You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવી ભૂખી ઈયળો જે પ્લાસ્ટિને પણ પચાવી જાય છે
- લેેખક, ફ્રાન્સિસ ઓગસ્ટિન
- પદ, ફીચર્સ સંવાદદાતા
પ્લાસ્ટિક દાયકાઓ અથવા સદીઓ પછી સંપૂર્ણપણે નષ્ટ થાય છે, પરંતુ તીવ્ર પાચક રસથી સજ્જ આ ઇયળો (વૅક્સવર્મ્સ) પ્લાસ્ટિકને તોડી શકે છે.
પ્લાસ્ટિક વર્મ્સમાં પહેલી નજરે ખાસ કશું નોંધપાત્ર જણાતું નથી. સળવળતી આ નિસ્તેજ ઇયળો, મોથ (પતંગિયાં જેવાં પાંખવાળાં જીવડાં)ના પ્રારંભિક સ્વરૂપ પર નભે છે, જેનો ઉપયોગ મધમાખીઓ મધપૂડા બનાવવા માટે કરે છે.
મધમાખીઓનો ઉછેર કરતા લોકો માટે આ જંતુ એવી ચીજ છે, જેનાથી કશું વિચાર્યા વિના તરત છુટકારો મેળવી શકાય છે.
જોકે, 2027માં સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલમાં કરોડરજ્જુના ભ્રૂણ વિકાસ પર સંશોધન કરી રહેલાં મોલેક્યુલર બાયૉલૉજિસ્ટ ફેડેરિકા બર્ટોચિની આ જંતુઓની આમૂલ પરિવર્તનકારી શોધથી આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.
મધમાખીનો ઉછેર શોખથી કરતા બર્ટોચિનીએ મધપૂડો સાફ કર્યા પછી વૅક્સવર્મ્સને પ્લાસ્ટિકની એક થેલીમાં નાખી દીધાં હતાં. થોડા સમય પછી તેમણે જોયું તો એ કીડાઓએ પ્લાસ્ટિકમાં નાનાં કાણાં પાડવાનું શરૂ કરી દીધું હતું અને કીડાઓનાં મોંના સ્પર્શ સાથે જ પ્લાસ્ટિક ડિગ્રેડ થવા લાગ્યું હતું.
પ્રારંભિક શોધ અને તેનો અર્થ સમજાવતાં બર્ટોચિનીએ કહ્યું હતું, “તે ખરેખર નવી શોધની ક્ષણ હતી. એ શાનદાર હતું. તે કથાની શરૂઆત હતી. રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત હતી.”
એ કીડાઓ કંઈક એવું કરી રહ્યા હતા, પ્લાસ્ટિકને તોડી રહ્યા હતા, જે માણસો માટે ઘણું મુશ્કેલ જણાય છે. એટલું જ નહીં, કીડાઓ પ્લાસ્ટિકને જાણે કે તે ભોજન હોય એવી રીતે પચાવી જતા હતા.
બર્ટોચિની અને તેમના સાથી સંશોધકોએ કીડાનાં મોંમાંથી નીકળતા તરલ પદાર્થને એકઠો કરવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જોયું હતું કે તે ‘લાળ’માં બે મહત્ત્વપૂર્ણ ઍન્ઝાઇમ – સેરેસ અને ડેમેટર – સામેલ છે. એ બન્નેનાં નામ કૃષિનાં રોમન તથા ગ્રીક દેવીઓનાં નામ પરથી અનુક્રમે રાખવામાં આવ્યાં છે. તે ઍન્ઝાઇમ્સ પ્લાસ્ટિકમાંના પૉલિથીનનું ઑક્સીડેશન કરવામાં સક્ષમ હતા.
પ્લાસ્ટિકને લીધે પ્રદૂષિત વાતાવરણમાં આ કીડાઓને મુક્ત કરવાનું, ખાસ કરીને મધપૂડાઓનો નાશ કરવાની તેમની ક્ષમતાને ધ્યાનમાં લેતાં ઇકૉસિસ્ટમ માટે ખતરનાક હોઈ શકે છે, તેવું બર્ટોચિનીએ નોંધ્યું હતું. પરંતુ તેમને આશા છે કે કીડાઓ જે ઍન્ઝાઇમ પેદા કરે છે, તે દુનિયાને પ્લાસ્ટિકના પ્રદૂષણની સમસ્યાના નિવારણમાં મદદરૂપ થઈ શકે છે.
બર્ટોચિની હવે બાયૉરિસર્ચ સ્ટાર્ટઅપ પ્લાસ્ટિકેંટ્રોપી ફ્રાન્સમાં ચીફ ટેકનૉલૉજી ઑફિસર તરીકે કામ કરે છે. પ્લાસ્ટિકને નષ્ટ કરવા માટે તે ઍન્ઝાઇમ્સનો ઉપયોગ વધારવાની વ્યવહારુતાનો અભ્યાસ કરતી એક ટીમ સાથે તેઓ કામ કરી રહ્યાં છે.
બર્ટોચિનીએ કહ્યું હતું, “મોટો લક્ષ્યાંક આ ઍન્ઝાઇમ્સના પ્લાસ્ટિકના કચરા પર ઉપયોગ કરવામાં સક્ષમ થવાનો છે. હું ખરેખર ઇચ્છું છું કે આ શોધ અને ટેકનૉલૉજીને વિકસાવવામાં આવે તથા એક એવું નિરાકરણ શોધવામાં આવે, જેનો આપણે વૈશ્વિક સ્તરે ઉપયોગ કરી શકીએ.”
વિભિન્ન જીવોમાંથી આશાસ્પદ ઍન્ઝાઇમ મળી શકે છે. કેટલાંક ફુગ અને બૅક્ટેરિયા પ્લાસ્ટિકને પચાવી જતાં હોવાનું માનવામાં આવે છે, પરંતુ જટિલ પ્રાણીઓમાં આવું બહું દુર્લભ હોય છે.
પ્લાસ્ટિકનો સ્વાદ માણતું એક અન્ય કરોડરજ્જુધારી પ્રાણી 2022માં શોધી કાઢવામાં આવ્યું હતું. સુપરવર્મ તરીકે ઓળખાતું જોફોબાસ મોરિયો નામનું તે પ્રાણી પોલિસ્ટાઇનીનનો આહાર કરીને પોતાનું વજન વધારી શકે છે.
પ્લાસ્ટિક પરની આપણી નિર્ભરતા અને તેનો વપરાશ ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે અનેક ઉપાય કરવાની જરૂર છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે ઘણા દેશોએ સિંગલ-યૂઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન તથા વપરાશ ઘટાડવાની ખાતરી આપી છે અને 2024ના અંત સુધીમાં એક વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ થવાની આશા છે.
પ્લાસ્ટિકને તોડવા માટે આ પ્રકારના ઍન્ઝાઇમ્સનું જંગી પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે તો તેમાં આ નાનકડા જીવો પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.
કીડા, બૅક્ટિરિયા અને ઍન્ઝાઇમ પ્લાસ્ટિકને કેવી રીતે પચાવી શકે છે તેનો વીડિયો તમે પહેલાં ન જોયો હોય તો એ વિશે વધારે જાણવા માટે બીબીસી અર્થ સાયન્સના પ્લેનેટ ફિક્સનો વીડિયો જોઈ શકો છો.