી પોલીસે આ મામલામાં અનેકની ધરપકડ કરી છે. જે ગોદામમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું તેના માલિકનું નામ તુષાર ગોયલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં તુષાર ગોયલ સૌથી મોટા ડ્રગ પેડલર છે.
ગુજરાત પોલીસે પણ કરી કાર્યવાહી
બીજી તરફ ગુજરાત પોલીસે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) સાથે મળીને ભોપાલની એક ફેકટરીમાંથી પાંચમી ઑક્ટોબરે 907 કિલો મેફીડ્રોન (એમડી) ડ્રગ્સ જપ્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. 1814 કરોડ થાય છે. આ કાર્યવાહી દિલ્હી પોલીસની ડ્રગ્સ વિરોધી કાર્યવાહીથી અલગ છે.
ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, એટીએસ અને એનસીબીની ટીમે લાંબા અભિયાન પછી આ દરોડા પાડ્યા હતા.
ભોપાલના બાગરોડા ઇન્ડસ્ટ્રિયલ ઍસ્ટેટમાં ચાલતી એક ફેકટરીમાંથી એ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
એ દરોડા દરમિયાન પોલીસે 57 વર્ષના ચંદ્રપ્રકાશ ચતુર્વેદી અને 40 વર્ષના સાન્યાલ પ્રકાશની ધરપકડ કરી હતી.
ગુજરાત એટીએસના અધિકારી સુનીલ જોશીએ બીબીસીને કહ્યું હતું, "ગુજરાત એટીએસ અને એનસીબી પાસે ગુપ્ત બાતમી હતી. એક લાંબા ઑપરેશન અને બાતમીની પુષ્ટિ કર્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો."
ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, સાન્યાલ પ્રકાશની 2017માં પણ મુંબઈથી ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે પાંચ વર્ષ જેલમાં રહ્યો હતો.
સુનીલ જોશીના કહેવા મુજબ, "જે ફેકટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો તે લગભગ 2500 ગજ વિસ્તારમાં ફેલાયેલી છે અને આ ફેકટરીની ક્ષમતા રોજ 25 કિલો એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવાની હતી. આ દરોડો ગુજરાત એટીએસની ડ્રગ્સ વિરુદ્ધની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે."
ગુજરાત એટીએસ અને એનસીબી હાલ એ તપાસ કરી રહ્યા છે કે આ ડ્રગ બનાવવાનું કામ કેટલા વખતથી ચાલી રહ્યું હતું, ગેરકાયદે બનાવવામાં આવતી એમડી ડ્રગ્સ ક્યાં-ક્યાં, કોને-કોને મોકલવામાં આવતું હતું, ડ્રગ્સના ધંધામાંથી આવતા પૈસા કોને-કોને, કેવી રીતે મળતા હતા અને આ ડ્રગ કાર્ટેલમાં કોણ-કોણ સામેલ છે?
ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, "આ ડ્રગ નેટવર્કના તાર દેશની બહાર ફેલાયેલા હોઈ શકે છે. હાલ તપાસ ચાલી રહી છે અને આ કેસમાં વધુ કાર્યવાહી થઈ શકે છે."
અત્યાર સુધીમાં 13,000 કરોડનું ડ્રગ્સ જપ્ત
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટ્રાન્સ યમુના રેન્જ યુનિટે પહેલી ઑક્ટોબરે મહિપાલપુરમાંથી જે ડ્રગ્સ જપ્ત કર્યું છે તે તાજેતરનાં વર્ષોમાં પકડી પાડવામાં આવેલા કોકેનની સૌથી વધુ માત્રા પૈકીની એક છે.
પોલીસના જણાવ્યા મુજબ, 562 કિલો કોકેન ઉપરાંત જે 40 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, તે થાઇલૅન્ડથી આવ્યો હતો.
સ્પેશિયલ સેલના એક અધિકારીએ કહ્યું હતું, "મહિપાલપુરમાંથી જપ્ત કરવામાં આવેલું ડ્રગ્સ ભારત બહારથી લાવવામાં આવ્યું હતું. જોકે, તેની પાછળ જે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ છે તેના સુધી પહોંચવામાં વધુ સમય લાગી શકે છે."
પોલીસના જણાવ્યા મુજબ, ઑગસ્ટમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સક્રિય હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ ડ્રગ નેટવર્કમાં જોડાયેલા હોવાના આરોપસર જિતેન્દ્ર ઉર્ફે જસ્સીની દિલ્હી પોલીસે અમૃતસર ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને અમૃતસરના એક ગામમાં દરોડો પાડીને લગભગ રૂ. 10 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઘટના પાંચ ઑક્ટોબરની છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારીના કહેવા મુજબ, "આ તમામ કાર્યવાહી એક જ ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી છે અને તેની સાથે સંકળાયેલા કેટલાક શકમંદ દેશની બહાર પણ છે."
દિલ્હી પોલીસે વીરેન્દ્ર બાસોયા નામના એક સંદિગ્ધ ડ્રગ તસ્કર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી છે.
સ્પેશિયલ સેલના એક અધિકારીએ કહ્યું હતું, "અત્યાર સુધી પકડાયેલા લોકો પાસેથી મળેલી માહિતીને આધારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસ ચાલુ છે."
પોલીસ સામે અનેક પડકારો
તાજેતરમાં ડ્રગ્સ વિરોધી પોલીસ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવે છે, પરંતુ તેનાથી અનેક સવાલ પણ ઊભા થયા છે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી વિક્રમ સિંહ કહે છે, "જે પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તે અભૂતપૂર્વ છે. પોલીસને નિશ્ચિત રીતે સફળતા મળી છે, પરંતુ સવાલ એ પણ છે કે આ પ્રકારના ડ્રગ્સ નેટવર્ક આટલી આસાનીથી ભારતમાં કામ કેવી રીતે કરી શકે છે? પોલીસે જેટલું કામ કર્યું છે તેનાથી પણ વધારે કામ કરવાનું બાકી છે. હજુ સુધી કોઈ મોટો સૂત્રધાર પકડાયો નથી."
વિક્રમ સિંહ કહે છે, "ડ્રગ્સ વિરુદ્ધના કાયદા હેઠળ પોલીસ આ ધંધા મારફતે ખરીદવામાં આવેલી સંપત્તિ જપ્ત કરી શકે છે. ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી એ કાર્ટેલ સાથે જોડાયેલા કોઈ મોટા ગુનેગારની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ કડકાઈપૂર્વક તપાસ આગળ ધપાવશે તો કેટલાક મોટાં નામ જરૂર બહાર આવશે."
વિશ્લેષકો એવું પણ માને છે કે મોટા પ્રમાણમાં ડ્રગ્સનું જપ્ત થવું દર્શાવે છે કે ભારતીય માર્કેટમાં પણ ડ્રગ્સની માંગ વધી રહી છે અને તેથી તેની સપ્લાય પણ વધી છે.
વિક્રમ સિંહ કહે છે, "આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવાથી એ પણ ખબર પડે છે કે ભારતમાં ડ્રગ્સની માંગ વધી રહી છે. માંગ વધી ન હોય તો આટલા મોટા પ્રમાણમાં સપ્લાય ન હોય. આ ધંધામાં ચિક્કાર પૈસા છે."
"તેથી ગુનેગારો તેના ભણી આકર્ષિત થઈ રહ્યા છે. પોલીસની કાર્યવાહીથી સમજાય છે કે ડ્રગ્સ તસ્કરીનું નેટવર્ક વધુ સંગઠિત થયું છે. તાજેતરનાં વર્ષોમાં ડ્રગ્સ સંબંધી ગુનાઓમાં વધારો થયો છે."
આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવાથી એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે કે શું ભારતીય માર્કેટમાં ડ્રગ્સ બહુ આસાનીથી ઉપલબ્ધ છે?
પંજાબ યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર વિભાગમાં સંશોધક અને નશા વિરુદ્ધના અભિયાનો સાથે જોડાયેલા શીશપાલ શિવકંડ કહે છે, "અગાઉની સરખામણીએ આજે માર્કેટમાં ડ્રગ્સ બહુ આસાનીથી મળે છે. પંજાબ અને હરિયાણામાં નશો કરતા લોકો સાથે કામ કર્યા પછી અમને સમજાયું છે કે માર્કેટમાં ડ્રગ્સની ઉપલબ્ધતા બહુ વધી ગઈ છે."
શીશપાલ કહે છે, "પોલીસે તાજેતરમાં જે ડ્રગ્સ પકડ્યું છે તે અભૂતપૂર્વ છે. ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી તો કરવામાં આવતી જ રહી છે, પરંતુ સવાલ એ છે કે આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્ક તૂટશે? માર્કેટમાં ડ્રગ્સની ઉપલબ્ધતા ઘટશે?"
શીશપાલ ઉમેરે છે, "માર્કેટમાં ડ્રગ્સ આસાનીથી ઉપલબ્ધ છે તેને જોતાં આ કાર્યવાહી આશ્ચર્યજનક નથી. સરકારી એજન્સીઓ આ સમસ્યા બાબતે ગંભીર છે અને ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે સારી વાત છે."
જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવી છે તે ભારત બહારથી લાવવામાં આવી હતી, એવું દિલ્હી પોલીસે જણાવ્યું છે ત્યારે વધુ ગંભીર સવાલ થાય કે આ નેટવર્ક ભારતની સીમામાં ડ્રગ્સ પહોંચાડવામાં સફળ કેવી રીતે થાય છે?
વિક્રમ સિંહના કહેવા મુજબ, "આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય તે એ દર્શાવે છે કે ભારતમાં ડ્રગ કાર્ટેલનું નેટવર્ક કેટલી હદે ફેલાઈ ગયું છે. આ લોકોને ક્યાંને ક્યાંથી તો સમર્થન મળતું જ હશે, એ દેખીતું છે."
"અન્યથા આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ભારતમાં આવે તે શક્ય નથી. ડ્રગ્સનો પ્રસાર રોકવા માટે પોલીસે આ નેટવર્કની સપોર્ટ સિસ્ટમને પણ ધ્વસ્ત કરવી પડશે."
ભારતમાં કેટલો ફેલાયો છે નશો?
સંયુક્ત રાષ્ટ્રસંઘના ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ વિભાગના એક સર્વેક્ષણના તારણ મુજબ, યુવાઓમાં ડ્રગ્સનો ઉપયોગ વધી રહ્યો છે.
ભારતની નૅશરનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ(એનઆઈએસડી)ના જણાવ્યા મુજબ, લગભગ 3.1 કરોડ લોકો ગાંજાનો ઉપયોગ કરે છે, જ્યારે 72 લાખ લોકો ગાંજાના બંધાણી છે.
ભારતમાં ઓપિઓઇડના કુલ 2.06 ટકા વપરાશકર્તાઓ છે અને લગભગ 0.55 ટકા એટલે કે લગભગ 60 લાખ લોકોને સારવાર સેવાની જરૂર છે.
એનઆઈએસડીના સર્વેક્ષણ મુજબ, ભારતમાં 1.18 કરોડ લોકો નૉન-મેડિકલ સિડેટિવ્સનો ઉપયોગ કરે છે અને લગભગ 18 લાખ બાળકો સૂંઘીને નશો કરે છે.
એક અનુમાન મુજબ, ભારતમાં લગભગ સાડા આઠ લાખ લોકો ઇન્જેક્શન મારફત નશો કરે છે.
શીશપાલ શિવકંડ કહે છે, "નશાની આસાનીથી ઉપલબ્ધતા જ ડ્રગ્સનો ઉપયોગ વધવાનું સૌથી મોટું કારણ છે. તાજેતરનાં વર્ષોમાં નશાને ગ્લેમરાઇઝ પણ કરવામાં આવ્યો છે. તેને લીધે વધારે યુવાઓ તેના સંપર્કમાં આવી રહ્યા છે."
ભારત સરકારના સામાજિક ન્યાય તથા સશક્તિકરણ મંત્રાલયે 2020માં નશામુક્ત ભારત અભિયાન શરૂ કર્યું હતું.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ઇનપુટ અને ભારતમાં નશાની લતના પ્રથમ સર્વેના આધારે તેનો અમલ દેશના 372 જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે.
નશામુક્ત ભારત અભિયાનનો હેતુ ભારતીય યુવાઓમાં નશાની લત બાબતે જાગૃતિ ફેલાવવાનો અને ડ્રગ્સના કારોબાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, એ અભિયાન અંતર્ગત ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન