સોનાનો ભાવ આટલા દિવસો બાદ 1 લાખ રૂપિયા થઈ જશે, હાલ ખરીદવું કે રાહ જોવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં લગ્ન કે કોઈ અન્ય પ્રસંગોએ સોનું ખરીદવાનું ચલણ મોટા પાયે જોવા મળતું હોય છે. સોનાના ભાવમાં નિરંતર તેજી છે અને દુનિયાભરનાં શૅરબજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી ડૉલર સતત મજબૂત બનતો જાય છે. એવામાં સોનાને અનિશ્ચિતતા સામેનું સૌથી અસરકારક હથિયાર ગણવામાં આવે છે અને હાલના સમયમાં સોનાએ આ વાત સાબિત પણ કરી છે.
ગયા વર્ષથી સોનામાં તેજી શરૂ થઈ તે 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ ચાલુ છે. લગભગ દોઢ મહિનાની અંદર ગોલ્ડનો ભાવ 10 ગ્રામ દીઠ 8600 રૂપિયા જેટલો વધી ગયો છે. એટલે કે ગોલ્ડે 11 ટકા વળતર આપ્યું છે.
તેની તુલનામાં સેન્સેક્સમાં પહેલી જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે.
સોનાના ભાવમાં વધારા માટે ટ્રમ્પના ટેરિફ વૉર ઉપરાંત એક કારણ એ છે કે ઢગલાબંધ સોનું લંડનથી અમેરિકા તરફ જઈ રહ્યું છે અને સોનાની કૃત્રિમ અછત પેદા થઈ છે.
સોનાનો ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટાં અર્થતંત્રો સામે ટેરિફ વૉરની જાહેરાત કરી તેની સાથે જ સોનામાં ઉછાળો જોવા મળ્યો છે. 11 ફેબ્રુઆરીએ ભારતમાં સોનાનો ભાવ 86,360 રૂપિયાની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
એટલે કે સોનું એક લાખ રૂપિયાની સપાટીથી બહુ દૂર નથી. એક લાખ રૂપિયાના લેવલ પર પહોંચવા સોનામાં 10 ગ્રામે 14,000 રૂપિયા એટલે કે 16 ટકાનો વધારો જરૂરી છે. શું આગામી દિવસોમાં સોનું એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે કે પછી તેમાં ઘટાડો આવશે તે એક સવાલ છે.
વર્ષ 2024 દરમિયાન સોનાના ભાવમાં 27 ટકાનો વધારો થયો હતો અને 2025માં સોનું અત્યાર સુધીમાં 11 ટકા વધી ગયું છે. પરંતુ તેની ચાલનો મોટા ભાગનો આધાર ટ્રમ્પના ટ્રેડ વૉર, દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો દ્વારા ગોલ્ડની ખરીદી અને જિયોપૉલિટિકલ તણાવ પર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મધ્યપૂર્વમાં હજુ શાંતિ સ્થપાઈ છે એવું ન કહી શકાય અને રશિયા-યુક્રેન યુદ્ધ પણ ચાલુ જ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક એવી જાહેરાતો કરી છે જેના કારણે બજારોમાં ચિંતા છે અને સોનું વધી રહ્યું છે. સૌથી પહેલાં તેમણે કૅનેડા, ચીન, મૅક્સિકો પર ઊંચા ટેરિફ ઝીંકવાની વાત કરી હતી.
ત્યાર પછી તેમણે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર 25 ટકાના દરે ટેરિફ નાખવાનું એલાન કર્યું છે. આના કારણે દુનિયાનાં મોટાં અર્થતંત્રો ટ્રેડ વૉરમાં અટવાય તેવા સંકેત છે.
કૅનેડાના માલ પર પહેલેથી ટેરિફ છે તેથી રૉયટર્સના અહેવાલ મુજબ માર્ચ મહિનાથી કુલ ટેરિફ વધીને 50 ટકા સુધી જઈ શકે છે.
જોકે, એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાએ ઇકૉનૉમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે આગામી થોડા મહિનામાં કદાચ સોનામાં એક લાખ રૂપિયાની સપાટી જોવા નહીં મળે.
કેડિયા ઍડવાઇઝરીના એમડી અને ડાયરેક્ટર અજય કેડિયાએ બિઝનેસ ટૂડેને જણાવ્યા મુજબ "આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 3000 ડૉલર પ્રતિ ઔંસને પાર કરી શકે જે હાલમાં 2886 ડૉલર છે."
ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતીય બજારમાં સોનાનો ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે.
સોનાના ભાવમાં વધારો થવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પેરાડાઇમ કૉમૉડિટી ઍડવાઇઝર્સના સ્થાપક બીરેન વકીલે જણાવ્યું કે, "ગોલ્ડના ભાવમાં સતત વધારાનું એકમાત્ર કારણ ભય અને અનિશ્ચિતતા છે."
તેમણે કહ્યું કે, "દુનિયામાં પહેલેથી બે યુદ્ધ ચાલુ છે તેવામાં તાઇવાન વૉરનો ખતરો પણ પેદા થયો છે. જ્યાં સુધી ખતરો હોય ત્યાં સુધી સોનું વધે છે અને શાંતિ સ્થપાય તો સોનું ઘટી જાય છે."
બીરેન વકીલે કહ્યું કે, "સોનામાં કોઈ વ્યાજ નથી મળતું, સોનું ડિવિડન્ડ નથી આપતું અને કોઈ બૉનસ પણ મળતું નથી. છતાં તેનો ભાવ વધે છે, કારણ કે દુનિયામાં કોઈને કોઈ ભય પેદા થતો હોય છે."
"છેલ્લાં પાંચ વર્ષથી આ સ્થિતિ છે. અગાઉ કોરોનાના કારણે ભય હતો, ત્યાર પછી ફુગાવો, યુદ્ધ વગેરે આવ્યા અને હવે ટેરિફ વૉરના કારણે સોનું વધી રહ્યું છે."
કૉમૉડિટી ઍક્સપર્ટ બીરેન વકીલના કહેવા પ્રમાણે હાલમાં ટેરિફ વધારે હોવાના કારણે યુકેથી પુષ્કળ સોનું અમેરિકા જઈ રહ્યું છે જેને આર્બિટ્રેજ કહેવાય. આ કારણથી લંડનમાં ગોલ્ડની અછત પેદા થઈ છે અને પ્રોફિટ માટે સોનું અમેરિકા ખસેડાઈ રહ્યું છે.
શું અમેરિકાને કારણે ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા એક મહિનાથી લંડનમાં સોનાની અછત પેદા થઈ છે અને ટ્રેડર્સ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડમાંથી સોનાના બાર ઉપાડીને અમેરિકા પહોંચાડી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભવિષ્યમાં ગોલ્ડની આયાત પર ટેરિફ નાખશે તેવા ભયના કારણે પહેલેથી જ સોનું અમેરિકા તરફ જઈ રહ્યું છે.
રૉઇટર્સના અહેવાલ પ્રમાણે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડમાંથી ટ્રેડરોએ સોનું ઉપાડવું હોય તો તેના માટે વેઈટિંગ પિરિયડ વધીને બે મહિના જેટલો થઈ ગયો છે જે એક રેકૉર્ડ છે. અગાઉ થોડા દિવસોની અંદર ગોલ્ડ ઉપાડી શકાતું હતું.
ન્યૂ યૉર્કમાં ગોલ્ડનો જથ્થો હાલમાં વિક્રમી ટોચ પર પહોંચી ગયો છે. છેલ્લે કોરોના વખતે આટલું બધું સોનું અમેરિકામાં ઠલવાયું હતું.
ફોર્ચ્યુનના અહેવાલ મુજબ ન્યૂ યૉર્કમાં 82 અબજ ડૉલર કરતાં વધુ ગોલ્ડનો જથ્થો એકઠો થયો છે જે સોનાના ભાવમાં તેજીનું એક કારણ છે. નવેમ્બર 2024માં ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી ન્યૂ યૉર્કમાં કૉમૉડિટી ઍક્સચેન્જ પર ટ્રેડરોએ 393 ટન સોનું ખરીદ્યું છે.
બીરેન વકીલ માને છે કે, "અત્યારે ગોલ્ડના ભાવ પર માત્ર એક રિંગ માસ્ટર કામ કરે છે અને તે છે ડોનાલ્ડ ટ્રમ્પ. તેઓ ધારે તો શાંતિ સ્થાપીને સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50,000 સુધી પણ લઈ જઈ શકે અને ધારે તો હાલના સ્તર પરથી ડબલ પણ કરી શકે છે."
અત્યારે સોનું ખરીદવું જોઈએ કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ)ના ડાયરેક્ટર હરેશ આચાર્યે બીબીસીને જણાવ્યું કે, "લંડનમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડથી મોટા પાયે સોનું અમેરિકા જઈ રહ્યું છે. અગાઉ 400 ટન અને હવે વધુ 600 ટન સોનાનો સ્ટોક કરવામાં આવ્યો છે. તેના પરથી લાગે છે કે અમેરિકા કદાચ ગોલ્ડની સામે વધુ ડૉલર છાપશે."
હરેશ આચાર્યે કહ્યું કે "હજુ તો કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યાં જ સોનું વધી ગયું છે. જો ગોલ્ડની સામે ડૉલરનું પ્રિન્ટિંગ વધારવાની કોઈ જાહેરાત થાય તો સોનું અહીંથી હજુ 200 ડૉલર પ્રતિ ઔંસ સુધી વધી શકે. એટલે કે આગામી મહિનાઓમાં ભારતમાં એક લાખ રૂપિયાનો ભાવ આવી શકે છે."
ભારતમાં આ ભાવે સોનાની ખરીદી થાય છે કે નહીં તેવા સવાલના જવાબમાં આચાર્યે કહ્યું કે ભારત પરંપરાગત રીતે સોનાનો ખરીદદાર દેશ છે તેથી દર વર્ષે 800 ટનની આસપાસ આયાત થાય જ છે.
આ ઉપરાંત ઇન્ટરનૅશનલ ભાવની તુલનામાં ભારતમાં સોનું હજુ 20થી 25 ડૉલર ડિસ્કાઉન્ટ પર ચાલે છે. ઘણા લોકોએ 75થી 78 હજારના ભાવે ગયા વર્ષે સોનું ખરીદ્યું હોય તેઓ વેચી પણ રહ્યા છે.
આઈબીજેએના ડાયરેક્ટર હરેશ આચાર્ય માને છે કે ટ્રમ્પના આગમન પછી બધા યુદ્ધ બંધ થશે તેવી આશા હતી, પરંતુ એવું કંઈ થયું નથી.
આગામી દિવસોમાં ટેરિફ વૉર બંધ થાય અને યુક્રેન-રશિયા તથા ઇઝરાયલ-ગાઝા મામલે શાંતિ સ્થપાય તો સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ આવી શકે છે. તેથી ગોલ્ડના ભાવ માટે હજુ અનિશ્ચિતતા રહેવાની છે.
ભારતમાં સોનાના ભાવનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
સોનું એ ભારતીયોને હંમેશાંથી આકર્ષિત કરનાર કૉમૉડિટી છે અને સોનાની સૌથી વધુ આયાત કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.
વર્ષ 2024માં ભારતે 712 ટન સોનાની આયાત કરી હતી. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા એ ગોલ્ડની સૌથી મોટી ખરીદદાર રહી છે.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે 2024માં વેલ્યૂની દૃષ્ટિએ ભારતમાં સોનાની માગ 31 ટકા વધીને 5.15 લાખ કરોડને વટાવી ગઈ હતી જ્યારે 2023માં 3.92 લાખ કરોડના સોનાની માગ નોંધાઈ હતી.
ફોર્ચ્યુન મૅગેઝિનના અહેવાલ મુજબ વર્ષ 2000માં ભારતમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાનો સરેરાશ ભાવ 4400 રૂપિયા હતો, જે 2005માં 7638 રૂપિયા, વર્ષ 2010માં 20,728 અને 2015માં 24,900 રૂપિયા થયો હતો.
2020માં સોનાનો ભાવ પહેલી વખત 50,000 પ્રતિ 10 ગ્રામ વટાવી ગયો હતો. ત્યાર પછી 2022માં સોનાનો ભાવ 55,000, 2023માં 63,000 અને 2024માં 78 હજાર રૂપિયાની સપાટી વટાવી ગયો હતો જે 2025ના ફેબ્રુઆરીમાં 86,000ની પાર જઈ આવ્યો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ 2025માં ભારતમાં 700થી 800 ટન સોનાની ખપત થાય તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












