You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં પોલીસકર્મી સાથે ઘર્ષણનો વીડિયો વાઇરલ થયા બાદ યુવતીએ શું કહ્યું?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં હાલ અમદાવાદના અંજલિ ચાર રસ્તા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં એક પોલીસકર્મી ઍક્ટિવાચાલક એક મહિલાને 'થપ્પડ ' મારતા અને વધુ 'માર મારવાના' પ્રયાસમાં ઉગ્ર દેખાઈ રહ્યા છે.
વીડિયો વાઇરલ થયા બાદ પોલીસના વર્તન અંગે ઘણા સવાલો ઊભા થયા હતા. જોકે, ઍકટિવાચાલક મહિલા બંસરી ઠક્કરે 'પોલીસ સાથે ગેરવર્તન' કર્યું હોવાનો પણ મુદ્દો ઊઠ્યો છે.
આ ઘટના 19 ડિસેમ્બરના રોજ સાંજના સાડા છ વાગ્યે અંજલિ ચાર રસ્તા ખાતે બની હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં બંસરી ઠક્કર પર હાથ ઉપાડવાનો આરોપ અમદાવાદના એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલા સામે લાગ્યો છે.
વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ વિભાગ દ્વારા હેડ કૉન્સ્ટેબલને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસની કામગીરીમાં અવરોધ કરવા બદલ હેડ કૉન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલાએ બંસરી ઠક્કર સામે ફરિયાદ દાખલ કરી છે.
જોકે, 20 ડિસેમ્બરના રોજ બંસરીની અરજીના અનુસંધાને હેડ કૉન્સ્ટેબલ વિરુદ્ધ પણ દાખલ કરાઈ હોવાનું એન ડિવિઝન એસીપીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંસરીનું કહેવું છે કે, જો તેમણે ગેરવર્તણૂક કરી હોય તો પણ પોલીસ તેમનો હાથ પકડી ન શકે. પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે. કાયદાની કોઈ પણ કલમ પોલીસને તેમને મારવાની સત્તા આપતી નથી.
વાઇરલ વીડિયોમાં શુ દેખાય છે?
વાઇરલ વીડિયોમાં ઍક્ટિવાચાલક મહિલા બંસરી ઠક્કરને હેડ કૉન્સ્ટેબલ 'થપ્પડ' મારતા દેખાય છે.
ત્યાર બાદ મહિલા પોતાના મોબાઇલમાં પોલીસનો વીડિયો ઉતારતાં જોવા મળે છે. વીડિયોમાં બંસરી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને ફરિયાદ કરતાં પણ જોવા મળી રહ્યાં છે.
20 ડિસેમ્બરના રોજ આ જ ઘટનાનો વધુ એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં હેડ કૉન્સ્ટેબલ અને મહિલા વચ્ચે બોલાચાલી થતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં મહિલા પોલીસકર્મીને ગાળો આપતાં જોવા મળી રહ્યાં છે.
જોકે, આ ઘટનાનો એક અન્ય વીડિયો વાઇરલ થયો છે. જે ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસકર્મીના બૉડીવોર્ન કૅમેરામાં કેદ થયો હતો.
આ વીડિયોમાં એક પોલીસકર્મી દૂરથી આવતા દેખાય છે. વીડિયોમાં પોલીસકર્મી ઝાલા મહિલાને કહેતા સંભળાય છે કે, "તું તું-તારી ના કરીશ બહેન. મેં તને હજુ તું-તારી કરી નથી."
બાદમાં મહિલા કહેતાં સંભળાય છે કે, "હું તો કરીશ. લેડીઝ જોઈને હોશિયારી કરે છે."
ત્યાર બાદ મહિલા હાથમાંથી કાર્ડ ફેંકતાં દેખાય છે, જેના જવાબમાં હેડ કૉન્સ્ટેબલ ઉગ્ર સ્વરે કહેતા સંભળાય છે કે, "કાર્ડ કેમ નીચે ફેંકી દીધું. કાર્ડ ઉઠાવીને આપ."
વીડિયોમાં આગળ મહિલા ઉગ્રતાપૂર્વક કહેતાં સંભળાય છે કે, "હાથ કેમ અડાડે છે."
આના જવાબમાં પોલીસકર્મી ઉગ્ર સ્વરે કહે છે, "હાથ જ અડાડુંને. કાર્ડ કેમ નાખ્યું."
ત્યાર બાદ મહિલા ગાળ બોલે છે અને પોલીસ મહિલાને લાફો મારતા અને વધુ માર મારવાનો પ્રયાસ કરતા તેમજ સાથી ટ્રાફિકકર્મીઓ તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા દેખાય છે.
ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસકર્મી કહે છે કે, "ઇનચાર્જ રહેવા દો."
ત્યાર બાદ હેડ કૉન્સ્ટેબલ ઝાલા કહે છે કે, "ગાળ કેમ બોલે છે."
વીડિયોમાં આગળ બંસરી ઠક્કર નામનાં આ મહિલા ગાળો બોલતાં દેખાય છે.
ત્યાર બાદ પોલીસ અને મહિલા બંને એકબીજા સાથે ગાળાગાળી કરે છે.
વીડિયોમાં બાદમાં હેડ કૉન્સ્ટેબલ કંટ્રોલરૂમમાં ફોન કરતા સંભળાય છે અને સામેની બાજુએ મહિલાએ પણ કંટ્રોલરૂમમાં કૉલ કરે છે.
બંસરી ઠક્કરે પોલીસ પર શું આક્ષેપ કર્યા?
બંસરી ઠક્કરે બીબીસી ગુજરાતી સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે વાત કરી.
તેમણે કહ્યું, "અમે અંજલિ ચાર રસ્તા ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે મને રોકીને લાઇસન્સ માગ્યું હતું. મેં સાઇડમાં ઊભી રહીને લાઇસન્સ બતાવવાનું કહેતાં પોલીસે ઉશ્કેરાઈને મારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. મેં તેમને કહ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે વાત કેમ કરો છો."
તેઓ સમગ્ર ઘટનામાં પોતાનો મત વ્યક્ત કરતાં છે : "ત્યાર બાદ તેમણે મને પોતાનું આઇડી કાર્ડ બતાવ્યું. આઇડી કાર્ડ જોઈને તેમણે પાછું આપી રહી હતી, ત્યારે એ છટકી ગયું. એ બાદ એ પોલીસકર્મીએ મને લાફા મારવાનું શરૂ કર્યું હતું. તેમજ મારો હાથ પકડીને મરડી નાખ્યો હતો."
બંસરી સામે પોલીસને ગાળો આપવાનો આરોપ છે. આ અંગે પૂછેલા સવાલનો જવાબ આપતાં બંસરી કહે છે કે પોલીસે તેમને માર્યા બાદ તેમણે ગાળો આપી હતી.
તેમનું કહેવું છે કે, "પોલીસના ઍક્શન સામે એ મારી પ્રતિક્રિયા હતી. પોલીસે મને મારી અને મારો હાથ મરડ્યો હતો. હું પોલીસકર્મીને સામે મારી તો ન શકું, જેથી મારા આક્રોશને કારણે હું ગાળો બોલી હતી."
બંસરી વધુમાં કહે છે કે, "એમ માની લો કે હું શરૂઆતથી જ પોલીસ સાથે ગેરવર્તન કરી રહી હતી. તો આવી સ્થિતિ પોલીસે મારી સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. કાર્ડ છટકી જવું, ફેંકી દેવું કે ગેરવર્તન કરવા બદલ પોલીસ મારી પર હાથ ન ઉપાડી શકે."
નોંધનીય છે કે હાલ સોશિયલ મીડિયા પર બંસરી ઠક્કરનો પોલીસ આ અગાઉ થયેલી બોલાચાલીનો તેમજ આ ઘટનામાં બંસરી ઠક્કર સાથે ગેરવર્તન કર્યાનો જેમના પર આરોપ છે એવા પોલીસકર્મી હેડ કૉન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલાનો પબ્લિક સાથે ઘર્ષણનો એક વીડિયો સામે આવ્યો છે.
અંજલિ ચાર રસ્તાના ઘટનાક્રમનો વીડિયો બહાર આવ્યા બાદ બંસરી ઠક્કરનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જે 14 નવેમ્બરના રોજનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ વીડિયોમાં બંસરી પોલીસ સાથે ગેરવર્તન કરતાં હોવાના આક્ષેપ છે.
આ અંગે વાત કરતાં બંસરી કહે છે કે, "14 નવેમ્બરના રોજ પોલીસે મને કોઈ મેમો આપેલ નથી. તેમજ જો હું તે દિવસે ખોટી હતી અથવા તો મેં ગેરવર્તન કર્યું હતું તો પોલીસે તે દિવસે મારી સામે કેમ કાર્યવાહી ન કરી. જ્યારે મેં પોલીસ સામે ફરિયાદ કરવાની વાત કરી ત્યારે જ કેમ આ અંગે વાત કરવામાં આવી રહી છે."
સમગ્ર મામલે પોલીસે શું કહ્યું?
19 ડિસેમ્બરે બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં 20 ડિસેમ્બરે આ અંગે અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી ભાવના પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે કરાયેલી કાર્યવાહીની માહિતી આપી હતી.
પોલીસ અધિકારી ભાવના પટેલે સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થયો છે એ ઘટનામાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતી મહિલાને રોકીને તેઓ પાસે હેલ્મેટ ન પહેર્યા બાબતે પછપરછ કરતાં તેમણે પોલીસને ગમે તેમ બોલીને પોલીસ પાસે આઇડી કાર્ડ માગ્યું હતું. પોલીસે તેમને આઇડી કાર્ડ પણ બતાવ્યું. આઇડી કાર્ડ જોયા બાદ મહિલાએ કાર્ડ નીચે ફેંકી દીધેલું."
તેઓ આગળ જણાવે છે કે, "ઍક્ટિવાચાલક મહિલા પોલીસને ગાળો આપી રહ્યાં હતાં, તે બાબતે પોલીસે ગુસ્સે થઈને તેમની પર હાથ ઉગામ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલાને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. તેમજ ઍક્ટિવાચાલક મહિલા વિરુદ્ધ ફરજમાં અડચણરૂપ થવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે."
ભાવના પટેલે જણાવ્યું કે, "આ ઍક્ટિવાચાલક મહિલા અગાઉ પણ અન્ય પોલીસ સાથે ગેરવર્તન કરી હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. આ અંગે પણ તપાસ ચાલુ છે."
ડીસીપીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે, "આ ઘટનામાં અમારા અમારા હેડ કૉન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે જે હું માનું છું."
ભાવના પટેલે આગળ જણાવ્યું હતું કે, "ઘટના સમયે પોલીસ હેડ કૉન્સ્ટેબલનો બોડી વૉર્ન કૅમેરા ચાલુ હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે."
પોલીસે મહિલાની ફરિયાદ લીધી
બંસરી ઠક્કરનો આક્ષેપ છે કે તેઓ ઘટનાના દિવસ જ હેડ કૉન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયાં હતાં, પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી.
જોકે, 20 તારીખે હેડ કૉન્સ્ટેબલ વિરુદ્ધ આ મામલામાં ફરિયાદ દાખલ કરાઈ છે.
આ અંગે એન ડિવિઝન એસીપી એસ. એમ. પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ઍક્ટિવાચાલક મહિલા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "ઍક્ટિવાચાલક મહિલાએ આક્ષેપ કર્યા છે કે પોલીસ કૉન્સ્ટેબલે તેમને થપ્પડ મારી હતી. પોલીસે હેડ કૉન્સ્ટેબલ સામે 115(2) અને 351(2) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેમને આંખના ભાગે ઈજા થઈ છે. આ અંગે તેમનું મેડિકલ સર્ટિફિકેટ મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન