રાજકોટ : મૅટરનિટી હૉસ્પિટલમાં મહિલાના ચેકઅપના વીડિયો વાઇરલ મુદ્દે બે શખ્સોની ધરપકડ, શું સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં ગુજરાતમાં મહિલાઓની શારીરિક તપાસના સીસીટીવી વીડિયો યૂટ્યૂબ અને ટેલિગ્રામ સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થતાં આ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ વીડિયો હૉસ્પિટલના ઇન્જેકશન રૂમના હોવાનું જણાઈ આવતું હતું.
આ વીડિયો ધ્યાને આવતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલે આ અંગે સામે ચાલીને પ્રાઇવસીના ભંગની અને બિભત્સ કન્ટેન્ટ વાઇરલ કરવા અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું છે.
બુધવારે સાંજે ગુજરાત પોલીસ આ મામલે પત્રકારપરિષદ યોજીને કથિત 'નેટવર્ક' મામલે વધુ ખુલાસા કર્યા હતા.
જો વાઇરલ વીડિયો મામલે કરાયેલી ફરિયાદ વિશે વધુ વાત કરીએ તો આ વીડિયો કઈ હૉસ્પિટલના છે એ ફરિયાદ પરથી સ્પષ્ટ થતું નહોતું. પરંતુ વીડિયોમાં લોકોને ગુજરાતી બોલતા સાંભળી શકાતા હતા. તેમની બોલીની રીત પરથી આ આ લોકો સૌરાષ્ટ્રના હોવાનું જણાતું હતું.
પોલીસે વીડિયોમાં સાંભળવા મળી રહેલાં સંવાદો અને નામોનું વિશ્લેષણ કરી એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસતપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મૅટરનિટી હૉસ્પિટલના હોવાનું બહાર આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, મૅટરનિટી હૉસ્પિટલના ડૉક્ટરનો દાવો છે કે તેમની હૉસ્પિટલના સીસીટીવી કૅમેરા હૅક થયા છે.
પોલીસે પણ મામલાની પ્રાથમિક તપાસ બાદ મળેલી માહિતી અનુસાર જણાવ્યું હતું કે આરોપીઓએ રાજટકોટની પાયલ મૅટરનિટી સહિત દેશની ઘણી હૉસ્પિટલોના સીસીટીવી કૅમેરા આ રીતે હૅક કર્યા હોઈ શકે છે.
સાઇબર ક્રાઇમે શું ફરિયાદ દાખલ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચના એસીપી હાર્દિક માંકડિયાએ સોમવારે મીડિયા સાથે વાત કરતાં પોલીસ પાસે આ વીડિયોની માહિતી કેવી રીતે આવી એ જણાવ્યું હતું.
"અમદાવાદ સાઇબર ક્રાઇમની સોશિયલ મીડિયા ટીમના ધ્યાને એક યૂટયૂબ ચેનલ આવી હતી. આ યૂટ્યૂબ ચેનલ પર અલગઅલગ સમયે એક હૉસ્પિટલના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર માટે પહોંચેલી મહિલાઓને ઇન્જેક્શન આપતી વખતના બિભત્સ વીડિયો હતા. યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં એક ટેલીગ્રામ ચેનલની લિંક પણ આપવામાં આવી છે."
"અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યૂટ્યૂબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રીએટર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે."
હાર્દિક માંકડિયાએ જણાવ્યું હતું કે "અમદાવાદ સાઇબર સેલ દ્વારા આઇટી ઍક્ટની કલમ 66b (પ્રાઇવસીનો ભંગ) અને અને આઇટી ઍક્ટની કલમ 67 (ઇલેકટ્રોનિક ફોનમાં બિભત્સ મટીરિયલ વાઇરલ કરવું) અંતર્ગત ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત વીડિયોનું કન્ટેન્ટ શું છે તે જોયા બાદ જો જરૂર જણાશે તો બીએનએસની અન્ય કલમ પણ ઉમરેવામાં આવશે."
હાર્દિક માંકડિયાએ વીડિયો અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે વાઇરલ થયેલા વીડિયોમાં જે કન્ટેન્ટ છે, તેમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. વીડિયોમાં દર્દી અને નર્સ વચ્ચેનો જે સંવાદ ગુજરાતી ભાષામાં છે. સીસીટીવીમાં 16 ડિસેમ્બર 2024 તારીખની ટાઇમલાઇન પણ દેખાઈ રહી છે. અમે આ દિશામાં તપાસ કરી રહ્યા છીએ."
જોકે, બાદમાં પોલીસતપાસમાં આ વીડિયો રાજકોટમાં આવેલી પાયલ મૅટરનિટી હૉસ્પિટલના હોવાનું બહાર આવ્યું હતું.
સોમવારે સાંજે રાજકોટ રૈયા રોડ પર આવેલી પાયલ મૅટરનિટી હૉસ્પિટલના ડૉક્ટર સંજય દેસાઈ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પાયલ હૉસ્પિટલના સીસીટીવી હૅક થયા છે.
વાઇરલ થયેલા વીડિયો પાયલ હૉસ્પિટલના હોવા બાબતે તેમણે સંમતિ વ્યક્ત કરી હતી.
એસીપી હાર્દિક માંકડિયા વધુમાં કહ્યું, "યૂટ્યૂબ ચેનલ 6 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયેલી છે. જ્યારે ટેલિગ્રામનું ગ્રૂપ સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવ્યું છે. યૂટ્યૂબ ચેનલ પર સાત વીડિયો છે અને આ વીડિયોની નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી છે. ટેલિગ્રામ ગ્રૂપમાં લોકો જોડાતા હોય છે અને બાદમાં ગ્રૂપ છોડી પણ દેતા હોય છે. હાલ 90 કરતાં વધારે લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે."
એસીપી હાર્દિક માંકડિયાએ વધુ માહિતી શૅર કરતાં જણાવે છે કે, "ટેલિગ્રામ ગ્રૂપમાં સ્ક્રીનશોટ આપવામાં આવ્યા છે, જેમાં સાઉથ ઇન્ડિયાના પણ વીડિયો હોવાનો પણ તેઓ દાવો કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી આ પ્રકારનો કોઈ વીડિયો જોવા મળ્યો નથી, પરંતુ સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યા છે. આ સ્ક્રીનશોટની નીચે એક્સક્લુસિવ વીડિયો જોવા માટે પૈસાની માગ કરવામાં આવી છે. જે પણ કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યુ છે તેમાં કોઈ ઍજ્યુકેશન પર્પઝ જણાતો નથી. માત્ર અભદ્ર કન્ટેન્ટ શૅર કરવામાં આવ્યું છે."
"જે સાત વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં ઇન્જેક્શન મૂકવાનાં દૃશ્યો છે. ગ્રૂપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે સોનોગ્રાફીના વીડિયો પણ છે, પરંતુ આ સાત વીડિચોમાં સોનોગ્રાફીના વીડિયો નથી."
પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે?

ઇમેજ સ્રોત, UGC
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી હાર્દિક માંકડિયાએ મંગળવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વીડિયોમાં જે શબ્દો તેમજ નામ બોલવામાં આવી રહ્યાં હતાં તેના આધારે પોલીસે સોશિયલ એન્જિનિયરિંગ કરી તપાસ કરી હતી. આ તપાસ પરથી વાઇરલ વીડિયો રાજકોટની પાયલ હૉસ્પિટલનો હોવાનું બહાર આવ્યું હતું."
"આ કેસમાં અમારી અલગઅલગ ટીમ તપાસ કરી રહી છે. અમારી ટીમ રાજકોટ તેમજ અન્ય રાજ્યમાં પણ તપાસ કરી રહી છે. અમે હાલ ત્રણ યૂટ્યૂબ ચેનલ અંગે તપાસ કરી રહ્યા છીએ."
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંગળવારે રાજકોટ હૉસ્પિટલમાં તપાસ માટે પહોંચી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "વાઇરલ વીડિયો અંગેનો ગુનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે. જેથી આ અંગેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. અમારી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સાથે જ છે. મુખ્ય તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે."
આ સમગ્ર મામલામાં ગુજરાત પોલીસે બુધવારે સાંજે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જેમાં પોલીસે અત્યાર સુધી કરેલી કાર્યવાહીની વિગતો આપી હતી.
પોલીસે કહ્યું હતું કે, "પોલીસે આ ઘટનામાં ફરિયાદ દાખલ કર્યા બાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી અનુક્રમે બે અને એક આરોપીની ધરપકડ કરી છે."
"અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની ધરપકડ માટે જુદાં જુદાં લૉકેશન પર રવાના કરાઈ હતી. જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે આ સમગ્ર નેટવર્કના માસ્ટરમાઇન્ડ પ્રજ્વલ્લની લાતૂર ખાતેથી અને અન્ય એક શખ્સ બ્રજરાજેન્દ્ર પાટીલની ધરપકડ કરી હતી."
"પ્રજ્વલ્લ રોમાનિયા અને એટલાન્ટા ખાતે અન્ય હૅકરો સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં હતો. એ આ પ્રકારના વીડિયો વેચતો. આ સિવાય બ્રિજરાજેન્દ્ર પાટીલ ટેલિગ્રામ મારફતે વીડિયો પહોંચતાં કરવા માટે યુપીઆઇથી પેમેન્ટ વસૂલતો."
પોલીસે આપેલી માહિતી અનુસાર ઉપરોક્ત બે ઉપરાંત પ્રયાગરાજથી ચંદ્રપ્રકાશ ફૂલચંદ નામના શખ્સની પણ આ મામલામાં ધરપકડ કરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીઓને લઈને અમદાવાદ આવવા માટે નીકળી ચૂકી છે. આરોપીઓ અમદાવાદ આવે બાદમાં વધુ ખુલાસા થઈ શકે છે.
પોલીસે જણાવ્યું હતું કે, "આ લોકો રોમાનિયા અને એટલાન્ટાના હૅકર્સ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં હતા. પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે દેશની અલગ અલગ હૉસ્પિટલના સીસીટીવી હૅક કરેલા છે, અમે આ લોકો આ કેવી રીતે આ સીસીટીવી હૅક કરતા અને વીડિયો ક્યાં ક્યાં વેચતા એની આરોપીઓ એક વખત અમદાવાદ પહોંચે પછી પૂછપરછ કરીશું."
પાયલ હૉસ્પિટલના ડૉક્ટરે વીડિયો અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટ પાયલ મૅટરનિટી હૉસ્પિટલના ડૉ. સંજય દેસાઈએ સોમવારે મીડિયા સાથે વાત કરતાં તેમની હૉસ્પિટલના સીસીટીવી કૅમેરા કોઈએ હૅક કર્યા હોવાનો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું, "કોઈએ અમારી હૉસ્પિટલના સીસીટીવી કૅમેરા હૅક કરેલા છે અને તે વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. સુરક્ષા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. નિરીક્ષણ રૂમ અને ઑપરેશન થિયેટરમાં સીસીટીવી લગાવાયા નથી, પરંતુ ઇન્જેશક્ન રૂમમાં લગાવવામાં આવ્યા છે."
સંજય દેસાઈએ વધુમાં જણાવ્યું હતુ કે "હૉસ્પિટલમાં કીમતી વસ્તુઓ પડી હોય છે, જેથી તેની સિક્યૉરિટી અને સેફ્ટી માટે સીસીટીવી લગાવવામાં આવે છે. આ કૅમેરા સંતાડેલા હોય છે. તે ડિસ્પ્લેમાં હોતા નથી. ઍડમિન વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. દોઢ મહિના પહેલાં ડિસ્ટર્બ થયા હતા. જોકે, ત્યારે અમે અમારા ઇલેક્ટ્રિશિયનને બોલાવીને રિપૅરકામ કરાવ્યું હતું. ત્યારે અમને એ વાતની ખબર નહોતી કે અમારી હૉસ્પિટલના કૅમેરા હૅક થયા હશે."
સંજય દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, "સીસીટીવી હૅક કરીને વીડિયો વાઇરલ કરવાનું આ કૃત્ય કોણે કર્યું એ ખબર નથી, તે જાણવા માટે અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાના છીએ."
પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે "અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલી ફરિયાદ અને હૉસ્પિટલ દ્વારા કરાઈ રહેલા સીસીટીવી હૅક થયા હોવાના દાવામાં એકબીજા સાથે જોડાયેલી બાબતો છે, હાલ તપાસ ચાલી રહી છે. તપાસમાં બહાર આવશે કે આરોપી કોણ છે અને સીસીટીવી હૅક થયા હતા કે નહીં. તપાસ બાદ આ ફરિયાદ દાખલ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે."
ગુજરાતના આરોગ્યમંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોમવારે મીડિયા સાથે વાત કરતા આ ઘટના અંગે કહ્યું હતું કે, "વાઇરલ થયેલા વીડિયો અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સામે ચાલીને ઍક્શન લઈને આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવશે કે આ વીડિયો કઈ હૉસ્પિટલના છે? હૉસ્પિટલનું શું કહેવું છે? હૉસ્પિટલના સીસીટીવી હૅક થયા છે કે શું? વગેરે બાબતોની તપાસ કરવામાં આવશે. આ ટેકનિકલ બાબત છે, જેથી ટેકનિકલ ઍનાલિસીસ કર્યા બાદ આ અંગે પગલાં લેવામાં આવશે. સરકારી હૉસ્પિટલમાં આ પ્રકારની પ્રાઇવસીનો ભંગ થાય તે રીતે સીસીટીવી લગાવવામાં આવતા નથી. પ્રાઇવસીનો ભંગ ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.












