1 ડિસેમ્બર એટલે કે આજથી લાગુ થશે આ બદલાવ, જાણો તેની તમારાં ખિસ્સાં પર કેવી રીતે અસર થશે

પહેલી ડિસેમ્બરથી ન કેવળ મહિનો બદલાશે, પરંતુ કેટલાક નિયમો પણ બદલાઈ રહ્યા છે.

આજે એટલે કે સોમવારથી આપણા જીવનમાં કેટલાક ફેરફારો થવાના છે જે આપણાં ખિસ્સાં પર અસર કરી શકે છે.

આ ફેરફારોમાં ગૅસ સિલિન્ડરની કિંમતો, ટૅક્સ સંબંધિત નિયમોમાં બદલાવ મુખ્ય છે. આવો જાણીએ કે આ ફેરફાર આપણા જીવન પર કેવી અસર કરી શકે છે.

ત્યારે જાણો કે આજથી કયા નિયમો બદલાશે તથા આ મહિના દરમિયાન એવી કઈ ઘટનાઓ ઘટશે જે તમારા ફાયનાન્સિયલ પ્લાનિંગને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અસર કરશે.

આમાની કેટલીક ઘટનાઓ રાષ્ટ્રીય છે, તો કેટલીક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે.

એલપીજીના ભાવ

ભારતમાં ખાનગી ઑઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) હોવા છતાં ઘરોમાં વપરાતા ગૅસ સિલિન્ડર (14.2 કિલોગ્રામ) તથા કૉમર્શિયલ ગૅસ સિલિન્ડરના (19 કિલોગ્રામ) વિતરણ ઉપર પ્રભુત્વ ધરાવે છે.

ઓએમસી દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઇલના ભાવો તથા આંતરરાષ્ટ્રીય ચલણોમાં વધારા-ઘટાડાને આધારે ભાવોમાં ફરેફાર કરવામાં આવે છે. આ કામગીરી દર મહિનાના પહેલા દિવસે હાથ ધરવામાં આવે છે.

ત્યારે એલપીજીના (ઘરેલુ તથા વ્યવસાયિક) ભાવો વધ્યા કે ઘટ્યા, તેની સ્પષ્ટતા થશે.

વાહન તથા હવાઈભાડાં પર અસર

ઘરોમાં આવતા પીએનજી (પાઇપ્ડ નૅચર ગૅસ) તથા ગાડીઓમાં વપરાતા સીએનજીના (કમ્પ્રેસ્ડ નૅચર ગૅસ) ભાવોમાં ફેરફાર થઈ શકે છે.

આ સાથે જ હવાઈજહાજોમાં વપરાતાં ઍર ટર્બાઇન ફ્યૂઅલના ભાવોમાં પણ ફેરફાર થશે. જે ઍરલાઇન્સ કંપનીઓના ખર્ચનો એક મોટો હિસ્સો હોય છે. તેના ભાવોમાં પણ સોમવારે ફેરફાર થઈ શકે છે.

ભારત તેની ઊર્જા જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય ભાવો તથા આંતરરાષ્ટ્રીય ચલણમાં વધઘટ આ ભાવોને સીધી અસર કરે છે.

દેશભરમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ) લાગુ થઈ ગયો છે અને મોટાભાગની ચીજવસ્તુઓને આ 'વન નૅશન, વન ટૅક્સ' હેઠળ આવરી લેવામાં આવી છે.

આમ છતાં શરાબ, એલપીજી, એટીએફ સહિતની પેટ્રોલિયમ પેદાશો ઉપર વેટ (વૅલ્યૂ ઍડેડ ટૅક્સ) લાગુ પડે છે. જે રાજ્યોની આવકનો મોટો હિસ્સો છે અને તેનો દર રાજ્ય સરકાર પોતાની આર્થિકસ્થિતિ પ્રમાણે, નક્કી કરતી હોય છે, એટલે ગુજરાતના ભાવો અન્ય રાજ્યો કરતાં અલગ હોય શકે છે.

આરબીઆઈની બેઠક

ભારતની મધ્યસ્થ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની (આરબીઆઈ) એમપીસીની (મૉનિટરી પોલિસી કમિટી) બેઠક બુધવારથી શુક્રવાર દરમિયાન મળશે.

આ બેઠકની અધ્યક્ષતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા અધ્યક્ષતા કરશે અને બેઠકમાં રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે.

રિઝર્વ બૅન્ક દ્વારા વ્યવસાયિક બૅન્કોને જ દરે ટૂંકાગાળા માટે ભંડોળ આપવામાં આવે છે, તેને રેપોરેટ કહેવામાં આવે છે. હાલ આ દર સાડા પાંચ ટકાનો છે તથા નિષ્ણાતો તેમાં અડધા ટકાના ઘટાડાની આશા રાખી રહ્યા છે.

જો રેપોરેટમાં ઘટાડો થશે તો તેનો સીધો ફાયદો હૉમલોન, પર્સનલ લોન તથા વ્હિકલ લોનના દરોને થશે.

ટીડીએસ વિગતો ભરવાની છેલ્લી તારીખ

આવકવેરા કાયદાની અલગ-અલગ કલમોની જોગવાઈઓ પ્રમાણે, ઑક્ટોબર મહિનામાં જે હાઇ-વૅલ્યૂ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોય, તેના ટીડીએસની (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સૉર્સ) વિગતો ભરવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર હતી.

એટલે જો રવિવાર સુધીમાં વિગતો ન ભરી હોય તો હવે આવકવેરા વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

યુરોપિયન સંઘ સાથે એફટીએ

ભારત અને યુરોપિયન સંઘ (ઈયુ) વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ માટે વાટાઘાટો ચાલી રહી છે.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઈયુનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું, ત્યારે આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.

ભારતે ઈયુના પદાધિકારીઓને ગણતંત્ર દિવસની પરેડમાં (તા. 26 જાન્યુઆરી 2026) મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રણ ઈયુના નેતાઓએ સ્વીકાર્યું હોવાના અહેવાલ છે.

આ પહેલાં આ વર્ષના અંત (ડિસેમ્બર મહિના) સુધીમાં આ દિશામાં નોંધપાત્ર જાહેરાત થઈ શકે છે, તેવી આશા નિષ્ણાતો રાખી શકે છે.

આ સિવાય અમેરિકા સાથેના એફટીએની (ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ) પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે તે પૂર્ણ નહીં, પરંતુ આંશિક હશે અને જે મુદ્દે સહમતિ સધાઈ ગઈ છે, તેની ઉપર સૌપહેલાં આગળ વધવામાં આવશે.

સ્વાભાવિક છે કે આ પ્રકારની જાહેરાતો શેરબજાર અને તેમાં તમારા રોકાણોને અસર કરી શકે છે.

પેન્શનરો માટે

કેન્દ્ર સરકારના પેન્શનધારકો માટે નૅશનલ પેન્શન સ્કિમના (એનપીએસ) બદલે યુપીએસમાં (યુનિફાઇડ પેન્શન સ્કિમ) શિફ્ટ થવા માટે રવિવારે છેલ્લો દિવસ હતો. પહેલાં આની ડેડલાઇન જૂન મહિનામાં હતી, પરંતુ તેને લંબાવવામાં આવી હતી.

આ સિવાય બૅન્ક કે પોસ્ટઑફિસમાં જ્યાં પેન્શન જમા થતું હોય, ત્યાં જીવન પ્રમાણપત્ર (હયાતીનો પુરાવો) સુપ્રત કરવાનો છેલ્લો દિવસ હતો.

જો આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં નહીં કરી હોય તો પહેલી ડિસેમ્બરથી તમારા ખાતામાં પેન્શન જમા નહીં થાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન