ગુજરાતમાં લગ્નની સિઝન સમયે જ કેમ વધી રહ્યા છે સોનાના ભાવ, હાલ ખરીદવું કે નહીં?

સોનું, રોકાણ, કિંમત, બીબીસી ગુજરાતી, ડૉલર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક તરફ સોનાની કિંમત વધી રહી છે ત્યારે બીજી તરફ ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, વિશ્વભરનાં શૅરબજારોમાં ઉથલપાથલનો માહોલ છે અને સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોના વિશે લોકો જાતભાતના પ્રશ્નો ઇન્ટરનેટ પર સર્ચ કરે છે.

મંગળવારે શરૂઆતના કારોબારમાં સોનામાં ફરી વધારો જોવા મળ્યો હતો. ઑલ ઇન્ડિયા સરાફા ઍસોસિયેશન અનુસાર,10 ગ્રામ(એટલે કે ભારતમાં પ્રચલિત એક તોલા) સોનાનો ભાવ 83 હજાર રૂપિયાને વટાવી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

એક તરફ સોનાના ભાવ વધી રહ્યા છે, તો બીજી તરફ ડૉલર સામે રૂપિયાની સ્થિતિ નબળી બની રહી છે. સોમવારે રૂપિયાનો રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ડૉલર સામે 55 પૈસાના ભારે ઘટાડા સાથે તે 87.17 પર બંધ થયો હતો. એટલે કે એક ડૉલરની કિંમત 87.17 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

નિષ્ણાતો માને છે કે આ પાછળનું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા મૅક્સિકો, કૅનેડા અને ચીન પર નવા ટેરિફ લાદવા અને વિશ્વભરનાં શૅરબજારોમાં ઘટાડાનું વલણ છે.

શૅરબજારો તૂટવાને કારણે વધી રહ્યા છે સોનાના ભાવ?

સોનું, રોકાણ, કિંમત, બીબીસી ગુજરાતી, ડૉલર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારથી ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી દુનિયાભરનાં શૅરબજારોમાં હલચલ છે

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાંને કારણે વિશ્વભરમાં ફુગાવો વધવાનો ભય છે; રોકાણકારો શૅરોમાં સંભવિત નુકસાનની ભરપાઈ કરવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે.

બજાર વિશ્લેષક આસિફ ઇકબાલ કહે છે, "હાલના વાતાવરણમાં, ઘણા રોકાણકારો સોનાને હૅજિંગ વ્યૂહરચના તરીકે લઈ રહ્યા છે. તેમને શૅરબજારમાં નુકસાન થવાનો ડર હોવાથી તેઓ સોનામાં રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છે."

અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમાર બીબીસીને કહે છે, "ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. જ્યારે દુનિયામાં અનિશ્ચિતતા હોય છે, ત્યારે લોકો સુરક્ષા ઇચ્છે છે. સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે."

હકીકતમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કૅનેડા અને મૅક્સિકોથી આયાત થતા માલ પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ મૅક્સિકો અને કૅનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની યોજનાને 30 દિવસ માટે મુલતવી રાખશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને કોઈ છૂટ આપી નથી અને તેમણે યુરોપિયન યુનિયન પર ટેરિફ લાદવાની પણ વાત કરી છે. ચીને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે તે અમેરિકન માલ પર કર લાદશે, એટલે આગામી સમયમાં ટેરિફ વોરની આશંકા સેવાઈ રહી છે.

વિશ્વભરની બૅન્કો સોનાની ખરીદી કેમ કરી રહી છે?

સોનું, રોકાણ, કિંમત, બીબીસી ગુજરાતી, ડૉલર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાની કિંમત રેકૉર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોનાના ભાવમાં વધારાનું બીજું એક કારણ છે અને તે એ છે કે વિશ્વભરની કેન્દ્રીય બૅન્કો સોનું ખરીદી રહી છે. ડૉલર સામે રૂપિયાના નબળા પડવાના કારણ ઉપરાંત મધ્ય-પૂર્વ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, સોનાને પણ સલામત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે, "ડૉલર એક મજબૂત ચલણ છે. 2007 થી 2009 ની વચ્ચે આર્થિક મંદી દરમિયાન, ડૉલર વધ્યો પરંતુ અન્ય ચલણો ઘટ્યાં. એવું માનવામાં આવે છે કે ડૉલર અને સોનું ઘટશે નહીં."

તેઓ કહે છે, "જો રૂપિયો ઘટશે, તો લોકો ડૉલર અને સોના તરફ વળશે."

ડૉલર ઇન્ડેક્સ પણ વધી રહ્યો છે અને તાજેતરમાં તે 109ના આંકને પણ પાર કરી ગયો છે. તેનો અર્થ એ કે ડૉલરની કિંમત સોના સહિત સમગ્ર કૉમોડિટી બજારને અસર કરી રહી છે.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે, "રૂપિયો ડૉલર સામે ઘટ્યો છે, અન્ય ચલણો સામે નહીં. પાઉન્ડ અને અન્ય ચલણો સામે રૂપિયો ઘટ્યો નથી."

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે, પરંતુ કહ્યું હતું કે, "રૂપિયો ફક્ત મજબૂત થતા ડૉલર સામે નબળો પડ્યો છે, જ્યારે મજબૂત આર્થિક મૂળભૂત બાબતોને કારણે તે અન્ય તમામ ચલણો સામે સ્થિર રહ્યો છે."

ફિઝીકલ ગોલ્ડનો વિકલ્પ કયો?

સોનું, રોકાણ, કિંમત, બીબીસી ગુજરાતી, ડૉલર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારો સોનાને સુરક્ષિત રોકાણ માને છે

જેમ શૅર અને કૉમોડિટી બજારોમાં અનિશ્ચિતતા છે, તેમ ઘણા નિષ્ણાતો સોનાના ભવિષ્ય અંગે પણ ચોક્કસ નથી.

નિષ્ણાતો માને છે કે સોનામાં ઊચક રકમનું રોકાણ કરવાને બદલે લોકોએ સોનામાં ભાવમાં ઘટાડો આવે ત્યારે ખરીદવાની રણનીતિ અપનાવવી જોઈએ.

બજાર નિષ્ણાત આસિફ ઇકબાલ કહે છે કે જે લોકો લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે તેઓ ગોલ્ડ ETF અને સોવરિન ગોલ્ડ ફંડમાં રોકાણ કરી શકે છે.

આસિફ કહે છે, " ફિઝીકલ ગોલ્ડ પણ એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ખરીદદારોએ મેકિંગ ચાર્જ અને સ્ટોરેજ ખર્ચને પણ ધ્યાનમાં રાખવો જોઈએ."

તેમનું કહેવું છે કે વિશ્વભરના ઘણા દેશોમાં અસ્થિરતા છે અને ફુગાવો પણ તેની અસર બતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં, સોનાના ભાવમાં વધારો થતો રહેવાનો છે પરંતુ તે એકતરફી નહીં હોય અને તે દરમિયાન, રોકાણકારોને ખરીદીની તકો મળતી રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.