You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શૅરબજારમાં કડાકો : ઘટાડા દરમિયાન SIPમાં વધારો કરવો કે એકસામટું રોકાણ કરવું?
ભારતીય શૅરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત ઘટાડા મામલે રોકાણકારો ચિંતામાં છે.
નિષ્ણાતો અનુસાર ખાસ કરીને ફેબ્રુઆરી માસમાં જ માર્કેટમાં સામાન્ય કરતાં વધુ મોટા ઘટાડા નોંધાઈ ચૂક્યા છે.
છેલ્લે શુક્રવારે બીએસઈ સેન્સેક્સમાં 1420 પૉઇન્ટનો કડાકો બોલ્યો હતો. જેના કારણે સેન્સેક્સ 73192 પર બંધ થયો હતો.
જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 418 પૉઇન્ટ ઘટીને 22126 પર બંધ થયો હતો.
શૅરબજાર નવ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.
આ સાથે જ મધ્યમવર્ગના રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે.
ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારો ચિંતિત છે. શૅરબજારમાં આ સમયે તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં શું ફેરફાર કરવા જોઈએ? શું એકીસાથે રોકાણ કરવું હિતાવહ છે?
શૅરબજારમાં ઘટાડા સમયે SIPનું શું કરવું?
મોટા ભાગના નિષ્ણાતો સલાહ આપે છે કે અત્યારે એસઆઇપી બંધ કરવાનો કે તમારી મૂડી ઉપાડી લેવાનો સમય નથી, પરંતુ જો શક્ય હોય તો તમારી એસઆઇપીની રકમમાં વધારો કરવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માર્કેટ ઍક્સપર્ટ પાર્થિવ શાહે બીબીસી ગુજરાતી સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "લોકોએ જો તેમની એસઆઇપી ચાલુ હોય તો તેને હાલના સમયમાં બંધ કરવાની ભૂલ ન કરવી જોઈએ."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "આ એસઆઇપી કરવાનો શ્રેષ્ઠ સમય છે, કારણ કે તમને રૂપી-કોસ્ટ ઍવરેજિંગનો સૌથી વધુ ફાયદો થાય છે. જો શક્ય હોય તો અત્યારના સમયે એ જ એસઆઇપીમાં થોડા વધુ રૂપિયા ઉમેરીને તેને આગળ ધપાવવી જોઈએ. મને લાગે છે કે આ અત્યારના સમયને જોતાં સૌથી શ્રેષ્ઠ નિર્ણય હશે."
પાર્થિવ શાહે કહ્યું હતું કે, "ઇક્વિટી કરતાં હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધુ સુરક્ષા છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારું ફંડ મૅનેજ કરવા માટે લોકો છે. રિટેલ રોકાણકારોએ ડાયરેક્ટ સ્ટૉક્સ કરતાં મ્યુચ્યુઅલ ફંડ વિશે વિચારવું જોઈએ."
તેમણે કહ્યું હતું કે, "તમે માર્કેટને ટાઇમ કરી નથી શકતા. આપણને એવું લાગે કે માર્કેટ ઉપર જશે, તો એ ઘટે છે અને આપણને એવું લાગે કે માર્કેટ નીચે જશે તો એ વધે છે. એસઆઇપીથી તમારા આ પ્રશ્નનું સમાધાન થાય છે. તમે દર મહિને તમારી મૂડીમાંથી રોકાણ કરો છો જો માર્કેટ ડાઉન હશે, તો તમને વધારે યુનિટ્સ મળશે અને જો માર્કેટ અપ હશે તો તમને ઓછા યુનિટ્સ મળશે. એ આપમેળે ઍવરેજિંગ કરે છે."
અમદાવાદસ્થિત ફાઇનાન્સિયલ ઍડવાઇઝર મિથુન જાથલે પણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "મારી સલાહ છે કે આગામી 12 મહિના માટે તમારા એસઆઇપીની રકમ બમણી કરી નાખો. 13મા મહિનાથી તમે ભલે પહેલાં જેટલી જ એસઆઇપી કરો તેનો વાંધો નથી."
તેઓ કહે છે, "શૅરબજાર ઘટે અને એસઆઇપીમાં નૅગેટિવ વળતર મળે ત્યારે ગભરાવાનું કોઈ કારણ નથી."
મ્યુચ્યુઅલ ફંડ્સમાં એકીસાથે પૈસા (લમ્પસમ) રોકવા જોઈએ કે નહીં?
હાલમાં માર્કેટ નીચું જવાને કારણે સામાન્ય રીતે એસઆઇપી કરતાં લોકો પણ એવું વિચારી રહ્યા છે કે આ સમયે આપણે માર્કેટમાં વધુ પૈસા રોકીએ.
તેના કારણે લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં લમ્પસપ (એકીસાથે પૈસા રોકવા) રોકાણ કરવું જોઈએ કે નહીં.
મિથુન જાથલ બીબીસીને જણાવે છે કે, "મારા મત પ્રમાણે એસઆઇપીમાં જ નિશ્ચિત રકમ વધારવી જોઈએ. એકીસાથે પૈસા રોકવા હોય (લમ્પસમ કરવું હોય) તો પણ સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન(STP) થકી કરવું જોઈએ."
સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન એ એવી પદ્ધતિ છે જેમાં રોકાણકાર પોતાના ફંડ્સને એક મ્યુચ્યુઅલ ફંડથી બીજામાં સમયાંતરે ફેરવી શકે છે. જેમ કે લૉ-રિસ્ક ફંડમાંથી થોડા સમય પછી હાઈ-રિસ્ક ફંડમાં ટ્રાન્સફર કરે છે.
આ પદ્ધતિમાં શરૂઆતમાં વધુ સુરક્ષિત અને ઓછા જોખમવાળા ફંડમાં એકસાથે પૈસા રોકવામાં આવે છે અને પછી ધીમેધીમે તેને વધુ રિસ્કમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
મિથુન જાથલ કહે છે, "અમે રોકાણકારોને એવી સલાહ આપીએ છીએ જો એકીસાથે રોકાણ કરવું હોય તો પણ એસટીપી થકી કરો, અને આવા સમયમાં તો ખાસ એસટીપી થકી જ કરવું જોઈએ."
માર્કેટ ઍક્સપર્ટ અસીમ મહેતા કહે છે, "હાલમાં માર્કેટની પરિસ્થિતિ ખરાબ છે અને એ પ્રેડિક્ટેબલ નથી. શુક્રવારે જેટલું માર્કેટ નીચું ગયું એ જોતાં હજુ પણ ઘટાડો શક્ય છે."
તેઓ કહે છે, "આવા સમયમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં લમ્પસમ રોકાણ કરવું એ જોખમી છે. એકીસાથે રોકાણ ત્યારે જ કરવું જોઈએ જ્યારે આપણને એ અંદાજ હોય કે માર્કેટ આનાથી તો નીચું નહીં જ જાય. માર્કેટની રિકવરી આવતા વાર લાગે એવું હોવાથી આ સમયમાં એસઆઇપી જ શ્રેષ્ઠ વિકલ્પ છે."
અસીમ મહેતા કહે છે, "નાના રોકાણકારોએ પણ મૂડીને લાંબો સમય સુરક્ષિત રાખવા માટે એસઆઇપીના વિકલ્પ તરફ જ જવું જોઈએ."
મિથુન જાથલ નાના રોકાણકારોને સલાહ આપે છે કે, "યૂટ્યૂબ અને સોશિયલ મીડિયામાં અપાતી સલાહોથી દૂર રહેવું જોઈએ અને એ યાદ રાખવું કે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફંડ્સ એસઆઇપીમાં રોકાણ કર્યું હોય તો માર્કેટ ઉપરનીચે જવાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી."
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ
ભારતીય શૅરબજારને ટકાવી રાખવામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો મોટો હિસ્સો છે, કારણ કે રોકાણકારો માસિક 500 રૂપિયા જેવી નાનકડી એસઆઇપીથી પણ રોકાણ કરતા હોય છે.
બજારમાં ઘટાડા વચ્ચે ઘણા રોકાણકારોએ ચિંતિત થઈને એસઆઇપી બંધ કરી છે , જે કરવાની માર્કેટ ઍક્સપર્ટ ના પાડે છે.
ઍસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (ઍમ્ફી)ના જાન્યુઆરી મહિનાના આંકડા પ્રમાણે ઇક્વિટી ફંડ્સમાં ઇનફ્લોમાં અગાઉના મહિના કરતાં 3.6 ટકાનો ઘટાડો થયો હતો અને કુલ 39,687 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા.
તેની સામે ડિસેમ્બર 2024માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 41,155 કરોડ રૂપિયા ઠલવાયા હતા.
જોકે, ઉપાડની સામે રોકાણ જોવામાં આવે તો સળંગ 47 મહિનાથી નેટ ઇન્વેસ્ટમેન્ટ પૉઝિટિવ રહ્યું છે.
ઍમ્ફીના ડેટા પ્રમાણે જાન્યુઆરી 2025માં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા 22.92 કરોડ સુધી પહોંચી ગઈ હતી તથા રિટેલ એયુએમ (એસેટ અંડર મૅનેજમેન્ટ)નું કદ 39.91 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 38.77 લાખ કરોડ રૂપિયા થયું હતું.
જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ મારફત જે રોકાણ થયું તેમાંથી 26,400 કરોડ રૂપિયા એસઆઇપી મારફતે રોકવામાં આવ્યા હતા. રોકાણકારોએ જાન્યુઆરી 2025માં લાર્જ-કૅપ ફંડ્સમાં 3063 કરોડ રૂપિયા, મિડ-કૅપમાં 5147 કરોડ અને સ્મૉલ-કૅપ ફંડ્સમાં 5720 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.
(સ્પષ્ટતાઃ શૅરબજારમાં રોકાણમાં નાણાકીય નુકસાનનું જોખમ રહેલું છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાતે સંશોધન કરે અને રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે. બીબીસી ગુજરાતી આ માહિતીના આધારે થયેલા રોકાણથી થતા કોઈ પણ નાણાકીય નુકસાન માટે જવાબદાર નથી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન