એક ભાગેલી ‘જાસૂસ’ વ્હેલ માછલીની કહાણી, જેને રશિયાના લશ્કરે આપી હતી તાલીમ

આ વ્હેલ પાંચ વર્ષ પહેલાં ઉત્તર નોર્વેના કિનારે માછીમારો પાસે પહોંચી ત્યારે ચર્ચામાં આવી હતી

ઇમેજ સ્રોત, Norwegian Orca Survey

ઇમેજ કૅપ્શન, આ વ્હેલ પાંચ વર્ષ પહેલાં ઉત્તર નોર્વેના કિનારે માછીમારો પાસે પહોંચી ત્યારે ચર્ચામાં આવી હતી
    • લેેખક, જોનાહ ફિશર, ઓક્સાના કુંદીરેન્કો
    • પદ, બીબીસી પર્યાવરણ સંવાદદાતા અને ‘સિક્રેટ્સ ઑફ ધ સ્પાય વ્હેલ’ના વિશેષ નિર્માતા

એક બેલુગા વ્હેલ માછલી નૉર્વેના દરિયા કિનારે પટ્ટા પહેરીને કેવી રીતે પહોંચી હતી તેનું રહસ્ય આખરે ઉકેલાયું છે.

સ્થાનિક લોકોએ આ શ્વેત પાલતુ વ્હાઇટ વ્હેલનું નામ હ્વાલ્દિમીર રાખ્યું છે. પાંચ વર્ષ પહેલાં 2019માં તે દરિયાકિનારે જોવા મળી ત્યારે તેના વિશે ખૂબ ચર્ચા થઈ હતી. તે રશિયન જાસૂસ હોવાનું અનુમાન પણ થયું હતું.

હવે આ જાતિના નિષ્ણાતે જણાવ્યું છે કે આ વ્હેલ સૈન્ય સાથે સંકળાયેલી હતી અને આર્કટિક નેવલ બેઝમાંથી નાસી છૂટી છે.

જોકે, એ વ્હેલ જાસૂસ હશે, એવું ડૉ. ઓલ્ગા શપાકને લાગતું નથી. તેઓ માને છે કે આ બેલુગા વ્હેલને નેવલ બેઝની સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી રહી હતી.

આ વ્હેલ “ઉપદ્રવી” હોવાને કારણે ત્યાંથી નાસી છૂટી હોવાનું ડૉ. ઓલ્ગા માને છે.

પોતાનું સૈન્ય બેલુગા વ્હેલને ટ્રેનિંગ આપી રહ્યું હોવાની વાતનો રશિયાએ ક્યારેય સ્વીકાર પણ નથી કર્યો કે ક્યારેય તેને નકારી પણ નથી.

ડૉ. ઓલ્ગા શપાક 1990ના દાયકાથી રશિયામાં સમુદ્રી સ્તનધારી પ્રાણીઓ વિશે કામ કરી રહ્યાં હતાં અને 2022માં પોતાના મૂળ દેશ યુક્રેન પાછા ફર્યાં હતાં.

ડૉ. ઓલ્ગા શપાકે બીબીસીને જણાવ્યું હતું કે રશિયા બેલુગાને તાલીમ આપતું હોવા બાબતે કોઈ શંકા નથી.

ડૉ. ઓલ્ગા શપાક તેમના બે ભૂતપૂર્વ રશિયન સહકર્મીઓ અને દોસ્તો સાથેની વાતચીતના આધારે આ દાવો કર્યો હતો.

તેમણે આ વાતો બીબીસીની ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘સિક્રેટ્સ ઑફ ધ સ્પાય વ્હેલ’માં જણાવી છે. આ ડૉક્યુમેન્ટરી હવે બીબીસી આઈ પ્લેયર પર ઉપલબ્ધ છે.

વૉટ્સઍપ

વ્હેલે પહેર્યો હતો પટ્ટો

બેલુગા વ્હેલ

ઇમેજ સ્રોત, Jorgen Ree Wiiig

ઇમેજ કૅપ્શન, બેલુગા વ્હેલ

એ વ્હેલ પાંચ વર્ષ પહેલાં ઉત્તર નૉર્વેના કિનારે માછીમારો પાસે પહોંચી ત્યારે ચર્ચામાં આવી હતી.

એક નૌકા પર સવાર એક માછીમાર જોઆર હેસ્ટને કહ્યું હતું, "પહેલાં તેણે નૌકા સાથે ઘસાવાનું શરૂ કર્યું હતું. મેં સાંભળ્યું હતું કે જે પ્રાણીઓને આભાસ થઈ જતો હોય છે કે તે મુશ્કેલીમાં હોય તેને માણસોની મદદની જરૂર છે. હું વિચારતો હતો કે તે એક સ્માર્ટ વ્હેલ છે."

"એ દૃશ્ય દુર્લભ હતું, કારણ કે બેલુગા વ્હેલ પાલતુ લાગતી હતી અને એ દક્ષિણમાં આટલે દૂર જોવા મળતી નથી."

"એ વ્હેલે એક પટ્ટો પણ પહેર્યો હતો, જેના પર કૅમેરા લગાવવા માટેનું એક માઉન્ટ હતું. એ સિવાય પટ્ટા પર અંગ્રેજીમાં લખ્યું હતુઃ ઇક્વિપમેન્ટ સેન્ટ પીટર્સબર્ગ."

હેસ્ટને બેલુગાને તે પટ્ટો કાઢવામાં મદદ કરી હતી. એ પછી તે વ્હેલ તરીને નજીકના હેમરફેસ્ટ બંદર સુધી પહોંચી હતી અને અનેક મહિનાઓ સુધી ત્યાં રહી હતી.

પટ્ટા પર શું લખ્યું હતું?

વ્હેલે એક પટ્ટો પણ પહેર્યો હતો જેના પર અંગ્રેજીમાં લખ્યું હતુઃ ઈક્વિપમેન્ટ સેન્ટ પીટર્સબર્ગ.

ઇમેજ સ્રોત, Oxford Scientific Films

ઇમેજ કૅપ્શન, વ્હેલે એક પટ્ટો પણ પહેર્યો હતો જેના પર અંગ્રેજીમાં લખ્યું હતું ઇક્વિપમેન્ટ સેન્ટ પીટર્સબર્ગ.

આ વ્હેલ ભોજન માટે જીવિત માછલી પડકવામાં અસમર્થ હતી. લોકો જલ્દી જ તેના પ્રત્યે આકર્ષાવા લાગ્યા. ક્યારેક તે લોકોના કૅમેરાને ધક્કા મારતી. એક વખત તો તેણે મોબાઇલ ફોન પણ પાછો આપ્યો હતો.

નૉર્વે ઓર્કા સરવે સાથે સંકળાયેલાં ઈવ જુઆર્ડિયને કહ્યું હતું, "આ ખાસ બેલુગાને ટાર્ગેટ જેવી લાગતી દરેક ચીજ પર પોતાનું નાક અડાડવાની તાલીમ આપવામાં આવી હતી તે એકદમ સ્પષ્ટ હતું, કારણ કે આ વ્હેલ વારંવાર એવું કરતી હતી."

"જોકે, બેલુગા તેના કેન્દ્રથી અહીં કઈ રીતે પહોંચી હતી અને તેને શું કરવાની તાલીમ આપવામાં આવી હતી, એ અમે જાણતા ન હતા."

આ વ્હેલની કહાણીઓ પ્રસારમાધ્યમોમાં ચમકી રહી હતી. એ બધાની વચ્ચે નૉર્વેએ બેલુગા પર નજર રાખવાની અને તેની ખાણીપીણીની વ્યવસ્થા કરી હતી. તેને હ્વાલ્દીમીર નામ આપવામાં આવ્યું હતું.

નૉર્વેની ભાષામાં હ્વાલનો અર્થ વ્હેલ થાય છે અને દિમીર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નામ પરથી લેવામાં આવ્યું છે.

નિષ્ણાત શું કહે છે?

ડો. ઓલ્ગા શપાકના જણાવ્યા મુજબ, એંદ્રુહા-હ્વાલ્દીમીરને સૌથી પહેલાં 2013માં પકડવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Oxford Scientific Films

ઇમેજ કૅપ્શન, ડૉ. ઓલ્ગા શપાકના મુજબ ઍંદ્રુહા-હ્વાલ્દિમીરને સૌથી પહેલાં 2013માં પકડવામાં આવી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. ઓલ્ગા શપાક રશિયામાંના તેમનાં સૂત્રોનાં નામ સલામતીના કારણોસર જાહેર કરતાં નથી, પરંતુ દાવો કરે છે કે આ બેલુગા નોર્વેમાં જોવા મળી ત્યારે રશિયામાં સમુદ્રી સ્તનધારી પ્રાણીઓ વિશે કામ કરતા લોકોને ખબર હતી કે એ તેમની જ બેલુગા છે.

તેમણે કહ્યું હતું, "પશુ ચિકિત્સકો અને પ્રશિક્ષકો પાસેથી ખબર મને પડી કે ગુમ થયેલી બેલુગાનું નામ એંદ્રુહા છે."

ડૉ. ઓલ્ગા શપાકના જણાવ્યા મુજબ, એંદ્રુહા-હ્વાલ્દીમીરને સૌથી પહેલાં 2013માં પકડવામાં આવી હતી. તેને રશિયાના દૂરસ્થ વિસ્તાર ઓખોત્સ્ક સમુદ્રમાંથી પકડવામાં આવી હતી.

તેને એક વર્ષ પછી સેન્ટ પીટર્સબર્ગના એક ડોલ્ફિનીરિયમના માલિકી હક્કવાળા એક કેન્દ્રમાંથી રશિયાના આર્કટિક સ્થિત મિલિટરી પ્રોગ્રામ માટે મોકલવામાં આવી હતી, જ્યાં આ બેલુગાના ટ્રેનર તથા ચિકિત્સક સંપર્કમાં રહ્યા હતા.

ડૉ. ઓલ્ગા શપાકે કહ્યું હતું, "તેમણે આ વ્હેલ પર વિશ્વાસ કરીને તેને ખુલ્લા સમુદ્રમાં તાલીમ આપવાનું શરૂ કર્યું ત્યારે એ તેમની ચુંગાલમાંથી નાસી છૂટી હશે, એવું મને લાગે છે."

તેમણે ઉમેર્યું હતું, "એ પ્રોફેશનલ ડોલ્ફિનીરિયમમાં કામ કરતાં સૂત્રો પાસેથી મેં સાંભળ્યું છે કે એંદ્રુહા બહુ સ્માર્ટ હતી. તેથી તાલીમ આપવા માટે તે સારી પસંદગી હતી, પરંતુ એ બહુ ઉપદ્રવી પણ હતી. આ કારણસર, તે નાસી ગઈ ત્યારે એ લોકોને બહુ આશ્ચર્ય થયું ન હતું."

રશિયા શું કહે છે?

બેલુગા વ્હેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હ્વાલ્દિમીર બેલુગા

મુર્માંસ્કમાં રશિયાના નૌકાદળ મથક નજીકના સૅટેલાઇટ ફોટોગ્રાફ્સમાં એ જગ્યા સ્પષ્ટ દેખાય છે, જે કદાચ હ્વાલ્દિમીરનું ઘર હશે. સફેદ વ્હેલ રહેતી હોય તેવી ગુફાઓ પાણીમાં સ્પષ્ટપણે દેખાય છે.

નોર્વેના ઑનલાઇન અખબાર ધ બેરેંટ્સ ઑબ્ઝર્વર સાથે સંકળાયેલા થૉમસ નીલસને કહ્યું હતું, "બેલુગા વ્હેલને સબમરીનો અને જહાજોની બહુ જ નજીક તહેનાત કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે તે કોઈ સલામતી વ્યવસ્થાનો હિસ્સો છે."

હ્વાલ્દિમીરને પોતાના સૈન્યએ તાલીમ આપી હોવાનું રશિયાએ સત્તાવાર રીતે ક્યારેય સ્વીકાર્યું નથી.

સમુદ્રી સ્તનધારીઓને સૈન્ય હેતુઓ માટે તાલીમ આપવાનો રશિયાનો લાંબો ઇતિહાસ છે.

રશિયાના એક રિઝર્વ કર્નલ વિક્ટર બેરેન્ટ્સે 2019માં કહ્યું હતું, "તમને એમ લાગે છે કે અમે આ જીવનો ઉપયોગ જાસૂસી માટે કરતા હોઈએ તો તેના પર અમે એક મોબાઇલ નંબર સાથે લખીએ કે પ્લીઝ, આ નંબર પર કૉલ કરજો?"

કમનસીબે હ્વાલ્દિમીરની અવિશ્વસનીય કહાણીનો અંત સુખદ રહ્યો ન હતો.

આ બેલુગાએ પોતાના ભોજનની વ્યવસ્થા જાતે કરવાનું શીખી લીધું હતું. તે વર્ષો સુધી નોર્વેના દરિયા કિનારાની નજીક દક્ષિણ તરફ તરતી રહી હતી. તે સ્વીડનના દરિયા કિનારા નજીક પણ જોવા મળી હતી.

પછી 2024ની પહેલી સપ્ટેમ્બરે તેનો મૃતદેહ નોર્વેના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર સિરાવિકા શહેર નજીક સમુદ્રમાં તરતો જોવા મળ્યો હતો.

શું વ્લાદિમીર પુતિનના રશિયાની શક્તિ આ બેલુગા સુધી પહોંચી ગઈ હતી?

કદાચ નહીં. આ વ્હેલને ગોળી મારવામાં આવી હોવાનો દાવો અનેક કાર્યકર્તા જૂથોએ કર્યો હતો, પરંતુ નૉર્વેને પોલીસે તેને નકારી કાઢ્યો હતો.

નૉર્વે પોલીસનું કહેવું છે કે કોઈ માનવીય ગતિવિધિ આ વ્હેલના મોતનું સીધું કારણ હોય તેવો કોઈ સંકેત નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે એક લાકડી મોંમાં ફસાઈ જવાને કારણે હ્વાલ્દિમીરનું મોત થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.