You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદની આ ઉર્દૂ સ્કૂલમાં બાળકોને પ્રવેશ કેમ નથી મળી રહ્યો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના શિક્ષણમાં થઈ રહેલા પ્રવેશોત્સવ, રમતોત્સવ અને ગુણોત્સવ જેવા ઉત્સવો, સરકારી સ્કૂલોને ‘સ્માર્ટ’ બનાવવાના દાવાઓ અને ખાનગી સ્કૂલોને છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટેની પ્રતીક્ષાયાદીના સમાચારો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત વટવાની ઉર્દૂ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ મહિનાઓથી ધક્કા ખાઈ રહ્યા છે.
ગુજરાતમાં હાલ ચોમાસાની સાથે સાથે બાળકોને શાળાઓમાં પ્રવેશોત્સવની સિઝન ચાલી રહી છે. ગુજરાતમાં વૅકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષ માટે શાળાઓ ખુલી ગયાના બે મહિના પૂર્ણ થઈ ગયા, છતાં આ સ્કૂલમાં પોતાનાં બાળકોને પ્રવેશ અપાવવા ઇચ્છતા વાલીઓને હજુ સુધી ધક્કા અને આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.
'રાઇટ ટુ ઍજ્યુકેશન' હેઠળ સ્કૂલમાં બાળકો માટેના વર્ગખંડની જરૂરિયાત, શિક્ષક-વિદ્યાર્થીના નિર્ધારિત રેશિયો જેવા નિયમોનું અમલીકરણ આ ઉર્દૂ સ્કૂલમાં ગેરહાજર જોવા મળે છે. હાલ અહીં એક ક્લાસરૂમમાં 80 જેટલા વિદ્યાર્થીઓ બેસે છે.
જોકે, એએમસીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જણાવ્યા અનુસાર એક નવા પ્લૉટમાં આ ઉર્દૂ સ્કૂલ માટેની અદ્યતન બિલ્ડિંગ બનાવવાની યોજના છે, પણ એ ત્યારે જ થઈ શકશે જ્યારે એ પ્લૉટનો કબજો શિક્ષણ સમિતિને મળે.
વટવા ઉર્દૂ માધ્યમ સ્કૂલની સમસ્યા શું છે?
બીબીસી ગુજરાતીએ વટવા ઉર્દૂ માધ્યમની શાળાની મુલાકાત લીધી હતી.
ખાનગી શાળામાં બાળકોને સરસ સુવિધાઓ ધરાવતી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય પરંતુ તેમાં જગ્યા ન હોવાથી તેમને પ્રતીક્ષાયાદીમાં મૂકવામાં આવે છે, એવી જ રીતે પરંતુ અલગ કારણોસર વટવાની આ ઉર્દૂ શાળામાં પણ બાળકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો.
તેની પાછળનું કારણ આ સ્કૂલની સુવિધાઓ નહીં પણ અસુવિધાઓ છે.
હાલ આ સ્કૂલમાં ભણતાં બાળકોની સંખ્યાની સરખામણીમાં તેમને બેસવા માટે પૂરતી જગ્યા પણ નથી. સ્થિતિ એવી છે કે હાલ બાળકોને વર્ગખંડોમાં સમાવવા માટે સ્કૂલની ઇમારતનાં પાંચ રૂમોમાં આવેલી પ્રિન્સિપાલની ઑફિસને પણ વર્ગખંડ બનાવી દેવી પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ આ રૂમોની બહાર ઓસરીમાં એક ખુરશી અને બાંકડા પર બેસવું પડે છે.
સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કેટલા છે?
આ ઇમારતમાં સ્કૂલ બે પાળીમાં ચાલે છે. સવારની પાળીમાં 6 થી 8 ધોરણના 385 વિદ્યાર્થીઓ છે. આ બાળકો માત્ર પાંચ ઓરડામાં બેસે છે. જ્યારે બપોરની પાળીમાં 1 થી 5 ધોરણના 637 વિદ્યાર્થીઓ છે. જેમના માટે 10 ઓરડા છે.
રાઇટ ટુ ઍજ્યુકેશનના નિયમ મુજબ એક વર્ગમાં 30 વિદ્યાર્થી બેસાડી શકાય. જ્યારે આ શાળામાં ધોરણ છથી આઠ ના 335 વિદ્યાર્થી છે. જેમને માત્ર પાંચ વર્ગમાં જ બેસાડીને ભણાવવામાં આવે છે.
શાળામાં સવારની પાળીના 11 શિક્ષક છે. દૈનિક શૈક્ષણિક ટાઇમટેબલ પ્રમાણે પાંચ શિક્ષક વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે બાકીના છ શિક્ષકને બેસવા માટે પણ જગ્યા નથી.
બપોરની પાળી માટે 10 રૂમ છે અને ત્યારે શિક્ષકો હોય છે. જેમને પણ બેસવા માટેની જગ્યા રહેતી નથી.
વાલીઓની શું રજૂઆત છે?
વટવા વાલી મંડળ દ્વારા આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) સ્કૂલ બોર્ડ તેમજ રાજ્ય સરકારને પણ આ મામલે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ સ્વીકાર્યુ છે કે શાળાની જરૂર છે અને શાળા બનાવવામાં આવશે.
વટવા વાલી મંડળના સભ્ય ઝહિર શાહે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “વટવા ખાતે આવેલી ઉર્દૂ શાળામાં બાળકોને પ્રવેશ ન મળતો હોવાની વાલીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી. જેથી અમે શાળામાં તપાસ કરવા માટે આવ્યા હતા. આ શાળામાં ઓરડાની સંખ્યા ઓછી છે. જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હોવાનું અમને જાણવા મળ્યું હતું.”
“અહીંયા એક વર્ગમાં 80 કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસે છે. રૂમમાં એકદમ ખીચોખીચ બાળકો બેસે છે. ન કરે નારાયણને જો કોઈ દુર્ઘટના ઘટે તો આ બાળકો કેવી રીતે નીકળી શકશે? જોકે, શાળામાં ઓરડાની અછત અંગે અમે અગાઉ નવ મહિના પહેલાં નગરપ્રાથમિક શિક્ષણ તેમજ મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરી છે.”
ઝહિર શાહે બીબીસીને સ્કૂલની જરૂરિયાત વિશે સ્થિતિનો ચિતાર આપતાં કહ્યું, “આ સ્કૂલમાં બન્ને પાળીમાં 12 -12 ઓરડાની જરૂર છે. જેની સામે માત્ર 5-5 ઓરડા જ છે. તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે એક વર્ગમાં 80 કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે, તો તેઓ કેવી રીતે ભણી શકે? અમને તપાસ કરતાં જાણવા મળ્યુ કે સરકાર તરફથી શાળાને સ્માર્ટ વર્ગો બનાવવા માટે આઠ એલઈડી ટીવી મળ્યાં છે, પરંતુ બાળકોને બેસવાની જ જગ્યા નથી ત્યાં એલઈડી ક્યાં લગાવશે?”
એક ઓરડામાં કેટલાં બાળકો બેસાડી શકાય?
રાઇટ ટુ ઍજ્યુકેશન (આરટીઈ)માં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તે ગુણવત્તાયુક્ત વાતાવરણમાં મળે તે માટેની પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે.
આરટીઈના નિયમો પ્રમાણે એક ઓરડામાં કેટલાં બાળકો બેસાડી શકાય આ અંગે શિક્ષણ કર્મશીલ સુખદેવ પટેલે બીબીસીને કહ્યું, “રાઇટ ટુ ઍજ્યુકેશનના નિયમ મુજબ એક શિક્ષક દીઠ એક ઓરડો હોવો જોઈએ. તેમજ 30 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ. એટલે આ સાદી ગણતરી પ્રમાણે એક ઓરડામાં 30 વિદ્યાર્થી બેસાડી શકાય છે. નિયમ મુજબ વાત કરવામાં આવે તો વટવા ઉર્દૂ શાળામાં 11 શિક્ષકો છે એટલે નિયમ મુજબ 11 ઓરડા તો હોવાં જ જોઈએ. દરેક ઓરડામાં 30 બાળકો બેસાડી શકાય.”
વટવા વાલી મંડળના ઉપપ્રમુખ શાહિન સૈયદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “અમે છેલ્લા નવ મહિનાથી વટવા ઉર્દૂ શાળામાં આવીએ છીએ. બાળકોને અહીં પ્રવેશ ન મળતો હોવાથી તેમનાં માતાપિતા અમારો સંપર્ક કરી રહ્યાં છે. અમે શાળામાં પૂછ્યું કે પ્રવેશ કેમ આપવામાં આવતો નથી? તો અમને જાણ કરવામાં આવી કે આ શાળામાં પૂરતા ઓરડા નથી. એક વર્ગમાં 80 કરતાં વધુ બાળકો બેસાડવામાં આવે છે. આમ બાળકો કેવી રીતે ભણશે?
સૈયદે વધુમાં કહ્યું, “અમે અહીં જોયું કે સ્કૂલના આચાર્ય પણ બહાર જ બેસે છે. તેમના કાર્યાલયમાં પણ બાળકોને બેસાડવાં પડે છે. એક બેન્ચ ઉપર ત્રણ બાળકોને બદલે પાંચ બાળકો બેસે છે. ખીચોખીચ ભરેલાં ઓરડામાં બાળકોને ગભરામણ થઈ જાય છે. જો ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો બાળકોનું શું થશે?
શાહિન સૈયદે જણાવ્યા અનુસાર શાળામાં સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી.
એએમસીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શું કહે છે?
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પાંચ ભાષા (ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી અને ઉર્દૂ)ના માધ્યમની કુલ 450 સ્કૂલોમાં એક લાખ 66 હજાર 958 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એટલું જ નહીં આ 450 સ્કૂલોમાંથી 132 સ્કૂલ ‘સ્માર્ટ સ્કૂલ’ છે.
ઝહિર શાહે જણાવ્યા અનુસાર વાલી મંડળની રજૂઆત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો આ સ્કૂલમાં સ્થળતપાસ માટે પણ આવ્યા હતા.
શાહે કહ્યું, “નગર પ્રથમિક શિક્ષણ દ્વારા અમને લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા પર શાળાની તાતી જરૂરિયાત છે, વહેલામાં વહેલી તકે નવી શાળા બનાવવામાં આવશે. આ વાતને નવ મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં આ નવી શાળા બનાવવા અંગેની કોઈ કાર્યવાહી થઈ નથી. પહેલી જૂનથી 30 જુલાઈ સુધી 150 જેટલાં વિદ્યાર્થીઓના વાલીઓ ધક્કા ખાતા હોવા છતાં પ્રવેશ મળ્યો નથી.”
આ વિશે સ્કૂલના આચાર્ય બીબીસી સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે બીબીસીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી લગધીર દેસાઈ સાથે આ મામલે વાત કરી. તેમણે કહ્યું, “નવી શાળા બનાવવાના હેતુથી જુલાઈના અંતિમ સપ્તાહમાં જ વટવામાં દક્ષિણ ઝોનના એન્જિનિયર સાથે રહીને રાઉન્ડ લેવામાં આવ્યો હતો. ટી.પી. સ્કીમ નં. 56માં ફાઇનલ પ્લૉટ 64માં 6,736 વારનો એક પ્લૉટ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્લૉટનું પઝૅશન મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઉર્દૂ માધ્યમની અધતન શાળા બનાવવામાં આવશે.”
બાળકોના પ્રવેશ માટે વાલીઓ ધક્કા ખાય છે
નસરિન ખાતુન વટવામાં આવેલા ખ્વાજાનગરમાં રહે છે. તેઓ તેમની દીકરીને આ ઉર્દૂ સ્કૂલમાં પ્રવેશ અપાવવાં ઇચ્છે છે. અનેક વખત રજૂઆત છતાં તેમની દીકરીને અહીં પ્રવેશ નથી મળી શક્યો.
નસરિન ખાતુને બીબીસીને જણાવ્યુ “હું મારી દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વારંવાર ધક્કા ખાઈ રહી છું, પરંતુ પ્રવેશ મળી રહ્યો નથી. બાળકને ભણાવવા માટે અમે પરેશાન છીએ. અમે ગરીબ છીએ અને એટલા પૈસા નથી કમાતા કે બાળકોને ખાનગી શાળામાં ભણાવી શકીએ. જો આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તો સરકારે નવી શાળા બનાવવી જોઈએ.”
વટવા નવાપુરામાં રહેતા એક વાલી પોતાના કામના સ્થળેથી દીકરાના ઍડમિશન માટે રજા લઈને આવ્યા હતા. પોતાની વ્યથા વર્ણવતા તેમણે કહ્યું, “મારા દીકરા મહમદ સમીરને ઉર્દૂ માધ્યમમાં બીજા ધોરણમાં પ્રવેશ અપાવવા માટે હું છેલ્લા બે મહિનાથી ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ ઍડમિશન નથી મળી રહ્યું. ઍડમિશન મળી જશે એમ કહેવામાં આવે છે, પરંતુ ક્યારે મળશે તે કોઈ નથી કહી રહ્યું. છેલ્લા બે મહિનાથી ભણવાનું શરૂ થઈ ગયું છે. મારા દીકરાનું ભણવાનું બગડી રહ્યું છે, અને જો પ્રવેશ નહીં મળે તો તેનું આખું વર્ષ પણ બગડશે.”
આ બાળકોને શાળામાં પ્રવેશ ન મળી રહ્યો હોવાની વાલીઓની ફરિયાદનું સમાધાન જણાવતાં લગધીર દેસાઈએ કહ્યું, “જો બાળકોને પ્રવેશ નહીં મળે તો અમે તેમને આ વિસ્તારની ત્રણ કીલોમીટરમાં આવેલી ચાર ઉર્દૂ શાળાઓમાં હાલ પ્રવેશ આપીશું. કોઈ બાળક સ્કૂલમાં પ્રવેશથી વંચિત નહીં રહે.“
ગુજરાતમાં 341 સરકારી પ્રાથમિક શાળાઓ એક ઓરડામાં ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પાટણ વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને રાજ્યમાં એક જ ઓરડામાં ચાલતી પ્રાથમિક શાળાઓની સંખ્યા વિશે સવાલ કર્યો હતો.
તેમણે સવાલ અને પેટાસવાલોમાં પૂછ્યું હતું કે, "તા. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યમાં એક જ ઓરડો ધરાવતી કેટલી સરકારી શાળાઓ છે અને એ શાળાઓમાં એક જ ઓરડો હોવાના શા કારણો છે અને વિદ્યાર્થીઓના ભણતરને વિપરીત અસર ન પડે તે માટે વધુ ઓરડાઓ ક્યાં સુધીમાં બનાવવામાં આવશે? "
આ સવાલના જવાબમાં શિક્ષણમંત્રીએ જવાબ આપ્યો હતો કે, "એક જ વર્ગખંડ હોય તેવી 341 સરકારી પ્રાથમિક શાળાઓ છે."
બીજા સવાલના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું, “બાળકો/શિક્ષકોની સંખ્યા ઓછી હોવાના કારણે, જર્જરિત ઓરડા પાડી દેવાના કારણે, જમીનની ઉલબ્ધતા ન હોવાને કારણે આ પ્રકારની શાળા છે.”
તેમણે ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી વધુ ઓરડાઓ બનાવવામાં આવશે.