You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્કમટૅક્સ : આવકવેરાનું જૂનું માળખું પસંદ કરવું કે નવું? જાણો પગારદારોને વધુ ફાયદો શેમાં છે
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26ના સામાન્ય બજેટમાં આવકવેરામાં મોટી રાહતની જાહેરાત કરી છે. શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ નવા ઇન્કમટૅક્સ સ્લેબની પણ જાહેરાત કરી છે.
આ જાહેરાત અનુસાર નવી ટૅક્સ રિજીમમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો ચૂકવવો નહીં પડે.
નિષ્ણાતોના મતે આ નવી ટૅક્સ રિજીમનો સૌથી વધુ ફાયદો મધ્યમ વર્ગને થવાનો છે.
નાણામંત્રીની આ જાહેરાતની સાથે જ સામાન્ય લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે કઈ ટૅક્સ વ્યવસ્થા વધુ ફાયદાકારક છે તેના પર પણ ચર્ચા થઈ રહી છે.
આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે નવી અને જૂની ટૅક્સ વ્યવસ્થામાંથી અલગ-અલગ પગારદાર વર્ગના લોકો માટે કઈ વ્યવસ્થા વધુ સારી છે.
શનિવારે રજૂ કરાયેલા બજેટમાં પગારદાર વર્ગ માટે 75 હજાર રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન રાખવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં જોવામાં આવે તો પગારદાર વર્ગની 12 લાખ 75 હજાર રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં લાગે. એટલે કે જે કર્મચારીની વાર્ષિક આવક 12.75 લાખ સુધીની છે તેણે કોઈ ટૅક્સ ચૂકવવો નહીં પડે.
ઉદાહરણ તરીકે ધારો કે કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 13 લાખ રૂપિયા છે. એટલે કે તેઓ 12.75 લાખની મર્યાદા વટાવી ગયા છે. તેથી તેમણે ટૅક્સ ચૂકવવો પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે જોવામાં આવે તો જેમની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધીની છે તેવા સામાન્ય લોકો અને 12.75 લાખ સુધીની આવક ધરાવતા પગારદાર લોકો માટે નવી ટૅક્સ રિજીમ ફાયદાકારક છે, કારણ કે તેમણે કોઈ ટૅક્સ ચૂકવવો પડશે નહીં.
ટૅક્સ બાબતોના ઍક્સપર્ટ શરદ કોહલી કહે છે, "હવે જૂની ટૅક્સ રિજીમ ફક્ત તે લોકો માટે જ ફાયદાકારક રહેશે જેઓ ચેપ્ટર 6-1 હેઠળ ડિડક્શન માટે દાવો કરે છે. જેઓ પગારદાર વર્ગમાં આવે છે, જેઓ એચઆરએ મેળવે છે અને જેઓ હોમલોન ચૂકવી રહ્યા છે."
શરદ કોહલીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ભારતમાં લગભગ 70 ટકા લોકોએ નવી ટૅક્સ રિજીમ અપનાવી હતી. પરંતુ નવા બજેટ પછી એવી આશા રાખી શકાય છે કે આ આંકડો હવે 90થી 95 ટકા સુધી પહોંચી જશે.
શરદ કોહલી કહે છે, "જૂની ટૅક્સ રિજીમ હવે માત્ર પગારદાર વર્ગમાં આવતા અને ઉપરની તમામ શરતો પૂરી કરનારાઓ માટે જ ફાયદાકારક રહેશે. નોન-સેલરી ક્લાસ માટે કોઈ ફાયદો નથી, કારણ કે તેમને એચઆરએ નથી મળતું. તેઓ આના હેઠળ ઉપલબ્ધ મુક્તિનો લાભ લઈ શકતા નથી."
ઇન્કમટૅક્સના ચેપ્ટર 6-A હેઠળ કરદાતાઓને અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે.
તેના હેઠળ કરદાતા જીવન વીમા, મ્યુચ્યુઅલ ફંડ, ઘરનું ભાડું, બાળકોની શાળાની ફી, હોમલોન વગેરે જેવી ઘણી બાબતો પર ખર્ચના આધારે આવકવેરામાં છૂટ મેળવી શકે છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનોજકુમાર ઝા કહે છે, "નવી ટૅક્સ વ્યવસ્થા કરતાં જૂની ટૅક્સ વ્યવસ્થા વધુ ફાયદાકારક હોઈ શકે. પરંતુ આના માટે હોમલોન, 80સી, એનપીએસ અને મેડિક્લેમ વગેરે પર મહત્તમ ખર્ચ દર્શાવવો પડશે."
હોમલોન પર બે લાખ રૂપિયા, 80-સી હેઠળ કુલ 1.5 લાખ રૂપિયા, જેમાં વીમો, મ્યુચ્યુઅલ ફંડ, બાળકોની શાળાની ફી, ઘરનું ભાડું, પીપીએફ, હોમલોનની મૂળ રકમનું રિફંડ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એનપીએસમાં 50 હજાર રૂપિયાનું રોકાણ અને તમારી અથવા તમારા આશ્રિત માતા-પિતાની સારવાર માટે 75 હજાર રૂપિયા સુધીનો ખર્ચ સામેલ છે.
જૂની ટૅક્સ સ્કીમ એવા લોકો માટે વધુ ફાયદાકારક બની શકે છે જેઓ ઉપર જણાવેલા ખર્ચ ઉપરાંત શારીરિક રીતે વિકલાંગ આશ્રિતોની સારવાર માટે પણ ખર્ચ કરી રહ્યા છે.
આવકવેરાના અધિનિયમ 80 ડીડી હેઠળ આના પર વાર્ષિક 1.25 લાખ સુધીના ખર્ચ પર કોઈ ઇન્કમટૅક્સ ચૂકવવો પડતો નથી.
એટલે કે જો તમે જૂની ટૅક્સ સિસ્ટમ પસંદ કરશો, તો તમારે આવકવેરા વિભાગને વિવિધ પ્રકારનાં રોકાણો અને ખર્ચના પુરાવા સોંપવા પડશે, જ્યારે નવી ટૅક્સ રિજીમમાં તમને આ બધી ઝંઝટમાંથી મુક્તિ મળે છે.
જો તમારી વાર્ષિક આવક ઇન્કમટૅક્સમાં આપવામાં આવેલી મર્યાદા કરતા વધુ હોય તો તમારા માટે કઈ રિજીમ પસંદ કરવું વધુ ફાયદાકારક રહેશે?
આની સ્પષ્ટતા કરતા મનોજકુમાર ઝા કહે છે, "ધારો કે કોઈનો વાર્ષિક પગાર 15 લાખ 75 હજાર રૂપિયા છે, તો નવી ટૅક્સ રિજીમ મુજબ તેમણે 109200 રૂપિયા ઇન્કમટૅક્સ ભરવો પડશે."
"આવી વ્યક્તિ સેલરી ક્લાસમાં આવતી ન હોય તો તેણે 120900 રૂપિયા ટૅક્સ ચૂકવવો પડશે. તેમાં અંતિમ ટૅક્સની રકમ પર ચાર ટકા ઍજ્યુકેશન સેસ પણ સામેલ છે."
"જૂની ટૅક્સ રિજીમની વાત કરીએ તો કોઈ પણ ડિડક્શન વગર પગારદાર વર્ગની વ્યક્તિએ 15.75 લાખની આવક પર 2.73 લાખ રૂપિયા ટૅક્સ ચૂકવવો પડશે. નોન સેલરી વર્ગની વ્યક્તિએ 2.96 લાખ રૂપિયા ઇન્કમટૅક્સ ભરવો પડશે."
પરંતુ જૂની ટૅક્સ રિજીમમાં પગારદાર વર્ગની વ્યક્તિ 80-સી, 80-ડી, 80 ડીડી, 80 સીસીડી અને 24-બી જેવી જોગવાઈઓ હેઠળ મળેલી છૂટના આધારે પોતાની ટૅક્સ જવાબદારીને 60 હજાર રૂપિયાની નજીક લાવી શકે છે.
જોકે, નોન સેલેરી ક્લાસની વ્યક્તિ આ જોગવાઈઓના આધારે પોતાની ટૅક્સ જવાબદારીને 70,000 રૂપિયા સુધી લાવી શકે છે.
આ ઉપરાંત જૂની ટૅક્સ રિજીમ મુજબ બેઝિક સેલરી અને એચઆરએના આધારે સેલરી ક્લાસ ઇન્કમટૅક્સની જવાબદારીને વધુ ઘટાડી શકે છે.
જોકે, હોમલોન પર વ્યાજ અને એચઆરએનો ફાયદો એકસાથે ઉઠાવવો હોય તો તેની કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે કોઈ પગારદાર વ્યક્તિએ એક શહેરમાં લોન લઈને મકાન ખરીદ્યું હોય પરંતુ તે નોકરી માટે બીજા શહેરમાં રહેતી હોય ત્યારે.
પરંતુ જૂની ટૅક્સ રિજીમમાં કોઈ કરદાતાને મહત્તમ ફાયદો ત્યારે જ મળી શકે, જ્યારે તે ઇન્કમટૅક્સમાં મળેલી છૂટ માટે અપાયેલી તમામ જોગવાઈઓનો વધુમાં વધુ લાભ લઈ શકે.
અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે તમામ જોગવાઈઓનો લાભ મેળવવા માટે વ્યક્તિએ તમામ શરતો પૂરી કરવી પડશે અને જવાબદારી ઉપરાંત રોકાણ પણ કરવું પડશે, જે આસાન નહીં હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન