બજેટ 2025 : 12 લાખની આવક સુધી ટૅક્સમાં છૂટથી ખરેખર કેટલો લાભ થશે?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025- '26ની જોગવાઈઓ મધ્યમવર્ગ માટે રાહતજનક રહેશે, એમ જણાવવામાં આવી રહ્યું છે.

સીતારમણે જ્યારે બજેટની જાહેરાત કરી, ત્યારે જેમની વાર્ષિક આવક રૂ. 12 લાખ કરતાં ઓછી છે, તેમને ફાયદો થશે એમ લાગ્યું, કારણ કે આ ટોચમર્યાદાથી ઓછી આવક મેળવનારા લોકોએ કોઈ ટૅક્સ ચૂકવવાનો નહીં રહે. પગારદાર લોકો માટેની મર્યાદા 12 લાખ 75 હજારની રહેશે.

કેટલાક નિષ્ણાતોના એક વર્ગનું માનવું છે કે મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા આવશે, તો વપરાશ કે બચત સ્વરૂપે તે ફરીથી બજારમાં આવશે અને અર્થતંત્રનું પૈડું ફરશે.

જોકે, નિષ્ણાતોનો બીજો વર્ગ આ મત સાથે સહમત નથી અને માને છે કે સરકારે અન્ય રીતે રાહત આપવી જોઈતી હતી.

એક અનુમાન પ્રમાણે, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 13 લાખ જેટલી છે, તો નવા ટૅક્સ સ્લૅબને કારણે તેને રૂ. 60થી 70 હજારની ટૅક્સ બચત થશે.

નવા ટૅક્સ સ્લૅબ પ્રમાણે, રૂ. ચારથી આઠ લાખની વાર્ષિક આવક ધરાવનારા લોકોએ માત્ર પાંચ ટકા આવકવેરો ભરવો પડશે.

વાર્ષિક રૂ. આઠથી 12 લાખની આવક મેળવનારાઓએ 10 ટકા તથા રૂ. 12થી 16 લાખની વાર્ષિક આવકવાળાઓએ 15 ટકા ટૅક્સ આપવો પડશે.

રૂ. 12થી 15 લાખની વાર્ષિક આવક ઉપર અત્યારસુધી 20 ટકા ટૅક્સ આપવો પડતો હતો.

ભારતમાં વાર્ષિક રૂ. પાંચથી 30 લાખની આવક ધરાવનારા લોકોને(વર્ષ 2020- '21ના મૂલ્યોના આધારે) મધ્યમ વર્ગ માનવામાં આવે છે.

પીપલ્સ રિસર્ચ ઑન ઇન્ડિયાઝ કન્ઝ્યુમર ઇકૉનૉમીના આકલન મુજબ, હાલમાં(2025) દેશની કુલ વસતિના 40 ટકા લોકો મધ્યમવર્ગીય છે. વર્ષ 2016 દરમિયાન આ આંકડો 26 ટકા આસપાસનો હતો.

હાલમાં ભારતીય અર્થતંત્રમાં માગનો અભાવ છે. વસ્તુઓ અને સેવાઓનો સૌથી વધુ વપરાશ મધ્યમવર્ગ કરે છે, પરંતુ તેમના હાથમાં પૈસા વધતા નથી. એટલે તેમની ખરીદશક્તિ ઘટી ગઈ છે અને અર્થતંત્રમાં માગ ઘટી રહી છે.

કંપનીઓનો માલ વેચાઈ નથી રહ્યો, એટલે ઉત્પાદનમાં વૃદ્ધિ નથી કરી રહી કે ન તો નવું રોકાણ કરી રરહી છે. જેની અસર આર્થિક વિકાસ પર પણ પડી રહી છે.

એવું માનવામાં આવે છે કે મધ્યમવર્ગીય કરદાતાઓને આવકવેરામાં રાહત આપીને સરકારે માગ વધારવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને અર્થતંત્રનું ચક્ર ફરીથી ઝડપભેર ફરવા લાગે.

કન્ઝ્યુમર ઇકૉનૉમિસ્ટ રાજેશ શુક્લાના કહેવા પ્રમાણે, "લોઅર મિડલ ક્લાસને મોંઘવારીનો માર પડી રહ્યો છે. આ સંજોગોમાં નવા ટૅક્સ સ્લૅબ મારફત આવકવેરો ભરનારાઓના હાથમાં વાર્ષિક રૂ. 70થી 80 હજાર વધુ આવશે, તો તે મોટી વાત હશે."

"જો મધ્યમ વર્ગ વપરાશ નહીં કરે અને બચત કરશે, તો પણ તેનો લાભ થશે, કારણ કે છેવટે તો તેનાથી વપરાશ વધતો હોય છે."

રાજેશ શુક્લા ઉમેરે છે, "મધ્યમવર્ગ વપરાશકર્તા, કર્મચારી તથા રોકાણકાર એમ ત્રણેય હોય છે. મધ્યમવર્ગ જ ડ્રાઇવર, ઘરેલુ તથા અન્ય સહાયકોની સેવાઓ લે છે. આથી, જો તેમના હાથમાં વધારાની રકમ આવશે, તો આ પ્રકારની સેવાઓ આપનારા લોકોના હાથમાં પણ એ પૈસો પહોંચશે, જે છેવટે બજારમાં જ આવશે."

"એટલે મધ્યમ વર્ગને ટૅક્સમાં રાહત આપવી એ મધ્ય વર્ગ તથા અર્થતંત્ર એમ બંનેને માટે રાહતસભર પગલું હશે."

જોકે, મધ્યમ વર્ગને રાહત આપીને તેના હાથમાં વધુ નાણાં મૂકવાના સરકારનાં પગલાં ઉપર કેટલાક નિષ્ણાતો સવાલ ઉઠાવે છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસમાં મૅલકમ આદિશેષૈયા ચૅર પ્રોફેસર તથા વિખ્યાત અર્થશાસ્ત્રી અરૂણ કુમારના કહેવા પ્રમાણે, ઇન્કમ ટૅક્સમાં છૂટ આપવાની સરખામણીએ અપ્રત્યક્ષ કરના દર ઘટાડીને માગ વધારવાનો ઉપાય વધુ કારગત સાબિત થયો હોત.

તેમના કહેવા પ્રમાણે, જે લોકો ખૂબ જ ગરીબ છે એમણે પણ ઇનડાયરેક્ટ ટૅક્સ ચૂકવવા પડે છે. ભારતમાં અનેક ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપરના અપ્રત્યક્ષ કર જીએસટીનો(ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) દર 28 ટકા સુધીનો છે.

અરૂણ કુમાર કહે છે, "ભારતમાં લગભગ એક અબજ 40 કરોડની વસતિમાંથી માત્ર સાડા નવ કરોડ લોકો જ ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરે છે, જેમાંથી છ કરોડ લોકો ઝીરો રિટર્ન ફાઇલ કરે છે, તો માત્ર સાડા ત્રણ લોકોને કરમાં રાહત આપીને બજારમાં માગ વધારવાનો ઉપાય કારગત સાબિત ન થઈ શકે."

અરૂણ કુમારનું કહેવું છે કે સરકારે મીડલ ક્લાસને રાહત મળી છે એમ કહીને એક પ્રકારે નૅરેટિવ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે.

અહીં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રહે છે, જે મિડલ ક્લાસ છે તથા ઇન્કમટૅક્સ રિટર્ન પણ ભરે છે.

જાણકારોના કહેવા પ્રમાણે, દેશમાં જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે એટલે કે અપ્રત્યક્ષ કરના રસ્તે સરકાર નાગરિકોનાં ખિસ્સાંમાંથી વધુ અને વધુ પૈસા કાઢી રહી છે.

સરકારી આંકડા પ્રમાણે, વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024 દરમિયાન તેમાં 7.3 ટકાની વૃદ્ધિ થઈ હતી. ડિસેમ્બર-2024 દરમિયાન રૂ. એક લાખ 77 હજારની આવક જીએસટીમાંથી થઈ હતી.

જાણકારોના કહેવા પ્રમાણે, જીએસટી સ્વરૂપે ઇન્ડાયરેક્ટ ટૅક્સના ઊંચા દરને કારણે સામાન્ય વપરાશકર્તાઓની ક્ષમતા ઘટી રહી છે, એટલે કે સામાન મોંઘો હોવાને કારણે વપરાશકર્તાઓ પ્રમાણમાં ઓછી ખરીદી કરી રહ્યા છે.

મોટાભાગના વપરાશી સામાન અને સેવાઓ ઉપર જીએસટીનો દર 18 ટકા કે એથી વધારે છે. જેના કારણે ચીજો મોંઘી થઈ રહી છે અને તેની અસર કન્ઝ્યુમર ગુડ્સના વેચાણ પર થઈ રહી છે.

અરૂણ કુમારના કહેવા પ્રમાણે, અર્થંતંત્રનાં જે ક્ષેત્રોમાં રોકાણ કરવાથી રોજગાર વધવાની ક્ષમતા છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ.

"આ ક્ષેત્રોમાં ગ્રામીણ કાસ, શિક્ષણ તથા આરોગ્ય જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગ્રામ્યવિસ્તારમાં આવાસનિર્માણ તથા માળખાકીય સુવિધાઓને વિસ્તારવા માટે પૈસા ખર્ચવા જોઈએ, તો લોકો સુધી પૈસા પહોંચશે."

"જેનાથી સામાન્ય લોકોના હાથમાં પૈસા વધશે, જે બજારમાં આવીને માગમાં વધારો કરશે અને ઇકૉનૉમીને ગતિ મળશે. માત્ર મિડલ ક્લાસને રાહત આપવાથી કંઈ નહીં વળે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.