ભારતનો એ દરિયાકિનારો જેનો રંગ વારંવાર બદલાય છે, આવું કેમ થતું હશે?

ઇમેજ સ્રોત, NAWAZ
- લેેખક, લાક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
વિશાખાપટ્ટનમનો દરિયો ઘણી વાર જુદા જુદા રંગોમાં જોવા મળે છે.
ભીમલી નજીક સાત મહિના પહેલાં તે લાલ રંગમાં અને પેડાજલારીપેટમાં ત્રણ સપ્તાહ પહેલાં તે પીળા રંગનો જોવા મળ્યો હતો.
આરકે બીચ નજીક તાજેતરમાં તે લીલોછમ જોવા મળ્યો હતો.
ઘણી વાર દરિયાકિનારા પર ઘણી જગ્યાએ પાણી કાળું પણ દેખાય છે.
દરિયાનું પાણી જ નહીં, પણ દરિયાકિનારા પરની રેતી પણ વિવિધ રંગોમાં દેખાય છે, જે મુલાકાતીઓને આશ્ચર્યચકિત કરે છે.
હંમેશાં આછા વાદળી રંગનો દેખાતો સમુદ્ર આ રીતે રંગ કેમ બદલી રહ્યો છે? તેમાં રંગ બદલવાની ક્ષમતા છે? સમુદ્ર અને કિનારાના રંગો કેમ બદલાય છે? જાણીએ આ અહેવાલમાં...
સમુદ્રનો રંગ કેવી રીતે બદલાઈ રહ્યો છે?

સમુદ્ર સામાન્ય રીતે વાદળી હોય છે, પરંતુ ક્યારેક અહીં-તહીં તેમાં અલગ રંગ જોવા મળે છે. સમુદ્રનો રંગ અલગ-અલગ દેખાય છે એટલે જ તેનો અર્થ એવો નથી કે દૃષ્ટિ પહોંચે ત્યાં સુધીનો આખો સમુદ્ર વાદળી છે.
આંધ્રપ્રદેશ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર એ. યુગાંધર રાવે બીબીસીને જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ રંગ પરિવર્તન 10થી 100 મીટર સુધી અને ક્યારેક નાના વિસ્તારોમાં પણ દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સામાન્ય રીતે નદીનો પ્રવાહ સમુદ્રમાં ભળતો હોય છે. નદીના પ્રવાહની સાથે ઘણી વાર વિવિધ સામગ્રી પણ વહી આવે છે."
પર્વતીય વિસ્તારોમાંથી વહેતી નદીઓ ખનિજોથી ભરપૂર પાણીનું વહન કરતી હોય છે.
"તેનો અર્થ એ થાય કે ખનિજોનો મોટો જથ્થો સમુદ્રમાં ભળે ત્યારે સમુદ્રનો રંગ બદલાય છે."
ગયા ઑગસ્ટમાં ભીમિલી નજીક પણ આવું જ બન્યું હોવાનું તેમણે જણાવ્યુ હતું.
પાણીના રંગનો આધાર ખનિજો પર હોય છે

તેમણે કહ્યું હતું, "ઉદાહરણ તરીકે આયર્નથી ભરપૂર પાણીનો પ્રવાહ સમુદ્રમાં ભળે ત્યારે સમુદ્ર લાલ થઈ જાય છે. ભીમિલી નજીકના લાલ કાદવના ટેકરાઓની માટીમાં હેમેટાઇટ, ફેરિક ઑક્સાઇડ હોય છે."
"તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી આ રેતીના ટેકરાઓમાં રહેલા હેમેટાઇટ અને અન્ય ખનિજો સાથે પ્રતિક્રિયા કરે છે અને લોખંડનો લાલ રંગ મુક્ત કરે છે. એવું પાણી દરિયામાં મોટી માત્રામાં ભળે ત્યારે તે લાલ રંગનું દેખાય છે," એમ પ્રોફેસર એ. યુગાંધરે કહ્યું હતું.
દરિયામાં બનેલો આ લાલ રંગ ધીમેધીમે ભૂરા અને પછી આછા વાદળી રંગમાં પરિવર્તિત થાય છે.
આ જ વાત અન્ય કોઈ પણ પદાર્થો માટે લાગુ પડે છે. ખાસ કરીને ઉદ્યોગોનો કચરો, ઘરગથ્થુ કચરો, મોટા પ્રમાણમાં પૂજાસામગ્રી કે કચરાવાળું પાણી ભળે ત્યારે દરિયાઈ પાણીનો રંગ આછા લીલાથી પીળો થઈ જાય છે, એમ જણાવતાં પ્રોફેસર એ. યુગાંધર રાવે ઉમેર્યું હતું કે પેડાજલારિપેટમાં આવું જ બન્યું હશે.
તેમના કહેવા મુજબ, આ અંગે વધુ સંશોધન કરવાથી સ્પષ્ટ કારણ જાણવા મળશે.
દરિયાનો રંગ કાળો અને આછો લીલો કેમ થાય છે?

કેટલીક જગ્યાએ ગટરનું પાણી દરિયામાં સતત ઠલવાઈ રહ્યું છે. એવી જગ્યાએ દરિયાનું પાણી આછા લીલા રંગનું દેખાય છે.
"ગંદા પાણીમાં અને પદાર્થોમાં ઘણી બધી શેવાળ હોય છે. તેનાથી પાણી લીલું દેખાય છે. ગંદું પાણી ભળતું હોવાથી એવા વિસ્તારમાં દરિયાનું પાણી દિવસો સુધી આછું લીલું દેખાય છે. સામાન્ય રીતે ભારે ધાતુઓ હોય ત્યાં દરિયાકિનાર પરની રેતી કાળી હોય છે."
પ્રોફેસર એ. યુગાંધરે ઉમેર્યું હતું, "તે મોટી માત્રામાં બને છે અને દરિયાનું પાણી તેમાંથી પસાર થાય છે ત્યારે ત્યાંનું પાણી કાળું દેખાય છે."
જોકે, આ રંગ પરિવર્તન લાંબો સમય ટકતું નથી. તે થોડા કલાકો માટે હોય છે, કારણ કે તે સ્થાનિક ઘટના છે, જે સમુદ્રી વિસ્તારમાં જ બને છે. સમય પસાર થવાની સાથે રંગ સમુદ્રના પાણીમાં ભળી જાય છે અને સમુદ્રનું પાણી તેના અસલી સામાન્ય રંગમાં આવી જાય છે.
કિનારા પરની રેતીનો રંગ પણ બદલાય છે?

સામાન્ય રીતે દરિયાકિનારા પરની રેતી ભૂરા રંગની હોય છે, પરંતુ ઘણી વખત દરિયાકિનારે કાળી કે લાલ રેતી પણ જોવા મળે છે. તે રેતીના રંગમાં થયેલો ફેરફાર નથી, એમ પ્રોફેસર યુગાંધર રાવે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "આપણે દરિયાકિનારા પરની રેતી લઈને માઇક્રોસ્કૉપ હેઠળ તપાસીએ તો કાળી અને લાલ રંગની રેતી દેખાશે. તેનો અર્થ એ છે કે સામાન્ય રેતીમાં કાળા અને લાલ ખનિજો હોય છે."
સમુદ્રના તરંગોમાં ઘણી ક્રિયા થતી હોય છે. ત્યાં ભારે અને હળવા ખનિજ અયસ્કો, તેમના ચોક્કસ ગુરુત્વાકર્ષણના આધારે કિનારા પર જમા થાય છે.
પ્રોફેસર યુગાંધર રાવે કહ્યું હતું, "સમાન ગુરુત્વાકર્ષણ ધરાવતા રેતીના દાણા એક જગ્યાએ જમા થાય છે તેમ તેમ રેતીમાં રહેલા ખનિજતત્ત્વો મુજબનો રંગ દેખાય છે. તોફાન દરમિયાન તે વધારે સ્પષ્ટ થાય છે."
દરિયાકાંઠાની નજીક જ્વાળામુખી કે ખનિજની ખાણો હોય તો પણ દરિયાકાંઠાની રેતી ચોક્કસ રંગ ધારણ કરે છે. કેટલાક નરી આંખે દેખાય છે, પણ પરીક્ષણ વિના કશું શોધી શકાતું નથી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વિશાખાપટ્ટનમના કિનારે ઘણા ખનિજો છે.
દરિયાનો રંગ બદલામાં તરંગક્રિયાની શું ભૂમિકા હોય?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે જણાવ્યું હતું કે મોજાંની ક્રિયા સઘન હોય તો સમુદ્રનાં પાણી અને કિનારા પરની રેતી અલગ-અલગ રંગોની દેખાઈ શકે છે.
"તરંગોની કોઈ ક્રિયા ન હોય તો સમુદ્ર આછો વાદળી દેખાય છે અને કિનારો ભૂરા રંગનો દેખાય છે. તરંગોની ક્રિયા સઘન હોય તો કિનારા પરની રેતીનો રંગ તેમાં રહેલા અને કિનારા પર વહેતા ખનિજો પર આધારિત હોય છે."
તેમના કહેવા મુજબ, "સમુદ્રની અંદર પણ ઘણા બધા ખનિજો હોય છે. તે કિનારાની નજીક હોય તો તેની અસર સમુદ્રનાં પાણી પર પણ જોવા મળે."
દરિયામાંથી નીકળતી રેતી અને દરિયામાં પ્રવેશતો કચરો ક્યારેક દરિયાકિનારાની રેતીનો રંગ બદલી નાખતો હોય છે. જોકે, આવું વારંવાર બનતું નથી, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે દરિયાકાંઠે થતા ઉત્સવો, ખોદકામ અને એક જગ્યાએ ફેંકાયેલો કચરો પણ દરિયાના પાણીના અને દરિયાકાંઠા પરની રેતીના રંગ પર કામચલાઉ અસર કરી શકે છે. અલબત્ત, તે નાના પાયે થાય છે. મોટા પાયે કશુંક થાય ત્યારે જ ત્યાંની રેતી અને પાણીના રંગ પર તેની અસર દેખાય છે.
પ્રોફેસર યુગાંધર રાવે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભરતી વધારે હોય ત્યારે રેતી કિનારા પર આવે છે અને ચોક્કસ ગુરુત્વાકર્ષણના આધારે જમા થાય છે.
તેમણે કહ્યું હતું, "હવામાનની સ્થિતિને કારણે દરિયાકાંઠે આવેલી ખનિજ સમૃદ્ધ રેતી ફરી દરિયામાં વહી જાય છે. પરિણામે દરિયાકાંઠા પરની રેતી ફરી ભૂરી દેખાવા લાગે છે."
"મોજાંની ક્રિયા સઘન હોય તો પણ દરિયાકાંઠા પરની રેતીનો રંગ કાળો અને લાલ હોય છે. તેનો અર્થ એ છે કે ત્યાં ઉચ્ચ ઊર્જા, ભરતીની ઉચ્ચ સંભાવના છે. મોજાંઓ સાથે આવતી રેતી ધોવાઈ જાય અને દરિયાકાંઠો ભૂરા રંગનો જ રહે તો તેનો અર્થ એ છે કે તે દરિયાકાંઠા પર મોજાંની ક્રિયા સઘન નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












