20 રૂપિયાના ‘જનતાના ઇલેક્ટોરલ બૉન્ડ’ વડે ડાબેરી પક્ષના સુદામા પ્રસાદે કેન્દ્રીય મંત્રીને કેવી રીતે હરાવ્યા? – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, આરાથી બીબીસી હિન્દી માટે

બિહારની આરા લોકસભા બેઠક પરથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી - માર્ક્સવાદી લેનિનવાદી (ભાકપા માલે)ના સુદામા પ્રસાદે કેન્દ્રીય ઊર્જા પ્રધાન રહેલા આર કે સિંહને 59,808 મતથી હરાવીને સૌને ચોંકાવી દીધા છે.

સુદામા પ્રસાદનો આ વિજય બહારની દુનિયા માટે ભલે આશ્ચર્યજનક હોય, પરંતુ આરા લોકસભાના ગ્રામ્ય મતવિસ્તારોમાં રહેતા સીમાંત ખેડૂતો, ફૂટપાથ પરના દુકાનદારો, બાંધકામ કામદારો, રિક્શાચાલકો અને ટેમ્પોચાલકો માટે ચોંકાવનારો નથી.

આ લોકોએ લગભગ રૂ. 45 લાખનો ફાળો એકઠો કરીને સુદામા પ્રસાદના ચૂંટણી ખર્ચની વ્યવસ્થા કરી હતી.

સુદામા પ્રસાદ અને ભાકપા માલેએ કૂપન તથા સાંસ્કૃતિક જૂથો મારફત, સતત મોંઘી થતી ચૂંટણીને પડકારી હતી અને તેમાં સફળ થયા છે.

બરતના દેવી આકરા તાપમાં પોતાની ઝૂંપડીના છાંયામાં બેઠાં છે. તેઓ શરમાતાં કહે છે, “સુદામા નેતા છે. અમે તેમને 100 રૂપિયા ફાળો આપ્યો છે.”

રજવાર જ્ઞાતિના બરતના દેવીના પતિ બીઘારામ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરે છે. સોન નહેરના કિનારે રહેતા બીઘારામને મજૂરીનું કામ ક્યારેક જ મળે છે.

મજૂરીમાં 300 રૂપિયા મળે છે. 300 રૂપિયાની કમાણીમાંથી 100 રૂપિયા ફાળો આપવા વિશેના સવાલનો જવાબ આપતાં બરતના દેવી કહે છે, “પક્ષે અમને ઝૂંપડી બનાવવા માટે જમીન અપાવી છે એટલે અમે તેમને મત અને ફાળો આપીશું.”

વાસ્તવમાં બરતના દેવી ચારુગ્રામમાં રહે છે. ચારુગ્રામ ભાકપ માલેના સ્થાપક ચારુ મજુમદારના નામે વસાવવામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પાસી, રજવાર, કાનૂ, મલ્લાહ અને ચંદ્રવંશી વગેરે જ્ઞાતિઓના 78 પરિવારો રહે છે.

આ બધા પરિવારો ભોજપુરના તરારી બ્લૉકના બિહટા ગામમાં 1989ની 24 નવેમ્બરે થયેલા નરસંહાર પછી બેઘર થઈ ગયા હતા.

1989ની લોકસભાની એ ચૂંટણીમાં સવારે સાત વાગ્યે મતદાન વખતે બિહટામાં દલિતો તથા ઊંચી જ્ઞાતિઓના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. તેમાં ઊંચી જ્ઞાતિના પાંચ લોકોની હત્યા થઈ હતી. પછી સાંજે 22 દલિતોની હત્યા થઈ હતી.

ચારુગ્રામમાં રહેતા દદન પાસવાન કહે છે, “એ પછી 1994માં ભાકપા માલેના નેતૃત્વમાં 17 દિવસ ધરણાં કરવામાં આવ્યાં હતાં. એ ધરણામાં સુદામા પ્રસાદ પણ હતા. એ ધરણા પછી અમારા બધા 78 પરિવારોને જમીનની પહોંચ મળી હતી અને અમે બિહટાથી અલગ પોતાનું ઘર બનાવ્યું હતું.”

“અમે આ ગામનું નામ ચારુગ્રામ રાખ્યું છે. અહીંથી રૂ. 30,000 એકઠા કરીને પક્ષને આપ્યા છે. અહીં રહેતા લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે કરે છે. ગરીબોનો પક્ષ છે એટલે મદદ તો કરવી જ જોઈએ.”

કૂપન છપાવીને લીધો ફાળો

વાસ્તવમાં ભોજપુર વિસ્તારને ‘બિહારના નક્સલબાડી આંદોલન’ના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં 70ના દાયકાથી ભાકપા માલેનો પ્રભાવ છે.

ભાકપા માલેના રાજ્ય સચિવ કુણાલ કહે છે, “અમે ગરીબોની લડાઈ સતત લડ્યા છીએ. તેમના મતાધિકારથી માંડીને તેમની ખેતી, મજૂરીના મુદ્દે અમે લડતા રહ્યા છીએ અને વિધાનસભાની ચૂંટણી જીતતા રહ્યા છીએ. આ અગાઉ 1989માં આરા લોકસભા બેઠક પરથી અમારા પક્ષના રામેશ્વર પ્રસાદે વિજય મેળવ્યો હતો. વચ્ચેના સમયગાળામાં અતિ પછાત તથા નાના ધંધાર્થીઓનો ટેકો અમને ન હતો. અતિ પછાત લોકો નીતિશજી સાથે હતા, પરંતુ આ વખતે તેઓ અમારી સાથે રહ્યા છે.”

ડાબેરી પક્ષોની ચૂંટણી લડવાની પેટર્ન જોઈએ તો તેઓ સામાન્ય રીતે લોકોના સહયોગથી જ ચૂંટણી લડે છે. ભાકપા માલેએ આ સિસ્ટમને આ વખતે વધારે સુનિયોજિત કરી હતી અને રૂ. 20, 50 અને 100ની કૂપન છપાવી હતી.

કુણાલ કહે છે, “અમારો પક્ષ દરેક વખતે આ રીતે ચૂંટણી લડે છે, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બૉન્ડની ચર્ચા શરૂ થઈ ત્યારથી અમે એ તર્જ પર ખાસ કૂપન બહાર પાડી હતી.”

બે વખત વિધાનસભ્ય રહેલી વ્યક્તિને લોકો આસાનીથી ફાળો આપે છે? આ સવાલનો જવાબ અમને ભાકપા માલેની તરારી બ્લૉક ખાતેની ઑફિસમાંથી મળ્યો.

ઑફિસમાં બ્લૉક કમિટીના સભ્ય રામદયાલ પંડિત ટીનની છત નીચે ઝૂલતા એક પંખા હેઠળ બેઠા છે. ભીષણ ગરમીને કારણે તેમની આંખોની નીચે પરસેવાના ટીપા વારંવાર એકઠા થાય છે.

રામદયાલ પંડિત બીબીસીને કહે છે, “અહીં 19 પંચાયત છે. અમે જતા હતા તો લોકો પૂછતા હતા કે આટલા દિવસ વિધાનસભ્ય તરીકે કામ કર્યું છે તો ફાળો શા માટે એકઠો કરો છો. અમારે લોકોને સમજાવવું પડતું હતું કે અમે જનતાના સહયોગથી જ ચૂંટણી લડીએ છીએ, જેથી લોકોનો અમારા પર અધિકાર યથાવત રહે. અમને દરેક પંચાયતમાંથી રૂ. 50,000 એકઠા કરવાનું ટાર્ગેટ મળ્યું હતું. તેમાં અમે ક્યાંક સફળ થયા અને ક્યાંક નિષ્ફળ રહ્યા.”

મિઠાઈની દુકાનથી નેતા બનવા સુધીની સફર

આરા લોકસભા બેઠક પરથી સંસદસભ્ય બનેલા સુદામા પ્રસાદ અગિગાંવ વિધાનસભાના પવના ગામના છે. આ ગામનાં 70 વર્ષનાં શાંતિ દેવી ખેત મજૂરી કરતાં હતાં.

20 રૂપિયાની કૂપન દેખાડતાં તેઓ કહે છે, “પહેલાં ત્યાં જતા હતા ત્યારે સામંતી શક્તિવાળા લોકો કંઈ પણ કહી દેતા હતા, પરંતુ હવે તેમની તાકાત એટલી રહી નથી. પક્ષ મજબૂત રહેશે ત્યારે જ અમે લોકો જિંદગી જીવીશુંને.”

પવના ગામનાં મુન્ની દેવીએ પણ 20 રૂપિયાની કૂપન ખરીદી હતી. પોતાના નાના સંતાનને ખોળામાં બેસાડીને બેઠેલાં મુન્ની દેવી કહે છે, “પૈસા બળજબરીથી આપ્યા નથી. ત્રણ તારા (ભાકપા માલેનું ચૂંટણી ચિહ્ન)ને એમ ધારીને મત આપ્યો છે કે સુદામાજી ખેત મજૂરો માટે કશુંક કરશે.”

પવના ગામમાં કૂપન વહેંચવાની જવાબદારી વિષ્ણુ મોહન પર હતી. તેઓ કહે છે, “પવનામાં યાદવ, કુશવાહા, રાજપૂત સહિતની અનેક જ્ઞાતિના લોકો રહે છે. અમે બધાની વોટિંગ પેટર્ન જાણીએ છીએ. એ હિસાબે અમે કૂપન વહેંચી હતી અને લોકોએ ખુશીથી ફાળો આપ્યો હતો. અહીં રૂ. 10,000 ફાળો એકઠો થયો હતો.”

વાસ્તવમાં આરાના અરવલ માર્ગ પરનું પવના બજાર સુદામા પ્રસાદના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ છે. આ બજારમાં તેમની મિઠાઈની નાનકડી દુકાન છે.

1980માં એક સ્થાનિક હવાલદાર સાથે ચાની કિંમતના મામલે આસપાસની દુકાન પર તકરાર થઈ હતી.

એ ઘટનાને યાદ કરતાં સુદામા પ્રસાદ કહે છે, “મહેન્દ્રસિંહ નામનો એક હવાલદાર આવ્યો હતો અને તેણે આઠ સ્પેશ્યલ ચાનો ઑર્ડર આપ્યો હતો. તેમની પાસે ચાર રૂપિયા માંગ્યા તો તેઓ નારાજ થઈ ગયા અને કહ્યું કે આટલી મોંઘી ચા ક્યાંય મળતી નથી. તેમણે પૈસા તો ચૂકવી દીધા હતા, પરંતુ સાથે ધમકી પણ આપી ગયા હતા. મારી દુકાન સામે એક હત્યા થઈ હતી, જેમાં તેમણે મારા પિતાજી, કાકા અને મને જેલમાં મોકલી આપ્યા હતા. અમને 81 દિવસ જેલમાં રાખ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા.”

એ ઘટના પછી સુદામા પ્રસાદે સામાજિક જીવનમાં ઝંપલાવ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશ, બંગાળ, અવિભાજિત બિહારમાં ઠેકઠેકાણે નાટકોમાં અભિનય કર્યો હતો તેમજ સોન નહેરને પાક્કી કરવાના, આરા-સાસારામ બ્રૉડગેજ લાઇન, ફૂટપાથના દુકાનદારો, ભોજપુરમાં યુનિવર્સિટીની સ્થાપનાના મુદ્દે 1984થી ‘ભોજપુર જગાઓ, ભોજપુર બચાઓ’ અભિયાન ચલાવ્યું હતું.

એ દરમિયાન તેઓ અનેક વખત જેલમાં ગયા હતા. 1990માં તેઓ જેલમાંથી આરા વિધાનસભાની પોતાની પહેલી ચૂંટણી લડ્યા હતા. તેમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધી વરિષ્ઠ નારાયણ સિંહે તેમને 4,000 મતથી હરાવ્યા હતા.

એ પછી પણ તેઓ અનેક વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમને સફળતા મળી હતી. તેમણે આરા તરારી વિધાનસભા બેઠક માત્ર 272 મતની સરસાઈથી જીતી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં તે સરસાઈ વધીને 12,000ની થઈ ગઈ હતી.

સાંસ્કૃતિક પ્રચાર વડે મતદાતાઓની સમસ્યાઓ ઉઠાવી

ભાકપા માલેએ આરા લોકસભા મતવિસ્તારમાં કૂપન ઉપરાંત ભોજપુરી ગીતો મારફત પ્રચાર કર્યો હતો. એટલે કે પક્ષે સાંસ્કૃતિક પ્રચાર અભિયાન આક્રમક રીતે હાથ ધર્યું હતું.

આ પ્રચારની જવાબદારી જિમ્મા સમતા, રાજુ રંજન અને કૃષ્ણકુમાર નિર્મોહીએ લીધી હતી. આ બધા દાયકાઓથી પક્ષના સાંસ્કૃતિક સંગઠનનું કામકાજ સંભાળે છે.

કૃષ્ણકુમાર નિર્મોહી ગીતો લખે છે અને ગાય છે. તેઓ કહે છે, “અમે આખું વર્ષ લોકોની વચ્ચે જ રહીએ છીએ. તેથી લોકોની સમસ્યાઓથી વાકેફ હોઈએ છીએ. ચૂંટણી પહેલાં એ જ સમસ્યાઓ વિશેનાં ગીતો લખ્યાં હતાં. દસ-વીસ લોકો બેઠા હોય ત્યાં પણ અમે ગીતો ગાવાનું શરૂ કરી દેતા હતા. ગીતો ગાવાની સાથે કૂપનની વહેંચણી પણ કરતા હતા.”

પક્ષ સાથે જોડાયેલા કલાકારોનાં ગીતો પણ રેકૉર્ડ કરવામાં આવ્યા હતા, જેથી ખર્ચ ઘટાડી શકાય. સોશિયલ મીડિયા પર હાજરી પણ વધારવામાં આવી હતી.

હકીકતમાં જવાબદારી સુદામા પ્રસાદની આગવી વિશેષતા છે. 2015માં વિધાનસભ્ય બન્યા પછી પોતાના વિધાનસભા મતવિસ્તારમાં વિધાનસભ્ય ભંડોળમાં મળેલા પૈસા અને ખર્ચના હિસાબનો રેકૉર્ડ તેઓ જાહેર કરતા રહ્યા છે.

એ સિવાય તેમણે પુસ્તકાલય સમિતિના અધ્યક્ષ તરીકે બિહાર વિધાનસભાના 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પુસ્તકાલયોનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો.

કૃષિ ઉદ્યોગ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે ભાગીદાર ખેડૂતોને ઓળખપત્રો આપવાની માગણી કરી હતી.

63 વર્ષના સુદામા પ્રસાદના આવાં નાનાં-નાનાં પગલાંઓથી તેમનો પક્ષ મજબૂત થયો.

સહાર પ્રખંડના મથુરાપુરના રાણા પ્રતાપસિંહ કહે છે, “અમે 2016 સુધી અમારું ધાન્ય રૂ. 1,000 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેપારીઓને વેચતા હતા, કારણ કે ભાગીદાર પાસેથી પેક્સ ધાન્ય ખરીદતું ન હતું, પરંતુ સુદામા પ્રસાદે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો પછી હવે અમારું અનાજ પેક્સ ખરીદે છે. જાન્યુઆરી, 2024માં અમે અમારું અનાજ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,183ના ભાવે વેચ્યું હતું.”

બેરોજગારીનો સવાલ

સુદામા પ્રસાદે શોભા મંડલ સાથે આંતરજ્ઞાતીય વિવાહ કર્યા છે. શોભા મંડલ મહિલા સંગઠન ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વીમેન્સ એસોસિએશન (એપવા) સાથે જોડાયેલાં છે.

આ દંપતિને બે પુત્ર છે. તે પૈકીનો એક પટના હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ સેક્શન ઑફિસર છે.

સુદામા પ્રસાદના સંયુક્ત પરિવારની પણ તેમની પાસેથી ઘણી આશા છે. 27 વર્ષના સૌરભ સુદામા પ્રસાદના ભત્રીજા છે. સૌરભે 2018માં બી.ટેક કર્યું હતું અને એ પછીથી તેઓ બીપીએસસીની તૈયારી કરી રહ્યા છે.

સૌરભ કહે છે, “તેમણે બેરોજગારી વિશે સવાલ ઉઠાવતા રહેવું જોઈએ. અમે લોકો બહાર જઈને શિક્ષણ તો મેળવી લઈએ છીએ, પરંતુ નોકરી નથી મળતી.”

પવના ગામના સુદેશકુમાર ચંદ્રવંશી બજારમાં મરઘા વેચે છે. તેઓ કહે છે, “અમે પણ નેતાજીને 20 રૂપિયા ફાળો આપ્યો હતો. તેઓ શિક્ષણ અને રોજગારના મુદ્દે કામ કરશે એવી આશા છે. બિહારમાં શિક્ષણની બહુ ખરાબ સ્થિતિ છે.”

આરા લોકસભા મતવિસ્તાર માટેની બ્લુપ્રિન્ટના સવાલના જવાબમાં સુદામા પ્રસાદ કહે છે, “ખેતીને લાભદાયક બનાવવાની, આરામાં ખેતી આધારિત કલ કારખાનું શરૂ કરવાની મારી અગ્રતા છે. નોટબંધીને કારણે વેપારી વર્ગ બહુ પરેશાન છે. તેથી તેમના માટે વેપારી પંચની રચના અને શહેરી-ગ્રામ્ય ગરીબોનું જીવન ગરિમામય બનાવવાનો પ્રયાસ હું કરીશ.”

‘અહંકારે હરાવ્યા’

આરા લોકસભા ચૂંટણીના પરિણામ પર નજર કરતાં સમજાય છે કે આ લોકસભા બેઠક હેઠળના સાત વિધાનસભા મતવિસ્તારોમાં આર કે સિંહને માત્ર આરા વિધાનસભા મતવિસ્તારમાં જ સરસાઈ મળી હતી. અહીં સિંહને 82,324 મત, જ્યારે સુદામા પ્રસાદને 74,053 મત મળ્યા હતા.

સનદી અધિકારી આર કે સિંહ 2014 અને 2019માં અહીંના સંસદસભ્ય હતા. બિહારના સમસ્તીપુરમાં બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીનો રથ અટકાવીને આર કે સિંહ સમાચારમાં ચમક્યા હતા.

આર કે સિંહ હેટ્રિક ન કરી શક્યા તેનો અફસોસ આરા શહેરના તેમના ટેકેદાર મતદાતાઓમાં જોવા મળે છે.

કુમાર વિશ્વાસ કહે છે, “આરાને અત્યાર સુધી આવા સંસદસભ્ય મળ્યા ન હતા. તેમને કારણે જ આરાથી પટના વચ્ચેની સવારની 7.17ની ડેઈલી પેસેન્જર ટ્રેનને લોકો આર કે સિંહ ટ્રેન તરીકે ઓળખે છે. તેઓ મોદીના નવરત્નો પૈકીના એક હતા, જેમને આરાએ પરાજિત કર્યા.”

તેમની બાજુમાં ઊભેલો એક યુવાન રોહિત કહે છે, “વીજ વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત કરી નાખવામાં આવી હતી. જે દિવસથી આર કે સિંહ હાર્યા છે તે દિવસથી વીજ વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. મતદારોએ જ્ઞાતિના આધારે મતદાન કર્યું છે.”

પોતાના પરાજય પછી ખુદ આર કે સિંહ પણ ઘટક દળોના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે મીટિંગ કરી રહ્યા છે. ગત 16 જૂને તેમણે આરા શહેરમાં આવી એક મીટિંગ કરી હતી. એ મીટિંગમાંથી બહાર આવેલા મોટાભાગના લોકો શહેરના વિખ્યાત રમતના મેદાન પાસે એકઠા થયા હતા.

લોજપા (આર)ના જિલ્લા અધ્યક્ષ રાજેશ્વર પાસવાને કહ્યું, “400 પારના નારા અને અનામત-બંધારણ બચાવવાની વાત દલિતોના દિલ સુધી પહોંચી હતી. તેમ છતાં અમે પણ લોજપાના વોટ ટ્રાન્સફર કરાવ્યા હતા. આર કે સિંહને તેમના જ લોકોએ નુકસાન કર્યું છે.”

બામપાલી પંચાયતના ભૂતપૂર્વ સરપંચ અને લોજપાના કાર્યકર્તા પ્રમોદ પાસવાન કહે છે, “ભાકપ માલેના લોકો ઘરે-ઘરે જતા હતા. ફાળો એકઠો કરતા હતા અને એ ઘરમાં ભોજન પણ કરતા હતા, પરંતુ એનડીએના નેતાઓ એરકન્ડીશનમાંથી બહાર જ ન નીકળ્યા. તમે લોકો પાસે જાઓ તો લોકોનો લગાવ પણ તમારી સાથે હોય છે.”

બીજી તરફ ભાજપના આરા નગર મંડલ સાથે જોડાયેલા એક કાર્યકર કહે છે, “ભાજપ હાર્યો નથી, પરંતુ આર કે સિંહની તાનાશાહી હારી છે. કાર્યકર્તાઓને મળતા ન હતા એટલે કાર્યકર્તાઓ પણ એમ ધારીને ઘરે જઈને ઊંઘી ગયા હતા કે તમે તમારી તાકાત પર ચૂંટણી લડી લો.”

જેડીયુના અતિ પછાત વર્ગ વિભાગના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ કહે છે, “400 પારના નારા અને હિન્દુ-મુસ્લિમને કારણે ભાજપ આ બેઠક પર હારી ગયો.”

રાજદ સાથેની યુતિથી પણ મળી મદદ

આરા ડિજિટલ ભાસ્કરના વરિષ્ઠ સંવાદદાતા અભિનય બાલી બીબીસીને કહે છે, “આર કે સિંહના પ્રચારમાં મુશ્કેલી એ હતી કે તેમને તેમના લોકોએ સહકાર ન આપ્યો. એટલે કે ભાજપથી નારાજગી હતી અને તેનું નિવારણ થઈ શક્યું હોત. આર કે સિંહને તેમના જ લોકોએ ત્યાં પહોંચવા ન દીધા, જ્યારે ઇન્ડિયા ગઠબંધનનો પ્રચાર વધારે સંગઠિત હતો.”

આરા લોકસભા મતવિસ્તારમાં 21 લાખ મતદારો છે. તેમાંથી લગભગ સાડા ત્રણ લાખ મતદારો યાદવ જ્ઞાતિના છે. જ્ઞાતિગત રીતે અહીં યાદવોની સંખ્યા સૌથી વધુ છે.

ભોજપુર વિસ્તારમાં 1990થી કામ કરતા રાષ્ટ્રીય જનતા દળની પ્રદેશ કારોબારીના સભ્ય મહેશ સિંહ યાદવ બીબીસીને કહે છે, “આ વખતે સુદામા પ્રસાદની જીતનું કારણ રાજદના બેઝ વોટ અને ભાકપ માલેના કેડર વોટ મળ્યા તે છે. અતિ પછાત મતદારો કાયમ નીતિશજી સાથે રહેતા હતા. આ વખતે તેમણે અતિ પછાત વર્ગના સુદામા પ્રસાદને મત આપ્યા છે. એ ઉપરાંત કારાકાટમાં ઉપેન્દ્ર કુશવાહા સામે પવન સિંહની ઉમેદવારીથી નારાજ કુશવાહા જ્ઞાતિના લોકોએ પણ ભાકપા માલેને મત આપ્યા છે. આ બધા ફેક્ટરને કારણે ભાકપા માલેનો વિજય થયો છે, જેમાં રાજદની મહત્ત્વની ભૂમિકા છે.”

ભાકપા માલેની દાવેદારી વધી

જોકે, આર કે સિંહના પરાજિત કરનાર સુદામા પ્રસાદ કહે છે, “અહંકાર બહુ ખરાબ ચીજ છે. લોકો વિધાનસભ્ય, સંસદસભ્ય, સરપંચને મત આપીને જિતાડે છે તેમ તેમને જમીન પર પટકે પણ છે. તેથી કોઈ પણ લોકપ્રતિનિધિનો પ્રથમ એજન્ડા લોકોના સુખ-દુઃખમાં સામેલ થવાનો હોવો જોઈએ. તમે સોનાના મહેલ બનાવી દો એવી અપેક્ષા લોકોની નથી હોતી.”

બિહારમાં લોકસભાની ચૂંટણીમાં ભાકપા માલેના ખાતામાં ત્રણ બેઠકો આવી છે. કારાકાટ અને આરામાં તેઓ વિજય મેળવવામાં સફળ થયા છે.

કારાકાટમાં ભાકપા માલેના ઉમેદવાર રાજા સિંહે અપક્ષ ઉમેદવાર પવન સિંહ અને એનડીએના ઉમેદવાર સામે વિજય મેળવ્યો છે.

2020ની વિધાનસભા ચૂંટણીમાં 12 બેઠકો અને લોકસભાની ચૂંટણીમાં આ બે બેઠકો જીતીને પક્ષ ઉત્સાહિત હોય એ દેખીતું છે.

રાજ્ય સચિવ કુણાલ સંકેત આપે છે, “આ વખતે વિધાનસભા ચૂંટણીમાં અમે 19થી વધુ બેઠકો માટે દાવો કરીશું. અમારો સ્ટ્રાઇક રેટ વધારે છે. તેથી અમને વધારે બેઠકો મળવી જોઈએ.”