અમદાવાદ: પોલીસ સાથે હાથ મિલાવ્યા અને પત્નીની હત્યાનો આરોપી 15 વર્ષે કેવી રીતે પકડાયો?

તરુણ જિનારાજ (વચ્ચમાં)

ઇમેજ સ્રોત, Twitter/Ahmedabad Police

ઇમેજ કૅપ્શન, તરુણ જિનારાજ (વચ્ચમાં)
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

તા. 15 ફેબ્રુઆરી 2003ના દિવસે અમદાવાદથી પ્રકાશિત થતાં અખબારોમાં 'વૅલેન્ટાઇન્સ ડે'ના દિવસે લૂંટના ઇરાદે પરિણીતાની હત્યાના અહેવાલ છપાયા હતા, જેના કારણે શહેરમાં વસતા નાનકડા એવા સ્થાનિક કેરળવાસીઓમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

મૃતક સજનીનાં લગ્નને હજુ વર્ષ પણ નહોતું થયું અને જ્યારે હત્યાના સંદિગ્ધનું નામ ખૂલ્યું, ત્યારે તેમને વધુ એક આંચકો લાગવાનો હતો. હત્યામાં મૃતકના પતિ તરુણ જિનારાજ ઉપર શંકાની સોઈ હતી અને ફરાર થઈ જવાથી શંકા મજબૂત બની હતી.

તરુણે પ્રેમપ્રકરણને કારણે આવું કર્યું હોવાનું બહાર આવ્યું. ફરાર થયા બાદ તેણે એક મિત્રની ઓળખ ચોરી કરી, બીજાં લગ્ન કરીને નવેસરથી જિંદગી શરૂ કરી. પોતાની જૂની જિંદગીની એક ભૂલને કારણે 15 વર્ષે તેની ધરપકડ થઈ. આની પાછળ પોલીસની એક સાઇકોલૉજિકલ થિયરીએ પણ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ફરી એક વખત તેણે કાયદાને થાપ આપીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરી વાર તેનાથી નાનકડી ભૂલ થઈ હતી એટલે પોલીસને પગેરું દાબવામાં સફળતા મળી અને દેશમાંથી નાસી છૂટવાની યોજના પર પાણી ફરી વળ્યું હતું.

લગ્ન અને લગ્નેત્તર સંબંધ

તરૂણ જિનારાજ

ઇમેજ સ્રોત, YouTube grab

ઇમેજ કૅપ્શન, તરુણ જિનારાજ

વર્ષ 2002માં તરુણ જિનારાજ અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં પીટી ટીચર તરીકે નોકરી કરતા હતા. આ અરસામાં તેમને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તરુણનાં માતા સરકારી બૅન્કમાં નોકરી કરતાં હતાં, જ્યારે પિતા નિવૃત્ત હતા. તેમણે આ સંબંધથી ઇન્કાર કરી દીધો.

આ એ સમય હતો કે જ્યારે ઇન્ટરનેટ વ્યાપક ન હતું અને મૅટ્રિમૉનિયલ સાઇટ્સ કે ડેટિંગ ઍપ્સનું ચલણ ન હતું. રેલવે, બૅન્ક, શૈક્ષણિક કે વૈજ્ઞાનિક સંસ્થાનોમાં કામ કરવા માટે અમદાવાદમાં સ્થાયી થયેલા કેરળના પરિવારો વચ્ચે ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં વૈવાહિક સંબંધ નક્કી થતાં.

મૂળ કેરળની અને અમદાવાદમાં જ રહેતી ઓળખીતી વ્યક્તિ મારફત તરુણ માટે સજનીની વાત ચલાવવામાં આવી હતી. સજની એ સમયે ખાનગી બૅન્કમાં કામ કરતાં હતાં અને પિતા મિલના નિવૃત્ત કર્મચારી હતા.

પરિવારની મરજી આગળ તરુણનું કંઈ ન ચાલ્યું અને સંબંધ નક્કી થઈ ગયો. અમદાવાદમાં જ રહેતા તરુણના મોટા ભાઈ અને ભાભીએ સંબંધથી માંડીને લગ્ન સુધીની જવાબદારી ઉપાડી હતી.

લગ્ન પછી નવદંપતીએ બોપલ વિસ્તારમાં દામ્પત્યજીવન શરૂ કર્યું હતું, જ્યારે તરુણના મોટા ભાઈનો પરિવાર સૅટેલાઇટ વિસ્તારમાં રહેતો. શરૂઆતના મહિનાઓમાં જ તરુણ અને સજની વચ્ચે ઘરકંકાસ શરૂ થઈ ગયો હતો.

પત્ની અને પ્રેમિકાને વૅલેન્ટાઇન ડેની ગિફ્ટ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તા. 14મી ફેબ્રુઆરીના તરુણ અને તેમના ભાઈનો પરિવાર એક રેસ્ટોરાંમાં મળવાનો હતો. સજનીને પ્રમૉશન મળ્યું હતું અને બીજા દિવસની પૂનાની ટિકિટ હતી. જોકે, સજનીને ખ્યાલ ન હતો કે તેમણે અનંતની વાટ પકડવાની છે.

સાંજે તરુણે તેમના સસરાને ફોન કર્યો કે 'અજાણ્યા શખ્સો લૂંટ કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમણે સજનીની હત્યા કરી નાખી છે.'

પોલીસ અને ફોરેન્સિક ઉપરાંત સ્નિફર ડોગ સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સજનીના ગળા ઉપર વીંટળાયેલો દુપટ્ટો સ્નિફર ડૉગને સૂંઘાડવામાં આવ્યો હતો, એ પછી સ્નિફર ડૉગે ઘરની બહાર જવાના બદલે અંદર જ ભસીને કોઈ જાણભેદુ હોવાના અણસાર આપ્યા હતા.

તરુણનું કહેવું હતું કે ઘટનાસ્થળે તેની હાજરી ન હતી અને કેક તથા ટેડી બેઅર ખરીદવા માટે રોકાયા હતા. તેમનું દામ્પત્યજીવન સામાન્ય જણાય તે માટે તેણે શક્ય બધા પ્રયાસ કર્યા હતા.

આ પછી 26 વર્ષીય સજનીના મૃતદેહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તરુણે છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું, જેના કારણે તેની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી.

બીજી બાજુ, ઘરમાં બધું વિખેરાયેલું પડ્યું હતું, પરંતુ રોકડ, મંગળસૂત્ર અન મુદ્દામાલ યથાવત્ પડ્યો હતો, જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. એટલે તરુણને બીજા દિવસે આવવા માટે કહ્યું હતું.

પોતાની ઉપર ગાળિયો કસાતો જોઈને તરુણે અમદાવાદ છોડવાનો નિર્ણય લીધો. એટીએમ દ્વારા સજનીના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા. આ પછી તરુણે તેનાં સ્ત્રીમિત્રને ફોન કર્યો હતો અને વૅલેન્ટાઇન ડેની ગિફ્ટમાં 'રસ્તાનો કાંટો' નીકળી ગયો હોવાના મતલબની વાત કહી હતી.

આ સાંભળી સ્ત્રીમિત્રે તરુણને મોળો પ્રતિસાદ આપ્યો હતો અને છેડો ફાડી નાખ્યો એટલે તરુણ તેના મિત્ર પ્રવીણ ભાટેલીને મળવા ગયા હતા. જો પોલીસશ્વાને અણસાર આપ્યા હતા, તો પણ તરુણ પર વૉચ કેમ રાખવામાં ન આવી, તે સવાલ અનુત્તર જ છે.

નવી ઓળખ, નવો અધ્યાય

તરૂણ જિનારાજ

ઇમેજ સ્રોત, Getty Images

1990ના દાયકાના મધ્ય ભાગમાં પ્રવીણ અને તરુણે મધ્ય પ્રદેશની એક કૉલેજમાં ફિઝિકલ ટ્રૅનર તરીકેનો સાથે અભ્યાસ કર્યો હતો. બંને હૉસ્ટેલમાં પણ સાથે રહેતા હતા, એટલે તેમની જૂની ઓળખ હતી.

ગ્વાલિયરમાં થોડો સમય સુધી પ્રવીણ સાથે કામ કર્યા બાદ તરુણે દિલ્હીની વાટ પકડી હતી. પ્રવીણ દ્વારા વર્ષ 2019માં દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, જુલાઈ-1995થી ડિસેમ્બર-1996 દરમિયાન તેઓ અને તરુણ સાથે હતા.

આ દરમિયાન તરુણે તેમનાં ઓળખપત્ર, શૈક્ષણિક સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજોની નકલ બનાવી હતી અને તેના આધારે પાસપૉર્ટ કઢાવીને વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો.

જોકે, તમામ પુરાવા ફરિયાદી દ્વારા જ રજૂ કરવામાં આવ્યા હોવાથી મધ્યપ્રદેશની હાઈકોર્ટે વર્ષ 2019માં આ કેસમાં તરુણને જામીન આપી દીધા હતા.

દિલ્હીમાં થોડો સમય કૉલસેન્ટરમાં રહ્યા બાદ તેણે પૂનામાં નોકરી લીધી હતી. અહીં તેણે પ્રવીણ ભાટેલીની ઓળખ ધારણ કરી હતી. તેણે પોતાનાં સર્ટિફિકેટ પણ પ્રવીણનાં નામના જ આપ્યાં હતાં. અહીં તેની મુલાકાત નિશા નામના યુવતી સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

પ્રવીણ તરીકે પોતાની ઓળખ આપનારા તરુણે તેની પ્રેયસી નિશાને કહ્યું હતું માર્ગ અકસ્માતમાં તેમનાં માતા-પિતામાં મૃત્યુ પામ્યાં છે અને અન્નામ્મા નામની આંટીએ તેનો ઉછેર કર્યો છે. જે વાસ્તવમાં તેમનાં માતાનું નામ છે.

લગ્ન બાદ દંપતીને બે સંતાન પણ થયાં. તરુણે બેંગલુરુની આઈટી કંપનીમાં ઊંચી નોકરી લીધી હતી. તેણે કંપનીના ખર્ચે પ્રવીણની ઓળખ પર વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો.

એક થિયરી, એક ભૂલ

તરૂણ જિનારાજ

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC

સજનીના પિયરિયાઓએ તેના સાસરી પક્ષવાળા સામે દહેજ માટે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. ફરાર તરુણ પકડાય તે માટે સજનીના પરિવારજનોએ સ્થાનિકસ્તરેથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી, પરંતુ તરુણનું પગેરું દાબી શકાયું ન હતું.

પોલીસ દ્વારા સમયાંતરે વણઉકેલાયેલા કેસોના આરોપીઓને શોધવા માટે અભિયાન હાથ ધરવામાં આવે છે. દોઢેક દાયકાના ગાળામાં અનેક વખત આ કેસ પર કામ શરૂ થયું, પરંતુ નક્કર પ્રગતિ ન થતા ફરી આ ફાઇલ પર ધૂળ ચડી ગઈ.

પોલીસની એક સાઇકૉલૉજિકલ થિયરી હતી કે જે વ્યક્તિ રીઢો ગુનેગાર ન હોય અને આ પ્રકારની પૃષ્ઠભૂમિમાં ઉછરી હોય તેના ભાઈભાંડુ સાથે સંબંધ કપાઈ શકે, પરંતુ માતા સાથે ન કાપી શકે અને તેની સાથે સંપર્કમાં રહેવા પ્રયાસ કરે.

આ વિચાર સાથે મંદસૌરમાં રહેતા તરુણનાં માતા પર નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું. તેમની કૉલ ડિટેઇલ્સ તપાસવામાં આવી તો માલૂમ પડ્યું કે તેમને બેંગલુરુની એક આઈટી કંપનીના લૅન્ડલાઇન નંબર પરથી ફોન આવતા હતા. આ ભૂલ તરુણ તરફની શંકાને પાક્કી કરવાની હતી.

અધિકારીઓએ અલગ-અલગ સમયે રૂબરૂ જઈને તપાસ કરી, તો પણ માતા પાસેથી ખાસ માહિતી ન મળી. જોકે, પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે વૃદ્ધાના બે દીકરા છે. એક અમદાવાદમાં રહે છે અને બીજો દક્ષિણમાં ક્યાંક.

હાથ પકડ્યો, હાથમાં આવ્યો

આરોપી

ઇમેજ સ્રોત, Getty Images

ફરાર તરુણની પ્રોફાઇલના આધારે પોલીસે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, કેરળ અને દિલ્હીમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ નોંધપાત્ર સફળતા મળી ન હતી. હવે તેમને દક્ષિણમાંથી આશાનું કિરણ ઊગતું દેખાયું હતું.

પાડોશીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે અન્નામાની સોશિયલ પ્રોફાઇલ ચેક કરી તો અમુક જ કૉન્ટેક્ટ એવા હતા, જે દક્ષિણ ભારતમાં સ્થિત હતા. જેના આધારે પોલીસે નિશા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનું લગ્ન પ્રવીણ ભાટેલી સાથે થયું હતું. તરુણની પોતાની કોઈ સોશિયલ મીડિયા ફૂટપ્રિન્ટ ન હતી એટલે રૂબરૂ તપાસ કરવાનું નક્કી કર્યું.

અમદાવાદ પોલીસની એક ટીમ નવેમ્બર-2018માં બેંગલુરુની પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં તપાસ કરવા ગઈ, ત્યારે માલૂમ પડ્યું કે ત્યાં તરુણ જિનારાજ નામનો કોઈ કર્મચારી નોકરી નહોતો કરતો, પરંતુ પ્રવીણ ભાટેલી હતો. પ્રથમ નજરે જોતા ફ્રૅન્ચકટ દાઢી, માથા પર થોડા ઓછા વાળ અને ચશ્માં. પ્રથમ નજરે કોઈ સામાન્ય આઈટી કર્મચારી જ જણાય આવે.

લગભગ 2011થી આ કેસ પર કામ કરનારા તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીના કહેવા પ્રમાણે, "કથિત પ્રવીણ ભાટેલી સાથે હસ્તધનૂન કર્યું, ત્યારે મેં તેમના જમણા હાથની રિંગફિંગરમાં રહેલી ખોટ ધ્યાને લીધી. ભૂતકાળમાં બાસ્કેકબૉલ રમતી વખતે ઈજા થઈ હોવાને કારણે આ ખામી રહેવા પામી હતી."

ઓળખ વિશે ખાતરી થતા ઇન્સ્પેક્ટર ચૌધરીએ 'તરુણ'ના નામથી સંબોધન કર્યું. કથિત પ્રવીણ ભાટેલી આ સાંભળીને ચોંક્યા અને ઇન્સ્પેક્ટર ચૌધરીએ કહ્યું, 'તરુણ, ઇટ્સ ઑવર. લૅટ્સ ગો.'

પોલીસ અધિકારીએ તરુણને ટીમની સાથે આવવા કહ્યું અને આરોપીએ તેનું અનુસરણ કર્યું. રસ્તામાં તરુણનો એક જ સવાલ હતો, 'તમને મારા વિશે માહિતી કેવી રીતે મળી?'

ટ્રાન્સફર ઑર્ડરના આધારે અમદાવાદમાં તેની ધરપકડ કરવામાં આવી, આ દરમિયાન તેના મિત્ર અને વાસ્તવિક પ્રવીણ ભાટેલીએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી.

નવી ઓળખ, જૂનો અધ્યાય

તરૂણ જિનારાજ

ઇમેજ સ્રોત, Getty Images

પોતાની ધરપકડ બાદ તરુણ જિનારાજનું નવું સરનામું અમદાવાદની સાબરમતી સૅન્ટ્રલ જેલ હતું, જ્યાં સાથી કેદીઓને અંગ્રેજી ભણાવવાનું કામ સોંપવામાં આવ્યું. આ દરમિયાન જ ધર્માંતરણ કરીને જસ્ટિન જૉસેફ એવું નામ ધારણ કર્યું.

જેલવાસ દરમિયાન તરુણે અનેક વખત જામીન અરજી કરી, પરંતુ 15 વર્ષની ફરારીના કારણે જામીન ન મળ્યા. છેવટે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી હતી અને તારીખ ચોથી ઑગસ્ટ 2023ના ખુલ્લા હવામાં શ્વાસ લીધા.

આ મુક્તિ 15 દિવસ ટકવાની હતી એટલે પ્રવીણના શાતિર દિમાગે ભાગવા માટેની યોજના વિચારવાની શરૂ કરી દીધી હતી. પ્રવીણે અમદાવાદથી વતન મંદસૌરની વાટ પકડી, જ્યાં પૈત્તૃક સંપત્તિને વેચવાનો પ્રયાસ કર્યો, જેમાં નિષ્ફળતા મળી.

માતા સાથે બે-એક દિવસ રહ્યા બાદ ઉદયપુરની વાટ પકડી. હિંદી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, કન્નડ, મલયાલમ, પંજાબી અને હરિયાણવી ભાષા પર પ્રભુત્વ ધરાવનારા તરુણે અહીં એક શખ્સ સાથે મિત્રતા કેળવી લીધી. ફરી એક વખત તરુણે દિલ્હીની વાટ પકડી.

બીજી બાજુ, 15 દિવસ પૂર્ણ થવા છતાં તરુણ હાજર ન થતા સાબરમતી સૅન્ટ્રલ જેલના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસ દ્વારા તરુણનું પગેરું દાબવાનું શરૂ કર્યું. સર્વેલન્સના આધારે તરુણ દિલ્હીમાં હોવાનું બહાર આવ્યું.

તરુણની ફરી ધરપકડ બાદ આ કેસ વિશે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) અજિત રાજ્યને મીડિયાકર્મીઓને જણાવ્યું હતું, "19 ઑગસ્ટ 2023ના જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તેઓ પરત ફર્યા ન હતા. તેમણે ધર્મપરિવર્તન કરીને જસ્ટિન જૉસેફ નામ ધારણ કર્યું હતું. આ નામ સાથે તેમણે દિલ્હીના નજફગઢ ખાતે રહેવાનું શરૂ કર્યું હતું."

હૅર ટ્રાન્સપ્લાન્ટ અને ટેટૂ દ્વારા પોલીસને થાપ આપવાનો તથા નવી ઓળખ મેળવીને નેપાળના રસ્તે વિદેશ નાસી છૂટવાનો તરુણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

કહેવાય છે કે નિશા તથા તેમનાં સંતાનોએ વિદેશમાં નવેસરથી જિંદગી શરૂ કરી છે. હત્યા પછીથી જ ભાઈએ તરુણ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. દીકરાને છોડાવવા માટે માતા પેન્શનની રકમ ખર્ચી રહ્યાં છે.