You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બનશે, રાજ્ય સરકારની જાહેરાત
ગુજરાતમાં પાછલા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાનો આજે અંત આવ્યો છે. આખરે બુધવારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજીને વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરી દીધો છે.
નોંધનીય છે પાછલા ઘણા સમયથી અમદાવાદ શહેર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી અલગ-અલગ જિલ્લા જાહેર કરવાની માગ ઊઠી રહી હતી.
તેમાં પણ ખાસ બનાસકાંઠા જિલ્લામાં થરાદની આસપાસના તાલુકાઓમાંથી આ માંગ પ્રબળપણે ઊઠી રહી હતી.
નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પહેલાં રાજ્યમાં સૌથી વધુ એવા 14 તાલુકાનો સમાવેશ થતો હતો, જિલ્લામાંથી ઘણી વાર થરાદને અલગ જિલ્લો જાહેર કરવાની માગ પણ ઊઠી હતી.
આ સિવાય રાજ્ય સરકારે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકા ઉમેરવાની પણ જાહેરાત કરી હતી. આ સંબંધિત નૉટિફિકેશન આગામી દિવસોમાં બહાર પડાશે. નવી મહાનગરપાલિકાઓના નિર્માણ સાથે રાજ્યમાં કુલ મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થઈને તેની સંખ્યા 17 થઈ જશે.
એ પહેલાં જાણી લઈએ સરકારે નવો જિલ્લો જાહેર કરવાની જાહેરાત કરતાં શું કહ્યું?
બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બનશે
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે બપોરે કૅબિનેટની મિટિંગમાં લેવાયેલ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 'વહીવટી સુગમતા અને નાગરિકોના લાભ' માટે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે.
વાવ-થરાદ નામના નવા જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે આ અગાઉ બનાસકાંઠા જિલ્લો વિસ્તાર અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ખૂબ મોટો હતો, તેમજ તેમાં 14 તાલુકાનો સમાવેશ થતો હતો.
નવી જાહેરાત બાદથી બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા રહેશે. તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો બનાસકાંઠામાં કરવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલે આ અંગે કહ્યું હતું કે, "મુખ્ય મંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાંનું વિભાજન મહદ્અંશે સમાન રીતે કર્યું છે. બંને જિલ્લામાં 600ની આસપાસ ગામ હશે તથા વાવ-થરાદ જિલ્લાનો વિસ્તાર 6257 ચો. કિમી અને બાનસકાંઠા જિલ્લાનો વિસ્તાર 4486 ચો. કિમીનો રહેશે."
નવા જિલ્લા વાવ-થરાદનું મુખ્ય મથક થરાદ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.
નવો જિલ્લો જાહેર કરવાની કેમ જરૂર પડી?
ઋષિકેશ પટેલે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી હકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે"
તેમણે આ નવી જાહેરાત પાછળનું કારણ આપતાં કહ્યું કે હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દૃષ્ટિ સૌથી વધુ 14 તાલુકા ધરાવે છે. તેમજ વિસ્તારની દૃષ્ટિએ પણ એ બીજા ક્રમનો જિલ્લો છે.
તેમણે કહ્યું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વસતી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહીતમાં આ નિર્ણય લીધો છે."
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક, આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યું છે."
"આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35થી 85 કિમી ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે."
"આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવવિકાસ સુવિધાઓમાં વધારો થશે."
નોંધનીય છે કે હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.
નવો જિલ્લો કેવી રીતે બને?
ધ હિંદુના એક અહેવાલ અનુસાર નવો જિલ્લો બનાવવા, રદ કરવા કે સીમામાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોય છે.
રાજ્ય સરકાર આવું વહીવટી આદેશથી કે રાજ્ય વિધાનસભામાં કાયદો પસાર કરીને પણ કરી શકે છે.
જોકે, ઘણી રાજ્ય સરકારો ઑફિશિયલ ગૅઝેટમાં નૉટિફિકેશન જાહેર કરીને સામાન્યપણે વહીવટી આદેશ થકી આવું કરતી હોય છે.
સામાન્યપણે રાજ્ય સરકારોની દલીલ હોય છે કે નાના જિલ્લાથી વહીવટ બાબતોમાં સરળતા રહે છે.
શું નવા જિલ્લાની જાહેરાતમાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા હોય ખરી?
નવા જિલ્લા બનાવવા કે હદ બદલવા બાબતે કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. આ મામલામાં રાજ્યોને સ્વાયત્તતા અપાઈ છે.
જોકે, જ્યારે કોઈ જિલ્લાનું કે તેના રેલવે સ્ટેશનનું બદલવાનું હોય ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે.
રાજ્ય સરકારની આ અરજી ગૃહ મંત્રાલય દ્વારા અન્ય સંબંધિત મંત્રાલયોને મોકલવામાં આવે છે. આ તમામ વિભાગો પાસેથી આ સંબંધમાં ક્લિયરન્સ મેળવવાનું હોય છે. તેમની પાસેથી ક્લિયરન્સ મળ્યા બાદ નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ જાહેર કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન