આઈપીએલ 2023માં અફઘાનિસ્તાનના ખેલાડીઓની ફી ઓછી, પણ પ્રદર્શન ઉત્તમ

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વિધાંશુકુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે
થોડાં વર્ષો પહેલાંની વાત છે. કાબુલમાં એક ક્રિકેટ અકાદમીમાં એક કાર્યક્રમ દરમિયાન રાશિદ ખાનને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા.
યુવાઓ વચ્ચે અત્યંત લોકપ્રિય ક્રિકેટર રાશિદ ખાનને જોઈને અફઘાનિસ્તાનના ઘણા યુવાનો ક્રિકેટ તરફ આકર્ષાયા છે. તેમાંથી મોટા ભાગના યુવાનો સ્પિન બૉલિંગમાં પોતાનો હાથ અજમાવવા માગે છે.
તે દિવસે રાશિદ ખાને આશરે 250 યુવાન ખેલાડીઓને સ્પિન બૉલિંગ કરતા જોયા. બાદમાં આ વાત રાશિદ ખાને કૉમેન્ટેટર હર્ષા ભોગલેને જણાવી.
શુક્રવારે જ્યારે ભોગલેએ તેમને ફરી વખત પૂછ્યું કે આજે અફઘાનિસ્તાનમાં કેટલા 'મિસ્ટ્રી સ્પિનર્સ' હશે તો રાશિદ ખાને શાંતિપૂર્વક જવાબ આપ્યો, "હજાર તો હશે."
કદાચ આપણને ચોક્કસ આંકડા વિશે અંદાજ નહીં હોય, પરંતુ એક વાત નક્કી છે કે અફઘાનિસ્તાનના લગભગ અડધો ડઝન ખેલાડીઓ છે, જેમણે આઈપીએલમાં પોતાની છાપ છોડી છે અને વિશ્વભરની ક્રિકેટ લીગ તેમને પોતાને ત્યાં રમવા માટે બોલાવવા માગે છે.
રાશિદ ખાન, મોહમ્મદ નબી, મુજીબ-ઉર-રહમાન, નૂર અહમદ, રહમાનુલ્લાહ ગુરબાઝ અને નવીન-ઉલ-હક એવા નામ છે, જેમણે અફઘાન ક્રિકેટને વિશ્વભરમાં ઓળખ અપાવી છે. તેમાંથી રાશિદ, નૂર, ગુરબાઝ અને નવીન આ વર્ષે આઈપીએલમાં અલગઅલગ ટીમોમાં રમી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અફઘાનિસ્તાનના 'મિસ્ટ્રી સ્પિનર્સ'
આ અફઘાની ખેલાડીઓ પૈકી ચાર પોતાની અદભુત બૉલિંગના કારણે જાણીતા થયા છે. રાશિદ ખાન તો છેલ્લાં 10 વર્ષથી ટી20માં નંબર-વન સ્પિનર છે જ. 18 વર્ષના નૂર અહમદે પણ આ સિઝનમાં ગુજરાતની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
રાજસ્થાન સામેની મૅચમાં રાશિદ ખાને ત્રણ વિકેટ લીધી તો નૂર અહમદને પણ બે સફળતા મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આકાશ ચોપડાએ મૅચ વચ્ચે સવાલ ઉઠાવ્યો કે કાબુલમાં એવું તો શું ખાસ થઈ રહ્યું છે કે ત્યાંથી એક પછી એક ક્વૉલિટી સ્પિનર્સ બહાર આવી રહ્યા છે.
આ સ્પિનર્સ, એક રીતે મિસ્ટ્રી સ્પિનર્સ છે, જેમની આર્મ ઍક્શન ફાસ્ટ છે. જેથી બેટ્સમૅનો તેમને પારખી શકતા નથી.
અનિલ કુંબલેએ સવાલનો જવાબ આપ્યો હતો કે રાશિદ ખાને એક આખી પેઢીને પ્રેરણા આપી છે. તેમને જોઈને અન્ય યુવાનો પણ તેમના જેવા બનવા માગે છે અને એ જ અફઘાનિસ્તાનમાં સ્પિન ક્રાંતિનું કારણ છે.
આ સિવાય પ્રજ્ઞાન ઓઝાએ એક રોચક વિશ્લેષણ કર્યું. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે કોઈ યુવાન સ્પિનર કોઈ પ્રશિક્ષિત કોચ પાસે જાય છે તો કોચ તેમની ઍક્શનમાં કોઈને કોઈ ફેરફાર ચોક્કસ કરે છે. જોકે, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાં કોચિંગ સિસ્ટમ એટલી મજબૂત નથી. જેથી ત્યાંના યુવાન બૉલર્સ જે ઍક્શન ડેવલપ કરે છે, લગભગ તેની જ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવે છે અને મિસ્ટ્રી સ્પિનર બની જાય છે.
સ્વાભાવિક વાત એ છે કે તેની પાછળ કોઈ ખાસ કારણ નથી. એક કરતાં વધારે કારણોએ અફઘાનિસ્તાનના યુવાન સ્પિનર્સને ઢાળ્યા છે.

શું વેસ્ટ-ઇન્ડીઝના ખેલાડીઓની જગ્યા લઈ રહ્યા છે અફઘાની ક્રિકેટર્સ?

ઇમેજ સ્રોત, ANI
આઈપીએલ અને અન્ય બીજી ટી20 લીગમાં જે દેશના ખેલાડીઓની સૌથી વધારે માગ હોય છે તે છે વેસ્ટ ઇન્ડીઝ. એક તો ત્યાંના ક્રિકેટર્સ એકદમ નેચરલ અંદાજમાં રમે છે, બીજી ત્યાંના ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમને છોડીને ટી20 લીગમાં રમવાથી ખચકાતા નથી.
આ વર્ષે જો આઈપીએલમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો કાઇલ મેયર્સ અને નિકોલસ પૂરન સિવાય અન્ય કોઈ ખેલાડી પ્રભાવિત કરી શક્યા નથી.
ગેલ, પોલાર્ડ અને બ્રાવો જેવા આઈપીએલના લેજન્ડ ખેલાડીઓ રિટાયર થઈ ગયા છે. જોકે, અન્ય એક લેજન્ડ ખેલાડી આન્દ્રે રસલ આ સિઝનમાં સરખી રીતે રમી શક્યા નથી.
અલ્ઝારી જોસૅફ, સુનીલ નરૈન, રૉવમૅન પૉવેલ જેવા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન આપી શક્યા નથી.
તેમની તુલના અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે કરવામાં આવે તો રહમાનુલ્લાહ ગુરબાઝ કોલકાતા માટે બે શાનદાર ઇનિંગ રમી ચૂક્યા છે, નવીન-ઉલ-હક પોતાની વ્યાજબી બૉલિંગથી લખનૌની ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે રાશિદ ખાન અને નૂર અહમદ ગુજરાત તરફથી 15 અને આઠ વિકેટ લઈ ચૂક્યા છે.

ઓછા પૈસામાં બોલબાલા
અફઘાનિસ્તાનના ખેલાડીઓની વધુ એક ખાસિયત એ છે કે તેમને ઘણા ઓછા પૈસામાં ખરીદવામાં આવ્યા છે.
આ સિઝનમાં રાશિદ ખાનને 1.5 કરોડમાં ગુજરાતે ખરીદ્યા. તેઓ 15 કરોડથી વધુમાં ખરીદવામાં આવેલા કૅમરુન ગ્રીન, સૅમ કરન કે પછી હૅરી બ્રૂક્સથી તો સારું જ પ્રદર્શન કરી રહ્યા છે.
ત્યારે ગુરબાઝ, ફારૂખી, નવીન-ઉલ-હક માત્ર 50 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ થયા છે. નૂર અહમદ ગઈ સિઝનમાં બૅન્ચ પર હતા. આ સિઝનમાં તેમણે પાંચ મૅચ રમી છે અને ટીમમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. તેમની કિંમત માત્ર 30 લાખ રહી છે.
આઈપીએલમાં ઓછા પૈસામાં ભરપૂર ફાયદો આપનાપા અફઘાની ખેલાડીઓ તમામ ટીમની પસંદગી બની ગયા છે અને કદાચ જલદી જ આઈપીએલમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓનું સ્થાન મેળવી લે.
હવે એક નજર ખેલાડીઓ પર...

ઇમેજ સ્રોત, ANI
રાશિદ ખાન

રાશિદ ખાન જ્યારે ક્રિકેટમાં આવ્યા ત્યારે કોઈ પણ કોચ વગર પોતાની બૉલિંગ ઍક્શન બનાવી.
ટી20 ક્રિકેટમાં રાશિદ ખાને અત્યાર સુધી 389 મૅચો રમી છે અને 18ની ઍવરેજથી તેમણે 528 વિકેટો લીધી છે.
આઈપીએલની વાત કરીએ તો તેમાં તેમણે 101 મૅચોમાં 20.8ની ઍવરેજથી 127 વિકેટો લીધી છે.
બૉલિંગની સાથેસાથે તેઓ ઉત્કૃષ્ઠ ફિલ્ડર પણ છે જેમના હાથે ભાગ્યે જ કોઈ કૅચ છૂટ્યો હશે. આ સિવાય તેઓ લોઅર ઑર્ડરમાં તાબડતોડ બેટિંગ પણ કરે છે.

ઇમેજ સ્રોત, ANI
નૂર અહમદ

18 વર્ષીય નૂર અહમદે 56 ટી20 મૅચોમાં 26.3ની એવરેજથી 56 વિકેટો લીધી છે. આઈપીએલમાં છ મૅચોમાં તેમણે 10 વિકેટ ખેરવી છે.
અંડર-19 ક્રિકેટમાં તેમણે ભારત સામે ચાર વિકેટ લીધી છે. જેમાં કપ્તાન તિલક વર્મા અને ધ્રુવ જુરેલની વિકેટ સામેલ છે.
નૂર અહમદ વર્ષ 2018માં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની નજરમાં આવ્યા. વર્ષ 2019માં માત્ર 14 વર્ષની ઉંમરમાં તેઓ આઈપીએલ ઑક્શનમાં આવ્યા હતા. પણ તે સમયે કોઈએ તેમને ખરીદ્યા ન હતા. તે જ વર્ષે અંડર-19 ક્રિકેટમાં તેમણે ભારત સામે ચાર વિકેટ લીધી હતી.
16 વર્ષની ઉંમરમાં તેમને ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં મૅલબર્ન તરફથી રમવાની તક મળી. જેમાં તેમણે લિયમ લિવિંગસ્ટનની વિકેટ લીધી. ગયા વર્ષે તેમને ગુજરાતે ખરીદી લીધા અને આ સિઝનમાં તેમને મૅચ રમવાની તક મળી.

ઇમેજ સ્રોત, ANI
રહમાનુલ્લાહ ગુરબાઝ

વિકેટકીપર બેટ્સમૅન રહમાનુલ્લાહ ગુરબાઝ પાસે કેટલાક એવા રૅકૉર્ડ્ઝ છે, જે તેમની પ્રતિભા માપવા માટે પૂરતા છે.
વનડે સિરીઝમાં કોઈ વિકેટકીપરે બનાવેલા સર્વાધિક રન (582)ની યાદીમાં તેઓ 10મા સ્થાને છે.
તેમણે પોતાની વનડે ડૅબ્યૂ મૅચમાં 127 રન બનાવ્યા હતા. કોઈ એક વનડે સિરીઝમાં ત્રણ સદી ફટકારવાના કિસ્સામાં તેઓ છઠ્ઠા નંબરે છે.
2019માં ડૅબ્યૂ કરનારા ગુરબાઝે અત્યાર સુધીમાં 15 વનડેમાં 582 રન બનાવ્યા છે. વળી તેમણે 41 ટી20 ઇન્ટરનેશનલમાં તેમણે 1019 રન બનાવ્યા છે. જ્યારે આઈપીએલની સાત મૅચોમાં તેમણે 26ની ઍવરેજથી 183 રન બનાવ્યા છે.
આઈપીએલની આ સિઝનમાં તેમણે કોલકાતા માટે બે અડધી સદી ફટકારી છે. જેમાં તેમનો સર્વાધિક સ્કોર 81નો રહ્યો છે.

ઇમેજ સ્રોત, ANI
નવીન-ઉલ-હક

સપ્ટેમ્બર 1999માં કાબુલમાં જન્મેલા નવીન-ઉલ-હક અફઘાનિસ્તાનના ફાસ્ટ બૉલર રહ્યા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેઓ લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમી રહ્યા છે. નવીન આઈપીએલ સિવાય લંકા પ્રીમિયર લીગ, પાકિસ્તાન સુપર લીગ, બિગ બૅશ લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ સામેલ છે.
નવીન અત્યાર સુધી સાત વનડે મૅચ રમ્યા છે. જેમાં તેમણે 14 વિકેટ મેળવી છે. તેઓ અત્યાર સુધી 27 આંતરરાષ્ટ્રીય ટી20 મૅચો રમી ચૂક્યા છે અને તેમાં 34 વિકેટ લઈ ચૂક્યા છે.
આ તમામ ખેલાડીઓ હજી યુવાન છે અને તેમની પાસેથી આવનારાં ઘણાં વર્ષો સુધી સારા પ્રદર્શનની આશા રાખી શકાય તેમ છે.
જો રાશિદ ખાને કહ્યું હતું એમ 'એક હજાર'નો આંકડો ક્યાંક ખરેખર સાચો પડ્યો તો વિશ્વભરની ક્રિકેટ લીગમાં અફઘાની ખેલાડીઓનું પૂર આવવાનું છે.














