You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતીશકુમાર જ બિહારના રાજકારણમાં હંમેશાં કેન્દ્રમાં કેમ રહે છે?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
બિહારમાં અટકળો વધી રહી છે કે મુખ્ય મંત્રી અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના પ્રમુખ નીતીશકુમાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કૉંગ્રેસ સાથે મહાગઠબંધનને છોડીને ફરીથી એનડીએમાં જઈ શકે છે.
મીડિયા અહેવાલોમાં તો નીતીશકુમાર ભાજપની સાથે સરકાર બનાવશે તેવી પણ અટકળો ચાલી રહી છે.
જોકે, બિહાર જેડીયુ પ્રમુખ ઉમેશસિંહ કુશવાહાએ આ અહેવાલોને માત્ર અટકળો બતાવી છે. તેમને કહ્યું કે અમારો પક્ષ હજુ પણ ‘મહાગઠબંધનની સાથે જ છે’ અને આ વાતમાં કોઈ ‘ભ્રમ’ નથી.
તેમને ઉમેર્યું, “અમને કોઈ જાણકારી નથી. અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે અમારા નેતા કામમાં વ્યસ્ત છે.”
કુશવાહાએ જણાવ્યું કે અમારા નેતા વિપક્ષી એકતાના સૂત્રધાર છે. તેમને જ બધી વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાનું કામ કર્યું છે ત્ચારે તો ઇન્ડિયા ગઠબંધન શક્ય બન્યું. અમારા નેતા ઇચ્છતા હતા કે ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી જલદી કરવામાં આવે જેના પર કૉંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.
આ ઘટનાક્રમ વિશે વાત કરતા ભાજપના નેતા રેણુદેવીએ કહ્યું કે આ વિશે મને કોઈ જાણકારી નથી. અમારો અત્યારે એક જ ધ્યેય છે અને અમે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ નીતીશકુમારે કહ્યું હતું કે તેઓ એનડીએમાં પાછા નહીં જાય અને ભાજપે પણ કહી ચૂક્યો છે કે નીતીશકુમારની એનડીએમાં જરૂર નથી.
નીતીશકુમારે બિહારના પૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. તે સમયે કોઈનું પણ નામ લીધા વગર તેમણે કહ્યું કે કર્પૂરી ઠાકુર તેમના પરિવારનો પક્ષ ન લેતા પરંતુ રાજનીતિમાં આજે લોકો પરિવારને આગળ વધારવામાં લાગ્યા છે. ત્યાર પછી એવી અટકળો શરૂ થઈ કે તેઓ મહાગઠબંધન છોડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બહાનું કે પહેલેથી જ તૈયારી...
નીતીશકુમાર 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં 2013માં એનડીએથી અલગ થયા હતા. ત્યાર પછી તેમણે કૉંગ્રેસ અને આરજેડી સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું.
વર્ષ 2017માં તેઓ મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીથી એનડીએમાં સામેલ થયા. જોકે, તેમણે ફરીથી એનડીએ સાથે ગઠબંધન તોડીને ફરી પાછી મહાગઠબંધનમાં વાપસી કરી. હવે, ફરી એક વાર તેમની એનડીએમાં વાપસીની અટકળો લાગી રહી છે.
તેમના અનેક વખત પક્ષ બદલવાને કારણે કેટલાક મીડિયા દ્વારા તેમને ‘પક્ષપલટુ’ કહેવામાં આવે છે.
બિહારના પાટનગર પટણાસ્થિત એએન સિન્હા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝના પૂર્વ નિદેશક ડીએમ દિવાકરે કહ્યું કે નીતીશકુમાર સત્તાની રાજનીતિ કરે છે. તેઓ ‘સમજાય ન તેવા’ છે અને એ વાતને સમજે છે કે જો સત્તા હાથમાં રહેશે તો બધું જ બરોબર ચાલશે.
તો પટણાના વરિષ્ઠ પત્રકાર સુરૂર અહમદે કહ્યું, “જો આ સમાચાર સાચા હોય તો નીતીશકુમાર ઘણું આમતેમ કરી રહ્યા છે. જે લોકો લાલુ યાદવની સાથે છે તેઓ કહે છે કે લાલુજી પોતાના કહ્યા પર અડગ રહ્યા છે. જ્યારે નીતીશકુમારને જોઈએ તો દોઢ વર્ષ પહેલાં તેઓ મહાગઠબંધનમાં જોડાયા ત્યાર પછી અધ્યાપકોને કાયમી નોકરી આપી અને હવે ફરીથી પલટી મારશે? શું કર્પૂરી ઠાકુર માત્ર એક બહાનું હતું અને આ બધી તૈયારી પહેલેથી જ થઈ રહી હતી?”
મીડિયામાં કેટલાક દિવસોથી એ વાત ચાલી રહી છે કે નીતીશકુમાર નારાજ હતા, કારણ કે તેમને ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય ચહેરો ન બનાવાયો. ગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠકો અંગે સંકલનમાં વિલંબ એ તેમની નારાજગીનું બીજું કારણ હતું.
બિહારમાં 'નીતીશ ફેક્ટર'
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત પહેલાં જેડીયુ નેતા કેસી ત્યાગીએ બીબીસી સાથેની વાતચીતમાં ચિંતા કરી હતી કે રાહુલ ગાંધીની દિલ્હીમાં ગેરહાજરીની અસર ઇન્ડિયા ગઠબંધનનાં દળો વચ્ચે સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલી વાતચીત પર પડી શકે છે.
ત્યાર પછી નીતીશકુમારે બિહારના પૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે વંશવાદની રાજનીતિ પર પ્રહાર કર્યા હતા. મીડિયામાં આ વાતને લાલુ પરિવાર પર પ્રહાર તરીકે જોવાઈ રહી છે, પરંતુ જેડીયુએ આ વાતનો ઇનકાર કર્યો હતો.
જોકે, આરજેડી હોય કે ભાજપ બન્ને પક્ષો માટે નીતીશકુમારે વર્ષોથી પોતાને રાજકીય રીતે પ્રાસંગિક રાખ્યા છે.
ડીએમ દિવાકરે કહ્યું, “બિહારમાં જ્યાં સુધી કોઈ રાજકીય દળ અન્ય પાર્ટીનું સમર્થન ન કરે ત્યાં સુધી સરકાર ન બની શકે. નીતીશે બન્ને તરફ બારી ખુલ્લી રાખી હતી – આરજેડી માટે અને ભાજપ માટે પણ. જ્યારે તેમને આરજેડી સાથે તકલીફ પડે છે ત્યારે તેઓ ભાજપની સાથે સરકાર બનાવે છે અને જ્યારે ભાજપ સાથે મુશ્કેલીઓ વધે તો ફરી આરજેડી સાથે સરકાર બનાવે છે.”
તેમણે ઉમેર્યું, “નીતીશની પાસે પોતાનો મોટો જનાધાર નથી પણ તેઓ જ્યારે બીજી પાર્ટીને સમર્થન આપે છે તો એના મતદારો પણ એમની સાથે હોય છે. જાતિનું રાજકારણ એટલી હદે પ્રબળ બની ગયું છે અને જાતિની વસ્તીગણતરી બાદ દરેક જાતિને પોતાનું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે.”
નીતીશ “સુશાસન બાબુ” કુમાર
નીતીશકુમારે પોતાની રાજકીય યાત્રાની શરૂઆત લાલુ યાદવ અને જ્યૉર્જ ફર્નાન્ડીસ સાથે કરી હતી. આ શરૂઆત 1974માં થયેલા વિદ્યાર્થી આંદોલનથી થઈ હતી.
લાલુ યાદવ જ્યારે 1990માં બિહારના મુખ્ય મંત્રી બન્યા ત્યારે નીતીશકુમાર તેમના મહત્ત્વના સહયોગી હતા. જોકે, જ્યૉર્જ ફર્નાન્ડીસ સાથે તેમણે 1994માં સમતા પાર્ટીની સ્થાપના કરી હતી.
વર્ષ 1995માં પહેલી વખત નીતીશકુમારની સમતા પાર્ટીએ લાલુ યાદવની સરકારને ‘જંગલરાજ’નો મુદ્દો બનાવ્યો હતો. આ મુદ્દા પર વિપક્ષે 2000 અને 2005માં બિહારની વિધાનસભાની ચૂંટણીઓ લડી. નીતીશકુમારના નેતૃત્વમાં 2005માં સરકાર બની.
સરકારનાં શરૂઆતી વર્ષોમાં 'ઈમાનદાર' અને 'સુશાસન બાબુ'ની છબી ધરાવનાર નીતીશકુમાર પોતાને લાલુ યાદવની વિરુદ્ધ એક સશક્ત વિકલ્પ આપવામાં સફળ રહ્યા.
પટણામાં વરિષ્ઠ પત્રકાર સુરૂર અહમદે જણાવ્યું, “વર્ષ 2005-2010 વચ્ચે તેમણે જે કામ કર્યું તેને કારણે રાજ્યમાં તેમની નામના વધી. કોઈ પણ જાતિ, સમુદાય, પાર્ટી કે સમાજ હોય- તેઓ 12થી 13 ટકા વોટ લાવે છે. ડાબેરી વિચારધારાના કેટલાય લોકો આ કારણે નીતીશકુમારની સાથે ગયા. લાલુની વિરુદ્ધ એક વિકલ્પ બનવાને કારણે તેમને જે જગ્યા મળી તે આજે પણ યથાવત્ છે, પછી તે જગ્યા થોડી નાની પણ કેમ ન હોય.”
નીતીશકુમારે બિહારના સૌથી પછાત સમુદાય અને દલિતોને ભેગા કરીને એક મોટી વોટબૅન્ક બનાવી અને આ તેણે સતત તેમનો સાથ આપ્યો.
નીતીશકુમારે વર્ષ 2007માં દલિતોમાં પણ અતિ પછાત જાતિઓ માટે 'મહાદલિત કૅટેગરી' બનાવી હતી. તેમણે આ જાતિઓ માટે સરકારી યોજનાઓ બનાવી. નીતીશ પોતે પણ કુર્મી જાતિમાંથી આવે છે.
હાલમાં, નીતીશકુમાર આરજેડી અને કૉંગ્રેસની સાથે મહાગઠબંધનનો એક ભાગ છે.
નીતીશકુમાર અંગેનાં હંગામા અને અટકળો
મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી આરજેડી અને જેડીયુ વચ્ચે ખેંચતાણના સમાચારો આવી રહ્યા છે.
ડીએમ દિવાકરના મત પ્રમાણે આરજેડી અને જેડીયુ સાથેની ખેંચતાણનાં પોતાનાં કારણો છે.
તેમણે ઉમેર્યું, “જેમ કે બિહારમાં આરજેડીએ દબાણ બનાવવાનું શરૂ કર્યું કે તેજસ્વી યાદવને મુખ્ય મંત્રી બનાવવામાં આવે અને તમે (નીતીશકુમાર) કેન્દ્રની રાજનીતિમાં કરે.”
જેડીયુએ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધનમાં લડી અને 17 સીટો પર પોતાના ઉમેદવારો ઊભા કર્યા હતા. જોકે, દિવાકરના મત પ્રમાણે આ વખતે જેડીયુને કહેવામાં આવ્યું છે કે સમીકરણ અને ગઠબંધન અલગ હોવાને કારણે જેડીયુને 17થી ઓછી સીટો 2024ની ચૂંટણીમાં મળશે.
ઇન્ડિયા મહાગઠબંધનના સહયોગીઓ વચ્ચેની ખેંચતાણને કારણે પણ નીતીશ ખુશ ન હતા. તેમનું એવું માનવું હતું કે બેઠકો પર સંકલનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
હાલમાં જ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાતને એક સંકેત તરીકે જોવાઈ કે વિપક્ષી દળોના ગઠબંધનમાં બધું બરોબર નથી.
વિપક્ષની સામે કસોટી છે કે કેવી રીતે ભાજપને સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતતા રોકવામાં આવે અને બધા જ સર્વેક્ષણ કહે છે વડા પ્રધાન દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા છે.
ડીએમ દિવાકરના મત પ્રમાણે ભાજપને એક ફાયદો એ છે કે જો તેમની ફરી બિહારમાં સત્તામાં આવી જાય તો લોકસભાની ચૂંટણી તેમના શાસનકાળમાં થશે, જેનો પાર્ટીને લાભ મળી શકે છે. આ ઉપરાંત નીતીશકુમારનું સમર્થન ભાજપ માટે એટલા માટે મહત્ત્વનું છે કે બિહારમાં તેમની પાસે કોઈ મોટો ચહેરો નથી.
આ વિશે સુરૂર અહમદે કહ્યું, “ભાજપ પાસે બિહારમાં ન કોઈ મોટો ચહેરો હતો અને ન અત્યારે છે. ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહનો ચહેરો હતો. મધ્ય પ્રદેશમાં ઉમા ભારતી હતાં અને પછી શિવરાજસિંહ ચૌહાણને આગળ કરવામાં આવ્યા. એવો ચહેરો બિહારમાં ભાજપને નથી મળ્યો.”
શું બિહારમાં 'મંદિર લહેર' છે?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા એ દિવસે દેશના કેટલાય ભાગોમાં દીવા પ્રગટાવાયા, હવન તથા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસને એક મહત્ત્વપૂર્ણ દિવસની જેમ ઉજવવામાં આવ્યો.
રાજકીય વિશ્લેષક પવન વર્માના મત પ્રમાણે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ કે દક્ષિણ, દેશનો એક પણ ભાગ એવો નથી જ્યાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની અસર ન હોય.
જોકે પત્રકાર સુરૂર અહમદ પૂછે છે કે જો ભાજપ નીતીશકુમાર સાથે ફરીથી રાજકીય સંબંધ જોડી રહ્યો છે તો શું તેનો મતલબ એ છે કે રામમંદિર કાર્યક્રમની અસર બિહારમાં ભાજપની આશા પ્રમાણે નથી થઈ?
ડીએમ દિવાકાર પણ કહે છે કે શ્રીરામનું મંદિર તો બની ગયું. તેની અસર આગળ પણ થાય તેવું જરૂરી નથી.
તેમણે ઉમેર્યું, “બિહારમાં મંદિરનો મુદ્દો અચાનક કે સ્વતંત્ર રીતે કામ નથી કરતો. આવી સ્થિતિમાં ભાજપ ઇચ્છે છે કે તે મંડળ અને કમંડળને સાથે લઈને ચાલે. ભાજપે બિહારમાં પછાત જાતિનું કાર્ડ પણ અજમાવ્યું છે. રાજકારણમાં ક્યારેય કોઈ માટે દરવાજા બંધ નથી થતા. સંસદીય રાજકારણ તકવાદના વમળમાં અટવાઈ ગઈ છે. હવે કૅડર, ગૌરવ કે કાર્યક્રમથી બધું નક્કી થતું નથી. હવે તાકાત, મસલ પાવર અને નાણાંથી નક્કી થાય છે.”