શાર્ક માછલીના પેટમાંથી કોકેન મળી આવ્યું, શું હોઈ શકે કારણ

    • લેેખક, ફેલિપ સોઝા અને લિએન્ડ્રો મચાડો
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ

બ્રાઝિલના દરિયાકાંઠાની શાર્ક માછલીઓ કોકેન પરીક્ષણમાં પોઝિટિવ કેમ પુરવાર થઈ તે સમજવાનો પ્રયાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશનના જીવવિજ્ઞાનીઓએ રિયો ડી જાનેરોના દરિયાકિનારે બ્રાઝિલિયન શાર્પનોઝ શાર્ક તરીકે ઓળખાતી 13 માછલીઓનું પરીક્ષણ કર્યું હતું અને તેમના સ્નાયુઓ તથા યકૃતમાં ઉચ્ચ પ્રમાણમાં ડ્રગ હોવાનું શોધી કાઢ્યું હતું.

શાર્કમાં કોકેનની ચકાસણીનું આ પ્રથમ સંશોધન છે. અન્ય દરિયાઈ પ્રાણીઓમાં જોવા મળે છે તેના કરતાં લગભગ 100 ગણું વધારે પ્રમાણ શાર્કમાં જોવા મળ્યું હતું.

આ ડ્રગ શાર્કના શરીરમાં કેવી રીતે પહોંચ્યું તે બાબતે ઘણી થિયરીઓ છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે કોકેન ડ્રગ બનાવતી ગેરકાયદે લેબોરેટરીઝ દ્વારા અથવા ડ્રગ્ઝ લેતા લોકોનાં મળ અને પેશાબ દ્વારા તે દરિયાના પાણીમાં પહોંચ્યું હશે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

ઓસ્વાલ્ડો ક્રુઝ ઇન્સ્ટિટ્યુટ ખાતેની લેબોરેટરી ફૉર એસેસમેન્ટ ઍન્ડ પ્રમોશન ઑફ ઍન્વાયર્નમેન્ટલ હેલ્થના જીવવિજ્ઞાની, સંશોધક અને આ વિશેના અભ્યાસના લેખકો પૈકીના એક રશેલ ડેવિસે કહ્યું હતું, "શાર્કના શરીરમાંથી મળી આવેલા કોકેનનું કારણ બન્ને પૂર્વધારણા પૈકીની એક હોવાની અમારી ધારણા છે. તે રિયો ડી જાનેરોમાં માનવ ઉપયોગને કારણે દીર્ઘકાલીન સંપર્ક અને ગેરકાયદે પ્રયોગશાળાઓને કારણે હોઈ શકે છે."

તસ્કરો દ્વારા દરિયામાં ફેંકવામાં આવેલા કોકેનનાં પૅકેટ્સ પણ ડ્રગનો સ્રોત હોઈ શકે છે, પરંતુ આવી શક્યતા ઓછી હોવાનું સંશોધકો માને છે.

"મેક્સિકો અને ફ્લોરિડાની માફક અહીંના દરિયામાં કોકેનની ગાંસડીઓ ફેંકી દેવામાં આવી હોય એવું અમને લાગતું નથી. તેથી અમે ઉપરોક્ત પૂર્વધારણાઓને મુખ્ય કારણ માનીએ છીએ."

આ શોધ કેમ ‘ચિંતાજનક’ છે?

પોર્ટુગલની પૉલિટેકનિક યુનિવર્સિટી ઑફ લીરિયા ખાતેના સેન્ટર ફૉર ઍન્વાયર્નમેન્ટલ ઍન્ડ મરીન સાયન્સનાં મરીન એકોટોક્સીકોલૉજિસ્ટ સારા નોવેઈસે જર્નલ સાયન્સને કહ્યું હતું, "આ શોધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ચિંતાજનક છે."

જે માદા શાર્કને અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવી હતી એ તમામ ગર્ભવતી હતી, પરંતુ ગર્ભ પર કોકેનની શું અસર થાય છે તે જાણી શકાયું નથી.

કોકેનને કારણે શાર્કનું વર્તન બદલાય છે કે કેમ તે નક્કી કરવા માટે વધુ સંશોધન જરૂરી છે.

અગાઉનાં સંશોધનો સૂચવે છે કે ડ્રગ્ઝ માણસો અને પશુઓ પર સમાન અસર કરે છે.

સંશોધકોએ શાર્કની એક જ પ્રજાતિ પર પરીક્ષણ કર્યું છે, પરંતુ તેઓ માને છે કે પ્રદેશની અન્ય શાર્ક પ્રજાતિઓ પણ કોકેન પરીક્ષણમાં પોઝિટિવ પુરવાર થઈ શકે છે.

રશેલ ડેવિસે કહ્યું હતું, "શાર્ક માંસાહારી પ્રાણી છે અને ઘણા રાસાયણિક પ્રદૂષકોના શરીરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ આહાર છે. શાર્ક ક્રસ્ટેશિયન અને અન્ય માછલીઓ શિકાર કરે છે. તે પ્રાણીઓ દૂષિત હોવાની શક્યતા છે."

કોકેન પરિવહન માર્ગ

સાઓ પાઉલો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના ડૉક્ટર અને પ્રોફેસર કેમિલા નૂન્સ ડાયસે જણાવ્યું હતું કે બ્રાઝિલમાં કોકેનનો મોટો જથ્થો હોય છે, કારણ કે તે દેશનું લોકેશન દાણચોરો માટે કોકેનને મુખ્યત્વે યુરોપ અને આફ્રિકા જેવા મુખ્ય કન્ઝ્યુમર માર્કેટ્સ સુધી પહોંચાડવા માટે આકર્ષક બનાવે છે.

આ કારણસર બ્રાઝિલ ગુનેગારો માટે ડ્રગ્ઝના વિતરણના સંકલનનું વ્યૂહાત્મક કેન્દ્ર બની ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

"ભૌગોલિક મુદ્દો કેન્દ્રિય છે, કારણ કે પેરુ, કોલંબિયા અને બોલિવિયા જેવા ડ્રગ ઉત્પાદક દેશોને અડીને બ્રાઝિલની પશ્ચિમ સરહદ આવેલી છે તથા ઘણાં બંદરોને કારણે તેની ઍટલાન્ટિક સુધી પહોંચ છે."

સંશોધકો માને છે કે કોકેનનું પરિવહન કરતા ડૂબકીબાજો પણ પાણીને દૂષિત કરતા હોય તે શક્ય છે.

ડૂબકીબાજો ડ્રગ્ઝનો પ્રસાર કરે છે?

અલબત, સંશોધનના લેખકો કહે છે તેનાથી વિપરીત, નુનેસ ડાયસ માને છે કે આ પ્રદેશની લેબોરેટરીઝમાં રિફાઇન કરવામાં આવતા કોકેનને કારણે જળ દૂષિત થતું નથી.

તેઓ માને છે કે ડ્રગ્ઝને જહાજોમાં પહોંચાડતી વખતે ડૂબકીબાજો દ્વારા જળ દૂષિત થયાની શક્યતા વધારે છે.

યુએસપી ખાતેના સેન્ટર ફૉર વાયોલન્સ સ્ટડીઝ એનઈવીના નિષ્ણાતે કહ્યું હતું, "અમે ડૂબકીબાજો દ્વારા જહાજો પર કોકેન પહોંચાડવાની ઘણી વ્યૂહરચનાઓનો અભ્યાસ કર્યો છે. મારું મૂલ્યાંકન એવું છે કે આ સ્પષ્ટતા વધારે અર્થપૂર્ણ છે."

મોટાભાગના દેશોમાં કોકેન પર પ્રતિબંધ છે. કોકેનનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાનું અને વધુ માત્રામાં લેવાથી વ્યક્તિનું મોત થતું હોવાનું પુરવાર થયું છે.

સમાજશાસ્ત્રીના કહેવા મુજબ, કોકેનનો જથ્થો નદીઓ તથા માર્ગો મારફતે બ્રાઝિલમાં આવે છે અને બાદમાં તેને દેશનાં અનેક બંદરો તથા ઍરપોર્ટ મારફત યુરોપમાં મોકલવામાં આવે છે.

નુનેસ ડાયસ સમજાવે છે કે મુખ્યત્વે મેક્સિકન અને કોલંબિયન દાણચોરો અમેરિકામાં કોકેન મોકલાવે છે. જોકે, બ્રાઝિલ એક મુખ્ય કેન્દ્ર પણ છે.

"બ્રાઝિલનાં બધાં બંદરો નિકાસદ્વાર છે. પ્રત્યેક બંદરનો ઉપયોગ પ્રાઇમેઇરો કોમાંડો દા કેપિટલ (પીસીસી) અને કોમાંડો વર્મેલો જેવી ગુંડા ટોળકીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે."

શાર્કનું માંસ ખાતા મનુષ્યોના શરીરમાં કોકેન પ્રવેશી શકે?

શાર્કને દૂષિત કરતું કોકેન ફૂડ ચેઈન મારફત મનુષ્યના શરીરમાં પહોંચી શકે છે.

સંશોધક રશેલ ડેવિસના કહેવા મુજબ, બ્રાઝિલમાં લોકો ડૉગફિશ શાર્કનું માંસ ખાય છે અને તેના દ્વારા આ ડ્રગ માનવ શરીરમાં પ્રવેશી શકે છે.

"કોકેન પહેલેથી જ ફૂડ ચેઈનમાં પ્રવેશી ચૂક્યું છે, કારણ કે બ્રાઝિલ, અમેરિકા, બ્રિટન અને મેક્સિકો સહિતના અન્ય ઘણા દેશોમાં શાર્કનું માંસ લોકો નિયમિત રીતે ખાય છે."

રશેલ ડેવિસે ઉમેર્યું હતું, "આ માંસ ફ્લેક, ફિશ ઍન્ડ ચિપ્સ, ડૉગફિશ અને અન્ય નામો હેઠળ વેંચવામાં આવે છે."

વિશ્વના ઘણા ભાગોમાં શાર્ક ફિન સૂપ લોકપ્રિય આહાર છે.

જોકે, આ પ્રાણીનું માંસ ખાવાથી શરીરમાં પ્રવેશતું ડ્રગ કેટલું હાનિકારક છે, તે સ્પષ્ટ નથી.

રશેલ ડેવિસે કહ્યું હતું, "ફૂડ ચેઈન કારણે લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાતી હોવાનું હજુ સુધી સ્થાપિત કરી શકાયું નથી, કારણ કે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર બાબતે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી."

શાર્ક અને અન્ય માછલીઓ તેમની ચામડી તથા શ્વસનેન્દ્રિય દ્વારા પાણીને શોષી લે છે અને રશેલ ડેવિસે જણાવ્યું હતું કે કોકેન દરિયાના પાણીમાં ઓગળી ગયું હોય તો પણ તેનાથી સમુદ્રમાં સ્વિમિંગ કરતા લોકોને અસર થવાની શક્યતા નથી.

"માનવ સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો બીજો મુદ્દો પાણી સાથેના સીધા સંપર્કનો છે. અમે માનીએ છીએ કે તે ન્યૂનતમ હ."