You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ધોરણ 10-12નાં પેપર જોનારા શિક્ષકોએ કરેલી ભૂલો, જેના લીધે 64 લાખનો દંડ કરાયો
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આગામી ફેબ્રુઆરી-માર્ચ આ પરીક્ષા લેવાશે.
આ દરમિયાન પરીક્ષામાં વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીમાં અનેક ભૂલો થતી હોવાની વિગતો પણ સામે આવી છે.
ઘણી વાર વિદ્યાર્થીઓ એક કે બે માર્ક્સ ઓછા હોવાને કારણે કારકિર્દી અને જીવનની દિશા નક્કી કરવાના કોર્સમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી જતા હોય છે.
બીજી તરફ પેપર ચકાસતા 'શિક્ષકોની ગંભીરતાના અભાવે' માર્ક્સ ગણતરીના સરવાળામાં ક્યારેક ભૂલ થાય છે, ક્યારેક માર્ક્સ લખવાના જ રહી જતા હોય છે અને વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળે છે.
જોકે જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા પેપર રી-ચેકિંગ કરાવવામાં આવે તો ભૂલ પકડાતી હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવે તો પણ જાગૃતતા કે આત્મવિશ્વાસના અભાવે રી-ચેકિંગ કરાવતા નથી અને તેને કારણે તેમને ક્યારેક નુકસાન થતું હોય છે.
શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકોને તેમની ભૂલો બદલ દર વર્ષે લાખો રૂપિયાનો દંડ પણ કરવામાં આવે છે.
ફેબ્રુઆરી 2024માં વિધાનસભાના સત્રમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પૂછેલા સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે કેટલા શિક્ષકોને કેટલો દંડ કરવામાં આવ્યો છે.
પેપર ચકાસણીમાં શિક્ષકો કેવા પ્રકારની ભૂલો કરે છે?
વર્ષ 2024માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં શિક્ષકોએ 64 હજાર ભૂલો કરી છે. ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 4488 શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલો કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવા શિક્ષકોને ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ દ્વારા 64 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે.
ગુજરાત સ્ટેટ ઍજ્યુકેશન બોર્ડના ચૅરમૅન દિનેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે અમે ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરીએ છીએ. ડેટા ઍન્ટ્રી કરતા સમયે અમે ઉત્તરવહીમાં સરવાળાની ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારીએ છીએ. પરંતુ ઉત્તરવહીની અંદર માર્ક્સ લખ્યા હોય અને બહાર લખવાના રહી ગયા હોય તેવી ભૂલો તે સમયે પકડાતી નથી. આ પ્રકારની ભૂલોથી વિદ્યાર્થીને નુકસાન ન થાય તે માટે જ રી-ચેકિંગની વ્યવસ્થા કરાઈ છે."
દિનેશ પટેલે વધુમાં જણાવ્યું કે શિક્ષકોને પેપર ચકાસણી અંગે દર વર્ષે તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં કેટલાક શિક્ષકોની સતર્કતાના અભાવે ક્યારેક ભૂલ રહી જતી હોય છે.
"શિક્ષકો ભૂલો ન કરે તે માટે જ તેમની પાસે એક ભૂલનો 100 રૂપિયા દંડ કરવામાં આવે છે. દંડની રકમ લેવા પાછળનો અમારો આશય માત્ર એટલો જ છે કે શિક્ષકો વધારે ધ્યાન રાખે અને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય."
ગુજરાત હાયર સેકન્ડરી ટીચર્સ ઍસોસિયેશનના પ્રમુખ ભરત પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "પેપર ચકાસણીમાં સામાન્ય રીતે કુલ-ટોટલના સરવાળામાં ભૂલ થતી હોવાનું જોવા મળે છે. 5 માર્ક્સ હોય તેવા કિસ્સામાં ભૂલો થવાની શક્યતા વધુ હોય છે."
"દા.ત., 8.5 માર્ક્સ હોય અને બીજા 3.5 માર્ક્સ હોય તો આવા કિસ્સામાં ક્યારેક વદ્દી ઉમેરવાની રહી જતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. ઉપરાંત ક્યારેક વિદ્યાર્થીઓ એક વિભાગના પ્રશ્નનો જવાબ અન્ય વિભાગમાં લખે છે ત્યારે તે માર્ક્સ ગણતરીમાં લેવાના રહી જતા હોવાના કિસ્સા બનતા હોય છે."
વર્ષ 2022 અને 2023માં 1,50 લાખ ભૂલો, 1.54 કરોડનો દંડ
પેપર ચકાસણી દરમિયાન માર્ક્સના સરવાળાની ગણતરીમાં શિક્ષકોથી થતી ભૂલો સમયાંતરે મીડિયા થકી પ્રકાશમાં આવતી હોય છે.
મળેલી માહિતી પ્રમાણે, પેપર ચકાસણીમાં માર્ક્સ ગણતરીમાં વર્ષ 2022માં 4735 શિક્ષકોએ ભૂલ કરી હતી.
ભૂલ કરનાર શિક્ષકોને 83 લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2023માં સરવાળામાં ભૂલ કરવા બદલ 4483 શિક્ષકોને 71.40 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.
જોકે સરકાર દ્વારા શિક્ષકોને લાખો રૂપિયાનો દંડ કરવા છતાં ભૂલો થતી રહે છે.
દિનેશ પટેલે જણાવ્યું કે એક જ શિક્ષક દ્વારા બીજી વાર ભૂલ કરવામાં આવી હોય તેવા કિસ્સા પણ હોઈ શકે છે. પરંતુ આ પ્રકારના આંકડા અલગ તારવવામાં આવતા નથી.
"પેપર ચકાસણી સેન્ટર પર દરેક ટીમમાં સરવાળાની ગણતરી તેમજ અન્ય ભૂલો ન જાય તે જોવા માટે એક મૉડરેટર નીમવામાં આવે છે. છતાં ક્યારેક ભૂલો જતી હોય છે. ધોરણ 10 અને 12ની 80 લાખ ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવે છે."
બોર્ડની પરીક્ષાનાં પેપરની ચકાસણી કેવી રીતે થાય છે?
ગુજરાત સેકન્ડરી ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ કિરીટસિંહ મહીડાએ બીબીસીને જણાવ્યું કે "સરવાળો કરવામાં આવે તો ક્યારેક ભૂલ રહી જતી હોય છે. આ પ્રકારની ભૂલ ન થાય તે માટે અમે વાંરવાર શિક્ષકોને ટકોર પણ કરતાં રહીએ છીએ. પેપર ચકાસણી માટે શિક્ષકોને પૂરતો સમય મળતો હોય છે."
કિરીટસિંહ મહીડાએ પેપર ચકાસણીની પ્રક્રિયા સમજાવી હતી:
- પ્રશ્નપત્રમાં A,B,C,D એમ ચાર વિભાગ હોય છે. પેપર ચકાસણી દરમિયાન શિક્ષકને દરરોજ એક વિભાગના પેપર ચકાસવાના હોય છે. શિક્ષકોના વિભાગ બદલાતા રહે છે.
- દા.ત., કોઈ એક શિક્ષક સોમવારે એ વિભાગ તપાસે છે તે સોમવારે દરેક પેપરમાં વિભાગ એ જ ચેક કરે છે. બીજા દિવસે તેનો વિભાગ બદલાય છે. જે શિક્ષક પેપરમાં ડી વિભાગની ચકાસણી કરતા હોય છે તે સરવાળો કરતાં હોય છે. ત્યારબાદ જે મૉડરેટર હોય તે વેરિફાય કરે છે.
- જે વિદ્યાર્થીના 90 માર્ક્સ કરતાં વધારે હોય તેમના પેપરને મૉડરેટર તપાસે છે. તેમજ મૉડરેટર ઉપર કો-ઑર્ડિનેટર પણ તપાસે છે. જે લોકોના 90 ટકા કરતાં વધારે માર્ક્સ હોય તેવા વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે પેપર ત્રણ વાર ચકાસવામાં આવતું હોવાથી ભૂલ થવાની સંભાવના નહિવત્ રહે છે.
- એવરેજ માર્ક્સ લાવતા વિદ્યાર્થીઓના સરવાળામાં ભૂલ રહી જવાની સંભાવના રહેલી છે.
- એક પેપરમાં ભૂલ રહી જાય તો પેપરમાં સરવાળો કરનાર શિક્ષક તેમજ તેમના મૉડરેટર બન્નેને દંડ કરવામાં આવે છે. તેમજ 90 ટકા કરતાં વધારે માર્ક્સ આવ્યા હોય તેવા પેપરમાં ચકાસણીમાં ભૂલ હોય તો શિક્ષક, મૉડરેટર, તેમજ કો-ઑર્ડિનેટરને પણ દંડ કરવામાં આવે છે.
પેપર ચકાસણીમાં શિક્ષકોએ કરેલી ભૂલો અને દંડ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન