You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવાથી ત્યાંના લોકોને શો લાભ થશે, ગેનીબહેને કહ્યું- નિર્ણય 'એકતરફી'
2025માં નવ વર્ષની શરૂઆતમાં બુધવારે રાજ્યના આરોગ્યમંત્રી અને પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે એક પત્રકારપરિષદમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાના નિર્માણ સહિત બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કૅબિનેટ મિટિંગમાં આ બંને નિર્ણયો લેવાય હતા.
ઋષિકેશ પટેલે વાવ-થરાદ જિલ્લાના નિર્માણથી રહેવાસીઓને અનેક લાભ થવાનો દાવો પણ કર્યો હતો.
તેમણે કહેલું કે આ નિર્ણયથી 'વહીવટી સુગમતા' અને 'લોકોના ખર્ચમાં બચત' થશે.
સામાન્ય રીતે રાજ્ય સરકારો દ્વારા વિસ્તારની દૃષ્ટિએ નાના હોય એવા જિલ્લામાં 'વહીવટ કરવાનું સરળ' હોવાનું કારણ આપીને ઘણી વાર જિલ્લાની હદ બદલવાની કે નવા જિલ્લા જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.
જોકે, ફાયદારૂપ ગણાવી હાથ ધરાતી આ પ્રક્રિયાનો ઘણી વાર રાજકીય પક્ષો અને સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરાતો હોય છે. જેવું વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરવાના સમાચાર બાદ પણ જોવા મળ્યું હતું.
બનાસકાંઠાનાં કૉંગ્રેસી સાંસદ ગેનીબહેન ઠાકોરે સરકારની નવો જિલ્લો બનાવવાની જાહેરાતને 'કેટલાક લોકો માટે ફાયદારૂપ' ગણાવવાની સાથે નિર્ણય 'એકતરફી હોવાની આશંકા' વ્યક્ત કરીને ટીકા પણ કરી હતી.
હવે જ્યારે આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે વાત કરીએ કે આખરે નવો જિલ્લો જાહેર કરવામાં આવે ત્યારે જે-તે જિલ્લામાં વસતી પ્રજાને તેનાથી શો લાભ થાય છે? શું તેનો ખરેખર સપાટી પર કોઈ અસર થાય છે ખરી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પહેલાં જાણીએ નવા જિલ્લાની રાજ્ય સરકારની જાહેરાતમાં શું શું હતું.
રાજ્ય સરકારે શું જાહેરાત કરી?
ગુજરાત સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે બુધવારે બપોરે કૅબિનેટની મિટિંગમાં લેવાયેલ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વાવ-થરાદ નામના નવા જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાનો સમાવેશ થશે.
નોંધનીય છે કે આ અગાઉ બનાસકાંઠા જિલ્લો વિસ્તાર અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ખૂબ મોટો હતો, તેમજ તેમાં 14 તાલુકાનો સમાવેશ થતો હતો.
નવી જાહેરાત બાદથી બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા રહેશે. તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો બનાસકાંઠામાં કરવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલે આ અંગે કહ્યું હતું કે, "મુખ્ય મંત્રીએ બંને જિલ્લામાં ગામડાંનું વિભાજન મહદ્અંશે સમાન રીતે કર્યું છે. બંને જિલ્લામાં 600ની આસપાસ ગામ હશે તથા વાવ-થરાદ જિલ્લાનો વિસ્તાર 6257 ચો. કિમી અને બાનસકાંઠા જિલ્લાનો વિસ્તાર 4486 ચો. કિમીનો રહેશે."
નવા જિલ્લા વાવ-થરાદનું મુખ્ય મથક થરાદ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.
સરકારે નવો જિલ્લો કેમ જાહેર કર્યો?
ઋષિકેશ પટેલે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માગણી હકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે"
તેમણે આ નવી જાહેરાત પાછળનું કારણ આપતાં કહ્યું કે હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દૃષ્ટિ સૌથી વધુ 14 તાલુકા ધરાવે છે. તેમજ વિસ્તારની દૃષ્ટિએ પણ એ બીજા ક્રમનો જિલ્લો છે.
તેમણે કહ્યું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વસતી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહીતમાં આ નિર્ણય લીધો છે."
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક, આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યું છે."
"આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35થી 85 કિમી ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે."
"આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવવિકાસ સુવિધાઓમાં વધારો થશે."
નોંધનીય છે કે હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.
ગેનીબહેન ઠાકોરે શું કહ્યું?
આ સમગ્ર જાહેરાત અંગે પત્રકારો સાથે વાત કરતાં ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, "બનાસકાંઠા જિલ્લામાં ઘણાં સ્થળોએ છેલ્લા ઘણા સમયથી અલગ જિલ્લાની માગણી ઊઠી રહી હતી."
"બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ કચ્છ પછી રાજ્યનો બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો હોઈ વર્ષોથી આ માગણી કરાઈ રહી હતી. લાંબા સમયથી દિયોદર, રાધનપુર અને થરાદની પ્રજા આ માટે માગણી કરી રહી હતી."
તેમણે વિભાજન અંગે વાત કરતાં રાજ્ય સરકારના પગલાને આવકરવાની સાથે આ નિર્ણયની મર્યાદા અંગે પણ આશંકા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "નવો જિલ્લો બનાવાયો એનું આનંદ છે. લોકોએ જિલ્લા કક્ષાએ પોતાની વાત મૂકવા જવું હોય તો આ નિર્ણયથી તેને ઓછું અંતર કાપવું પડશે. ભૌગોલિક દૃષ્ટિએ વિચારીએ તો નવા જિલ્લાના નિર્માણથી 23-40 કિમીમાં આવતા તાલુકાને સ્વાભાવિક દૃષ્ટિએ તેનો થોડો-ઘણો ફાયદો થશે. "
તેમણે રાજ્ય સરકારના નિર્ણયની મર્યાદા અંગે વાત કરતાં કહ્યું હતું કે, "વિભાજન અંગેનો આવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે ગ્રામપંચાયતનો ઠરાવ કરાવવામાં આવે છે, તેમજ નવા તાલુકા બનાવવા માટે પણ સૂચનો લેવાય છે, પરંતુ આ નિર્ણય સંદર્ભે ગ્રામપંચાયતના સરપંચો, તાલુકાના આગેવાનો, ધારાસભ્યો અને ચૂંટાયેલા પદાધિકારીઓના મને જાણ છે ત્યાં સુધી અભિપ્રાયો લેવાયા નથી."
"કદાચ આ વિભાજનનો નિર્ણય એકતરફી છે. કદાચ જિલ્લાના વિભાજનનો નિર્ણય બધાને વિશ્વાસમાં લઈને કરાયો હોત તો બધા રાજી થયા હોત."
કૉંગ્રેસમાંથી અન્ય સ્થાનિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી હતી.
કૉંગ્રેસના નેતા ભરતસિંહે આ નિર્ણયને ભાજપની 'બેધારી નીતિ' ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, "એક તરફ રાજસ્થાનમાં નવ જિલ્લા રદ કરાયા છે, તો બીજી તરફ અહીં ભાજપની સરકાર વિભાજનની વાત લાવી છે."
તેમણે દાવો કર્યો હતો કે જિલ્લા મથક પાલનપુર રહેવાથી કોઈ ફરક પડતો નહોતો.
જોકે, સામેની બાજુએ બનાસકાંઠા જિલ્લાના ભાજપપ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જિલ્લા ભાજપે આ માટે સરકારને ઘણી વખત રજૂઆત કરી હતી. તેમણે રાજ્ય સરકારના આ નિર્ણયને 'પ્રજાના કલ્યાણ' અર્થે લેવાયો હોવાનો ગણાવ્યો હતો.
વાવ-થરાદ જિલ્લાના તાલુકાની સરહદ કયા જિલ્લા સાથે જોડાયેલી છે?
વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાના તાલુકાની જાહેરાત બાદ ગુજરાતના નકશા પર નજર કરતા જણાય છે કે વાવ-થરાદ જિલ્લામાંથી વાવ, થરાદ અને ધાનેરા તાલુકાની સરહદ રાજસ્થાન સાથે જોડાયેલી છે.
તેમજ સૂઈગામ તાલુકાનો સમાવેશ પણ વાવ-થરાદ જિલ્લામાં થતાં પાકિસ્તાન સાથે જોડાયેલી બનાસકાંઠાની સરહદનો સમાવેશ પણ નવા જિલ્લામાં થઈ શકે છે.
આ ઉપરાંત નવા જિલ્લાની જાહેરાત સાથે માત્ર વાવ તાલુકાની સરહદ જ પાટણ જિલ્લા સાથે જોડાયેલી છે.
બનાસકાંઠાનો ઇતિહાસ
ડિસ્ટ્રિક્ટ સેન્સસ હૅન્ડબુક 2011માં બનાસકાંઠા જિલ્લાનો ટૂંકો ઇતિહાસ અપાયો છે.
નામ પરથી સ્વયંસ્પષ્ટ છે એમ બનાસકાંઠાનું નામ જિલ્લામાં વહેતી મુખ્ય નદી બનાસ પરથી પડ્યું છે.
બનાસકાંઠા જિલ્લો પાલનપુર, રાધનપુર, થરાદ, વાવ, દાંતા અને દેઓદર સહિતનાં પુરાણા જમાનાનાં દેશી રજવાડાં તેમજ થરા જાગીરને સમાવિષ્ટ કરીને બનાવાયો હતો. આ સિવાય જિલ્લામાં વારોહી, શિહોરી, સાંતલપુર, ભાભર અને સૂઈગામ સહિતના એજન્સી થાણા અને પેટા થાણાને પણ સમાવિષ્ટ કરાયા હતા.
આમાંથી પાલનપુર અને રાધનપુર એ પ્રથમ વર્ગનાં થાણાં હતાં, જ્યારે દાંતા એ વર્ગ બેનું થાણું હતું.
બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરાયેલ દેશી રજવાડાં પૈકી પાલનપુર સૌથી પુરાણું હતું. જેનો ઇતિહાસ 15મી સદીથી નોંધાયો છે.
બનાસકાંઠાનો ખૂબ પુરાણો ઇતિહાસ ઉપલબ્ધ ન હોવા છતાં એવું મનાય છે કે સમયે સમયે ગુજરાત પર રાજ કરનાર શાસકોનું આ ભાગ પર પણ શાસન હતું.
જિલ્લામાંથી મળી આવેલા કેટલાંક શિલ્પો પરથી ખબર પડે છે કે આ વિસ્તારમાં ચૌહાણોનો દબદબો હતો.
ઈસવીસન પૂર્વ 272-200 દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને અશોક મૌર્ય અને સંપ્રતિના શાસનકાળ વખતે ગુજરાત મૌર્ય શાસન હેઠળ હતું. એ પછી કદાચ તે ઇન્ડો-ગ્રીક શાસકોના કબજામાં જતું રહ્યું હોઈ શકે.
ચાવડા શાસનકાળમાં શાસક વનરાજ ચાવડાએ સંદાથલ ખાતે વિંધ્યવાસિનીનું મંદિર બંધાવ્યું. સંદાથલને બનાસકાંઠાના રાધનપુર તાલુકાના સંથલી સાથે સાંકળીને જોવામાં આવે છે.
વનરાજ ચાવડાનાં પ્રારંભિક સાહસો સાથે સંકળાયેલ કાકરને આધુનિક જમાનાના કાકર સાથે જોડીને જોવામાં આવે છે, જે કાંકરેજ તાલુકાનો ભાગ છે. વનરાજના એક વંશજ રાજા અહલે કાકરાપુરી ખાતે અગ્નેશ્વરા અને કંટેશ્વરીનું મંદિર બનાવ્યાનું નોંધાયેલું છે. આ કાકરાપુરી એટલે કાકર હોવાનું જ મનાય છે.
પ્રાપ્ત ઐતિહાસિક પુરાવા અને સંદર્ભો અનુસાર બનાસકાંઠા પર ઈસવીસન 942 સુધી ચાવડા વંશનું શાસન હતું.
તે બાદ આ વિસ્તાર ઈસવીસન 1304 સુધી સોલંકી વંશના શાસનમાં રહ્યો.
14મી સદીમાં આ વિસ્તારમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક, ખેતી સંબંધી અને કોમી પાસાંમાં ઘણી પ્રગતિ નોંધાઈ હતી. એ સમયના શાસકોએ આ પ્રદેશને વધુ વિકસિત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ફાળો ભજવ્યો.
મરાઠાઓએ આ વિસ્તારમાં મોગલ સત્તાનો અંત લાવ્યો. જે બાદ આ વિસ્તાર અંગ્રેજોના તાબામાં આવ્યો. બ્રિટિશરોનો બનાસકાંઠા સાથેનો પહેલવહેલો સંપર્ક વર્ષ 1809માં નોંધાયો હતો.
આ વિસ્તાર નવાબસાહેબ શેર ખાન લોહાણી અને નવાસાહેબ તાલેજ મુહમ્મદ ખાન લોહાણી જેવા મુસ્લિમ શાસકો વહીવટ કરતા હતા.
19મી સદીમાં નવાબસાહેબ શેર ખાન લોહાણીએ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરનો ઘણો વિકાસ કર્યો હતો. આ સમયે આ ક્ષેત્રનો વેપાર માત્ર આસપાસના વિસ્તારો પૂરતો જ સીમિત નહોતો રહ્યો, પરંતુ રાજ્યની હદ પણ વટાવી ગયેલો.
નવાબસાહેબ તાલેજ મોહમ્મદ ખાન લોહાણીના સમયમાં બનાસકાંઠા એ વેપારનું મોટું કેન્દ્ર બનીને સામે આવ્યું હતું.
સ્વતંત્રતા બાદ બનાસકાંઠા પણ બાકીના ગુજરાતી વિસ્તારોની માફક બૉમ્બે સ્ટેટમાં સામેલ હતું.
નોંધનીય છે કે આ અગાઉ પણ વર્ષ 1997માં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના શાસનકાળમાં 2 ઑક્ટોબરના રોજ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોમાંથી પાટણ જિલ્લો બનાવાયો હતો. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં બાકી બચેલા વિસ્તારોમાંથી દાંતીવાડા, અમીરગઢ અને ભાભર તાલુકા બનાવાયા હતા.
બનાસકાંઠામાં મોટા ભાગે છે ગ્રામીણ વસતી
વર્ષ 2011ની વસતીગણતરી અનુસાર બનાસકાંઠામાં કુલ 31,20,506 લોકોની વસતી છે, જેમાં 16,10,379 પુરુષો અને 15,10,127 મહિલાઓ છે.
વર્ષ 2011ની વસતીગણતરી અનુસાર બનાસકાંઠામાં કુલ 1,237 ગામ છે. તેમજ જિલ્લાની શહેરી વસતી 12 નગરોમાં વહેંચાયેલી છે. કુલ વસતી પૈકી 86.70 ટકા ગ્રામીણ અને બાકીની વસતી શહેરી વિસ્તારોમાં રહે છે.
નવા જાહેર કરાયેલા વાવ-થરાદ જિલ્લાની વાત કરીએ તો તેમાં સમાવિષ્ટ કરાયેલ તાલુકાની દૃષ્ટિએ જિલ્લાની વસતી 13,82,385 (કુલ વસતીના 44.3 ટકા) (2011ની વસતીગણતરી અનુસાર) હશે.
જ્યારે બનાસકાંઠાની વસતી 17,38,121 (કુલ વસતીના 55.7 ટકા) (2011ની વસતીગણતરી અનુસાર) હશે.
અગાઉ ક્યારે ક્યારે ગુજરાતમાં નવા જિલ્લા બનાવાયા?
સૌપ્રથમ ગુજરાતમાં આ પહેલાં હાથ ધરાયેલી નવા જિલ્લા બનાવવાની પ્રક્રિયાની વાત કરીએ તો વર્ષ 1964માં સુરતમાંથી છૂટું પાડીને 1 જૂન, 1964ના રોજ વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
ત્યાર બાદ 2 ઑગસ્ટ 1965ના રોજ અમદાવાદ શહેરની વસતીગીચતા ઘટાડવા અને નવું પાટનગર ઊભું કરવાના હેતુથી ગાંધીનગરની વર્ષ 1965માં રચના કરાઈ હતી.
1997માં 2 ઑક્ટોબરના રોજ તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાંથી પાટણ, ખેડામાંથી આણંદ, પંચમહાલમાંથી દાહોદ, ભરૂચ અને વડોદરામાંથી નર્મદા જિલ્લો, વલસાડમાંથી નવસારી જિલ્લો અને જૂનાગઢમાંથી પોરબંદર જિલ્લો બનાવાયો હતો.
એ બાદ નરેન્દ્ર મોદીની જ સરકારમાં સુરત જિલ્લામાંથી જ તાપી જિલ્લો બન્યો હતો.
વર્ષ 2013માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં વડોદરામાંથી છોટા ઉદેપુર,પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર, સાબરકાંઠામાંથી અરવલ્લી, અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ, જૂનાગઢમાંથી ગીર સોમનાથ, જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાંથી મોરબીને નવા જિલ્લા તરીકે જાહેર કરાયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન