યુક્રેનમાં પકડાયેલા મોરબીના સાહિલ માજોઠીના બીજા બે વીડિયો સામે આવ્યા, માતાએ શું કહ્યું?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

મોરબીના સાહિલ માજોઠી નામના યુવાન રશિયામાં ભણવા ગયા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન દ્વારા પકડાઈ જવાના સમાચાર આ વર્ષે ઑક્ટોબરમાં આવ્યા હતા.

યુક્રેનના લશ્કરે 7 ઑક્ટોબરે રિલીઝ કરેલા એક વીડિયોમાં સાહિલ માજોઠીએ કથિત રીતે કહ્યું હતું કે રશિયાની સેનામાં જોડાયા બાદ તેઓ પહેલી ઑક્ટોબરે યુદ્ધભૂમિ પહોંચી ગયા હતા પરંતુ તેમના કમાન્ડર સાથે બોલાચાલી થતાં તેમણે સાથી સૈનિકોથી અલગ પડી ત્રીજી ઑક્ટોબરે યુક્રેન સેના સામે આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ યુક્રેનની સેનાએ તેમને બંદીવાન બનાવી લીધા હતા.

આ વાતને બે મહિના કરતા વધારે સમય વીતી ગયો છે અને 21 વર્ષનો આ યુવાન હજુ પણ યુક્રેનમાં બંદીવાન હોવાનું મનાય છે. ત્યારે સાહિલ માજોઠીના અન્ય બે વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે.

સાત ઑક્ટોબરના વીડિયોમાં સાહિલ રશિયન ભાષામાં વાત કરતા દેખાય છે. પરંતુ 20 અને 21 ડિસેમ્બરે ફરતા થયેલા વીડિયોમાં સાહિલ અનુક્રમે અંગ્રેજી અને હિન્દીમાં વાત કરે છે.

આ વીડિયો એવા સમયે સામે આવ્યા છે જયારે આ યુવાનનાં માતા હસીનાબહેન પોતાના દીકરાને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવા સરકારને વિનવણી કરવા છેક દિલ્હી સુધી જઈ આવ્યાં છે અને દિલ્હી હાઇકોર્ટે પણ આ મામલામાં ભારત સરકારનો જવાબ માગ્યો છે.

નવા વીડિયોમાં સાહિલે પોતાની સ્થિતિ વિશે શું કહ્યું?

બીબીસી સાથે વાત કરતા હસીનાબહેને કહ્યું કે પંજાબમાં રહેતા તેમના એક ઓળખીતાએ અંગ્રેજીમાં વાત કરતા સાહિલનો વીડિયો તેમને શનિવારે મોકલ્યો હતો. ત્યાર બાદ રવિવારે તેમને અન્ય એક વીડિયો મળ્યો જેમાં સાહિલ હિંદીમાં વાત કરે છે. હસીનાબહેને આ બંને વીડિયો બીબીસીને આપ્યા છે.

હિંદીમાં વાત કરતા સાહિલ નવા વીડિયોમાં તેઓ રશિયાની આર્મીમાં કઈ રીતે જોડાયા તેની વાત કરે છે.

તેઓ કહે છે, "2024માં હું મારા અભ્યાસ માટે રશિયા આવ્યો હતો. પરંતુ આર્થિક અને વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે હું કેટલાક પ્રશ્નોમાં ફસાઈ ગયો હતો. રશિયામાં કેટલાક લોકોના સંપર્કમાં આવવાથી ડ્રગ કેસમાં ફસાઈ ગયો છું. મેં કશું કર્યું ન હોવા છતાં રશિયાની સરકાર અને પોલીસના કારણે નાર્કોટિક ક્રિમિનલ કેસમાં મને સાત વર્ષની જેલની સજા થઈ હતી...

"જેલની અંદર કેટલાક પોલીસવાળાઓની ઉશ્કેરણીને કારણે (મેં) રશિયા-યુક્રેન યુદ્ધના કૉન્ટ્રેક્ટ પર સહી કરી છે. આ સૌથી મોટી ભૂલ છે. તેના કારણે હાલ હું યુક્રેનમાં ફસાયેલો છું. હું અહીં એક પ્રકારનો યુદ્ધકેદી છું. અત્યારે તો હું સાવ નિરાશ છું. આગળ શું થશે તેની મને ખબર નથી."

સાહિલે ભારતીય વિદ્યાર્થીઓને શું સલાહ આપી?

તેમના જેવા અન્ય યુવાનોને ચેતવણી આપતા વીડિયોમાં સાહિલે કહ્યું કે, "હું ભારતીય નાગરિકોને એક મૅસેજ દેવા માંગુ છું. જે કોઈ વિદ્યાર્થીઓ રશિયામાં ભણવા આવે છે કે કામ કરવા આવે છે, તમે સાવચેત રહેજો કારણ કે અહીં ઘણા બધા ઠગ છે, બહુ ક્રિમિનલ કેસ થાય છે, ઘણા બધા ડ્રગના કેસ થાય છે. તેથી, તમે તમારું ધ્યાન રાખજો અને શક્ય હોય તેટલું આ યુદ્ધથી દૂર રહેજો."

આ સાથે જ યુક્રેનમાંથી ભારત પાછા આવવા માટે સાહિલે વડા પ્રધાનની સીધી મદદ પણ માગી.

તેમણે કહ્યું કે, "હું મારી ભારત સરકારને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને અને એસ. જયશંકર સાહેબને પણ અપીલ કરવા માંગુ છું કે જો શક્ય હોય તો મદદ કરો."

સાહિલને પાછો લાવવાના માતાના પ્રયત્નોનું શું પરિણામ આવ્યું છે?

હસીનાબહેને અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે વિજ્ઞાન પ્રવાહમાં 12મું ધોરણ પાસ કાર્ય બાદ અને થોડો સમય મોરીબીની એક સિરામીક ફૅક્ટરીમાં કામ કર્યા બાદ કૉમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરવા સાહિલ જાન્યુઆરી 2024માં રશિયા ગયા હતા.

તેમણે જણાવ્યું હતું કે 'ભણતર સાથે પોતાનું ખર્ચ ઉપાડવા સાહિલે રસોડાનો સામાન વેચતી એક પેઢીના ડિલિવરીમૅન તરીકે કામ કરવાનું ચાલુ કર્યું હતું પરંતુ અમુક લોકોએ એક સામાનના એક પાર્સલમાં ડ્રગ સંતાડી સાહિલને ડિલિવરી માટે મોકલતા તે પોલીસના હાથે પકડાઈ ગયો હતો.'

ઑક્ટોબર મહિનાથી જ હસીનાબહેન તેમના દીકરાને યુક્રેનથી પાછો રશિયા નહીં પરંતુ સીધો ભારત જ મોકલી દેવામાં આવે તેવી માંગણી સાથે સરકાર અને ન્યાયતંત્રમાં અરજ કરી રહ્યાં છે.

ઑક્ટોબર મહિનામાં જ તેમણે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી અને ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી કોર્ટને પ્રાર્થના કરી હતી કે તે ભારત સરકારને સૂચના આપે કે સરકાર સાહિલને ભારત લઈ આવે.

બીબીસી સાથે સોમવારે (ડિસેમ્બર 22 ) વાત કરતાં હસીનાબહેને કહ્યું, "મારો દીકરો સલામત રીતે ભારત પાછો ફરે તેના માટે મેં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ રજૂઆત કરી છે. તે માટે હું 17 ડિસેમ્બરે દિલ્હી પણ ગઈ હતી અને વિનોદભાઈના માર્ગદર્શન હેઠળ (રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી) કીર્તિવર્ધન (સિંહ)ના મદદનીશ અમિત ચૌહાણે રજૂઆત કરી છે."

"તે જ રીતે વિનોદભાઈએ અમારા વતી ભારતના વડા પ્રધાન, ગૃહમંત્રી, વિદેશ મંત્રી અને યુક્રેનમાં આવેલ ભારતની ઍમ્બેસીને ઈ-મેઇલ કરી સાહિલને ભારત જલ્દી પાછો લઈ આવવા વિનંતી કરી છે."

"મને ચિંતા એ વાતની છે કે મારો દીકરો યુક્રેનમાં સલામત હશે કે નહીં. તેને ડ્રગના કેસમાં ફસાવી રશિયાની આર્મીમાં જોડાવાની ફરજ પડાઈ. આવું ભારતના અન્ય નાગરિકો સાથે પણ થયું છે. તેથી, મારી વિનંતી છે કે સરકાર તેને યુક્રેનમાંથી છોડાવી સીધો ભારત લઈ આવે અને તેને રશિયાને સોંપવામાં ન આવે."

હસીનાબહેન જણાવે છે તેમના અને તેમના પતિના વીસેક વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા તથા સાહિલ તેમનું એકમાત્ર સંતાન છે.

મોરબી શહેરનો મોટા ભાગનો વિસ્તાર કચ્છ લોકસભા સીટના વિસ્તારમાં આવે છે અને તે રીતે ભાજપ નેતા વિનોદભાઈ કચ્છ ઉપરાંત મોરબીના પણ સાંસદ છે.

બીબીસી સાથે વાત કરતા વિનોદભાઈએ કહ્યું, "આ બાબતે મેં અગાઉ પણ સરકારને એક પત્ર લખ્યો હતો. યુવકનાં માતાની ફરી વાર રજૂઆતને પગલે ફરી વાર મેં ઇ-મેઇલ કર્યા છે. અમે યુક્રેનમાં આવેલી ભારતની ઍમ્બેસી સાથે પણ સંપર્કમાં છીએ અને દીકરો જલ્દી ઘરે પાછો આવી જાય તેવા પ્રયત્નો કરીએ છીએ."

હાઇકોર્ટમાં કેસની શું સ્થિતિ છે?

હસીનાબેનની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઇકોર્ટે 3 નવેમ્બરે આ કેસમાં પ્રતિવાદી એટલે કે કેન્દ્ર સરકારને સૂચના આપી હતી કે સાહિલનું સરનામું-ઠેકાણું શોધવાના બધા પ્રયત્નો કરવામાં આવે.

કોર્ટે તેના હુકમમાં લખ્યું હતું, "ફરિયાદીના દીકરાના નામ-સરનામાં ખોળી કાઢવા અને તેની સલામતી અને ભલા માટે પ્રતિવાદીઓ દ્વારા તાત્કાલિક સઘન પ્રયાસો કરવામાં આવે."

"અરજદારના દીકરા સુધી પહોંચવા માટે વિયેના કન્વેનશન ઑન કૉન્સ્યુલર એક્સેસ હેઠળ જરૂરી પગલાં લેવામાં આવે અને તેને પાછો લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવે. આ ઉપરાંત, અરજદાર તેના દીકરા સાથે સંપર્ક કરી શકે તે માટે પણ પગલાં લેવામાં આવે."

કોર્ટે ભારતના વિદેશ મંત્રાલયને સૂચના આપી કે યુક્રેનના સત્તાવાળાઓ તેમ જ યુક્રેનના ભારતમાં આવેલા દૂતાવાસ સાથે આ બાબતે સંપર્ક કરવા માટે એક અધિકારીની પ્રતિનિયુક્તિ કરવામાં આવે.

સાથે જ કોર્ટે એવી પણ સૂચના આપી કે આ અધિકારી આ બાબતમાં જે કઈ પ્રગતિ થાય તેની માહિતી અરજદાર હસીનાબહેનને આપતા રહેવી.

કોર્ટે સરકારને આ કેસમાં એક મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ એટલે કે શું પરિસ્થિતિ છે તેનો તાગ આપતો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા સૂચના આપી હતી અને આગળની સુનાવણી માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરી કરી હતી.

પરંતુ કોર્ટના રેકૉર્ડ મુજબ ન્યાયાધીશ રજા પર હોવાથી ત્રીજી ડિસેમ્બરે સુનાવણી થઈ શકી ન હતી. હવે સુનાવણી માટે નવી તારીખ 2 ફેબ્રુઆરી, 2026 આપવામાં આવી છે.

હસીનાબહેનનાં વકીલ દીપા જોસેફે બીબીસીને જણાવ્યું, "કોર્ટે આગળની સુનાવણી માટે 2 ફેબ્રુઆરી નક્કી કરી છે."

"પરંતુ અમે સરકારી રાહ ઉપરાંત વ્યક્તિગત રાહે પણ સાહિલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું મારી પોતાની ઓળખાણનો ઉપોયો કરીને પણ સાહિલ સાથે સંપર્ક થઇ જાય તેના માટે પ્રયાસ કરી રહી છું."

દરમિયાન હસીનાબહેને કહ્યું કે સાહિલની જેમ રશિયા ગયા પછી જે યુવાનોને રશિયાની સરકારે કથિત રીતે રશિયાના લશ્કરમાં જોડાવાની ફરજ પાડવામાં આવી છે તેને ભારત સરકાર ભારત પાછા લઈ આવે તેવી માંગણી સાથે આવા યુવાનોના પરિજનોએ દિલ્હીમાં 29 ડિસેમ્બરના રોજ ધારણા કરવાનું આયોજન કર્યું છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન