ગુજરાતમાંથી ઝડપાઈ વહેલની 'સુગંધી' ઊલટી, કેટલા કરોડમાં સોદો થવાનો હતો

ઇમેજ સ્રોત, Getty Images
નવસારીમાં અંબરગ્રીસના વેપારના રૅકેટનો પર્દાફાશ થયો છે, જેમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને રૂપિયા બે કરોડની કિંમતનું અંદાજે એક કિલો 400 ગ્રામ જેટલું અંબરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે.
અંબરગ્રીસ એ વાસ્તવમાં સ્પર્મ વહેલની ઊલટી હોય છે. ચીનમાં જાતીય ઉત્તેજના માટેની શક્તિવર્ધક દવાઓમાં તથા ઉચ્ચ ગુણવત્તાવાળા અત્તર માટે તેનો ઉપયોગ થાય છે.
આ પહેલાં અમદાવાદમાંથી અંબરગ્રીસની ખેપ પકડાઈ હતી. આ સિવાય મુંબઈ અને ચેન્નાઈમાંથી ઝડપાયેલી ખેપોમાં પણ ગુજરાત કે ગુજરાતીઓનું કનેક્શન બહાર આવ્યું હતું.
નવસારીમાંથી ઝડપાયેલા અંબર ગ્રીસકેસમાં મુખ્ય આરોપી ફરાર છે, જેના કારણે રૅકેટ પરથી સંપૂર્ણપણે પડદો નથી ઊંચકાયો.
નવસારીમાંથી ઝડપાયું અંબરગ્રીસ

ઇમેજ સ્રોત, Navsari Social Forestry
'સ્પર્મ વ્હેલ' એ દંતશૂળ ધરાવતું ધરતી પરનું સૌથી મોટું પ્રાણી છે. તે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની અનુસૂચિ-એક હેઠળ સંરક્ષિત છે, એટલે તેનો શિકાર કરવો, તેનાં અંગ કે અન્ય બનાવટોનો વેપાર કરવો પ્રતિબંધિત છે.
નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જનાં ફૉરેસ્ટ ઑફિસર હિનાબહેન પટેલના કહેવા પ્રમાણે, "નવસારીમાં હાઈવે પરની એક હોટલ પાસે અંબરગ્રીસનો સોદો થવાનો છે, એવી બાતમી મળતા છઠ્ઠી ઑગસ્ટના છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ચાર શખ્સોને અંબરગ્રીસના નમૂના સાથે ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી."
"એ પછી આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ દરમિયાન પૂછપરછ હાથ ધરવામાં આવતાં વલસાડમાંથી વધુ એક કિલો 360 ગ્રામ જેટલું અંબરગ્રીસ મળી આવ્યું હતું. જેનો રૂપિયા બે કરોડમાં સોદો થવાનો હતો."
પટેલના કહેવા પ્રમાણે, "જપ્ત થયેલા અંબરગ્રીસને કોલકાતાસ્થિત જિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા ખાતે મોકલવામાં આવ્યું છે. આ કેસમાં મુખ્ય આરોપી ફરાર છે. તેની ધરપકડ પછી જ અંબરગ્રીસ ક્યાંથી આવ્યું, કોને વેચવાનું હતું, તેનો શું ઉપયોગ થવાનો હતો. આ રૅકેટ ગુજરાત પૂરતું જ મર્યાદિત છે, રાષ્ટ્રીય છે કે આંતરરાષ્ટ્રીય વગેરે જેવી વિગતો બહાર આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં લગભગ 1600 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે, જે દેશમાં સૌથી લાંબો છે. એટલે જ દરિયાઈ જીવનો કે તેનાં અંગોનો વેપાર કરનારાઓની નજર અહીંના કિનારા પર રહે છે. આવા શખ્સો અંબરગ્રીસ પ્રત્યે આકર્ષાતા વિશેષ તાલીમબદ્ધ શ્વાન રાખે છે અને નિર્જન તથા ઓછી અવરજવરવાળા દરિયાકિનારે ફરતા રહે છે.
આ સિવાય ઘણી વખત માછીમારોને તેમના કૅચની સાથે પણ અંબરગ્રીસ મળી આવે છે. દરિયાકિનારેથી વચેટિયાઓ મારફત તે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચે છે.
વહેલની 'સુગંધી' ઊલટી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે કોઈ સ્પર્મ વ્હેલ કટલફિશ, ઑક્ટોપસ કે અન્ય કોઈ દરિયાઈ જીવનો શિકાર કરે, ત્યારે તેમનાં ધારદાર અંગ કે દાંતને વહેલના શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે તેના શરીરના પાચનતંત્રમાં વિશેષ પ્રકારના સ્રાવ ઝરે છે, જે પચવાની ક્રિયાને સરળ બનાવે છે. એટલે જ ઘણી વખત અંબરગ્રીસમાંથી દરિયાઈ પ્રાણીનાં દાંત કે અન્ય ધારદાર અંગ મળી આવે છે.
પાચનક્રિયા બાદ વહેલ માછલી બિનજરૂરી પદાર્થોને મોઢા કે મળ વાટે શરીરમાંથી કાઢીને ફેંકી દે છે, જે દરિયાની સપાટી ઉપર તરે છે. સૂર્યપ્રકાશ અને ખારાશવાળું પાણી મળીને તેને અંબરગ્રીસનું સ્વરૂપ આપે છે.
કિનારા સુધી પહોંચતા મહિનાઓ અને ઘણી વખત વર્ષો નીકળી જાય છે. દરિયામાં સફર દરમિયાન તે અંડાકાર કે ગોળ સ્વરૂપ ધારણ કરે છે. તે ચીકાશ ધરાવતું તેલી, પીળાશ પડતા ભૂરા રંગનું હોવાને કારણે તે અંબરગ્રીસ તરીકે ઓળખાય છે. ઘણી વખત તે કાળા, સફેદ કે ગ્રૅ રંગનું પણ હોય છે.
જાણકારોના કહેવા પ્રમાણે, પહેલાં અંબરગ્રીસની સુગંધ સારી નથી લાગતી, પરંતુ જેમ-જેમ સમય જતો જાય છે અને હવા સાથે ભળે, તેમ તે મીઠી સુગંધ ધારણ કરે છે. આ સિવાય અત્તરની સુગંધ ઝડપથી ઊડી ન જાય, તે માટે તેમાં સ્ટૅબિલાઇઝર તરીકે અંબરગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે.
અંબરગ્રીસને આગ પાસે લઈ જવામાં આવે તો તે સળગી ઊઠે છે. તેના ઉપયોગ માટે આલ્કોહોલ કે ઇથરની જરૂર પડે છે. તે જ્વલ્લે જ જોવા મળતું હોય તેનો ભાવ ખૂબ જ વધારે હોય છે. તેનો ભાવ સોના કરતાં પણ વધારે હોવાથી તેને 'દરિયાઈ સોના' કે 'તરતા સોના' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જેમ જૂનું હોય, એમ તેની કિંમત વધારે હોય છે.
અંબરગ્રીસની આજ અને ગઈ કાલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત જ નહીં, વિશ્વભરમાં સદીઓથી અંબરગ્રીસનો ઉપયોગ સુગંધી દ્રવ્ય તથા દવા તરીકે થતો રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઇબ્ન બતૂતા તથા માર્કોપોલોનાં પ્રવાસવર્ણનોમાં પણ અંબરગ્રીસનો ઉલ્લેખ મળે છે. આયુર્વેદ ઉપરાંત યુનાની દવાઓમાં પણ તેનો પ્રયોગ થાય છે.
લખનૌની ઇન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્મોકલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. બદરુદ્દીનના મતે, "વહેલની ઊલટીનો યુનાની દવાઓમાં સદીઓથી ઉપયોગ થતો રહ્યો છે. મગજ, શરીર, ચેતાતંત્ર તથા જાતીય બીમારીઓને ઠીક કરવા માટે અલગ-અલગ ઔષધીઓ સાથે અંબરગ્રીસનો પણ ઉપયોગ થાય છે."
"યુનાની દવા 'માજૂને મુનસિક મૂકવી'માં ખાંડની ચાસણી તથા અન્ય ઔષધીઓ સાથે અંબરગ્રીસનો ઉપયોગ થાય છે. પેસ્ટ સ્વરૂપની આ દવા પુરુષમાં કામોત્તેજનાની વૃદ્ધિ કરે છે. આ સિવાય 'હબે નિશાંત' દવામાં પણ તેનો ઉપયોગ થાય છે."
"અનેક માન્યતાપ્રાપ્ત ફાર્મસી દ્વારા તેનો ઉપયોગ થાય છે અને તે બજારમાં તથા ઑનલાઇન પણ મળી રહે છે."
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઍમ્બ્રૉક્સાન તથા ઍમ્બ્રિન જેવા કૃત્રિમ વિકલ્પ પણ ઉપલબ્ધ બન્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













