વેલેન્ટાઇન ડે : ગુજરાતી અને બંગાળી યુવકોની પ્રેમકહાણી કેવી રીતે શરૂ થઈ?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારું નામ સમીર શેઠ છે. હું ગે છું. છેલ્લાં ત્રીસ વર્ષથી હું મારા બંગાળી પાર્ટનર દિવ્યેન્દુ ગાંગુલી સાથે અમદાવાદમાં રહું છું."

સમીરને સંગીત અને ચિત્રોનો શોખ છે. તેઓ ચિત્રો દોરે છે અને દિલરૂબા નામનું સંગીતવાદ્ય વગાડવાનું શીખી રહ્યા છે.

સમીર કહે છે, "હું જૈન છું અને જૈનોમાં જે ભગવાનની જે આંગી હોય છે તે હું કપડાંથી બનાવું છું."

જ્યારે દિવ્યેન્દુ ગાંગુલી મૂળ બંગાળના છે અને વ્યવસાયે પત્રકાર છે. તેઓ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દિવ્યેન્દુ કહે છે, "મારી અને સમીરની વચ્ચે 13 વર્ષનો તફાવત છે. હું તેનાથી તેર વર્ષ મોટો છું."

"હું ત્રીસ વર્ષનો હતો ત્યારે સમીરને મળ્યો હતો. 1991થી અમે સાથે રહેવાનું શરૂ કર્યું છે."

સમીર હસતા-હસતા કહે છે, "હું તેર વર્ષ નાનો છું તેથી મારામાં થોડી ચંચળતા છે અને દિવ્યેન્દુ થોડો ઠરેલ છે. તેથી અમારો સંસાર સરસ રીતે ગોઠવાયેલો છે."

'જ્યારે મળ્યા ત્યારે લાગ્યું કે અમે બંને એકબીજા માટે જ રચાયા છીએ'

સમીર – દિવ્યેન્દુના ઘરમાં સરસ મજાનું રાચરચીલું છે. એવો કોઈ ખૂણો નથી જે કલાત્મકતાથી ખાલી હોય.

ક્યાંક ઝુમ્મર છે તો ક્યાંક ચિત્રો છે. તેમના સૂવાના ઓરડામાં - બૅડરૂમમાં સમલૈંગિકતાને ઉજાગર કરતું ચિત્ર છે. જે તેમને મિત્રએ ભેટ આપ્યું છે.

સમીર કહે છે, "અમે બંને પહેલી વખત એક મિત્ર મારફત મળ્યા હતા. અમે મળ્યા ત્યારે અમને બંનેને 'પ્રથમ નજરનો પ્રેમ - લવ ઍટ ફર્સ્ટ સાઇટ' જેવું લાગ્યું હતું."

"અમને થયું કે અમે પરસ્પર એકબીજાનું જીવન છીએ. પછી અમે બંને વારંવાર મળવા લાગ્યા અને પછી સાથે રહેવા લાગ્યા હતા."

દિવ્યેન્દુ પણ કહે છે, "અમે મળ્યા ત્યારે કુદરતે જ અમને એકબીજા માટે બનાવ્યા હોય એવું લાગ્યું હતું. આજે 33 વર્ષ પસાર થયા હોવા છતાં સમીર પ્રત્યે આજે પણ એટલું જ આકર્ષણ છે જેવું અમે પહેલી વખત મળ્યા ત્યારે હતું."

"પરિવાર ભલે મૉડર્ન હોય, તો પણ સ્વીકારવું અઘરું પડી જાય"

સમીર અને દિવ્યેન્દુને કિશોરવયે જ અણસાર આવી ગયો હતો કે તેઓ સમલૈંગિક છે.

સમીર કહે છે, "નાનપણથી જ મને લાગતું હતું કે હું કંઇક અલગ છું. છોકરીઓને જોઈને મને અંદરથી કોઈ લગાવ નહોતો થતો, પણ છોકરાને જોઈને એ થતો હતો."

"છોકરા સાથે વાત કરવાની એને સ્પર્શ કરવાની મને ઇચ્છા થતી હતી. તેથી મને થયું કે આ કંઇક અલગ સ્થિતિ છે."

સમીર યાદ કરતાં કહે છે, "મારી કિશોરાવસ્થાના સમયે તો હોમો સેકસ્યુઆલિટી કે ગૅ વિશે કંઈ ખબર નહોતી અને એ શબ્દો પણ આજની જેમ પ્રચલનમાં નહોતા."

તો પછી તેમણે કઈ રીતે પરિવારને જાણ કરી કે તેઓ સમલૈંગિક છે અને તેમનો પ્રતિભાવ શું હતો?

સમીર કહે, "આ પ્રકારની સ્થિતિમાં પ્રારંભિક તબક્કે કોઈ પરિવાર રાજી હોતો નથી, કારણકે તેમને સમાજનો ડર હોય છે. પરિવાર ગમે તેટલો મૉડર્ન હોય તો પણ તેમને જ્યારે ખબર પડે કે તેમના પરિવારના પુત્રની લૈંગિકતા અલગ છે ત્યારે એ સ્વીકારવું થોડું અઘરું પડી જતું હોય છે."

"હું માનું છું કે જ્યારે વાત ખૂબ અંગત હોય ત્યારે પરિવારને એટલી ગંભીરતા ન આપવી જોઈએ. નિર્ણય વ્યક્તિએ પોતે જ લેવો જોઈએ."

સમીર આગળ કહે છે, "મારા કિસ્સામાં એવું હતું કે પપ્પાને અણસાર હતો. તેમણે મને કહ્યું કે મને તારી સ્થિતિ વિશે ખબર છે તું મમ્મી સાથે વાત કર."

"એ પછી મેં મમ્મીને એટલું જ કહ્યું કે લગ્ન કરીને કોઈની જિંદગી બગાડવી એના કરતાં લગ્ન ન કરીને આપણી લાઇફ સારી રીતે જીવવી વધારે બહેતર છે. પરિવારને પણ આ વાત રુચિકર લાગી."

દિવ્યેન્દુ કહે છે, "ઘણાં વર્ષ પહેલાંની વાત છે. મારાં મમ્મી ગેસ્ટરૂમમાં હતાં અને હું અને સમીર માસ્ટર બેડરૂમમાં હતા. એ વખતે જ મમ્મીને અમારા સંબંધ વિશે આપોઆપ ખબર પડી ગઈ હતી."

"બીજે દિવસે સવારે મમ્મીએ મને કહ્યું કે લાગે છે કે સમીર તને ખૂબ પ્રેમ કરે છે. તારા લગ્નની મને જે ચિંતા હતી તે હવે રહી નથી. મને તારા પર ગર્વ છે."

'ભારતમાં સમલૈંગિક લગ્નોને મંજૂરી કેમ નથી અપાતી?'

ઘરમાં રસોઈ તેમજ ઘર સજાવટનાં કામ સમીર કરે છે અને વીજળીનું બિલ ભરવું કે બૅન્કનું કોઈ કામ હોય તો એ બધો બહારનો વહીવટ દિવ્યેન્દુ સંભાળે છે.

સમીરના હાથની ગુજરાતી કઢી દિવ્યેન્દુને દાઢે વળગી છે તો આલુપોસ્ત જેવું બંગાળી વ્યંજન પણ સમીર ખાસ દિવ્યેન્દુ માટે શીખ્યા છે.

સમીર અને દિવ્યેન્દુએ લગ્ન કર્યાં નથી. તેઓ લગ્ન કર્યા વગર જ એકસાથે રહે છે. જોકે, તેઓ એવું માને છે કે સમલૈંગિકોને લગ્ન માટે ભારતમાં છૂટ મળવી જોઈએ.

સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવા માટે દેશની વિવિધ અદાલતોમાં 20 જેટલી અરજી દાખલ થઈ હતી.

જેમાં હૈદરાબાદમાં રહેતા ગૅ કપલ સુપ્રિયા ચક્રવર્તી અને અભય ડાંગની અરજી મુખ્ય હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે 18 એપ્રિલ, 2023થી આ મામલે સુનાવણી શરૂ કરી હતી.

સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવા અંગેના આ મામલામાં ચુકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે 17 ઑક્ટોબર, 2023ના રોજ કહ્યું હતું, "એને કાયદાનું સ્વરૂપ આપવાનું કામ સંસદ અને વિધાનસભાનું છે."

દિવ્યેન્દુ કહે છે, "મને નથી લાગતું કે સંસદ કે વિધાનસભા દ્વારા કંઈ થવાનું છે. તેથી અમે લોકો સુપ્રીમ કોર્ટ પર મદાર રાખીને બેઠા હતા કે એ રસ્તે કંઇક માર્ગ નીકળશે, પરંતુ ન થયું. હવે જોઈએ આગળ શું થાય છે?"

દિવ્યેન્દુ કહે છે, "રાજ્ય સરકાર પણ આ મામલે કોઈ નક્કર સકારાત્મક કદમ લાવી શકે છે. કારણકે, આ રાજ્યનો પણ વિષય છે અને ગુજરાત સરકાર જો એવો નિયમ કરે કે એલજીબીટીક્યૂ (લૅસ્બિયન, ગૅ, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) લગ્ન કરી શકે અને એના લગ્નના સર્ટીફિકેટ આપે તો એ એક આવકાર્ય પગલું હશે. એને લીધે અન્ય રાજ્યોના સમલૈંગિક લોકો પણ પરણવા ગુજરાત આવશે."

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે પણ અહીં એલજીબીટીક્યૂ લગ્નને મંજૂરી નથી.

એ વાત ટાંકતાં દિવ્યેન્દુ કહે છે, "નેપાળ જેવા દેશમાં પણ એને માન્યતા મળી ગઈ છે. તાઇવાન અને થાઈલૅન્ડમાં લિગલ છે તો ભારતે પણ એમાં આગળ વધવું જોઈએ. ભારતમાં એવું ચિત્ર છે કે સમાજ ક્યારેક આગળ વધી જાય છે અને સરકાર અને કાયદો તેનાથી પાછળ રહી જાય છે."

"સરકારે આ મામલે લીડરશિપ પણ લેવી જોઈએ. ભારતમાં એલજીબીટીક્યૂ ફિલ્મ ફેસ્ટિવલ અને પરેડ વગેરે થાય છે પણ સરકાર એમાં ખાસ રસ લેતી નથી. ભારતમાં એલજીબીટીક્યૂ એ કોઈ રાજકીય ફોર્સ નથી તેથી પણ એને મહત્ત્વ નથી મળતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.