ગુજરાત બજેટ 2025 : આ વખતના બજેટમાં તમારા માટે શું છે ખાસ, જાણો ચાર મહત્ત્વની જાહેરાત

ઇમેજ સ્રોત, @KanuDesai180
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું રૂપિયા 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં તેમણે શહેરી વિકાસ અને મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ પર ખાસ ભાર મૂક્યો છે.
બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે પણ કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતે નાણાકીય શિસ્તનું પાલન કર્યું છે અને નીતિ આયોગના 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં એચિવર્સનો દરજ્જો મેળવ્યો છે.
તેમણે કહ્યું કે ગુજરાત એ દેશમાં જમીનનો માત્ર 6 ટકા અને વસતીનો 5 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ દેશના કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.3 ટકા છે તથા 2030 સુધીમાં તેને વધારીને 10 ટકાથી ઉપર લઈ જવાની યોજના છે.

દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18 ટકા છે અને દેશની 41 ટકા નિકાસ ગુજરાતનાં બંદરો પરથી થાય છે.
આ વખતના બજેટમાં પણ હંમેશની જેમ મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે કેટલીક યોજનાઓ જાહેર થઈ છે જેની અહીં માહિતી આપેલી છે.



ઇમેજ સ્રોત, Getty Images
- મહિલાઓ માટે નવી 'સખી સાહસ' યોજનાની જાહેરાત. સાધન સહાય, લોન ગૅરંટી અને તાલીમ માટે 100 કરોડની ફાળવણી
- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હૉસ્ટેલ બનાવાશે
- મહિલાઓને 'નમો ડ્રોન દીદી યોજના' હેઠળ ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ
- 'લખપતિ દીદી યોજના'ને પ્રોત્સાહન આપવા તાલીમ તથા સ્વ-રોજગાર શરૂ કરવા વ્યાજમુક્ત લોન મળશે
- પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અને પીએનજી-એલપીજી સહાય યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ
- મહિલાઓના સ્વસહાય જૂથ થકી આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 401 કરોડની જોગવાઈ
રાજકોટ : મૅટરનિટી હૉસ્પિટલમાં મહિલાના ચેકઅપના વીડિયો વાઇરલ મુદ્દે બે શખ્સોની ધરપકડ, શું સમગ્ર મામલો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે 'કિસાન સૂર્યોદય યોજના'નો અમલ. તેમાં રાજ્યના 97 ટકા ગામડાઓમાં દિવસ દરમિયાન વીજ સપ્લાય મળશે. બજેટમાં 2175 કરોડની ફાળવણી કરાી છે.
સરદાર સરોવર યોજનાની 18 લાખ હૅક્ટર સિંચાઈ ક્ષમતા સામે 17.22 લાખ હૅક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે. નહેરોના નેટવર્કનાં કામો ચાલુ છે.
કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી જેનો ગુજરાત પણ અમલ કરેશે. તેમાં 4 ટકા વ્યાજ રાહત આપવા 1252 કરોડની જોગવાઈ કરાઈ છે.
તેમજ પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ આપવા 400 કરોડથી વધુની જોગવાઈ છે.
ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાય વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.
ખેતઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય કરવા 1612 કરોડની જોગવાઈ છે.
પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા ખેતર ફરતે ફેન્સિંગ કરવા 500 કરોડની જોગવાઈની જાહેરાત કરાઈ છે.
- એગ્રો પ્રોસેસિંગ ઍન્ડ ઍક્સપૉર્ટ પ્રમોશન માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ
- મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે 1622 કરોડની જોગવાઈ
- માછીમારી માટે માળખાકીય સુવિધાઓ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર
- ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તો બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે
- ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે ધરમપુર ખાતે સુવિધાઓ સ્થપાશે


ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં લગભગ 36 ટકા વસતી યુવાન છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અપાય છે. વિવિધ શિષ્યવૃત્તિઓ માટે રૂપિયા 4827 કરોડની જોગવાઈ કરાઈ છે.
યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 10 જિલ્લામાં કુલ 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બંધાશે. લગભગ 13 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે.
અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પૉર્ટ્સ ઍન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પૉર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઈઆઈટીને અપગ્રેડ કરવા 450 કરોડની જોગવાઈ જેથી તાલીમાર્થીઓને ઉદ્યોગોની માગ પ્રમાણે તાલીમ મળી શકે.
અમદાવાદની એલડી ઇજનેરી કૉલેજ અને બીજી છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લૅબ સ્થપાશે.
સર્વિસ ક્ષેત્રે રોજગારીનું નિર્માણ કરવા "ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ"(GCC) નીતિ અમલમાં મૂકી છે. 50 હજાર રોજગારી પેદા થવાનો દાવો.
MSMEને પ્રોત્સાહન અને નવી ટેક્સટાઇલ નીતિ, મૅન્યુફૅક્ચરિંગ પાર્ક વગેરેથી પાંચ લાખથી વધુ રોજગારી પેદા થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીના 150મા વર્ષને "જનજાતીય ગૌરવ વર્ષ" તરીકે ઊજવાશે. આદિજાતિના વિકાસ માટે ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના માટે 37.5 ટકાના વધારા સાથે 1100 કરોડની ફાળવણી કરાશે.
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે માટે "શ્રમિક અન્નપૂર્ણા યોજના" હેઠળ 290 કેન્દ્રો કાર્યરત્ છે. જરૂરિયાત પ્રમાણે ઔદ્યોગિક વિસ્તારમાં વ્યાપ વધારાશે.
શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણ મળે તે માટે "મુખ્ય મંત્રી શ્રમિક બસેરા યોજના" માટે 200 કરોડની જોગવાઈ છે.
આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાતવર્ગના યુવાનોને સ્વ-રોજગારી માટે વ્યાજ સબસિડીની જાહેરાત. 10 લાખ રૂપિયાથી ઉપરની લોન માટે મહિલા લાભાર્થીઓને સાત ટકા, પુરુષ લાભાર્થીઓને 6 ટકા વ્યાજ સહાયનો લાભ મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












