ગાય કે ભેંસને સાપ કરડે તો એનું દૂધ પી શકાય કે ફેંકી દેવું પડે?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં તાજેતરમાં ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેનામાં ગામની એક ભેંસનું દૂધ પીધા બાદ ગત શનિવારે એટલે કે 8 નવેમ્બરના રોજ ગામલોકો રસી લેવા દોડ્યા હોવાનું સામે આવ્યું હતું.

વાત એવી છે કે આ ઘટનામાં એકાદ વર્ષ પહેલાં ગામની એક પાલતું ભેંસને હડકાયું કૂતરું કરડ્યું હતું. એ બાદ ભેંસમાં હડકવાનાં લક્ષણો દેખાતાં આ ભેંસનું દૂધ પીનારા ગામલોકોએ હડકવાની રસી લીધી હતી.

આ અંગે જાણ થતાં ભેંસના માલિક અને તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવાની રસી મુકાવી હતી. બાદમાં દૂધના ગ્રાહકોને તેમજ આ ભેંસના દૂધમાંથી બનેલી બરી (પ્રસૂતિ પછીના દૂધમાંથી બનતો ખાદ્ય પદાર્થ) ખાનાર લોકોને પણ તેમણે જાણ કરી હતી.

જે બાદ ગ્રાહકોમાં હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોવાનો ભય પ્રસરતાં તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી મુકાવવા લાઇન લાગી હતી.

પણ ગામડાંમાં ગાય ભેંસને સાપ કરડે એવા પણ કિસ્સા સામે આવતા હોય છે.

સાપનું ઝેર છે શું?

ગુજરાત અને ભારતમાં સર્પદંશના વધતા કેસો વચ્ચે, એક સામાન્ય સવાલ લોકોના મનમાં રહે છે કે, શું સાપ કરડેલાં પશુનું દૂધ પીવું સલામત છે?

આ પ્રશ્ન પર બીબીસી ગુજરાતીએ નિષ્ણાતોનો અભિપ્રાય લીધો હતો. આ વિશે જાણતા પહેલાં એ જાણી લઈએ કે સાપના ઝેરમાં શું હોય છે?

સાપના 'ઝેર' (વેનમ) અને 'પૉઇઝન' અલગ-અલગ હોય છે, 'પૉઇઝન' કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે. જ્યારે 'વેનમ' કુદરતી હોય છે.

ધર્મેન્દ્ર ત્રિવેદી ઝેરની રચના પર ભાર મૂકતા કહે છે કે, વેનમ કુદરતી રીતે એક ઍન્ઝાઇમ છે

ગાંધીનગરસ્થિત ઇન્દ્રોડા નૅચર પાર્ક-ગીર ફાઉન્ડેશનના પશુ ચિકિત્સા અધિકારી, ડૉ. અનિકેત પટેલે જણાવ્યું હતું, "સાપના ઝેરમાં સમાવિષ્ટ મોટા ભાગના તત્ત્વોમાં મુખ્યત્વે પ્રોટિન અને પેપ્ટાઇડ્સનો સમાવેશ થાય છે."

ડૉ. અનિકેત પટેલ જણાવે છે, "આ ઘટકોમાં ખાસ કરીને ઍન્ઝાઇમ્સ (ઉત્સેચકો), પૉલીપેપ્ટાઇડ્સ અને નાના પેપ્ટાઇડ્સ હોય છે. તેમાંથી બધા નહીં, પણ ઘણા તત્ત્વો ઘાતક હોય છે અને તેની કાર્ય કરવાની પદ્ધતિ (મિકેનિઝમ ઑફ ઍક્શન) પણ જુદી-જુદી હોય છે.

ઝેરના મુખ્ય પ્રકારો અને લક્ષણો

બ્રિસ્ટલ યુનિવર્સિટીની વેબસાઇટના લેખ અનુસાર, ઝેરના જે પ્રકારો જે વધારે પ્રમાણમાં અસર કરતાં હોય છે તે ન્યૂરોટૉક્સિક ઝેર અને હિમોટૉક્સિક ઝેર છે મુખ્યત્વે આ બે સિવાય માયોટૉક્સિન્સ પણ જોવા મળે છે.

ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે કે, "ન્યૂરોટૉક્સિક નામનું આ ઝેર નાગ (કોબ્રા) અને કાળોતરો સાપમાં જોવા મળે છે."

ડૉ. અનિકેત પટેલ અનુસાર, પ્રાણીઓમાં ન્યૂરોટૉક્સિક ઝેરની અસરને કારણે પ્રાણીને જો પગમાં સાપ કરડયો હોય તો ત્યાં સોજા પણ આવી શકે છે. આ ઝેર નર્વસ સિસ્ટમને (ચેતાતંત્ર) અસર કરે છે, જેનાથી પ્રાણીને ચાલવામાં મુશ્કેલી થવી અને શરીર પર નિયંત્રણ ગુમાવવું જેવાં લક્ષણો જોવા મળે છે.

"અને જો વધુ ઝેર ગયું હોય તો આંખ, કાન કે નાકમાંથી લોહી પણ નીકળી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ (પાંસળીની આસપાસના સ્નાયુઓમાં લકવો થવાથી), બોલવામાં તકલીફ અને પ્રાણીઓમાં ડબલ વિઝન જેવી સમસ્યા આવે છે."

ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે કે, "જ્યારે હિમોટૉક્સિક ઝેર ખડચિતળો અને ફુરસોમાં હોય છે."

"ફુરસો નાનો હોય છે અને તેનું ઝેર પણ ઓછું હોય છે, તેથી તે પશુને કરડે તો મોટા ભાગના કિસ્સામાં પશુ મરતું નથી."

ડૉ. અનિકેત પટેલ સર્પદંશનાં લક્ષણો વિશે જણાવે છે કે, હિમોટૉક્સિન્સ લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયાને અવરોધે છે અને રક્તકણોનો નાશ કરે છે, જેના કારણે આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે, સાથે જ પેશીઓ અને અવયવોને પણ નુકસાન પહોંચાડે છે.

"ત્યારે પ્રાણીઓમાં પેઢામાંથી લોહી આવવું, 20 મિનિટની અંદર લોહી ગંઠાય નહીં, મૂત્રમાં લોહી આવવું, પ્રતિક્રિયા ન આપવી, અને પગ પર સોજો આવવા ઉપરાંત ગૅંગરીન (શરીરના અંગમાં સડો) થવું વગેરે લક્ષણો જોવાં મળે છે."

આ સિવાય માયોટૉક્સિક ઝેર ધરાવતા સાપ પણ હોય છે, પણ તેટલી મોટી માત્રામાં નુકસાન કરતાં નથી.

ભારતના 'બિગ ફૉર'માં સમાવિષ્ટ સાપ:

ભારતમાં તેમજ ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રકારના ઝેરી સાપ છે: ખડચિતળો, ફુરસો , નાગ (કોબ્રા) અને કાળોતરો.

ધર્મેન્દ્ર ત્રિવેદી જણાવે છે, "ગુજરાતમાં કુલ છ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે, જેમાં દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં જોવા મળતો વાંસનો ખડચિતળો અને દરિયાઈ સાપ કોરલ સ્નેકનો સમાવેશ થાય છે. કોરલ સ્નેક આકારમાં નાનો હોવાથી તે મોટાં પશુઓને કરડતો નથી."

ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે કે, સાપ પ્રાણી કે માણસને ઇચ્છાપૂર્વક નહીં પણ જ્યારે જોખમ અનુભવે ત્યારે ડરને કારણે બચાવ માટે જ ડંખ મારે છે.

ભારતમાં સૌથી જોખમી સાપો કયા છે

પશ્ચિમ બંગાળમાં જોવા મળતો કોબ્રા સૌથી વધુ આક્રમક હોય છે. ધર્મેન્દ્રભાઈ કહે છે, "ભારતના ચાર જોખમી સાપોમાંથી એકમાત્ર કાળોતરો જ "સાઇલન્ટ" સાપ તરીકે ઓળખાય છે, જે ડંખ મારતા પહેલાં ચેતવણી કે સંકેત આપતો નથી. અન્ય ત્રણ સાપ ડંખ મારતા પહેલાં ફૂંફાળા મારીને ચેતવણી આપતા હોય છે. સાપ જાણે છે કે તેમનું ઝેર તેમના શિકાર માટેનું સાધન છે, તેથી તે બિનજરૂરી રીતે તેમનું ઝેર વેડફતા નથી."

સૌથી વધુ પશુઓને કરડતો સાપ રસલ વાઇપર

છેલ્લા કેટલાક સમયથી રસલ વાઇપરની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે, એટલે તેના ડંખ મારવાના કિસ્સા તાજેતરમાં વધુ જોવા મળ્યા છે.

આ વિશે સ્નેક રેસ્ક્યૂઅર નિમેશ નાંદોલિયા જણાવે છે, "રસલ વાઇપર સીધા બચ્ચાંને જન્મ આપે છે, જેને ઓવોવિવિપેરિટી કહેવાય છે, તે સાપમાં ઈંડાં શરીરની અંદર રહે છે અને જીવંત બચ્ચાં બહાર આવે છે. જ્યારે અન્ય સાપ ઈંડાં બહાર મૂકે છે."

તેઓ કહે છે, "જ્યારે રસલ વાઇપર 40થી 100 સુધી બચ્ચાં આપી શકે છે. ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે હવે તેઓ કોઈ પણ ઋતુમાં પ્રજનન કરતાં હોય છે."

ઝારખંડના સાપ વિશેષજ્ઞ બાપી દા બીબીસીને જણાવે છે કે, ભારતમાં કોબ્રા અને રસલ વાઇપર પશુઓને વધુ કરડતા હોય છે, પણ ભારત સિવાય વિશ્વમાં પશુઓ માટે સૌથી જોખમી સાપ "બ્લૅક મામ્બા" છે.

ધર્મેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાપના ઝેરના ઘટકોનો ઉપયોગ કૅન્સરની દવાઓમાં કરે છે. આ ઉપરાંત, ત્વચા પરની કરચલીઓ ઘટાડવા માટેની બ્યૂટી પ્રોડક્ટ્સ માટે પણ સાપના ઝેરના કેટલાક ઘટકોનો ઉપયોગ થતો હોય છે.

જો સાપનું ઝેર પી જવામાં આવે તો શું થાય? આ સવાલના જવાબમાં ડૉ. અનિકેત પટેલ જણાવે છે કે, "જ્યારે સાપનું ઝેર પી જવામાં આવે ત્યારે માનવ પાચનતંત્રમાં મજબૂત પ્રોટિઓલાઇટિક ઍન્ઝાઇમ્સ તથા અન્ય દ્રાવણો હાજર હોય છે, જે આ પ્રોટીનને બ્રૅકડાઉન કરીને એમિનો ઍસિડમાં પરિવર્તિત કરે છે, ત્યારે ઝેરની તાકાત એકદમ ઘટી જાય છે."

ગાય કે ભેંસને સાપ કરડે તો તેનું દૂધ પીવું સુરક્ષિત ખરું?

સાપનું ઝેર મુખ્યત્વે પ્રોટીન અને ઍન્ઝાઇમ્સનું બનેલું હોવાથી, જો તે પેટમાં જાય અને મોં કે પેટમાં કોઈ ઘા (અલ્સર) ન હોય તો તે પાચનતંત્રમાં નિષ્ક્રિય બની જાય છે.

સાપનું ઝેર કોઈ સસ્તન વર્ગીય પશુના લોહીમાંથી દૂધમાં ભળે તેની સંભાવના ખૂબ જ ઓછી છે, લગભગ નહીંવત્ છે. જો તે ભળે, તો પણ દૂધ પીવાથી કોઈ પણ ગંભીર અસર થવાની શક્યતા નથી હોતી.

જોકે, નિષ્ણાતો સાવચેતીના ભાગરૂપે આવાં પશુનું દૂધ પીવાનું ટાળવાની સલાહ આપે છે.

બનાસકાંઠાના વાવ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરડવાના મેડિકલ ઑફિસર, ડૉ. વૈદ્યનાથ રામ કહે છે કે, "સાપ કરડયો હોય તેવા પશુનું દૂધ પીવાથી તેની અસર થાય તેની સંભાવના ખૂબ જ ઓછી છે"

ગાંધીનગરના સર્પપ્રેમી કર્મશીલ ધર્મેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે, જો પશુને સાપ કરડ્યો હોય અને પશુના માલિકને તેની જાણ હોય, તો વહેલી તકે નિદાન શક્ય છે.

"પરંતુ, જો પશુ માલિકને ખ્યાલ ન હોય તેવા સંજોગોમાં નિદાન કરવું અઘરું છે. ઝેરની અસર વધારે પ્રમાણમાં થઈ હોય તેવા કિસ્સામાં પશુને બચાવવું પણ મુશ્કેલ બની જતું હોય છે."

એએસવીની રસપ્રદ બનાવટ

સપના ઝેરની દવા પણ સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે, જેને ઍન્ટિ-સ્નેક વેનમ કહેવાય છે.

અનિકેત પટેલ જણાવે છે, "ઍન્ટિ-સ્નેક વેનમ (ASV) સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે, જેના માટે ભારતમાંથી માત્ર તમિલનાડુની ઈરૂલા જનજાતિને જ સરકારે ઝેર એકત્ર કરવાની પરવાનગી આપી છે."

"જ્યારે અન્ય કોઈ વ્યક્તિ જો સાપનું ઝેર એકત્ર કરે તો વાઇલ્ડ લાઇફ ઍક્ટ મુજબ ગુનો બને છે."

તેઓ જણાવે છે કે,"મદ્રાસ ક્રૉકૉડાઇલ બૅન્ક આ મુખ્ય ચાર પ્રજાતિના સાપમાંથી દર અઠવાડિયે બે વખત ઝેર એકઠું કરીને તેને પાવડરમાં પરિવર્તિત કરે છે."

"આ ઝેરને રાસાયણિક પ્રક્રિયા બાદ તંદુરસ્ત ઘોડાને થોડી માત્રામાં આપવામાં આવે છે. ત્યારબાદ, ઘોડાના લોહીમાંથી પ્લાઝમા કાઢીને ઍન્ટિબૉડી અલગ કરવામાં આવે છે અને ઘણી પ્રક્રિયા બાદ ઍન્ટિ-સ્નેક વેનમ તૈયાર થાય છે."

સાપ કરડે ત્યારે શું કરવું?

ગુજરાત સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન અનુસાર, સાપ કરડ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જોઈએ.

  • સર્પદંશવાળી જગ્યાથી ઝેર ચૂસીને કાઢવાનો પ્રયત્ન ન કરવો
  • ઝેર બહાર કાઢવા માટે સર્પદંશવાળી જગ્યામાં ચીરો ન કરવો
  • પરંપરાગત ઉપચાર કરનારી વ્યક્તિ પાસે જવું નહીં
  • સર્પદંશના દર્દીનો ક્યારેય પણ ઘરગથ્થુ ઉપચાર કરવો નહીં
  • જે જગ્યાએ સાપ કરડ્યો હોય તેની ઉપર પાટો બાંધવો નહીં
  • કરડેલો ભાગ સાફ ન કરો અને બરફ પણ ન લગાવવો

સાપને પકડવાની અથવા મારવાનો પ્રયાસ કરવો નહીં, સાપને મારી નાખવાથી ઝેર ઊતરી જતું નથી.

સાપ કરડ્યા બાદ શું કરવું?

સાપ કરડે ત્યારે સૌથી પહેલાં એ ખાતરી કરી લો કે, જેમને સાપ કરડ્યો છે તે અને બીજી વ્યક્તિ સાપથી દૂર છે કે નહીં. સાપને પકડવાનો પ્રયત્ન ન કરવો.

દૂરથી સાપને જોઈ લેવો અને કેવો દેખાય છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. જેથી હૉસ્પિટલ લઈ જવાય ત્યારે સારવાર કરવામાં સરળતા રહે.

સાપ કરડ્યો હોય તે ભાગમાંથી ઘરેણાં, ઘડિયાળ, વીટીં કે બીજી વસ્તુઓ પહેરેલી હોય તો તેને ઉતારી દેવી.

સાપ કરડ્યા બાદ દોડવું નહીં, બને તેટલું શાંત રહેવું અને શક્ય હોય તો જેમને સાપ કરડ્યો છે તેમને ચાલવા ન દેશો.

સમય ગુમાવ્યા વિના તાત્કાલિક હૉસ્પિટલ જવા માટે વાહનની વ્યવસ્થા કરો, જેથી વ્યક્તિનો જીવ બચાવી શકાય.

જો શક્ય હોય તો સાપ ક્યારે કરડ્યો અને તે બાદ કેવાં લક્ષણો દેખાવાં લાગ્યાં તે નોંધી લો.

હૉસ્પિટલ પહોંચો ત્યારે સૌપ્રથમ ડૉક્ટરને સાપ કેવો દેખાતો હતો અને આખી ઘટનામાં શું-શું થયું તેની વિગતો આપો.

મેડિકલ ઑફિસર, ડૉ. વૈદ્યનાથ રામ કહે છે કે, "સર્પદંશના કિસ્સામાં સૌ પ્રથમ કયા સાપે કરડ્યો છે, તેનું નિરીક્ષણ થાય છે."

ડૉ. વૈદ્યનાથ ઉમેરે છે, "સાપ કરડે તેવા કિસ્સામાં, દર્દીની સારવારમાં સૌ પ્રથમ એએસવી આપવામાં આવે છે."

એએસવીનો (ઍન્ટિ-સ્નેક વેનમ) પૂરતો જથ્થો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી દવાખાનાઓ, હૉસ્પિટલો અને 108 ઍમ્બુલન્સમાં ફરજિયાતપણે રાખવામાં આવે છે.સાપ કરડે ત્યારે સૌથી પહેલાં એ ખાતરી કરી લો કે, જેમને સાપ કરડ્યો છે તે અને બીજી વ્યક્તિ સાપથી દૂર છે કે નહીં. સાપને પકડવાનો પ્રયત્ન ન કરવો.

દૂરથી સાપને જોઈ લેવો અને કેવો દેખાય છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. જેથી હૉસ્પિટલ લઈ જવાય ત્યારે સારવાર કરવામાં સરળતા રહે.

સાપ કરડ્યો હોય તે ભાગમાંથી ઘરેણાં, ઘડિયાળ, વીટીં કે બીજી વસ્તુઓ પહેરેલી હોય તો તેને ઉતારી દેવી.

સાપ કરડ્યા બાદ દોડવું નહીં, બને તેટલું શાંત રહેવું અને શક્ય હોય તો જેમને સાપ કરડ્યો છે તેમને ચાલવા ન દેશો.

સમય ગુમાવ્યા વિના તાત્કાલિક હૉસ્પિટલ જવા માટે વાહનની વ્યવસ્થા કરો, જેથી વ્યક્તિનો જીવ બચાવી શકાય.

જો શક્ય હોય તો સાપ ક્યારે કરડ્યો અને તે બાદ કેવાં લક્ષણો દેખાવાં લાગ્યાં તે નોંધી લો.

હૉસ્પિટલ પહોંચો ત્યારે સૌપ્રથમ ડૉક્ટરને સાપ કેવો દેખાતો હતો અને આખી ઘટનામાં શું-શું થયું તેની વિગતો આપો.

મેડિકલ ઑફિસર, ડૉ. વૈદ્યનાથ રામ કહે છે કે, "સર્પદંશના કિસ્સામાં સૌ પ્રથમ કયા સાપે કરડ્યો છે, તેનું નિરીક્ષણ થાય છે."

ડૉ. વૈદ્યનાથ ઉમેરે છે, "સાપ કરડે તેવા કિસ્સામાં, દર્દીની સારવારમાં સૌ પ્રથમ એએસવી આપવામાં આવે છે."

એએસવીનો (ઍન્ટિ-સ્નેક વેનમ) પૂરતો જથ્થો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી દવાખાનાઓ, હૉસ્પિટલો અને 108 ઍમ્બુલન્સમાં ફરજિયાતપણે રાખવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન