છ ધોરણ ભણેલા ખેડૂતે કપાસનું નવું બીજ તૈયાર કરી કેવી રીતે લાખોની કમાણી શરૂ કરી?

    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારૈઈ ગામના ખેડૂત સામતભાઈ જાડાએ સજીવ ખેતીથી તૈયાર કરેલું 'બીટીમુક્ત, ભેળસેળ વિનાનું કપાસનું આગવું સંકર બીજ' તૈયાર કર્યું છે.

ગુજરાતમાં બીટી કપાસ આવ્યા પછી ગુજરાતમાં હીરસુટમ કપાસનું નૉન-બીટી ઑર્ગેનિક બીજ તૈયાર કરનારાઓમાં તેઓ મોખરે છે.

ગુજરાતમાં વર્ષ 1999થી બીટી કપાસનું વાવેતર થાય છે. ત્યારે સામતભાઈને કપાસનું નૉન-બીટી બીજ તૈયાર કરવાનો વિચાર કેમ આવ્યો. આવો, જાણીએ વિગતવાર...

માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણેલા 54 વર્ષીય સામતભાઈ જાડા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારૈઈ ગામના ખેડૂત છે. તેમની પાસે ધારૈઈ ગામમાં 19 એકર જમીન છે. તેઓ ચોમાસામાં કપાસ અને મગફળીનો પાક લે છે. શિયાળામાં ઘઉં, જીરું અને ચણા પકવે છે.

સામતભાઈ જ્યારે રાસાયણિક ખેતી કરતા ત્યારે ગામમાં વધુ રસાયણો વાપરતાં. ગામના પ્રથમ પાંચ ખેડૂતોમાં તેમની ગણતરી થતી. જોકે, તે વખતે રસાયણોથી ઉત્પાદન વધતું નહોતું, ઉપરથી જે કંઈ આવક થાય તેમાંનો મોટો ભાગ વેપારીને આપવાનો થતો હતો.

જંતુનાશકોથી ઇયળો અંકુશમાં ન આવી, રાસાયણિક ખેતી છોડી

સામતભાઈના વિસ્તારમાં પહેલાં દેશી કપાસ અને પછી હાઈબ્રિડ કપાસ ખૂબ પાકતો. વર્ષ 2001માં તેમના હાઈબ્રિડ કપાસમાં બહુ ઇયળો થઈ. તે જંતુનાશક દવા છાંટવા છતાં અંકુશમાં ન આવી.

આથી તેમણે 2002થી કપાસનો પાક લેવાનું બંધ કરી દીધું. દરમ્યાન તેઓ તેમના ગામની નજીક આવેલા ગામની ‘લોકમિત્રા’ સંસ્થા તથા તેના મૅનેજિંગ ટ્રસ્ટી ચૈતન્યભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા.

તેમની પાસેથી સામતભાઈએ જાણ્યું કે, સજીવ ખેતીથી પર્યાવરણ સંરક્ષણ થાય, જમીન ફળદ્રુપ બને અને ખેતી ખર્ચ ઘટે. એ વાત તેમના ગળે ઊતરી ગઈ અને તેમણે સજીવ ખેતી કરવાનું નક્કી કરી લીધું.

પછી તેમણે ‘લોકમિત્રા’ સંસ્થા અને સજીવ ખેતીના પ્રસાર-પ્રચાર માટે સમર્પિત વડોદરાની ‘જતન’ સંસ્થાનું માર્ગદર્શન મેળવીને 2002થી 2006 સુધીમાં તબક્કા વાર તેમની તમામ જમીનને સજીવ ખેતીમાં ફેરવી. આજે તેઓ તેમની બધી જ જમીન પર સંપૂર્ણ સજીવ ખેતી કરી રહ્યા છે.

'એક ગાયમાંથી 8થી 10 એકર જમીન પર સજીવ ખેતી થઈ શકે'

સામતભાઈ કહે છે, "શરૂઆતમાં મેં ઘઉં, કઠોળ, એરંડા, જુવાર, બાજરો, રજકો વગેરે પાક સજીવ ખેતીથી લીધા. વર્ષ 2003માં મેં મારી 8 એકર જમીનમાં સજીવ ખેતીથી મગફળી અને તલનો પાક લીધો. પછી બધી 19 એકર જમીનમાં મેં સજીવ ખેતી જ શરૂ કરી. મારું એવું માનવું છે કે એક ગાયમાંથી 8થી 10 એકર જમીન પર સજીવ ખેતી થઈ શકે છે."

સામતભાઈએ તેમના ધારૈઈ ગામના 24 ખેડૂતોને સજીવ ખેતી કરવાની પ્રેરણા પૂરી પાડી છે.

સામતભાઈએ જોયું કે, તેમનો વિસ્તાર મૂળભૂત રીતે કપાસ, અનાજ અને કઠોળનો વિસ્તાર છે. કપાસ માટે અહીંનું વાતાવરણ પણ અનુકૂળ છે.

ઉલ્લેખનીય છે કે કપાસ મહત્ત્વનો રોકડિયો પાક છે અને ગુજરાતમાં ખેડૂતોને તેનું આકર્ષણ રહેતું હોય છે.

જોકે, બીટી કપાસ આવ્યા પછી નૉન-બીટી કપાસનું બિયારણ મળતું નહોતું. તેથી સામતભાઈને સજીવ ખેતીનો કપાસ ઉછેરવાનો વિચાર આવ્યો.

સામતભાઈને એવું લાગ્યું કે, કપાસનો પાક લેતા ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા હોય તો નૉન-બીટી ઑર્ગેનિક કપાસ ઉપલબ્ધ થવો જોઈએ. જો એમ થાય તો જ ખેડૂતો સજીવ ખેતી તરફ વળશે. આ વાત ધ્યાનમાં રાખીને તેમણે નૉન-બીટી ઑર્ગેનિક કપાસની જાત વિકસાવવાની મથામણ ચાલુ કરી.

2014માં ભેળસેળ વિનાનું કપાસનું સંકર બીજ તૈયાર કર્યું

તેમના વિચારને અમલમાં મૂકવા માટે તેમણે 2009થી પ્રયત્નો શરૂ કર્યા. તે વખતે તેમને ખાતરી હતી કે, બજારમાં નૉન-બીટી બિયારણ મળશે જ નહીં. તેથી તેમણે હાઈબ્રિડ બનાવવા માટે માતા-પિતા (મેલ-ફિમેલ પેરેન્ટલ લાઇન)નાં બીજ અને છોડની શોધ શરૂ કરી.

તે પછી ‘જતન’ સંસ્થાના સજીવ ખેતીના નિષ્ણાત કપિલભાઈ શાહનાં મદદ-માર્ગદર્શન સાથે તેનું શુદ્ધીકરણ કર્યું, તેમજ લૅબોરેટરીમાં બીજ અને છોડની ચકાસણી કરાવી ત્યારે કમનસીબે તેમાં બીટી જનીનની ભેળસેળ જોવા મળી.

આખરે સામતભાઈએ હરબેસિયમ (શેતરંજી જેવી જાડી ખાદી થાય) અને આર્બોરિયમ કપાસની જાતોના અખતરા કર્યા. તેમને લૉંગ સ્ટેપ્લ (સામાન્ય રીતે વિદેશી નર જાત) હિરસુટમની હાઇબ્રિડ જાત બનાવવાની જરૂર પણ લાગી.

2014માં તેમના સતત પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, શુદ્ધ સંકર બીજ તૈયાર થયું. તેમણે તેમના આ બીજને ‘લોકજતન’ નામ આપ્યું છે. તેમણે આવાં કુલ ત્રણ બીજ તૈયાર કર્યાં અને તેને નામ આપ્યાં - લોકજતન-1, લોકજતન-2 અને લોકજતન-3.

બીજને માન્ય લૅબોરેટરીમાં મોકલવા, બિયારણના પ્લૉટ માટેની કાળજી રાખવી તથા તે માટે વધારે ખર્ચ કરવો પડે એ બધું જ થકવી નાખે એવું હતું. સામતભાઈ મક્કમ મનોબળથી સતત પ્રયાસ કરતા રહ્યા અને છેવટે ભેળસેળ વિનાનું સજીવ ખેતીના કપાસનું શુદ્ધ બીજ મેળવવામાં સફળ થયા. તેમના દૃઢ મનોબળ અને મક્કમતાના કારણે જ તેઓ કપાસની નૉન-બીટી ઑર્ગેનિક જાત વિકસાવી શક્યા.

‘લોકજતન’ કપાસનું એકર દીઠ 50 મણ ઉત્પાદન

આ બીજનો અખતરો તેમણે શરૂઆતમાં એક એકર જમીનમાં જ કર્યો. પછી તેનું સફળ પરિણામ જોઈને આજે તેઓ 3.25 એકરમાં સજીવ ખેતીના પોતે વિકસાવેલા ‘લોકજતન’ કપાસનું ઉત્પાદન મેળવે છે.

તેમને તેનું એકર દીઠ 50 મણ જેટલું ઉત્પાદન મળે છે. આજે તેઓ તેમના આ સજીવ ખેતીથી તૈયાર કરેલું બીટીમુક્ત સંકર બીજ તેમના ગામના ખેડૂતો, કંપનીઓ અને ઑર્ગેનિક કોટનનું ઉત્પાદન કરાવતી બિનસરકારી સંસ્થાઓને પણ વેચી રહ્યા છે.

સજીવ ખેતીના નિષ્ણાત અને ‘જતન’ સંસ્થાના મોભી કપિલભાઈ શાહ સામતભાઈ વિશે કહે છે, "બીજા ખેડૂતોને સજીવ કરતા કરવાનો તેમને ઘણો રસ છે. માત્ર ખેતીમાં જ નહીં, પણ ગામને લગતી સમસ્યાઓના ઉકેલમાં પણ તેઓ આગેવાની લે છે."

બે વિદેશી મહિલાઓને સજીવ ખેતી કરતાં શીખવ્યું

સામતભાઈનાં પત્ની ગૌરીબહેન સજીવ ખેતીમાં બહુ શ્રદ્ધા ધરાવે છે અને ખેતીના દરેક કામની જવાબદારી બહુ ઉત્સાહપૂર્વક ઉઠાવે છે.

ગૌરીબહેન કહે છે, "અમારી સજીવ ખેતીનું કામ જોવા અને શીખવા માટે અમેરિકા અને જર્મની દેશમાંથી બે મહિલાઓ આવી હતી. એ બહેનો અમારા ઘરે બે મહિના રહી હતી અને અમારી પાસેથી સજીવ ખેતી શીખીને ગઈ હતી."

સામતભાઈને મદદ-માર્ગદર્શન પૂરું પાડનારી ‘લોકમિત્રા’ સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી ચૈતન્યભાઈ ભટ્ટ કહે છે, "સામતભાઈ રાસાયણિક ખેતીમાં પણ ખાસ્સું સારું કમાતા હતા, તેમને તેમાં કોઈ તકલીફ નહોતી. છતાં કેમિકલથી જમીન, પર્યાવરણ અને આરોગ્ય બગડે એ વાત સમજાયા પછી તેમણે માત્ર અને માત્ર સજીવ ખેતી કરવાનું પસંદ કર્યું છે."

"લોકોને એમ લાગતું કે, સામતભાઈ રાતે રસાયણ છાંટતા હશે. જોકે, હવે તમામ લોકોને તેમની સજીવ ખેતીમાં વિશ્વાસ બેઠો છે."

સામતભાઈનું કહેવું છે કે તેમને દર વર્ષે સજીવ ખેતીમાંથી આશરે આઠેક લાખ રૂપિયાની આવક થાય છે. તેઓ તેમના ઘરે વસાવેલી ઘાણીમાંથી મગફળી અને તલનું તેલ કાઢીને વેચે છે.

સામતભાઈ અત્યારે ચોમાસામાં મગફળી અને કપાસ એમ બે જ પાક તેમ જ શિયાળામાં ઘઉં, જીરું, ચણાનો પાક લે છે.

તેમણે તેમની 15 વીઘા જમીનમાં ટપક પદ્ધતિ અપનાવી છે. તેઓ કપાસમાં ધાણા અને ક્યારેક અજમાનો આંતરપાક લે છે.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વિસ્તરણ અધિકારી અશોકભાઈ મૂળિયા કહે છે, "બીટી કપાસ આવ્યા પછી નૉન-બીટી કપાસ સાવ નેસ્તનાબૂદ થઈ ગયો હતો. ત્યારે સામતભાઈએ નૉન-બીટી ઑર્ગેનિક કપાસ જાળવવાનો જે સફળ પ્રયોગ કર્યો તે પ્રેરણાદાયી છે. અત્યારે બીટી કપાસ કરનારા ઘણા ખેડૂતો, કપાસમાં ગુલાબી ઇયળ આવવાના કારણે રાતાંપાણીએ રોવે છે."

"અમે સામતભાઈના ખેતરની મુલાકાતે ગયા ત્યારે અમે જોયું કે, બીજાં ખેતરોમાંથી પાણી વહી જતું હતું, જ્યારે સામતભાઈના ખેતરમાં પાણી જમીનમાં ઊતરી જતું હતું, કારણ કે તેઓ સજીવ ખેતી કરે છે અને તેમની જમીન અળસિયાના કારણે પોચી થઈ છે."

સામતભાઈની માગ છે કે સરકારે સજીવ ખેતી કરતા ખેડૂતોને ટેકો પૂરો પાડવો જોઈએ.