સોનું નકલી હોય કે અસલી એ કેવી રીતે ખબર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
'જૂનું એટલું સોનું', 'સોનામાં સુગંધ ભળવી', 'સોનાનો સૂરજ ઊગવો', 'સોનાની થાળીમાં લોઢાની મેખ' જેવા અનેક રૂઢિપ્રયોગો ગુજરાતી ભાષામાં રહેલા છે, જે દર્શાવે છે કે સોનું આપણા જીવન સાથે કેટલું જોડાયેલું છે.
સોનાના ભાવમાં પણ હાલમાં નિરંતર તેજી છે અને દુનિયાભરનાં શૅરબજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
કેટલાક વિશ્લેષકો એવો અંદાજ પણ માંડી રહ્યા છે કે સોનાના ભાવમાં વધારો થઈને એક લાખ સુધી પહોંચી શકે છે.
પરંતુ સોનામાં ભાવવધારા સાથે જ હલકી ગુણવત્તા પણ કાયમ મોટો પ્રશ્ન રહેતો હોય છે. સોનું ખરીદતી વખતે સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો ડર રહેલો હોય છે કે તેઓ જે સોનું ખરીદી રહ્યા છે એ શુદ્ધ તો હશે ને?
સામાન્ય રીતે સોનાની ડિજિટસ શુદ્ધતાને મશીનથી માત્ર એક મિનિટમાં પ્રમાણિત કરી શકાય છે. જોકે, લૅબોરેટરીમાં આ શુદ્ધતાના માપન માટે ચાર મિનિટ લાગે છે.
બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓ કહે છે કે આ ટેસ્ટ કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે.
પરંતુ સોનું ખરીદતી દરેક વ્યક્તિ આ ટેસ્ટ કરાવે તેવું વ્યાવહારિક રીતે શક્ય નથી. આથી સોનું શુદ્ધ છે એ તમે કેવી રીતે જાણી શકો? સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
હૉલમાર્ક છે એટલે સોનું શુદ્ધ છે એવું માની લેવાય?

ઇમેજ સ્રોત, BIS
બજારમાં ઉપલબ્ધ સોનું એ 22 કૅરેટ ગોલ્ડ કહેવાય છે. બીઆઈએસના નિયમો પ્રમાણે તેમાં હૉલમાર્ક હોવો જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉલમાર્કમાં બીઆઈએસનો લોગો, 22K916 અને હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) લખેલો હોવો જરૂરી છે.
સોનાની દરેક આઇટમમાં આ ત્રણ વસ્તુ લખેલી હોવી જરૂરી છે.
બીઆઈએસ હૈદરાબાદના ડાયરેક્ટર પી.વી. શ્રીકાંતે બીબીસીને જણાવ્યા અનુસાર આ ત્રણ માર્કિંગ વિનાનું સોનું વેચવું એ કાયદા હેઠળ ગુનો ગણાય છે.
બીઆઈએસ ઍક્ટ 2016 હેઠળ હૉલમાર્ક વગર સોનું વેચવું એ ગુનો છે.
તેના માટે બેથી પાંચ વર્ષની જેલ અથવા બે લાખનો દંડ થઈ શકે છે. ક્યારેક બંને સજા સાથે પણ થઈ શકે તેવી જોગવાઈ છે.
તમે BIS Care ઍપ્લિકેશનમાં HUID નંબર દાખલ કરીને પણ એ જોઈ શકો છો કે તમે ખરીદેલાં આભૂષણો અસલી છે કે નકલી.
સોનાના કેટલા પ્રકાર હોય છે?
સોનાની શુદ્ધતાને આધારે તેના પ્રકારો પાડવામાં આવ્યા છે. સોનાને 24, 23, 22, 20, 18 અને 14 કૅરેટમાં વહેંચવામાં આવ્યું છે.
તેમાંથી 22,18 અને 14 કૅરેટનું સોનું આભૂષણો બનાવવામાં વપરાય છે.
બીઆઈએસના જૉઇન્ટ ડાયરેક્ટર સત્તુ સવિતા બીબીસીને જણાવે છે કે, "શુદ્ધ સોનામાંથી આભૂષણો બનાવવા શક્ય નથી આથી સોનામાં કેટલીક અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે છે, જે તેને મજબૂતી આપે છે."
"જો સોનું 995 હોય તો એ 24 કૅરેટનું છે તેમ કહેવાય છે. જો 1000 મિલીગ્રામની મિશ્ર ધાતુમાં 995 ગ્રામ સોનું (99.5 ટકા) હોય તો તે શુદ્ધ સોનું ગણાય છે. એવી જ રીતે 958 સોનાને 23 કૅરેટ સોનું, 916ને 22 કૅરેટ સોનું કહેવાય છે. 833ને 20 કૅરેટ સોનું, 750ને 18 કૅરેટ સોનું અને 585ને 14 કૅરેટ સોનું કહેવાય છે."
સોનાની શુદ્ધતા તેમાં કેટલા ટકા અન્ય ધાતુઓ ઉમેરવામાં આવી છે તેના પર આધાર રાખે છે.
સવિતા કહે છે, "જો નિયમો કરતાં વધુ ધાતુઓ ઉમેરવામાં આવે તો ગ્રાહકના હિતને નુકસાન થાય છે."
સોનાની શુદ્ધતા કેવી રીતે માપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોનું શુદ્ધ છે કે નહીં તેની સાચી ખરાઈ લૅબોરેટરીમાં કરવામાં આવે છે પરંતુ તે કેવી રીતે તપાસવામાં આવે છે?
સોનાની શુદ્ધતા ચકાસવામાં થોડા કલાકો જઈ શકે છે. જોકે, તેની ચકાસણી કરાવવાની ફી માત્ર 45 રૂપિયા છે.
બીઆઈએસનો સ્ટાફ હૉલમાર્ક્ડ સોનાની દુકાનોમાંથી સૅમ્પલ લે છે. તેને એક સ્પેશિયલ કોડ આપવામાં આવે છે. ત્યાર બાદ બીઆઈએસની લૅબોરેટરીમાં લાવ્યા બાદ તેને એક નવો કોડ આપવામાં આવે છે.
સવિતા કહે છે, "જ્યારે સોનાની શુદ્ધતા ચકાસવામાં આવે છે ત્યારે ચકાસનારને એ વાતની ખબર હોતી નથી કે એ કઈ દુકાનમાંથી લાવવામાં આવ્યું છે."
પી.વી. શ્રીકાંત કહે છે કે, "પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી છે. અમારા સૅમ્પલ બીજી શાખાઓમાં પણ જાય છે અને બીજી શાખા દ્વારા એકઠા કરવામાં આવેલ સૅમ્પલ અમારે ત્યાં પણ આવે છે."
શરૂઆતના ટેસ્ટિંગ માટે સૅમ્પલને એક્સઆરએફ નામના મશીનથી ચકાસવામાં આવે છે. તેનાથી કૅરેટનું અનુમાન કરવામાં આવે છે અને સૅમ્પલને રજિસ્ટરમાં રેકૉર્ડ કરવામાં આવે છે.
સવિતા કહે છે, "અમે સોનાને 22 કૅરેટ, 18 કૅરેટ, 14 કૅરેટમાં ભાગ પાડીએ છીએ. જો તેમાં પ્રતિબંધિત પદાર્થ દેખાય તો અમે તેને ગણતાં નથી. જો તેમાં તેવા પદાર્થ ન હોય તો સોનાને 1100 ડિગ્રીએ 5થી 10 મિનિટ માટે તપાવવામાં આવે છે. પીગળેલાં સોનાના વજનને તેના મૂળ વજન સાથે સરખાવવામાં આવે છે અને પછી તેને હાઇડ્રોલિક મશીનમાં પ્રેસ કરીને બટન બનાવવામાં આવે છે. પછી તે રોલિંગ મશીન મારફતે પાતળી શીટમાં ફેરવાઈ જાય છે. આ શીટને નાના ટુકડામાં કાતરની મદદથી કાપવમાં આવે છે અને 150 મિલીગ્રામના બટર પેપર પર મૂકવામાં આવે છે. સોનું, ચાંદી અને તાંબાનું મિશ્રણ બટર પેપર પર પાડવામાં આવે છે."
તેઓ કહે છે, "ત્યાર બાદ ફરીથી તેનું વજન કરવામાં આવે છે. બોઇલિંગ પ્લૅયર નામના મશીન દ્વારા તેમાંથી કેટલાક બૉલ્સ બનાવવામાં આવે છે પછી તેને પીગાળવા માટે ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે. તેને 1050થી લઈને 1080 ડિગ્રી સુધીના તાપમાને ગરમ કરવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તેમાંથી માત્ર સોનું અને ચાંદી જ બચે છે અને બાકીની ચીજો ઑક્સિડાઇઝ થઈ જાય છે."
ત્યાર બાદ નાઇટ્રિક એસિડ અને ડિઆયોનાઇઝ્ડ વોટરની મદદથી ચાંદી અને સોનું છુટ્ટું પાડવામાં આવે છે. તેમાં માત્ર 15 મિનિટ લાગે છે. સોનાની શુદ્ધતા સોનાના બદલાયેલા રંગ અને અનેક ગાણિતિક પ્રક્રિયાઓ પરથી માપવામાં આવે છે.
શું સામાન્ય માણસ સોનાની શુદ્ધતા ચકાસવા લૅબોરેટરીમાં જઈ શકે?

જો એક વખત સોનું શુદ્ધતામાં ખરું ન ઊતરે તો દુકાનદારને તેમના સૅમ્પલ મોકલવાની વધુ એક તક અપાય છે.
પી.વી. શ્રીકાંત કહે છે, "પરંતુ ત્યાર પછી પણ સૅમ્પલમાં ભેળસેળ દેખાય તો નિયમો પ્રમાણે પગલાં લેવામાં આવે છે."
લોકો લૅબોરેટરીમાં સીધા જઈને પણ સોનાની શુદ્ધતાની ચકાસણી કરાવી શકે છે.
સવિતા કહે છે, "પરંતુ આ પ્રક્રિયામાં મૂળ મટીરિયલનું વજન ઘટી જાય છે. આથી, સામાન્ય માણસે હૉલમાર્ક જોઈને જ સોનું ખરીદવું જોઈએ. તેમ છતાં પણ તમે જો સોનાની શુદ્ધતાની ચકાસણી કરાવવા ઇચ્છતા હોવ તો અમારો સંપર્ક કરી શકો છો."
સોનામાં શું ઉમેરવામાં આવે તો તે હાનિકારક ગણાય?
સોનામાં અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે તો તેની મજબૂતાઈ વધે છે. જોકે, કેડમિયમ, ઑસ્મિયમ, પેલેડિયમ, રોડિયમ, રૂથેનિયમ અને ઇરિડિયમનું સોનામાં ઉમેરણ પ્રતિબંધિત છે.
કેડમિયમની શરીર પર પણ ખરાબ અસર પડે છે.
આથી આવી ધાતુઓ પર પ્રતિબંધો પણ મૂકવામાં આવેલા છે. સવિતા કહે છે કે, આથી સોનામાં ચાંદી, તાંબુ અને ઝિંક વાપરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












