ધરતીની નજીક આવેલો લઘુગ્રહ હવે ક્યાં ટકરાશે, અથડાય તો કેવો વિનાશ થઈ શકે?

એસ્ટેરોઈડ, લઘુગ્રહ, અવકાશી સંશોધન, સ્પેસ, અંતરિક્ષ, ખગોળીય ઘટના, નાસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જ્યોર્જીના રેનાર્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ

2024 YR4 તરીકે ઓળખાતો એક મોટો એસ્ટરોઇડ (લઘુગ્રહ) આ અઠવાડિયે સમાચારોમાં ચમક્યો છે. આ વૈજ્ઞાનિકોએ આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાય તેની શક્યતા વધારી હતી પરંતુ પછીથી તેને ઘટાડી પણ દીધી હતી.

હાલના અંદાજ મુજબ આ પદાર્થ 2032માં પૃથ્વી સાથે ટકરાવાની 0.28% શક્યતા ધરાવે છે. જે આ અઠવાડિયાની શરૂઆતની 3.1% શક્યતા કરતાં ઘણી ઓછી છે.

વૈજ્ઞાનિકો કહે છે કે હવે તે ચંદ્ર સાથે અથડાય તેવી શક્યતા વધુ છે. નાસાએ આવું થવાની સંભાવના 1% હોવાનો અંદાજ લગાવ્યો છે.

પરંતુ 2024માં બે મહિના પહેલા ચિલીના રણમાં ટેલિસ્કૉપ દ્વારા YR4ને પહેલી વાર જોવામાં આવ્યો ત્યારથી બીજા દસેક અન્ય પદાર્થો પૃથ્વીની ચંદ્ર કરતાં પણ વધારે નજીકથી પસાર થયા છે. આ બાબત ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ લગભગ ચૂકી ગયા હોઈએ એવું લાગે છે.

એવું શક્ય છે કે ખૂબ નાના પદાર્થો કે એસ્ટરોઇડ પૃથ્વીને ટક્કર મારી હોય અથવા તો વાતાવરણમાં જ બળીને ખાખ થઈ ગયા હોય. જેથી તેના પર કોઈનું ધ્યાન ગયું ન હોય.

આ એ એસ્ટરોઇડ્સની વાર્તા છે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નથી. આ ઊડતા ઊડતા આવ્યા, ટકરાયા કે ચૂકી ગયા.

આમાંના મોટા ભાગના નુકસાનકારક નથી. પરંતુ આમાના કેટલાક બ્રહ્માંડનાં રહસ્યો ખોલવા માટેના સૌથી મૂલ્યવાન સંકેતો આપે છે. એવી માહિતી જે આપણે હંમેશાં મેળવવા માટે આતુર હોઇએ છીએ.

એસ્ટરોઇડ્સ શું છે?

એસ્ટેરોઈડ, લઘુગ્રહ, અવકાશી સંશોધન, સ્પેસ, અંતરિક્ષ, ખગોળીય ઘટના, નાસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Drs. Bill and Eileen Ryan, Magdalena Ridge Observatory 2.4m Telescope, New Mexico Tech

એસ્ટરોઇડ્સ જેને ક્યારેક નાના ગ્રહો પણ કહેવામાં આવે છે તે લગભગ 4.6 અબજ વર્ષ પહેલાં આપણા સૌરમંડળની રચના સમયે વધેલા ખડકાળ ટુકડાઓ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આવા ખડકો નિયમિતપણે પૃથ્વીની નજીક ભ્રમણ કરે છે. જે અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થાય છે.

માનવ ઇતિહાસના મોટા ભાગના સમયગાળા દરમિયાન એ જાણવું અશક્ય રહ્યું છે કે આપણી કેટલી નજીકથી એક મોટો લઘુગ્રહ પસાર થયો છે કે ટકરાતા ચૂકી ગયો છે.

ન્યૂ મૅક્સિકો યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક બોસ્લો સમજાવે છે કે પૃથ્વીની આસપાસના કે નજીકના પદાર્થોનું ગંભીરતાથી નિરીક્ષણ 20મી સદીના અંતમાં જ શરૂ થયું હતું. "આ પહેલાં આપણે તેમથી ખુશી ખુશી અજાણ રહેતા," એમ તેઓ કહે છે.

આપણે હવે જાણીએ છીએ કે 40 મીટર કે તેથી વધુ પહોળા મોટા પદાર્થો વર્ષમાં ઘણી વખત પૃથ્વી અને ચંદ્ર વચ્ચેથી પસાર થાય છે. આ એ જ કદનો એસ્ટરોઇડ છે જે 1908માં સાઇબીરિયામાં જઈને ટકરાયો હતો. જેમાં 200 ચોરસ માઈલથી વધુ વિસ્તારમાં ફેલાયેલા લોકોને ઈજા પહોંચી હતી અને ઇમારતોને નુકસાન થયું હતું.

સૌથી ગંભીર અને YR4 સાથે સૌથી નજીકની સરખામણી એપોફિસ નામનો એક એસ્ટરોઇડ સાથે કરી શકાય. જે સૌપ્રથમ 2004માં જોવા મળ્યો હતો અને તેનો વ્યાસ 375 મીટર અથવા ક્રૂઝ જહાજ જેટલો હતો.

ફ્રેન્ચ નૅશનલ સેન્ટર ફૉર સાયન્ટિફિક રિસર્ચ (CNRS)ના પ્રોફેસર પેટ્રિક મિશેલે એપોફિસને ટ્રેક કર્યો અને યાદ કર્યું કે તેને અત્યાર સુધી શોધાયેલા સૌથી ખતરનાક એસ્ટરોઇડ માનવામાં આવતો હતો.

તે પૃથ્વી સાથે અથડાશે નહીં તે સમજવાનાં પૂરતાં અવલોકનો મેળવતા 2013 સુધીનો સમય લાગ્યો હતો.

જો અથડાય તો કેટલું નુકસાન કરી શકે?

એસ્ટેરોઈડ, લઘુગ્રહ, અવકાશી સંશોધન, સ્પેસ, અંતરિક્ષ, ખગોળીય ઘટના, નાસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૅરિન્જર ક્રેટર, એરિઝોનામાં એસ્ટેરોઈડ પડવાથી 50 હજાર વર્ષ પહેલાં પડેલો ખાડો

પરંતુ તેઓ કહે છે કે YR4 સાથેની સરખામણીમાં એક મોટો તફાવત હતો. "અમને કંઈ ખબર નહોતી કે શું કરવું. અમે આને શોધી કાઢ્યો હતો અને તેની અસરની સંભાવના પણ નક્કી કરી. અને પછી વિચાર્યું કે આપણે કોને બોલાવીએ, કોને કહીએ?"

તેમણે ઉમેર્યું કે વૈજ્ઞાનિકો અને સરકારોને ખબર જ નહોતી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી.

જો કોઈ મોટો એસ્ટરોઇડ એવા વિસ્તારમાં અથડાશે જ્યાં માનવજાત રહે છેતો તે વિનાશક બની શકે છે.

YR4 હજુ સુધી બરાબર કેટલો મોટો છે તે આપણે જાણી શકતા નથી. જો આપણે અંદાજની ટોચ પર જઈએ તો તે લગભગ 90 મીટર પહોળો હોઈ શકે. અને આટલો મોટો હોય તો તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે તૂટી જવાને બદલે નોંધપાત્ર રીતે અકબંધ રહેશે.

"પૃથ્વીના વાતાવરણમાં બચી ગયેલો આ એસ્ટરોઇડ એક વિશાળ ખાડાનું નિર્માણ કરી શકે. જેનાથી નજીકનાં બધાં માળખાં નાશ પામવાની શક્યતા રહે છે. અને સ્થાનિક પ્રદેશ (12 કિલોમીટર)માં રહેતા લોકોને ગંભીર ઈજા થવાનું જોખમ રહેશે," લોરેન્સ લિવરમોર નૅશનલ લૅબોરેટરીના પ્રોફેસર કેથરીન કુનામોટો સમજાવે છે.

તેઓ વધુમાં કહે છે કે કેટલાક લોકો મરી પણ શકે છે.

પરંતુ એપોફિસની ઘટના પછી ગ્રહ સંરક્ષણ તરીકે ઓળખાતી આવી બાબતમાં ઘણી પ્રગતિ થઈ છે.

પ્રોફેસર મિશેલ આંતરરાષ્ટ્રીય અવકાશ મિશન આયોજન સલાહકાર જૂથનો ભાગ છે.

તેના પ્રતિનિધિઓ સરકારોને એસ્ટરોઇડના ખતરાનો સામનો કેવી રીતે કરવો અને સીધા હિટ માટે રિહર્સલ કસરતો કેવી રીતે કરવી તે અંગે સલાહ આપે છે. હમણાં આવી જ એક કવાયત ચાલી રહી છે.

જો એસ્ટરોઇડ કોઈ શહેર કે નગર તરફ આગળ વધી રહ્યો હોય તો ડૉ. બોસ્લો કહે છે કે મોટા વાવાઝોડા માટે કરવામાં આવેલી તૈયારીઓ જેવા પ્રતિભાવની તુલના કરે છે. જેમાં સ્થળાંતર અને માળખાગત સુવિધાઓના રક્ષણ માટેના પગલાનો સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિકો કેમ ઉત્સાહિત છે?

YR4 વિશે શું કરવું તે નક્કી કરવા માટે સ્પેસ મિશન પ્લાનિંગ ઍડવાઇઝરી ગ્રૂપ એપ્રિલમાં ફરી એક વાર મળશે.

ત્યાં સુધીમાં મોટા ભાગના વૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે કે જોખમ લગભગ સંપૂર્ણપણે દૂર થઈ ગયું હશે, કારણ કે તેમના માર્ગની ગણતરીઓ વધુ સચોટ બની ગઈ છે.

કુમામોટો કહે છે તેમ, આપણી પાસે તેના પર "પ્રહાર" કરવા સિવાય પણ ઘણા વિકલ્પો છે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ખતરનાક એસ્ટરોઇડ્સને તેમના માર્ગથી દૂર ખસેડવા માટે ટેકનોલૉજી વિકસાવી છે.

નાસાના ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART)એ એક અવકાશયાનને સફળતાપૂર્વક એસ્ટરોઇડ ડિમોર્ફોસ સાથે અથડાવીને તેનો માર્ગ બદલી નાખ્યો.

જોકે YR4 શેનાથી બનેલો છે તે અંગે અનિશ્ચિતતા છે. અને આ કારણે તેનો માર્ગ સફળતાપૂર્વક વાળી શકાશે કે નહીં તે અંગે વૈજ્ઞાનિકોને શંકા છે.

અને પૃથ્વી સાથે અથડાતા એસ્ટરોઇડ્સનું શું? વૈજ્ઞાનિકો માટે એક વિચિત્ર સત્ય એ છે કે માનવજાતથી દૂર જ્યાં કોઈ ના રહેતું હોય તેવી જમીન પર તે સીધો ટકરાય એ આદર્શ પરિસ્થિતિ છે.

તે તેમને આપણા સૌરમંડળમાં દૂરના પદાર્થોના વાસ્તવિક ટુકડાઓ તેમજ પૃથ્વીના પ્રભાવ ઇતિહાસની સમજ આપે છે.

એન્ટાર્કટિકામાં લગભગ 50,000 એસ્ટરોઇડ મળી આવ્યા છે. સૌથી પ્રખ્યાત જેને ALH 84001 કહેવામાં આવે છે તે મંગળ પર ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. તેમાં ગ્રહના ઇતિહાસ વિશેના મહત્ત્વપૂર્ણ પુરાવા ધરાવતા ખનિજો છે. જે સૂચવે છે કે ત્યાં હૂંફાળું વાતાવરણ હતું અને અબજો વર્ષો પહેલાં તેની સપાટી પર પાણી હતું.

2023માં વૈજ્ઞાનિકોએ 33 પોલીહિમ્નિયા નામનો એક એસ્ટરોઇડ શોધી કાઢ્યો છે. જે પૃથ્વી પર જોવા મળતા કોઈ પણ પદાર્થ કરતાં વધુ ઘનતા ધરાવતો હોઈ શકે છે.

એસ્ટેરોઈડ, લઘુગ્રહ, અવકાશી સંશોધન, સ્પેસ, અંતરિક્ષ, ખગોળીય ઘટના, નાસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ અતિભારે પદાર્થ આપણા ગ્રહ માટે સંપૂર્ણપણે નવો હશે. 33 પોલીહિમ્નિયા ઓછામાં ઓછા 17 કરોડ કિલોમીટર દૂર છે. પરંતુ તે વિજ્ઞાનની આપણી સમજણ માટે એસ્ટરોઇડ્સ કેટલા અગત્યના છે તેની સંભાવનાનો સંકેત આપે છે.

હવે જ્યારે YR4 ચંદ્ર સાથે ટકરાય તેવી શક્યતાઓ વધી ગઈ છે ત્યારે કેટલાક વૈજ્ઞાનિકો આ અંગે ખૂબ ઉત્સાહિત છે.

આની અસર એક એવા પ્રશ્નોનનો સાચો અને વાસ્તવિક જવાબ આપી શકે એમ છે જે તેઓ ફક્ત કમ્પ્યુટરનો ઉપયોગ કરીને જ મેળવતા રહ્યા છે.

"વાસ્તવિક ઉદાહરણનો એક ડેટા પૉઇન્ટ હોવો એ ખૂબ ઉપયોગી ઘટના છે," એમ ઇમ્પિરિયલ કૉલેજ લંડનના પ્રોફેસર ગેરેથ કોલિન્સ કહે છે.

"જ્યારે એસ્ટરોઇડ અથડાશે ત્યારે કેટલી સામગ્રી બહાર નીકળે છે? તે કેટલી ઝડપથી જાય છે? તે કેટલી દૂર જાય છે?" તેઓ પૂછે છે.

તે તેમને પૃથ્વી પર એસ્ટરોઇડની અસરો વિશે જે દૃશ્યો મૉડલ કર્યાં છે તેનું પરીક્ષણ કરવામાં મદદ કરશે. આનાથી એસ્ટરોઇડને લઈને વધુ સારી અને સચોટ આગાહીઓ થઈ શકશે.

YR4એ આપણને યાદ અપાવ્યું છે કે આપણે એક એવા ગ્રહ પર રહીએ છીએ જે સૌરમંડળ - ખડકોથી ભરેલી વસ્તુ - સાથેની અથડામણ કે ટકરાવ માટે સંવેદનશીલ છે.

વૈજ્ઞાનિકો વધુ પડતા આત્મવિશ્વાસ સામે ચેતવણી આપે છે. તેઓ કહે છે કે ક્યારેક ને ક્યારેક જો કોઈ મોટો એસ્ટરોઇડ પૃથ્વી પર માનવ જીવનને જોખમમાં મૂકી શકે છે. આ વાત સાવ ના બને તેવી નથી. જોકે મોટા ભાગના લોકો અપેક્ષા રાખે છે કે આવું આવનારા દાયકાઓ કરતાં આગામી સદીઓમાં થાય તેવી શક્યતા છે.

આ સમયગાળા દરમિયાન સ્પેસનું નિરીક્ષણ કરવાની આપણી ક્ષમતામાં સતત સુધારો થઈ રહ્યો હશે. આ વર્ષના અંતમાં ચિલીમાં વેરા રુબિન ઑબ્ઝર્વેટરીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ કૅમેરા કામ કરવાનું શરૂ કરશે. જે રાત્રિના આકાશની ઝીણામાં ઝીણી વિગતો કેદ કરવામાં સક્ષમ છે.

અને આપણને વધુને વધુ એસ્ટરોઇડ પૃથ્વીની આસપાસ કે નજીક ફરતા જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.